Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: 70 મિનિટમાં 21 બ્લાસ્ટ, 56ના મોત, 36ને ફાંસી:18 વર્ષની લડાઈ છતાં બચવાના 3 રસ્તા, 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ દુનિયાભરમાં સ્ટડી બન્યો, પીડિતોને ન્યાય મળ્યો?

    7 hours ago

    26 જુલાઈ, 2008ની એ સોમવારની સાંજ. અમદાવાદના રસ્તાઓ પર રોજિંદી ચહલપહલ હતી અને બજારોમાં ભીડ જામી રહી હતી. કોઈને અંદાજ નહોતો કે આગામી 70 મિનિટ ગુજરાતના ઈતિહાસનો સૌથી કાળો અધ્યાય લખવાની છે. બરાબર સાંજે પોણા સાત વાગ્યે પહેલો ધડાકો થયો, અને 8 વાગ્યા સુધીમાં તો શહેરના 20 વિસ્તારો 21 જોરદાર સિરિયલ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યા. અમદાવાદના મણિનગર, રાયપુર, સારંગપુર અને સિવિલ હોસ્પિટલના વિસ્તારોને તહેશનહેશ કરી નાખ્યા. લોહીલુહાણ રસ્તાઓ, એમ્બ્યુલન્સની સાયરનો અને સિવિલ હોસ્પિટલની બહાર વિખેરાયેલા મૃતદેહો વચ્ચે 56 નિર્દોષ જીવોએ શ્વાસ છોડ્યા જ્યારે બસોથી વધુ લોકો ઘાયલ થયા. આજે 18 વર્ષ બાદ, જ્યારે હાઇકોર્ટે 38 આતંકીઓની ફાંસી પર મહોર મારી છે, ત્યારે સવાલ એ છે કે: શું આપણી લોકશાહીમાં ન્યાય આટલો ધીમો અને સિસ્ટમ માટે આટલો મોંઘો હોવો જોઈએ? અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આ ભયાવહ ષડયંત્રથી લઈને ગ્લોબલ ન્યાય પ્રણાલીની સિસ્ટમને ડીકોડ કરીએ. નમસ્કાર... 26 જુલાઈ, 2008. સોમવારની એ ગોઝારી સાંજ કોઈ અમદાવાદી ભૂલી શકે તેમ નથી. માત્ર 70 જ મિનિટની અંદર શહેરના 20 અલગ-અલગ વિસ્તારોમાં 21 પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને 200થી વધુ લોકો જીવનભર માટે અપંગ કે ઈજાગ્રસ્ત થઈ ગયા. 18 વર્ષ લાંબી અને થકવી દેનારી કાનૂની લડાઈ બાદ હવે હાઈકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો છે. 38 આતંકીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા પર મહોર મારી છે. આ ચુકાદો કાગળ પર તો લોકશાહીનો મોટો વિજય છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. આતંકીઓ જીવે છે, પણ કિંમત તમે ચૂકવો છો! હવે તમે કહેશો કે "મારે શું? હાઈકોર્ટ ફાંસી આપે કે ઉંમરકેદ, મારા જીવનમાં શું ફરક પડશે?" ફરક પડશે. જરા એક સામાન્ય માણસની નજરે જુઓ. સુરતનો કોઈ નાનો વેપારી હોય કે સૌરાષ્ટ્રનો કોઈ ખેડૂત, તે દિવસ-રાત મહેનત કરીને સરકારને જે ટેક્સ ચૂકવે છે. એ જ પૈસાથી આ ખુંખાર આતંકીઓને સાબરમતી જેવી સેન્ટ્રલ જેલમાં હાઈ-સિક્યોરિટી બેરેકમાં સાચવવામાં આવી રહ્યા છે. છેલ્લા 18 વર્ષથી આ 49 આતંકીઓના જમવાનો, તેમની બીમારીઓના ઈલાજનો અને તેમને કોર્ટમાં લાવવા-લઈ જવાની કડક સુરક્ષાનો ખર્ચ થાય છે. આ કરોડો રૂપિયાનો જંગી ખર્ચ સીધો તમારા ખિસ્સામાંથી જઈ રહ્યો છે. ન્યાયતંત્રની આ ગોકળગાય ગતિ માત્ર ન્યાયમાં વિલંબ નથી કરતી, પણ દેશના અર્થતંત્ર પર મોટો બોજો પણ નાખે છે. જો આ જ કેસ ફાસ્ટ-ટ્રેક સિસ્ટમથી પૂરો થયો હોત, તો એ બચેલા કરોડો રૂપિયા તમારા વિસ્તારની હોસ્પિટલ કે સ્કૂલ પાછળ વાપરી શકાયા હોત. હોસ્પિટલને ટાર્ગેટ: માનવતાની તમામ હદો પાર આ કેસને રેર ઓફ ધ રેરેસ્ટ કેમ ગણવામાં આવ્યો? કારણ કે આતંકીઓએ ડબલ ટેપ પદ્ધતિ વાપરી હતી. પહેલા તેમણે બજારમાં સાયકલ અને ટિફિનમાં બ્લાસ્ટ કર્યા. જ્યારે લોહીલુહાણ લોકોને બચાવવા માટે એમ્બ્યુલન્સ સિવિલ અને એલ.જી. હોસ્પિટલ પહોંચી, ત્યારે ત્યાં પહેલેથી મોતના સાધનો ગોઠવાયેલા હતા. બરાબર એ જ સમયે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાર્ક કરેલી કારમાં બીજો પ્રચંડ બ્લાસ્ટ કરાયો. યુદ્ધના મેદાનમાં પણ હોસ્પિટલ અને ડોક્ટરો પર હુમલો કરવો એ ઇન્ટરનેશનલ કાયદા મુજબ મોટો ગુનો છે. પણ આ નરાધમોએ તો માનવતાની તમામ હદો વટાવીને બચાવવા આવનારાઓના જ જીવ લીધા. ભરૂચથી મળેલી એક કડીએ આખી તપાસની દિશા બદલી નાખી... વાત હોસ્પિટલની જ થઈ રહી છે તો એક ચોંકાવનારી વાત પણ જાણી લો. હોસ્પિટલમાં થયેલો બ્લાસ્ટ કારમાં મૂકાયેલા ગેસ સિલિન્ડરથી કરવામાં આવ્યો હતો. પણ સૌથી મોટો સવાલ હતો કે, આ કાર આવી ક્યાંથી? પોલીસ દિવસ-રાત એક કરીને આ કારનો પત્તો શોધી રહી હતી, છતાં કોઈ મજબૂત કડી હાથ લાગતી નહોતી. ત્યારે જ તપાસમાં એક એવો વળાંક આવ્યો, જેણે આખા ષડયંત્રનો પર્દાફાશ કરવાની દિશા બદલી નાખી. ઘટનાના થોડા દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અભય ચુડાસમાને ભરૂચથી એક ફોન આવ્યો. ફોન કરનાર હતા કોન્સ્ટેબલ યાકુબ અલી. તેમણે કહ્યું, "સર, ટીવી અને અખબારમાં બ્લાસ્ટમાં વપરાયેલી કારનો ફોટો જોયો. મને લાગે છે કે આ બંને કાર મેં ભરૂચમાં જોઈ છે." યાકુબ અલીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે ભરૂચમાં રહેતા ગુલામભાઈના ઘર પાસે તેમને આ બંને કાર પાર્ક થયેલી દેખાઈ હતી. વાત ગંભીર લાગી એટલે તેઓ તરત જ એક જૂનું અખબાર લઈને ગુલામભાઈના ઘરે પહોંચ્યા. તેમણે અખબારમાં છપાયેલો કારનો ફોટો બતાવીને સીધો સવાલ કર્યો, "આ ગાડી ઓળખો છો?" ફોટો જોતા જ ગુલામભાઈ પણ ચોંકી ગયા. તેમણે તરત જવાબ આપ્યો કે, "હા... આ તો એ જ કાર છે. બે-ત્રણ દિવસ માટે મારા ઘરે ભાડે રહેવા આવેલા લોકો આ કાર લઈને આવ્યા હતા." કદાચ યાકુબ અલીને પણ એ સમયે અંદાજ નહોતો કે તેમની આ એક માહિતી તપાસમાં કેટલી મોટી સાબિત થવાની છે. પણ આ જ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચને પહેલી વખત એવી લીડ મળી, જેણે આખા આતંકી નેટવર્ક સુધી પહોંચવાનો રસ્તો ખોલી દીધો. બીજી બાજુ તપાસનું એક મહત્વનું મોરચું ટેક્નોલોજી પર પણ ચાલી રહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના વડા આશિષ ભાટિયાના નિર્દેશ પર મહેસાણાથી અમદાવાદ બોલાવવામાં આવેલા કોન્સ્ટેબલ દિલીપ ઠાકોરને મોબાઇલ કોલ ડેટાનું એનાલિસિસ કરવાની જવાબદારી સોંપવામાં આવી. લાખો ફોન કોલ રેકોર્ડ્સમાંથી શંકાસ્પદ નંબર શોધવાનું કામ સરળ નહોતું. છતાં દિલીપ ઠાકોરે ધીરજ અને ટેકનિકલ કુશળતાથી કેટલાક મહત્વના મોબાઇલ નંબર અલગ તારવી કાઢ્યા. આ શંકાસ્પદ કોલ્સની કડીઓ જોડતાં-જોડતાં પોલીસ આખરે કેસના મુખ્ય આરોપીઓ સુધી પહોંચી ગઈ. એક તરફ ભરૂચમાંથી મળેલી કારની લીડ... અને બીજી તરફ લાખો મોબાઇલ કોલ્સમાંથી મળેલી ડિજિટલ કડીઓ... આ બંનેએ મળીને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસને નિર્ણાયક મુકામ સુધી પહોંચાડી દીધી. ગુજરાત નહીં, આખા દેશમાં પથરાયેલું હતું ષડયંત્ર આ કોઈ એકલદોકલ ગુનેગારોનું કામ નહોતું. આ 49 દોષિતો માત્ર ગુજરાતના જ નથી. ઉત્તરપ્રદેશથી લઈને કેરળ અને મહારાષ્ટ્રથી લઈને કર્ણાટક સુધીના 11 અલગ-અલગ રાજ્યોમાંથી આ આતંકીઓ આવ્યા હતા. ઇન્ડિયન મુજાહિદ્દીન નામના સંગઠને કેવી રીતે સ્થાનિક યુવાનોના મગજમાં ઝેર ભરીને તેમને બોમ્બ બનાવતા શીખવ્યું, તે ચાર્જશીટમાંથી ચોખ્ખું દેખાય છે. એન્જિનિયર્સ અને આઈટી એક્સપર્ટ્સ આ ષડયંત્રમાં સામેલ હતા. આપણા દેશની સુરક્ષા માટે આ એક મોટો ખતરો છે કે ભણેલા-ગણેલા યુવાનો આવા રવાડે ચડી જાય છે. પણ સાથે જ એક સબક પણ છે આપણી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ માટે. આ મોડ્યુલ પકડાયા પછી દેશે સાયબર સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ શેરિંગમાં મોટો સુધારો કર્યો છે. આજે આપણે એવા મજબૂત તબક્કે છીએ કે કોઈપણ રાજ્યની પોલીસ બીજી એજન્સી સાથે ગણતરીની મિનિટોમાં ડેટા શેર કરી શકે છે. આ ષડયંત્રના મૂળિયાં કેટલા ઊંડા હતા અને તેને પકડવામાં ગુજરાત પોલીસે કેવી રીતે દિવસ-રાત એક કર્યા, તે સમજવું પણ એટલું જ જરૂરી છે. વિચારો, વર્ષ 2008માં તમારી પાસે કયો મોબાઈલ હતો? કદાચ સાદો કીપેડ વાળો ફોન! એ સમયે આજના જેવા કોઈ સ્માર્ટફોન નહોતા. રસ્તાઓ પર હજારો સીસીટીવી કેમેરા નહોતા કે ચહેરો ઓળખી કાઢે તેવું કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ નહોતું. તો પછી ગુજરાત પોલીસે માત્ર 19 દિવસમાં દેશભરમાં ફેલાયેલા આતંકીઓનું આખું નેટવર્ક કેવી રીતે પકડી પાડ્યું? આ સવાલનો જવાબ આતંકીઓની જ એક નાનકડી ભૂલમાં છુપાયેલો છે. જો એ ભૂલ ન થઈ હોત, તો કદાચ આજે ચિત્ર કંઈક અલગ જ હોત! ચાલો સમજીએ કેવી રીતે એક સંકટમાંથી બચીને પોલીસે તેને તકમાં ફેરવી નાખી. સ્માર્ટફોન વિના કેવી રીતે ઉકેલાયો આટલો મોટો કેસ? અમદાવાદમાં બ્લાસ્ટ થયાના બીજા જ દિવસે સુરતમાંથી 20 જેટલા જીવતા બોમ્બ મળી આવ્યા. આ આતંકીઓની સૌથી મોટી હાર અને પોલીસ માટે સૌથી મોટી તક હતી. બોમ્બની સર્કિટમાં થયેલી એક નાનકડી ટેકનિકલ ભૂલને કારણે સુરતમાં ધડાકા ન થયા. પણ આ ન ફૂટેલા બોમ્બ પોલીસ માટે ખજાનાનો નકશ બની ગયા. આ બોમ્બમાં વપરાયેલા લાકડાના ખોખા, લોખંડના છરા અને ગેસના સિલિન્ડરો જોઈને પોલીસે તપાસ શરૂ કરી. દેશના 7 અલગ-અલગ રાજ્યોની પોલીસ અને ઇન્ટેલિજન્સ બ્યુરો કામે લાગી. 4 ઓગસ્ટ 2008ના રોજ એ દુકાન મળી ગઈ જ્યાંથી આ સામાન ખરીદાયો હતો. અહીં સામાન્ય માણસનો એંગલ સમજવા જેવો છે. વિચારો, સામાન વેચનાર એ સામાન્ય વેપારીને ક્યાં ખબર હતી કે તેનું લાકડાનું ખોખું આતંકવાદમાં વપરાશે? બસ, આ જ કારણ છે કે આજે આપણે ત્યાં કોઈ પણ નવો સામાન, સિમકાર્ડ કે વાહન લેતી વખતે કડક KYC માટે આધાર કાર્ડ/પાન કાર્ડ વગેરે માંગવામાં આવે છે. આ નિયમો તમને હેરાન કરવા નથી, પણ કાલે સવારે કોઈ અજાણ્યા ગુનામાં તમે ન ફસાઈ જાઓ તે માટેની ઢાલ છે. વાઈફાઈથી આતંકીઓએ પોલીસને ગોથે ચડાવી હતી આ તપાસનો સૌથી ચોંકાવનારો વળાંક સાયબર ક્રાઈમનો હતો. બ્લાસ્ટ પછી ઇન્ડિયન મુજાહિદ્દીન તરફથી મીડિયાને એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો. પોલીસે IP એડ્રેસ ટ્રેક કર્યું તો લોકેશન મુંબઈમાં રહેતા એક અમેરિકન નાગરિક કેનેથ હેવુડનું નીકળ્યું. પોલીસ પહોંચી ગઈ, પણ ખબર પડી કે તે માણસ સાવ નિર્દોષ હતો! થયું એવું હતું કે, કેનેથ હેવુડના ઘરનું Wi-Fi પાસવર્ડ વિનાનું, એટલે કે ઓપન ફોર ઓલ હતું. આતંકીઓએ તેના ફ્લેટ નીચે ઉભા રહીને મફતના વાઈ-ફાઈથી ઈમેલ મોકલી દીધો હતો. આમાંથી આપણે શું શીખવાનું છે? ઘર કે ઓફિસનું વાઈ-ફાઈ ક્યારેય ઓપન ન રાખો. કોલેજના વિદ્યાર્થીઓ મફત ઈન્ટરનેટની લાલચમાં ન ફસાય. ડિજિટલ સુરક્ષા એ જ તમારી સાચી સુરક્ષા છે. ધીમો ન્યાય સારો કે સરમુખત્યારશાહીની ક્રૂરતા? 19 દિવસમાં આરોપીઓ પકડાયા, પણ તેમને સજા મળતા 13થી 18 વર્ષ કોર્ટમાં નીકળી ગયા! ઘણા લોકોને ગુસ્સો આવે કે સાઉદી અરેબિયા કે ઉત્તર કોરિયાની જેમ આ લોકોને જાહેરમાં ગોળીએ કેમ ન દઈ દીધા? પણ, સરમુખત્યારશાહીમાં તાત્કાલિક ન્યાય મળે છે, પણ સાચો ન્યાય મળે તેની કોઈ ગેરંટી નથી હોતી. ત્યાં બદલો લેવાય છે, જેમાં નિર્દોષનો જીવ જવાનું જોખમ સૌથી વધુ હોય છે. આપણી લોકશાહી કદાચ ધીમી છે, પણ કાયદાથી ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ કેસમાં 78 લોકો પકડાયા હતા, જેમાંથી 28 લોકોને કોર્ટે પુરાવાના અભાવે માન સાથે નિર્દોષ છોડી દીધા! બ્લેકસ્ટોનનો પ્રખ્યાત કાનૂની સિદ્ધાંત કહે છે કે, "10 ગુનેગારો છૂટી જાય તો ચાલશે, પણ કોઈ એક નિર્દોષને સજા ન થવી જોઈએ." આ જ ધીમી પ્રક્રિયા સામાન્ય નાગરિકની સૌથી મોટી તાકાત છે. કાલે ઉઠીને જો કોઈ ખોટા કેસમાં તમારું નામ આવી જાય, તો આ જ ન્યાયતંત્ર તમને બચાવવાની અને સાચું સાબિત કરવાની પૂરી તક આપશે. હવે આપણે આ વિષયને એક લેવલ ઉપર લઈ જઈએ. શું તમને ખબર છે કે દુનિયાના કેટલાક દેશોમાં આજે પણ જાહેરમાં માથું વાઢી નાખવાની કે ગોળીએ દેવાની સજા અપાય છે? અને સૌથી મોટો સવાલ એ છે કે, હાઈકોર્ટના ચુકાદા પછી પણ આ 38 આતંકીઓ જો રાષ્ટ્રપતિના શરણે જાય, તો આપણો જ કાયદો તેમને ફાંસીના માંચડેથી કેવી રીતે બચાવી શકે તેમ છે? આ સવાલ સાંભળીને કદાચ તમને ઝટકો લાગશે, પણ આ જ આપણી સિસ્ટમની કડવી વાસ્તવિકતા છે. ચાલો, આંતરરાષ્ટ્રીય ડેટા અને આપણા કાયદાના આ સૌથી મોટા લૂપહોલને સમજીએ. ફાંસીની સજા: દુનિયા શું કરી રહી છે? એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો તાજેતરનો રિપોર્ટ જરા ધ્યાનથી જુઓ. આજે પણ ઈરાન, સાઉદી અરેબિયા અને ચીન જેવા દેશો ફાંસી આપવામાં સૌથી આગળ છે. 2025માં જ આખી દુનિયામાં ફાંસી આપવાના પ્રમાણમાં 78%નો જોરદાર ઉછાળો આવ્યો છે. ત્યાં કોઈ લાંબી કોર્ટ ટ્રાયલ નથી હોતી, સીધો જ અંતિમ ફેંસલો થઈ જાય છે. બીજી બાજુ, યુરોપના 100થી વધુ દેશોએ ફાંસીની સજા જ કાયમી ધોરણે નાબૂદ કરી દીધી છે. ત્યાં સર્વોચ્ચ દંડ તરીકે પેરોલ વિનાની ઉંમરકેદ અપાય છે. એટલે કે, ગુનેગાર મરે ત્યાં સુધી ક્યારેય જેલમાંથી બહાર જ ન આવી શકે. હવે આમાં આપણો દેશ ભારત ક્યાં ઊભો છે? આપણે ત્યાં ફાંસી બહુ જ સાવચેતીપૂર્વક અને માત્ર અત્યંત ક્રૂર ગુનાઓમાં જ અપાય છે. એટલે જ, આઝાદ ભારતના ઈતિહાસમાં એકસાથે 38 આતંકીઓને ફાંસીની સજા કન્ફર્મ થવી એ આખી દુનિયા માટે એક બહુ મોટો કેસ સ્ટડી બની ગયો છે. ક્યાં અટકશે આ 38 આતંકીઓની સજા? હવે આવે છે સૌથી મોટો ખતરો! શું આ 38 લોકોને આવતા મહિને ફાંસી આપી દેવાશે? બિલકુલ ના. હજુ આ કેસ સુપ્રીમ કોર્ટમાં જશે. ત્યાં અપીલ, પછી રિવ્યૂ પિટિશન અને છેલ્લે ક્યુરેટિવ પિટિશન થશે. આ બધું પત્યા પછી આવે છે ભારતીય બંધારણની કલમ 72. આ કલમ મુજબ આતંકીઓ રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકે છે. અને સૌથી મોટો લૂપહોલ અહીં જ છે! દયાની અરજીના લૂપહોલ્સ: વર્ષ 2014ના શત્રુઘ્ન ચૌહાણ જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ માફીની અરજી પર નિર્ણય લેવામાં બિનજરૂરી વિલંબ કરે, તો તે કેદી સાથે માનસિક ત્રાસ સમાન છે. આ જ ગ્રાઉન્ડ પર ભૂતકાળમાં 15 લોકોની ફાંસી રદ થઈ ગઈ હતી! જો આ 38 આતંકીઓની ફાઈલ પણ વર્ષો સુધી દિલ્હીમાં ધૂળ ખાતી રહી, તો આપણા જ કાયદાથી તેમને મોટું જીવનદાન મળી જશે. જોકે, આમાં એક મોટી તક પણ રહેલી છે. સરકારે નવા ભારતીય ન્યાય સંહિતામાં સુધારા કર્યા છે. જો રાષ્ટ્રપતિ માટે 60 દિવસની કડક ટાઈમ લિમિટ કાયદામાં લાવી દેવાય, તો સિસ્ટમ ઝડપી બનશે અને કોઈ આતંકી બચી શકશે નહીં. 19 વર્ષ પછી મળતા વળતરનું વાસ્તવિક મૂલ્ય શું? ફરીવાર મારે શું? ના સવાલ પર પાછા આવીએ. બાપુનગર કે નારોલમાં રહેતો કોઈ યુવાન કે જેણે 2008માં માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના પિતા બ્લાસ્ટમાં ગુમાવ્યા હતા, તેને જઈને પૂછો કે ન્યાયમાં વિલંબનો અર્થ શું થાય છે? હાઈકોર્ટે આદેશ કર્યો છે કે 31 માર્ચ 2027 સુધીમાં મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા વળતર અપાશે. હવે તમે જ અર્થશાસ્ત્રનું ગણિત સમજો. 2008ના જમાનામાં 10 લાખ રૂપિયાની જે કિંમત હતી, શું 2027માં એ ખરીદશક્તિ રહેશે? બિલકુલ નહીં. ફુગાવો અને ભયંકર મોંઘવારી ગણો તો એ 10 લાખનું મૂલ્ય આજે સાવ ઓછું થઈ ગયું છે. સળંગ 18 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાવા, દરરોજ અખબારમાં આવતી નવી તારીખો વાંચીને જૂના જખ્મો તાજા કરવા અને કાયમી માનસિક ત્રાસ સહન કર્યા પછી મળતા આ વળતરને શું તમે પૂરો ન્યાય કહેશો? જો આખી સિસ્ટમ આટલી ધીમી છે અને આર્થિક બોજ આપણા પર જ છે, તો હવે કાયમી ઉકેલ શું છે? ભવિષ્યમાં આવા હુમલાઓ રોકવા અને સિસ્ટમને મજબૂત કરવા માટે આપણે કયા નક્કર પગલાં લેવા જ પડશે? એ અહીં સૌથી મોટો સમજવા જેવો સવાલ છે. સિસ્ટમ સુધારવાનો સમય: હવે શું કરવું? સૌથી પહેલો અને મોટો ઉકેલ આપણી સંસદ પાસે છે. આપણે વાત કરી તેમ, રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી પેન્ડિંગ રહેવી એ સૌથી મોટો લૂપહોલ છે. દેશના સાંસદોએ ભેગા મળીને બંધારણની કલમ 72માં સુધારો કરવો જ પડશે. સરકારે તાજેતરમાં અમલમાં મૂકેલા નવા ભારતીય ન્યાય સંહિતામાં દયા અરજીઓ માટે કેટલીક સમયમર્યાદાઓ આપી છે, પણ તેને વધુ કડક બનાવવાની જરૂર છે. આતંકવાદના કેસમાં આ બાબતો ફરજિયાત થવી જોઈએ: જો આ સુધારા થશે, તો જ શત્રુઘ્ન ચૌહાણ જજમેન્ટ જેવી જૂની કાનૂની છટકબારીઓનો ફાયદો આ નરાધમોને મળતો બંધ થશે. આ ચુકાદાથી ગુજરાત અને ભારતને શું ફાયદો? હવે સૌથી અગત્યનો સવાલ. આજના આ ઐતિહાસિક ચુકાદાથી ગુજરાતના સામાન્ય માણસને, વેપારીને કે વિદ્યાર્થીને શું ફાયદો? આનો સીધો સંબંધ તમારી સુરક્ષા અને તમારા ખિસ્સા સાથે છે. એકસાથે 38 આતંકીઓને ફાંસીની સજા બહાલી મળવી, એ માત્ર કાગળ પરનો આંકડો નથી. આ સીમાપાર બેઠેલા આતંકી સંગઠનો અને દેશમાં છુપાયેલા લોકલ સ્લીપર સેલ્સ માટે એક ભયાનક મેસેજ છે. આ ચુકાદો સાબિત કરે છે કે જો તમે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશો, તો કાયદો તમને જમીનમાંથી પણ શોધી કાઢશે. જ્યારે ગુજરાતની સુરક્ષા મજબૂત બને છે, ત્યારે તેની સીધી અસર અર્થતંત્ર પર પડે છે. શાંત અને સુરક્ષિત ગુજરાતમાં જ દેશ-વિદેશના ઉદ્યોગો રોકાણ કરવા આવે છે. જેટલું રોકાણ વધશે, તેટલી જ યુવાનો માટે રોજગારી વધશે. એટલે કે, ન્યાયતંત્રનો એક કડક ચુકાદો સરવાળે સામાન્ય માણસના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરે છે. તમે એવા સમાચાર સાંભળ્યા છે કે ચીન સિવાય કોઈ દેશ પાકિસ્તાનમાં મોટું રોકાણ લાવ્યો હોય? જાહેર વાત છે કે આતંકવાદના કારણે અવારનવાર હુમલાઓ થતા રહે છે જેમાં કોઈ પણ દેશ પોતાનો ધંધો રોકવા ઈચ્છે જ નહીં. સાચો ન્યાય કોને કહેવાય? આપણે એકવાર ફરી એ 56 નિર્દોષ લોકોના પરિવારો વિશે વિચારવું પડશે. 2008માં જેમણે પોતાના કમાતા મોભી ગુમાવ્યા, એ બાળકો કે જેઓ પિતાના પ્રેમ વિના જ મોટા થઈ ગયા. સાચો ન્યાય માત્ર કોર્ટના 7,000 પાનાના ચુકાદામાં નથી છુપાયેલો. સાચો ન્યાય ત્યારે જ મળશે, જ્યારે આ સજાનો હકિકતમાં અમલ થશે અને દોષિતો ખરેખર ફાંસીના માંચડે લટકશે. એક પરિપક્વ લોકશાહી તરીકે આપણે એ સમજવું પડશે કે જો ન્યાય આપવામાં 20-20 વર્ષ લાગી જાય, તો તે ન્યાય ન્યાય નથી રહેતો, પણ એક મજાક બની જાય છે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ભારતીય કાનૂની ઈતિહાસનો એક સોનેરી અધ્યાય છે. 19 દિવસની રેકોર્ડબ્રેક તપાસથી લઈને 18 વર્ષની ધીરજભરી અદાલતી કાર્યવાહી એ સાબિત કરે છે કે આપણી ડેમોક્રેસીમાં રુલ ઓફ લો જ સર્વોપરી છે. દુનિયાભરમાં ફાંસીનો વિરોધ થતો હોવા છતાં, ભારતે પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરી નથી. પણ એક સવાલ થાય કે આજે 38ને ફાંસી તો મળી ગઈ, પણ શું આતંકવાદ અને દેશદ્રોહ જેવા ગંભીર કેસો માટે, સામાન્ય કાયદાથી અલગ કોઈ સ્પેશિયલ બંધારણીય ફાસ્ટ-ટ્રેક સિસ્ટમ હોવી જોઈએ? જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષના પરિવારે ન્યાય માટે 18 વર્ષ સુધી કોર્ટના પગથિયાં ન ઘસવા પડે? સરકારે અને નાગરિકોએ આ મામલે વિચારવું રહ્યું. અને છેલ્લે... ભારતમાં એવી માન્યતા છે કે મહિલાઓને ફાંસી નથી થતી. પણ 2008માં ઉત્તર પ્રદેશના અમરોહામાં શબનમ અલી નામની મહિલાને ભારતની પહેલી મહિલા છે જેમને ફાંસીની સજા થઈ હતી. તેને સલીમ સાથે પ્રેમ હતો, પરિવાર લગ્ન માટે માનતો ન હતો તો શબનમે ઊંઘની ગોળીઓ ખવડાવીને મા-બાપ-ભાઈ-ભાઈ અને 10 મહિનાના માસૂમ ભત્રિજા સહિત 7 લોકોને કુહાડીના ઘા મારીને પતાવી દીધા હતા. આ કેસમાં પણ આયરની જુઓ કે કાયદાઓના છીંડાના કારણે જેને ફાંસી થવી જોઈતી હતી તે શબનમ જેલમાં બંધ છે અને ફાંસીની પ્રોસેસ પણ અટકી પડેલી છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    Burhan wani की बरसी पर Pakistan में इकट्ठा हुए आतंकी,भारत के खिलाफ बड़ी साजिश ! | Jammu Kashmir
    Next Article
    સુરતના કામરેજમાં 16 અને પલસાણામાં 14 ઈંચ વરસાદ:આવતીકાલે શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર, વરાછામાં વૃક્ષ ધરાશાયી થતા બેના મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment