Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદીની 7 અપીલ પાછળ ચોંકાવનાર રહસ્યો:શું ડરવાની જરૂર છે? જનતા સાથે નેતા પણ આ 7 વાત માને; ભારત તરશે કે ડૂબશે? જુઓ સ્ફોટક એનાલિસિસ

    6 hours ago

    “જો આપણે અઠવાડિયામાં એક સમયનું ભોજન છોડી દઈએ, તો દેશમાં અનાજની અછત પૂરી થઈ શકે છે અને આપણે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે.” આ શબ્દો હતા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના. 1965ના સમયમાં જ્યારે તેમણે આ વાત કહી ત્યારે દેશ અનેક સંકટો સામે લડી રહ્યો હતો. 1962નું ચીન સાથેનું યુદ્ધ પૂરું જ થયું હતું અને પાકિસ્તાન સામે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. દેશમાં અનાજની ભારે તંગી હતી. દેશના જવાનોને અનાજની જરૂર હતી જે દેશનો કિસાન જ પેદા કરી શકે તેમ હતો. ત્યારે શાસ્ત્રીજીના નારા કે અપીલે ઈતિહાસ રચી દીધો. તેમણે કહ્યું જય જવાન, જય કિસાન. શાસ્ત્રીજીની એક હાકલ પર દેશવાસીઓએ સોમવારનું સાંજનું જમવાનું છોડી દીધું, હોટલ્સ અને રેસ્ટોરાં પર પણ લાહોરી તાળા લાગ્યા. બરાબર 61 વર્ષ બાદ ઈતિહાસે પોતાને દોહરાવ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે દેશને કોઈ તકલીફ ન પડે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને પાંચ મોટી અને મહત્વની અપીલ કરી છે. આજે આપણે તટસ્થ રીતે તેનું વિશ્લેષણ કરીએ. નમસ્કાર... આજે દુનિયા એક એવા વળાંક પર ઉભી છે જ્યાં ભૂતકાળની તમામ ઈકોનોમિક એડવાઈઝ અને થીયરીઓ ફેલ થઈ રહી છે. ફેબ્રુઆરી મહિનાથી ફાટી નીકળેલા ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે દુનિયાની આખી સપ્લાઈ ચેઈન લોહીલુહાણ થઈ ગઈ છે. જે દુનિયાના તેલની અવર-જવરનો અંદાજે ચોથો ભાગ સંભાળે છે તે હોર્મુઝ જલડમરુંમાં અમેરિકા અને ઈરાનની નાકાબંધીના કારણે દુનિયાની ઈકોનોમીના ફેફસાં ગૂંગળાઈ રહ્યા છે. એક બેરલ તેલનો ભાવ 10 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ બધું આપણા એટલે કે ભારત દેશ માટે મોંઘવારી અને આર્થિક અસ્તિત્વની લડાઈના હાલ ઉભા કરી દીધા છે. બસ આ બધું જ ચાલું છે અને ગઈકાલે, 10 મે 2026ના રોજ હૈદરાબાદના ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને જે પાંચ અપીલો કરી, તે માત્ર સલાહ નથી; તે 21મી સદીના સૌથી ભયાનક આર્થિક યુદ્ધ સામેની ભારતની ઢાલ છે. આ અપીલો પાછળ માત્ર કરકસર નથી, પરંતુ એક બહુ મોટું જિયોપોલિટિકલ ગણિત છુપાયેલું છે. ભારત તેની જરૂરિયાતનું અંદાજે 80% ક્રૂડ ઓઈલ બહારથી મંગાવે છે. જ્યારે તેલના ભાવ વધે છે, ત્યારે માત્ર પેટ્રોલ પંપ પરના ભાવ નથી વધતા, પણ તમારી થાળીમાં આવતું શાકભાજી, દાળ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી દરેક વસ્તુ મોંઘી થાય છે. ફેબ્રુઆરી 2025માં જ્યારે આપણું વિદેશી મુદ્રા ભંડાર 728 અબજ ડોલરની ટોચે હતું, ત્યારે આપણે સુરક્ષિત અનુભવતા હતા. પરંતુ માત્ર 14 મહિનામાં આ ભંડાર ઘટીને અંદાજે 690 અબજ ડોલર પર આવી ગયો છે. આ સ્થિતિમાં પ્રધાનમંત્રીની પાંચ અપીલોને આપણે નેશનલ ઓસ્ટેરિટી પ્રોટોકોલ તરીકે જોવી જોઈએ. ચાલો, આ અપીલોના ઊંડાણમાં જઈએ. પ્રધાનમંત્રીની પહેલી અને સૌથી ચોંકાવનારી અપીલ હતી: “આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવું અને દાનમાં પણ સોનું ન આપવું.” ભારતીય સમાજમાં સોનું માત્ર ધાતુ નથી, તે લાગણી અને સુરક્ષાનું પ્રતીક છે. તો પછી સરકારે આવી કઠોર અપીલ કેમ કરવી પડી? તેનું કારણ ફોરેક્સ'ના ગણિતમાં છે. ભારત તેલ પછી સૌથી વધુ ખર્ચ સોનાની આયાત પાછળ કરે છે. નાણાકીય વર્ષ 2025-26માં આપણે દર મહિને સરેરાશ 6 અબજ ડોલરનું સોનું મંગાવ્યું છે. આર્થિક તર્ક: જો ભારત એક વર્ષ માટે સોનું ખરીદવાનું બંધ કરી દે તો વિદેશથી આવતા સોનાની માગ પૂરી રીતે બંધ થઈ જાય. અને જો આવું થાય તો આપણે સીધા 72 અબજ ડોલર બચાવી શકીએ છીએ. આ રકમ એટલી મોટી છે કે તે તેલના ભાવ વધારાને કારણે પડનારા આર્થિક બોજને એકલા હાથે સહન કરી શકે છે. રોકાણનું નવું માળખું: સરકાર ઈચ્છે છે કે લોકો ફિઝિકલ ગોલ્ડ એટલે કે દાગીના કે સિક્કાને બદલે સોવરિન ગોલ્ડ બોન્ડ તરફ વળે. આનાથી બે ફાયદા થઈ શકે લોકોનું સોનાનું ઈન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહે અને ભારતમાં રહેલું ડોલર બહાર પણ ન જાય. બજારે શું પ્રતિક્રિયા આપી? 11 મે 2026ની સવારે જ્યારે શેરબજાર ખૂલ્યું, ત્યારે આ અપીલની અસર સ્પષ્ટ દેખાઈ. જ્વેલરી ક્ષેત્રના માંધાતા ગણાતા શેરોમાં મોટું ગાબડું પડ્યું: પણ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જ્વેલરી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લાખો કારીગરોની રોજીરોટીનું શું? શું માત્ર અપીલથી ભારતીય લગ્નોમાં સોનાનું ચલણ બંધ થશે? આ એક મોટો સામાજિક પ્રશ્ન પણ છે. ઇંધણની કરકસર અને વર્ક ફ્રોમ હોમ 2.0 પ્રધાનમંત્રીની બીજી અપીલ ઇંધણ બચત પર હતી. તેમણે ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોમોટ કરવા કહ્યું. એટલે લોકો ઘરેથી જ કામ કરે. જો આવું ન થાય તો ઓફિસ આપવા-જવા માટે કારપૂલિંગ કે મેટ્રોનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. આ બધું શા માટે આ જરૂરી છે? હોર્મુઝની નાકાબંધીને કારણે તેલની સપ્લાય પ્રોબ્લમેટિક છે. જો આપણે આપણી માંગમાં 10% નો ઘટાડો કરીએ, તો આપણે ઈન્ટરનેશનલ તેલ બજારમાં ભાવને નીચે લાવવા માટે દબાણ કરી શકીએ છીએ. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટ મુજબ, અઠવાડિયામાં માત્ર એક દિવસનો WFH શહેરી વિસ્તારોમાં ઇંધણના વપરાશમાં 20% સુધીનો ઘટાડો લાવી શકે છે. અહીં આપણે એક કડવું સત્ય પણ સાંભળું પડશે. સરકાર લોકોને મેટ્રો કે બસ વાપરવાની સલાહ આપે છે, પણ શું આપણા ટાયર-2 અને ટાયર-3 શહેરો તૈયાર છે? ઉદાહરણ તરીકે, નાસિક જેવા ઝડપથી વિકસતા શહેરનો ડેટા જોઈએ તો ત્યાં આજે પણ 1,150 બસોની કમી છે. મેટ્રો પ્રોજેક્ટ્સ હજુ પણ મોટા શહેરો પૂરતા સીમિત છે. જ્યાં સુધી લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી એટલે કે ઘરથી સ્ટેશન સુધીની સુવિધા મજબૂત નહીં થાય, ત્યાં સુધી મિડલ ક્લાસ માટે પોતાનું ટુ-વ્હીલર કે કાર છોડવી પ્રેક્ટિકલી મુશ્કેલ છે. કારણ કે જો આવું કરીએ તો મેટ્રો શહેરોમાં પીક અવર્સમાં કેપેસિટી કરતા વધુ ભીડ થઈ શકે છે. ટાયર ટુ સિટીઝની વાત કરીએ તો અંદાજે 50 ટકાથી વધુ વાહનોની કમી છે સામેની બાજુ ગામડાંઓમાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લગભગ અભાવ જ છે. ટૂંકમાં સરકારે અપીલ તો કરી છે, પણ હવે સમય છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં યુદ્ધના ધોરણે રોકાણ પણ કરવામાં આવે. શું આર્થિક દેશભક્તિ કામ કરશે? પ્રધાનમંત્રીની આ અપીલો પાછળ એક ઊંડું મનોવિજ્ઞાન છે, ઇકોનોમિક પેટ્રિઓટિઝમ એટલે કે આર્થિક દેશભક્તિ. જ્યારે દેશ આર્થિક કટોકટીમાં હોય, ત્યારે સરકાર સીધા ટેક્સ વધારવાને બદલે જનતાને સ્વેચ્છાએ ખર્ચ ઘટાડવા કહે છે. આનાથી બે ફાયદા થાય: પણ, શું આ અપીલો માત્ર સામાન્ય જનતા માટે છે? આ પ્રશ્ન આજની તારીખે દરેક ભારતીયના મનમાં છે. જ્યારે સામાન્ય માણસને પેટ્રોલ બચાવવા કહેવામાં આવે છે, ત્યારે નેતાઓની મોટી રેલીઓમાં હજારો ગાડીઓના કાફલા અને હેલિકોપ્ટર્સનો ઉપયોગ શું આ અપીલના વિરોધાભાસમાં નથી? ખાવાનું તેલ અને ગ્લોબલ સપ્લાઈ ચેઈનનું દ્વંદ્વ પ્રધાનમંત્રીની ત્રીજી અપીલ ખૂબ જ પ્રેક્ટિકલ અને સાયકોલોજીકલ કે, દરેક પરિવાર ખાવાનું તેલ ઓછું વાપરે. ઉપરછલ્લી રીતે જોતા આ વાત સામાન્ય લાગે, પણ આજે આપણે તેની પાછળ છુપાયેલા ડેડલી ગણિતની વાત કરીએ. ઈમ્પોર્ટ ડિપેન્ડેન્સીઃ ભારત આજે પણ તેની કુલ જરૂરિયાતનું 60% થી 70% ખાદ્ય તેલ બીજા દેશો પાસેથી ખરીદે છે. નાણાકીય વર્ષ 2024-25માં આપણું ઈમ્પોર્ટ બિલ 17.33 અબજ ડોલર હતું. મે 2026માં અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે પામ ઓઈલ અને સૂર્યમુખી તેલના ગ્લોબલ પ્રાઈઝમાં 20% થી 30% નો ઉછાળો આવ્યો છે. જિયોપોલિટિકલ લિંક: યુક્રેન-રશિયા યુદ્ધ અને હવે પશ્ચિમ એશિયાના યુદ્ધે સૂર્યમુખી અને પામ ઓઈલના ટ્રાન્સપોર્ટેશનના રસ્તાઓને જોખમમાં મૂક્યા છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો પણ આ સંકટને જોતા પોતાની નિકાસ નીતિઓ કડક કરી રહ્યા છે. બચતનું ગણિત: જો ભારતનો દરેક પરિવાર માત્ર 10% વપરાશ ઘટાડે, તો દેશ લેવલે ઈમ્પોર્ટ બિલમાં વર્ષે અંદાજે 2 અબજ ડોલર એટલે કે લગભગ 16,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ શકે છે. આ રકમ આપણા કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે કે CADને સ્ટેબલ કરવા માટે પૂરતી છે. હેલ્થ અને ઈકોનોમીનું સંગમઃ આપણે એ પણ નોટ કરવું જોઈએ કે આ અપીલ પાછળ હેલ્થકેર ઇકોનોમિક્સ પણ છુપાયેલું છે. ભારત વિશ્વમાં હૃદયરોગની રાજધાની બની રહ્યું છે. હાલતા-ચાલતા લોકોને હ્રદયના હુમલા આવી રહ્યા છે. તેલનો ઓછો વપરાશ લાંબા ગાળે દેશના જાહેર આરોગ્ય બજેટમાં પણ ઘટાડો લાવશે. એટલે કે, આજે બચેલો તેલનો એક રૂપિયો આવતીકાલે હોસ્પિટલના ખર્ચમાં બચતા 5 રૂપિયા સમાન છે. ચોથી અપીલ સૌથી વધુ ક્રાંતિકારી અને પડકારજનક છે, રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક કે કુદરતી ખેતી કરવી. આ અપીલ સીધી રીતે ભારતના નાણાકીય બજેટ સાથે જોડાયેલી છે. ખાતર સબસિડીનું ગંભીર સત્ય: ભારત સરકાર ખાતર પર જે સબસિડી આપે છે તે અર્થતંત્ર પર મોટું ભારણ છે. મે 2026 ની સ્થિતિએ, ખાતર સબસિડીનું બિલ 1.86 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. યુદ્ધને કારણે યુરિયા અને તેના જેવા બીજા ખાતરોના રો-મટીરિયલના ભાવ ઈન્ટરનેશનલ બજારમાં બેગણાં થઈ ગયા છે. વૈશ્વિક સ્તરે જે યુરિયાની બેગ 3,000 રૂપિયામાં મળે છે, તે સરકાર ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં આપે છે. આ 2,700 રૂપિયાનો ખર્ચો સરકાર પોતાની તિજોરીમાંથી ચૂકવે છે. જો વપરાશ અડધા ભાગનો પણ ઘટે, તો સરકાર સીધી 90 હજાર કરોડ રૂપિયાની બચત કરી શકે છે. આ બચેલી રકમનો ઉપયોગ લોકોને કામ લાગે તેવા બીજા કામોમાં પણ કરી શકાય તેમ છે. પડકાર અને વાસ્તવિકતા: જોકે, અહીં એક મોટો રિધમ બ્રેકર પ્રશ્ન એ છે કે શું અચાનક રાસાયણિક ખાતર છોડવાથી પાકની ઉત્પાદકતા ઘટશે? ડેટા દર્શાવે છે કે શરૂઆતના 1-2 વર્ષમાં ઉત્પાદનમાં 5% થી 7% નો ઘટાડો થઈ શકે છે. 2026માં જ્યારે દુનિયામાં ખાવાના તેલનું સંકટ તોળાઈ રહ્યું હોય, ત્યારે ભારત આ જોખમ લઈ શકે? સરકારની વ્યૂહરચના અહીં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીને ખેડૂતનો ઇનપુટ ખર્ચ ઘટાડવાની છે, જેથી ઉત્પાદન થોડું ઘટે તો પણ ખેડૂતની ચોખ્ખી આવક વધે. લક્ષ્મીને દેશમાં રોકવાની મથામણ પાંચમી અને મહત્વની અપીલ દેશના અપર મિડલ ક્લાસ અને અમીરો માટે છે કે, એક વર્ષ સુધી વિદેશ યાત્રા અને લક્ઝરી વેકેશન ટાળવા. ભારતથી વિદેશ જનારા પ્રવાસીઓના બજારની વાત કરીએ તો 2026માં અંદાજે ટુરિસ્ટ માર્કેટ અંદાજે 23.4 અબજ ડોલરનું છે. જ્યારે ભારતીય પ્રવાસી દુબઈ, સ્વિટ્ઝર્લેન્ડ કે લંડન જાય છે, ત્યારે તે ભારતીય રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને દેશની બહાર મોકલે છે. માટે અહીં મોદીનું કહેવું છે કે આ રૂપિયા આપણાં દેશની અંદર વાપરીને જ ફરે. વેડ-ઈન-ઈન્ડિયા અભિયાનથી ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશ જતા અબજો રૂપિયાને ભારતના ઉદયપુર, ગોવા કે કેરણ જેવા પ્રવાસન સ્થળો તરફ વાળવાનો ઉદ્દેશ્ય છે. વિદેશી પ્રવાસ ઘટવાથી હોટેલ ઈન્ડસ્ટ્રી અને ટૂરિઝમ સેક્ટરને પણ બુસ્ટ મળશે, જે છેલ્લે તો જીડીપીમાં ફાયદો કરાવશે. એવિએશન સેક્ટરની ચિંતા: અહીં એક એનાલિટિકલ ઓબ્ઝર્વેશન એ પણ જરૂરી છે કે વિદેશી પ્રવાસ ઘટવાથી એરલાઇન્સ સેક્ટરને મોટું નુકસાન થઈ શકે છે. કોઈ ભારતીય વિદેશ જાય છે તો એરલાઈન્સ સેક્ટરને તે રૂટ્સ પર વધુ નફો મળે છે. પ્લેનમાં બેસીને દેશમાં ને દેશમાં ફરે તો એરલાઈન્સ સેક્ટરને એટલી કમાણી નથી થતી જેટલી ઈન્ટનેશનલ રૂટ્સ પર થાય છે. જો ભારત એક વર્ષ માટે આ રૂટ્સ પર મુસાફરી ઘટાડે, તો એરલાઇન્સ કંપનીઓને સરકાર પાસે બેલઆઉટ પેકેજની માંગ કરવી પડી શકે છે. ટૂંકમાં આ એક બેધારી તલવાર જેવી પરિસ્થિતિ છે. નવા જોખમો અને નવી તકો ત્યારે એક સવાલ થાય કે આ પાંચેય અપીલોની મળીને ભારતીય ઈન્ડસ્ટ્રી પર કેવી અસર પડી શકે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. હાલના સમયમાં કોર્પોરેટ જગતમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. આજથી પાંચ વર્ષ પહેલા કોઈએ કલ્પના પણ નહોતી કરી કે હોર્મુઝના જલડમરુંમાં ફસાયેલું એક જહાજ કે બે દેશો વચ્ચેનું યુદ્ધ ભારતના ગામડામાં બેઠેલા ખેડૂતની ખાતરની થેલી કે મિડલ ક્લાસની મહિલાના રસોડાના તેલના ડબ્બા પર અસર કરશે. પણ આજની તારીખે જ્યારે આપણે આ એનાલિસિસ કરીએ છીએ ત્યારે એક વાત નક્કી છે કે પ્રધાનમંત્રીની પાંચ અપીલો માત્ર આર્થિક બચત માટે નથી, પણ તે ભારતની જિયોપોલિટિકલ સોફ્ટ પાવરનું પ્રદર્શન પણ છે. મોદી મોડેલ સામે તેલિયા દેશોની ચિંતા આપણે સૌ જાણીએ છીએ કે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટો એનર્જી કન્ઝ્યુમર દેશ છે. આપણે જ્યારે તેલ અને સેનાના વપરાશમાં કાપ મૂકવાની વાત કરીએ ત્યારે દુનિયાની માર્કેટમાં ધીમે પણ મોટો ભૂકંપ આવે તે લગભગ નક્કી છે. માટે આપણે તે પણ જાણીએ કે મોદીની વાતને દુનિયાએ કેવી રીતે કવર કરી છે. 11 મે 2026ના ન્યુઝ પેપર્સ કે ઈન્ટરનેશનલ ન્યૂઝ વેબસાઈટમાં આ વિષય પર શું કહેવાયું છે તે પણ જાણીએ. રેલી અને રેશનિંગ વચ્ચેની ખાઈ અહીં એક સવાલ એ પણ થાય કે જે જનતાને કરકસરનો પાઠ ભણાવવામાં આવે છે, શું તે પાઠ સત્તાના ગલિયારાઓમાં ભણાવવામાં આવશે? જ્યારે કદ્દાવર નેતાઓની રેલી કે સભાઓ થાય છે ત્યારે ભીડ દેખાડવા માટે હજારો બસો કે હજારો ખાનગી વાહનોનો કાફલો ત્યાં જોવા મળે છે. એકબાજુ આપણે વર્ક ફ્રોમ હોમની વાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ કરોડો લીટર ઈંધણ પોલિટિકલ પાવરના શો-ઓફમાં ધુમાડો કરી દેવામાં આવે છે. ટૂંકમાં વાત એમ છે કે જનતાને જગાડવા સાથે નેતાઓએ પણ જાગવું પડશે. ડિજિટલ પોલિટિક્સનો ઉદયઃ 2026ના ટેકનોલોજીના યુગમાં હવે સમય પાકી ગયો છે કે રાજકીય પક્ષો પણ એક પ્રકારનું કોડ ઓફ કંડક્ટ તૈયાર કરે. જો દેશ યુદ્ધ જેવી આર્થિક સ્થિતિમાં હોય, તો શું રાજકીય રેલીઓ વર્ચ્યુઅલ ન થઈ શકે? શું નેતાઓ પોતાના વિદેશ પ્રવાસો અને ભવ્ય આયોજનોમાં કાપ ન મૂકી શકે? જનતા ત્યારે જ ત્યાગ કરશે જ્યારે તે પોતાના નેતાઓને ત્યાગ કરતા જોશે. માત્ર અપીલ કરવાથી અર્થતંત્ર સુધરતું નથી, તેના માટે નેતાઓએ પણ કઠોર નીતિગત નિર્ણયો લેવા પડશે. આપણે એવા પાંચ મુદ્દાઓ વિશે પણ વાત કરીએ જે સરકારે કે નેતાઓએ પણ કરવા પડશે જેથી લોકો તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે 1) ટેક્સ સ્ટ્રક્ચરનું પુનર્ગઠન: જો સરકાર ઈચ્છે છે કે લોકો તેલ અને પેટ્રોલનો ઓછો વપરાશ કરે, તો સરકારે પેટ્રોલ પરના ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ જેથી મોંઘવારી કન્ટ્રોલમાં રહે. પોતાની આવક જતી કરીને સરકાર જનતામાં વિશ્વાસ પેદા કરી શકે છે. 2) ગોલ્ડ બોન્ડના વ્યાજદરમાં વધારો: લોકો સોનું ખરીદવાનું ત્યારે જ બંધ કરશે જ્યારે તેમને તેનાથી વધુ સારું વળતર સોવરિન ગોલ્ડ બોન્ડ જેવા ઓપ્શન્સમાં મળશે. હાલના વ્યાજ દરને વધારવું પડશે જેથી લોકો ફિઝિકલ લગડી સોનું ન ખરીદે અને ડિજિટલ જાય 3) જાહેર પરિવહનમાં ઈમરજન્સી ફંડિંગ: જે શહેરોમાં બસોની અછત છે, ત્યાં ખાનગી ઓપરેટરોને સબસિડી આપીને તત્કાલ ઈ-બસો ઉતારવી જોઈએ. મેટ્રોના પાસ સસ્તા કરવા જોઈએ જેથી લોકો પોતાની કાર ઘરે મૂકવા પ્રેરાય. 4) ખેડૂતો માટે સેફ્ટી નેટ: જે ખેડૂતો રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે છે, તેમને શરૂઆતના બે વર્ષ સુધી પ્રોડક્શનની ઘટ સામે વળતર પણ આપવું જોઈએ. 5) ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સેન્ટિવ: વિદેશ જવાને બદલે ભારતમાં ફરતા પ્રવાસીઓને ઇન્કમ ટેક્સમાં લીવ ટ્રાવેલ એલાઉન્સમાં વિશેષ છૂટ આપવી જોઈએ. જો સરકારની અને સરકાર તરફથી લોકોને અપાતી બંને મદદો ભેગી થશે તો આવનાર વર્ષોમાં ભારતની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવી શકે છે. હાલ ડોલર સામે 94 પર લટકતો રૂપિયો 85થી નીચે પણ જઈ શકે છે. સોનું અને તેલ ખરીદવાનું ઘટાડી દઈએ તો આપણું ફોરેઈન રિઝર્વ એક્સચેન્જ ખૂબજ વધી જશે અને ભારતને ફરી સુરક્ષિત ઈકોનોમી મળી જશે. પેટ્રોલ અને ખાતરના કાપથી આપણું કાર્બરન ઈમિશન ઘણું ઘટી જશે જેના કારણે આપણને પેરિસ કરારોના ટાર્ગેટ્સને સમય પહેલા પૂરું કરવામાં મદદ મળશે. રાષ્ટ્ર પ્રથમ કે વ્યક્તિગત સુવિધા? 2026નું આ ઉર્જા સંકટ એ ભારત માટે આફત પણ છે અને અવસર પણ. આફત એટલા માટે કારણ કે આપણી મહેનતની કમાણી ડોલરના રૂપમાં વિદેશમાં જઈ રહી છે. અવસર એટલા માટે કારણ કે આ સંકટ આપણને આત્મનિર્ભર બનવા માટે પણ મજબૂર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીની અપીલ એ માત્ર ડેટા કે ગણિત નથી, પણ એક સામાજિક કરાર છે. જ્યારે કોઈ મધ્યમ વર્ગનો પરિવાર રસોડામાં તેલનો વપરાશ ઘટાડે છે, ત્યારે તે સીધી રીતે બોર્ડર પર લડતા સૈનિક જેવું જ કામ કરે છે, કારણ કે તે દેશની આર્થિક સીમાઓની રક્ષા કરી રહ્યો છે. ચાલો બદલાવ ટોપ ટુ બોટમ લાવીએ પણ, યાદ રાખવું રહ્યું કે લોકશાહીમાં ત્યાગ હંમેશા ઉપરથી નીચે વહેવો જોઈએ. જો સરકાર પોતાની કરકસર સાબિત કરશે, તો 140 કરોડની જનતા 2026ના આ તોફાનને માત્ર પાર જ નહીં કરે, પણ ભારતને એક નવી આર્થિક મહાસત્તા તરીકે સ્થાપિત કરશે. જો આપણે આપણો ડેટા અને આપણી માંગ બચાવી શકીશું, તો જ આપણે આપણું ભવિષ્ય બચાવી શકીશું. આ સંકટ સમયમાં સંયમ એ જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. જો બંને હાથથી તાળી વાગે તો ભારત માટે 2026નું વર્ષ ઈતિહાસના પાને ભારતના આર્થિક પુનરુત્થાનના વર્ષ તરીકે યાદ રાખવામાં આવશે. અને છેલ્લે... એક સમયે મોદીએ કહ્યુ હતું કે તે જે બોલે છે તેની અસર સાત વર્ષ પછી લોકોને ખબર પડે છે. ટૂંકમાં લોકોને લાંબે ગાળે મોદીની વાત ખબર પડે છે. જો કે આ જ પાંચ અપીલ મામલે વિપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, દેશ ચલાવવો મોદીના હાથની વાત નથી. PMની 7 વાતો ઉપદેશ નથી, નિષ્ફળતાના પુરાવા છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    PBKS vs DC IPL 2026 LIVE Cricket Score: Priyansh-Prabhsimran put on 50-run stand for Punjab Kings vs Delhi Capitals at Dharamsala
    Next Article
    વડોદરામાં PMના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ:PMએ કહ્યું લોકો પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરે, ઓફિસમાં વર્કફ્રોમ હોમ અને સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવવા અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment