Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ટ્રમ્પે નેતન્યાહૂને ગાળો કાઢી:જીગરી દોસ્તે ભેરવી દેતા પિત્તો છટક્યો, બે બળિયાના ડખામાં ખાડી દેશોનો ખો, વૈશ્વિક અર્થતંત્ર દાવ પર લાગતાં મોટી ઊથલપાથલનો ખતરો

    12 hours ago

    વોશિંગ્ટનની ઓવલ ઓફિસ... રાતનો સમય અને વાતાવરણમાં એક અજીબ સન્નાટો. અચાનક ફોનની રિંગ રણકે છે. સામે છેડે છે ઇઝરાયલના વડાપ્રધાન. પરસેવે રેબઝેબ અમેરિકન અધિકારીઓની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ કંટ્રોલ ગુમાવે છે અને રાડ પાડી ઉઠે છે: "તું પાગલ થઈ ગયો છે, મારા વિના તું સીધો જેલમાં હોત. હું જ તને બચાવી રહ્યો છું. અત્યારે આખી દુનિયા તને ધિક્કારે છે અને તારા આ એટીટ્યૂડને કારણે આખી દુનિયા ઇઝરાયલને પણ નફરત કરે છે." આ માત્ર બે નેતાઓનો વાતચીત નથી, પણ એક મોટા ષડયંત્રની ગંધ છે. પડદા પાછળ રમાતી આ જીદથી આખી દુનિયાનું અર્થતંત્ર દાવ પર લાગી ગયું છે. પણ ટ્રમ્પે જેના માટે ઈરાન યુદ્ધ છેડી દીધું અચાનક તેના પર આટલા ગુસ્સે કેમ થયા? આજે આપણે મિડલ ઈસ્ટમાં રમાઈ રહેલી આ જ ભયાનક પડદા પાછળની વાત સમજીશું, જેનો ભૂકંપ ત્યાંથી નીકળીને આપણા રસોડા અને ખિસ્સા સુધી પહોંચી ગયો છે. નમસ્કાર... જૂન 2026ના પહેલા અઠવાડિયામાં ઈન્ટરનેશનલ ડિપ્લોમસીના ઇતિહાસમાં એક બહુ ચોંકાવનારી ઘટના બની. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે એક એવો ફોન કોલ થયો, જેણે ડિપ્લોમેટિક એટિક્વેટની બધી જ લિમિટ્સ તોડી નાખી. Axios નામની ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે ફોન પર નેતન્યાહુ પર ભયંકર ગુસ્સો ઠાલવ્યો હતો. ટ્રમ્પે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર નેતન્યાહુને સીધું જ કહી દીધું કે, "તું પાગલ થઈ ગયો છે, મારા વિના તું સીધો જેલમાં હોત. હું જ તને બચાવી રહ્યો છું. અત્યારે આખી દુનિયા તને ધિક્કારે છે અને તારા આ વલણને કારણે આખી દુનિયા ઇઝરાયલને પણ નફરત છે." ટ્રમ્પે તો ગુસ્સામાં રાડી પાડીને ત્યાં સુધી પૂછી લીધું કે, "તું આ બધું શું કરી રહ્યો છે?" આ ઘટના બહુ મોટી છે, કારણ કે: ગુસ્સા પાછળનું અસલી કારણ શું? હવે સવાલ એ થાય કે ટ્રમ્પ આટલા બધા કેમ ભડક્યા? આ કોઈ અચાનક આવેલો ગુસ્સો નહોતો. વાત એમ છે કે ટ્રમ્પ સરકાર ઈરાન સાથે એક બહુ જ મોટો અને ઐતિહાસિક 60 દિવસનો શાંતિ કરાર એટલે કે MoU ફાઈનલ કરવા જઈ રહી છે. ટ્રમ્પ આ કરારને પોતાની વિદેશ નીતિની સૌથી મોટી જીત માને છે. જે તેમને આવનાર અમેરિકન મિડ ટર્મ ઈલેક્શનમાં કથિત રીતે મદદ પણ કરી શકે છે. આ કરારમાં ઘણી મોટી શરતો મૂકવામાં આવી છે આ મંત્રણાને ઝડપી બનાવવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર પણ વોશિંગ્ટન જઈ રહ્યા છે, જે બતાવે છે કે એશિયન દેશો પણ આમાં જોડાયેલા છે. પણ નેતન્યાહુએ ક્યાં ટાંગ અડાવી? અહીંયા જ આખી બાજી બગડી! આ કરારની સૌથી મોટી અને શરત એ છે કે લેબનોનમાં કાયમી યુદ્ધવિરામ થવો જોઈએ, કારણ કે ઈરાન ત્યાંના હિઝબુલ્લાહ સંગઠનનો અસલી ગોડફાધર છે. પણ નેતન્યાહુ અમેરિકાને અંધારામાં રાખીને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન સતત વધારી રહ્યા હતા અને બેરૂત પર ભયાનક બોમ્બમારાની પૂરી તૈયારી કરી ચૂક્યા હતા. ટ્રમ્પ બરાબર જાણતા હતા કે જો બેરૂત સળગશે, તો ઈરાન આ શાંતિ કરારમાંથી તાત્કાલિક પાછું હટી જશે અને અમેરિકન મિડ-ટર્મ ઇલેક્શન પહેલાં ટ્રમ્પની આખી મહેનત પર પાણી ફરી વળશે. લેબનોન સંકટ અને નેતન્યાહુનું વિઘ્ન જ્યારે અમેરિકાને ખબર પડી કે ઇઝરાયલ બેરૂત પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે, ત્યારે ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ટ્રમ્પનું માનવું છે કે હિઝબુલ્લાહના એકાદ કમાન્ડરને મારવા માટે સેંકડો નિર્દોષ લોકોનો ભોગ લેવો એ સાવ ખોટી અને અમાનવીય રીત છે. ટ્રમ્પે ફોન કરીને નેતન્યાહુને સીધા રોક્યા અને પ્રેશર કર્યું. આખરે નેતન્યાહુએ ઝૂકવું પડ્યું અને કહ્યું કે, "ઠીક છે, બસ ધ્યાન રાખજો કે બધું બરાબર સંભાળી લેવાય." ટ્રમ્પે નેતન્યાહુને કેમ કહ્યું કે, ‘મારા વિના તું જેલમાં હોત’ ટ્રમ્પે ફોન કોલમાં જે જેલવાળી વાત કહી, તે ઇઝરાયલની ઈન્ટરનલ પોલિટિક્સનું સૌથી કડવું સત્ય છે. બેન્જામિન નેતન્યાહુ ઇઝરાયલના ઇતિહાસના પહેલા એવા વડાપ્રધાન છે જેમની સામે સત્તા પર હોવા છતાં ભ્રષ્ટાચારના ગંભીર ફોજદારી કેસો ચાલી રહ્યા છે. તેમના પર લાંચ લેવા અને છેતરપિંડી કરવાના મોટા ત્રણ કેસો છે, જેને કાનૂની ભાષામાં કેસ 1 હજાર, 2 અને 4 હજાર તરીકે ઓળખવામાં આવે છે. કેસ 1 હજારમાં તેમના પર હોલીવુડના આર્નોન મિલ્ચન પાસેથી મોંઘી સિગાર અને શેમ્પેન જેવી લાખો ડોલરની ભેટો લેવાનો આરોપ છે, જેના બદલામાં તેમણે વિઝા મેળવવામાં મદદ કરી હતી. જ્યારે કેસ 2 હજાર એ એક મોટો મીડિયા-કરપ્શન કેસ છે. આમાં નેતન્યાહુ પર આરોપ છે કે તેમણે યેદિઓત અહરોનોત નામના જાણીતા અખબારના માલિક સાથે એક સિક્રેટ ડીલ કરી હતી. ચૂંટણીમાં સારું કવરેજ મેળવવા માટે તેમણે હરીફ અખબારને કાયદાકીય રીતે નબળું પાડવાનું વચન આપ્યું હતું. હાલમાં કોર્ટમાં આ કેસની ઉલટતપાસ ચાલી રહી છે, પણ નેતન્યાહુ અને તેમની લીગલ ટીમ નેશનલ સિક્યોરિટી અને મિલિટરી પ્રોગ્રામ્સના બહાના આપીને વારંવાર કોર્ટની સુનાવણી ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હમણા જ તેમના વકીલ નોઆ મિલસ્ટીને મિલિટરી સેરેમનીનું બહાનું કાઢીને સુનાવણી રદ કરવા અરજી કરી હતી. હકીકત એ છે કે જો દેશમાં યુદ્ધની સ્થિતિ ના હોત અને અમેરિકાનો મજબૂત ટેકો ના હોત, તો ઇઝરાયલની જનતા અને કોર્ટ નેતન્યાહુને ક્યારના'ય જેલના સળિયા પાછળ ધકેલી ચૂકી હોત. ટ્રમ્પ આ વાત બરાબર જાણે છે અને એટલે જ તેમણે આ સીધું રાજકીય બ્લેકમેલ કર્યું હતું. ગાઝા જીતવા કરવા માટે ઇઝરાયલની મોટી જીદ નેતન્યાહુની લશ્કરી જીદ માત્ર લેબનોન પૂરતી જ નથી. પોતાની કટ્ટરપંથી લોબીને ખુશ રાખવા માટે તે ગાઝા પટ્ટી પર પોતાનો સકંજો સતત મજબૂત કરી રહ્યા છે. ઓક્ટોબર 2025માં અમેરિકાની મદદથી એક યુદ્ધવિરામ કરાર થયો હતો, જેમાં નકશા પર એક ખાસ સરહદ નક્કી કરાઈ હતી જેને યલો લાઇન કહેવામાં આવે છે. આ લાઇન મુજબ ઇઝરાયલે ગાઝાના આશરે 53 ટકા ભાગ પર જ પોતાનું લશ્કરી કન્ટ્રોલ રાખવાનું હતું. પણ ઇઝરાયલી સેનાએ આ કરારને બાજુ પર મૂકીને કોંક્રીટની દીવાલો હમાસના વિસ્તારોમાં અંદર સુધી ધકેલવાની શરૂઆત કરી દીધી. માર્ચ 2026ના લશ્કરી નકશા બતાવે છે કે ઇઝરાયલે 64 ટકા વિસ્તારને પ્રતિબંધિત ઝોન બનાવી દીધો અને મે 2026ના પૂરું થવાનું હતું ત્યારે તો નેતન્યાહુએ જાહેરમાં કહી દીધું કે તેમનો હવે ગાઝાના 60 ટકા ભાગ પર કબજો છે અને સેનાને આ આંકડો 70 ટકા સુધી લઈ જવા આદેશ આપ્યો છે. વેસ્ટ બેન્કમાં આવેલી ઇન પ્રત લીડરશીપ એકેડમીની એક સભામાં નેતન્યાહુએ હિબ્રુ ભાષામાં બહુ ગર્વથી કહ્યું હતું કે, "અમે હમાસને ચારેય તરફથી દબાવી રહ્યા છીએ. પહેલા અમે 50 ટકા પર હતા, પછી 60 પર ગયા અને હવે મારો આદેશ 70 ટકા સુધી પહોંચવાનો છે. બાકી બચેલા લોકો સાથે આપણે પછીથી કામ પાર પાડીશું." માનવાધિકાર સંસ્થાઓ આને એથનિક ક્લિન્સિંગ એટલે કે વસ્તીનો સફાયો અને લોકોને કાયમી ધોરણે પોતાના ઘરબારમાંથી ખદેડી મૂકવાની એક ખતરનાક યોજના ગણાવી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે તો આને પેલાસ્ટિનિયનોનું સ્વૈચ્છિક સ્થળાંતર કહીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આનાથી ગાઝામાં સ્થિતિ બહુ દયાજનક બની ગઈ છે અને યુદ્ધવિરામ હોવા છતાં લાઇન નજીક આવતા લોકો પર ગોળીબાર થાય છે, જેમાં 900થી વધુ પેલેસ્ટિનિયનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ જીદના લીધે બંધકોને છોડાવવાની વાટાઘાટો પણ સાવ અટકી ગઈ છે. નેતન્યાહુના કારણે ફાટ્યો અરબોના ગુસ્સાનો જ્વાળામુખી સપ્ટેમ્બર 2020માં એબ્રાહમ એકોર્ડનો ઐતિહાસિક કરાર થયો વોશિંગ્ટનમાં ટ્રમ્પની હાજરીમાં હસ્તાક્ષર કરાયા હતા. વ્યાપાર અને ગ્રીન ટેકનોલોજી વધારવાની અપેક્ષા હતી. ગાઝાના વિનાશથી આ સંબંધો પૂરા થઈ ગયા. આરબ દેશોના શાસકો હવે ભારે દબાણમાં છે. વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પના જ અગાઉના શાસનકાળ દરમિયાન ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે શાંતિ લાવવા માટે અબ્રાહમ એકોર્ડ્સ કરવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 15, 2020ના રોજ વોશિંગ્ટનમાં યુએઈના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન ઝાયેદ, બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલલતીફ અલ ઝાયાની, નેતન્યાહુ અને ટ્રમ્પની હાજરીમાં આ ઐતિહાસિક કરાર પર સહીઓ થઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે આનાથી પશ્ચિમ એશિયામાં વ્યાપાર, ગ્રીન ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો બહુ મોટો વિકાસ થશે. પણ ગાઝામાં થયેલા અમાનવીય વિનાશને લીધે આ આખા કરારના લીરેલીરા ઊડી ગયા છે. આરબ દેશો જે પહેલા હમાસની કટ્ટરપંથી વિચારધારાની વિરુદ્ધ હતા, તેઓ પણ હવે નેતન્યાહુના ક્યારેય ન પૂરા થતા યુદ્ધ અને અત્યાચારોથી કંટાળી ગયા છે. સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન અને કતાર જેવા દેશોમાં રાજાશાહી ચાલે છે અને તેમને સૌથી મોટો ડર પોતાના જ નાગરિકોના ગુસ્સાનો છે. આરબ જગતની જનતા ગાઝા અને લેબનોનની સ્થિતિ જોઈને ભયંકર રોષમાં છે. જો આ શાસકો અત્યારે ઇઝરાયલ સાથે કોઈ પણ સંબંધ રાખે, તો તેમના પોતાના જ દેશોમાં આરબ સ્પ્રિંગ જેવો મોટો આંતરિક બળવો ફાટી નીકળે તેમ છે. આ જ કારણે 21 જેટલા મુસ્લિમ દેશોએ એકસાથે મળીને ઇઝરાયલના હુમલાની આકરી નિંદા કરી છે. ઈરાન અને પાકિસ્તાન સિવાય તુર્કી પણ ઇઝરાયલ સામે બહુ આક્રમક નિવેદનો આપી રહ્યું છે. સપ્ટેમ્બર 15ના રોજ કતારના દોહામાં મુસ્લિમ દેશોની એક ઇમરજન્સી બેઠક મળી હતી, જેમાં ભવિષ્યમાં આર્થિક પ્રતિબંધો લગાવવાના બીજ રોપાઈ ગયા છે. આના કારણે ઘણા મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ બંધ પડ્યા છે, જેમ કે ભારત, ઇઝરાયલ, યુએઈ અને અમેરિકાનું I2U2 સંગઠન સાવ ઠપ થઈ ગયું છે. ભારતથી દુબઈ અને સાઉદી થઈને યુરોપ જતો આર્થિક કોરિડોર IMEC પણ માટે અટકી ગયો છે. સાઉદી અરેબિયાએ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય કરવાની વાતચીત કાયમી ધોરણે બંધ કરી દીધી છે. ટ્રમ્પની લેવડ-દેવડવાળી વિદેશ નીતિ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ફોન પર ગાળો બોલવી, સાથી દેશના નેતાને પાગલ કહેવા કે અડધેથી ફોન કાપી નાખવો કોઈ નવી વાત નથી. તેમની વિદેશ નીતિ દોસ્તી કે લોકશાહીના આદર્શો પર નથી ચાલતી. તે પૂરી રીતે બિઝનેસમેન જેવી નફા-ખોટના ગણતરી પર ચાલે છે, જેને ટ્રાન્ઝેક્શનલ ડિપ્લોમસી કહેવાય છે. જો અમેરિકા અને ખાસ કરીને ટ્રમ્પને ફાયદો થતો હોય તો તેઓ ગમે તેની સાથે હાથ મિલાવી શકે અને જો નુકસાન થતું હોય તો વર્ષો જૂના મિત્ર દેશને પણ કચરાપેટીમાં નાખી દે. એક ઉદાહરણથી સમજીએ. 2017માં સત્તા સંભાળ્યા પછી ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન માલ્કમ ટર્નબુલ સાથેના તેમના પહેલા જ ફોન કોલમાં વિવાદ થયો હતો. શરણાર્થીઓના કરાર મુદ્દે ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે એક કલાકની વાતચીત માત્ર 25 મિનિટમાં જ કાપી નાખી હતી અને મોઢામોઢ કહી દીધું હતું કે, "આજની આ વાતચીત સૌથી ખરાબ કોલ છે." આ સિવાય જર્મનીના એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન સાથે પણ તેમના સંબંધો હંમેશા તંગ જ રહ્યા હતા. ટ્રમ્પની માનસિકતા સીધી છે કે, "કાં તો મારી વાત માનો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો." અત્યારે ટ્રમ્પને ઈરાન સાથે શાંતિ કરાર કરીને પોતાની જાતને પીસમેકર તરીકે ઇતિહાસમાં અમર કરવી છે અને ચૂંટણીમાં ફાયદો લેવો છે. આ મોટી રમતમાં નેતન્યાહુની પ્રાદેશિક જીદ ટ્રમ્પ માટે સહન કરવી અશક્ય બની ગઈ છે. હોર્મુઝ સમુદ્ર રૂટઃ દુનિયાની મોંઘવારીનું બટન આ આખા વિવાદની સૌથી મોટી અને ભયાનક અસર દુનિયાના અર્થતંત્ર પર પડવાની છે. ઈરાન પાસે કોઈ અત્યાધુનિક હથિયારો ભલે ન હોય, પણ કુદરતે તેને એક એવો ભૌગોલિક ફાયદો આપ્યો છે જે આખી દુનિયાને ઘૂંટણિયે લાવી શકે છે અને તે છે હોર્મુઝનું જલડમરું. આ દરિયાઈ રસ્તો એટલો સાંકડો છે કે તેનો શિપિંગ માર્ગ ખાલી 3 કિલોમીટર જ પહોળો છે અને તેના ઉત્તરીય કિનારા પર ઈરાનની સેનાનો કન્ટ્રોલ છે. દુનિયાના કુલ દરિયાઈ ઓઈલ વ્યાપારનું 20થી 22 ટકા અને LNGનો 20 ટકા હિસ્સો અહીંથી નીકળે છે. પર્શિયન ગલ્ફ દુનિયાનું સૌથી મોટું ખાતરનું કેન્દ્ર પણ અહીં જ છે. ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ દેશો આ માર્ગ પર સૌથી વધુ નિર્ભર છે. જો અમેરિકા-ઈરાન ડીલ તૂટી જાય અને ઈરાન આ રસ્તો બંધ કરી દે અથવા જહાજો પર ટોલ ટેક્સ લગાવી દે, તો ગ્લોબલ સપ્લાય ચેઈન સાવ પડી ભાંગશે. ઈરાને તો ઓમાન સાથે મળીને ફી વસૂલવાની ધમકી પણ આપી છે, જેના જવાબમાં ટ્રમ્પે ઓમાનને ઉડાવી દેવાની અને આકરા આર્થિક પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી છે. એક્સપર્ટ્સ માને છે કે જો હોર્મુઝ બંધ થાય તો ક્રૂડ ઓઈલના ભાવ રાતોરાત 120-130 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી જશે, જે રશિયા-યુક્રેન યુદ્ધ વખતના ભાવ કરતા પણ ઊંચા હશે અને દુનિયામાં ભયંકર આર્થિક મંદી આવશે. લાલ સમુદ્રમાં હૂથીઓનો આતંક અને વધતો શિપિંગ ખર્ચો હોર્મુઝ સિવાય મિડલ ઈસ્ટનો બીજો સૌથી સેન્સેટિવ અને હાલમાંમાં સૌથી વધુ અશાંત ચોક-પોઇન્ટ છે બાબ અલ-મંડેબ સ્ટ્રેટ. અરબી પેનેન્સ્યુલા અને આફ્રિકાના હોર્ન વચ્ચે આવેલો આ રસ્તો માત્ર 32 કિલોમીટર જેટલો સાંકડો છે, જે લાલ સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનને જોડે છે. સામાન્ય સંજોગોમાં દુનિયાનો 30 ટકા કન્ટેનર વ્યાપાર અહીંથી જ થાય છે. પણ નવેમ્બર 2023થી શરૂ થયેલા રેડ સી ક્રાઈસિસે આખા સમીકરણો બદલી નાખ્યા છે. યમનના હૂથી વિદ્રોહીઓ, જેમને ઈરાનનું સંપૂર્ણ આર્થિક અને અત્યાધુનિક ડ્રોન-મિસાઈલનું પીઠબળ છે, તેઓ સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. આના કારણે અહીંનો ટ્રાફિક 75 ટકા ઘટી ગયો છે. જ્યારે નેતન્યાહુએ લેબનોન પર હુમલા તેજ કર્યા, ત્યારે ઈરાને પોતાની તસ્નીમ ન્યૂઝ એજન્સી મારફતે સ્પષ્ટ ધમકી આપી કે તેઓ માત્ર હોર્મુઝ જ નહીં, પણ બાબ અલ-મંડેબનો મોરચો પણ સક્રિય કરશે. સાઉદી અરેબિયાએ ભવિષ્યના આવા ખતરાને પહોંચી વળવા અબજો ડોલર ખર્ચીને યાનબુ બાયપાસ પાઇપલાઇન બનાવી હતી, પણ તે હવે નિષ્ફળ સાબિત થઈ રહી છે. સાઉદીનું અર્થતંત્ર ટકાવવા માટે ક્રૂડનો ભાવ 108 થી 111 ડોલર હોવો જરૂરી છે, જો નિકાસ અટકે તો સાઉદી ભારે આર્થિક સંકટમાં મુકાઈ જશે. આ રસ્તો કાંટાળો બનતા દુનિયાની ટોચની શિપિંગ કંપનીઓએ સુએઝ નહેરનો ટૂંકો માર્ગ છોડીને આફ્રિકા ખંડ ફરતે કેપ ઓફ ગુડ હોપનો સાડા છ હજાર કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. આની સીધી અસર શિપિંગ ભાડા પર પડી છે. એશિયાથી યુરોપ જતા માર્ગમાં ખર્ચમાં 30 થી 45 ટકા અને ભારતથી યુરોપ જતા માર્ગમાં 20 થી 35 ટકાનો તોતિંગ વધારો પહેલેથી જ નોંધાઈ ચૂક્યો છે. મિડલ ઈસ્ટની ઉથલપાથલથી આપણાં ખિસ્સાંને તકલીફ જ્યારે મધ્ય પૂર્વમાં આગ લાગે છે, ત્યારે તેના આર્થિક ધુમાડાની સૌથી ઘાતક અસર આપણા ભારત જેવા વિકાસશીલ દેશ પર પડે છે. ભારતની ઉર્જા સુરક્ષા સાવ જોખમમાં છે. આપણે આપણી જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ બહારથી મંગાવીએ છીએ. ગયા વર્ષના જ આંકડા જોઈએ તો, ભારતે 70 બિલિયન ડોલર માત્ર પેટ્રોલિયમ આયાત પાછળ ખર્ચ્યા છે. આ સિવાય આપણે 50 ટકા LNG ગેસ, ખેતી માટે જરૂરી 64 ટકા યુરિયા અને 30 ટકા DAP ખાતર પણ ત્યાંથી જ આયાત કરીએ છીએ. જો આ બંને જળમાર્ગ બ્લોક થાય, તો ભારત માટે ભયંકર સપ્લાય શોક ઊભો થશે. જો યુદ્ધની પ્રોબ્લમ વધુ વધે અને ક્રૂડ 130 ડોલરને પાર જાય, તો સામાન્ય માણસની કમર તૂટી જશે આની અમદાવાદ, સુરત અને મોરબીના વેપારીઓના ઘરના બજેટ પર કેવી પડશે સીધી અસર? આંતરરાષ્ટ્રીય રાજનીતિની આ રમત ગુજરાતના ઈન્ડસ્ટ્રિયલ શહેરોને બરબાદ કરી શકે તેમ છે. બાબ અલ-મંડેબ બંધ થવાથી અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને બહુ મોટું નુકસાન વેઠવું પડી શકે છે. યુરોપ અને અમેરિકા મોકલાતા કાપડ અને કેમિકલ્સના કન્ટેનર ભાડા ત્રણ ગણા થઈ ગયા છે. મોંઘા શિપિંગના કારણે વિદેશી ખરીદદારો ઓર્ડર કેન્સલ કરી શકે છે, જેથી સ્થાનિક ફેક્ટરીઓમાં પ્રોડક્શન કાપ અને બેરોજગારી વધશે. બીજી બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત પણ કફોડી બનશે. ટાઇલ્સ બનાવવા માટે વપરાતો LNG ગેસ મોંઘો થશે, તો ઉત્પાદન ખર્ચ એટલો વધી જશે કે મોરબી આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન સામે હરીફાઈમાં ટકી નહીં શકે. ટૂંકમાં આ ફોન કોલ માત્ર રાજકીય સમાચાર નથી, પણ આપણા ઘરનું બજેટ ખોરવી નાખવા માટે પૂરતો છે. મધ્ય પૂર્વમાં શાંતિ નહીં તો દુનિયામાં પાયમાલી આખી દુનિયાના નકશા પર જ્યારે વ્યક્તિગત નેતાઓ પોતાના કાનૂની સંકટો અને અહંકાર સંતોષવા માટે ટકરાવ કરે છે, ત્યારે તેનો અંતિમ ભોગ હંમેશા નિર્દોષ નાગરિકો બને છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની રાજકીય છબી સુધારવા શાંતિદૂત બનવા માંગે છે અને ઈરાન સાથે કરાર કરવા ઉતાવળા છે. જ્યારે સામે છેડે, બેન્જામિન નેતન્યાહુ પોતાના પર ચાલતા લાંચના ફોજદારી કેસો અને સંભવિત જેલવાસથી બચવા દેશમાં કાયમી યુદ્ધની પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે. આ બે નેતાઓની ખેંચતાણમાં આખી દુનિયાના બે સૌથી સંવેદનશીલ જળમાર્ગો જોખમમાં મુકાયા છે. ભારત સરકારે ભવિષ્ય માટે અત્યારથી જ રિન્યુએબલ એનર્જી, રશિયા કે આફ્રિકાના અન્ય વિકલ્પો અને ભારતીય નૌકાદળ દ્વારા પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા પર કામ કરવું પડશે. જ્યાં સુધી મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-અમેરિકા વચ્ચે કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી હોર્મુઝના મોજા સામાન્ય માણસના ખિસ્સાને ડગમગાવતા રહેશે. અને છેલ્લે… અમેરિકાથી મોટા સમાચાર આવ્યા છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે ઈરાન સામે યુદ્ધ રોકવાનો એક મોટો પ્રસ્તાવ મંજૂર કરાવી દીધો છે. આ બહુ મોટા સમાચાર છે જેનો સૈદ્ધાંતિક અને પ્રતીકાત્મક મતલબ એ થાય કે ટ્રમ્પે હવે ઇરાન મામલે અટકી જવું જોઇએ. જોકે વીટો વાપરવાની આખરી સત્તા ટ્રમ્પ પાસે જ છે. આવતીકાલની જીઓપોલિટિક્સમાં મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે તેમ છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Modi on why he quit cricket administration: ‘Dawood Ibrahim took 3 hits at me’
    Next Article
    જામનગરમાં 200 વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન:SOG અને ટ્રાફિક પોલીસ દ્વારા સોમૈયા ક્લાસિસ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment