Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: 4 હજાર લાશોના ઢગલા વચ્ચે મોતનું તાંડવ:ટ્રમ્પ-નેતન્યાહૂએ સામસામે તલવારો ખેંચી, અમેરિકાની દોસ્તી તૂટે તો ઈઝરાયલને ત્રણ ખતરા, પડદા પાછળ ગજબ ખેલ

    23 hours ago

    લેબનોનમાં આજે એક બાળકનો જન્મ થયો છે. તેની માને ખબર નથી કે પહેલા વહાલસોયાનો બાળાસાદ સંભળાશે કે બોમ્બનો ધડાકો? કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે તો યુદ્ધ રોકાઈ ગયું છે. 14 શરતોમાં લેબનોનમાં પણ યુદ્ધ વિરામના દાવા થયા હતા પણ અફસોસ કે આકાશમાંથી હજુ ધડાકા વરસી રહ્યા છે. દુનિયા કહે છે કે મધ્ય-પૂર્વમાં શાંતિ આવી ગઈ છે, પણ લેબનોનના હજારો પરિવારો માટે દરેક સવાર હજુ પણ જીવતા બચી જવાની કે જીવતા રહેવાની લડાઈ છે. આખરે શાંતિના પડદા પાછળ છુપાયેલું આ યુદ્ધ ક્યારે અને કેમ અટકતું નથી? વાત છે મધ્ય-પૂર્વની એટલે કે મિડલ-ઈસ્ટની જીઓપોલિટિક્સની. એક બાજુ ફ્રાન્સના ઐતિહાસિક વર્સેલ્સ મહેલમાં દુનિયાના મોટા નેતાઓ ભેગા થયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને યુદ્ધ રોકવાના ડોક્યુમેન્ટ પર સહીઓ કરી હતી. આપણને સામાન્ય માણસ તરીકે એમ થાય કે હાશ, હવે દુનિયામાં શાંતિ થશે અને યુદ્ધના વાદળો વિખેરાશે! પણ આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે, હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. કાગળ પર તો મોટી મોટી શાંતિની વાતો લખાઈ ગઈ છે, પણ વાસ્તવિક જમીન પર તો હજુય વિનાશ વેરાઈ રહ્યો છે. શાંતિ કરારની શાહી હજુ માંડ સુકાઈ છે, ત્યાં ઈઝરાયલે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં ઘસીને ના પાડી દીધી છે કે અમે લેબનોનમાંથી અમારું સૈન્ય પાછું નહીં બોલાવીએ. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ છાતી ઠોકીને કહી દીધું છે કે જ્યાં સુધી અમારા દેશની સુરક્ષા પાકી ન થાય, ત્યાં સુધી સૈન્ય દક્ષિણ લેબનોનમાં જ ધામા નાખીને રહેશે. આ વલણ જોઈને તો એવું જ લાગે કે પાકા ઘડે કાંઠા ન ચડે. ઈઝરાયલ હવે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થવા કે નમતું જોખવા બિલકુલ તૈયાર નથી. વાત કરીએ યુદ્ધ રોકાયા બાદ ઈઝરાયલ લેબનોનમાં કેમ ધડાકા કરી રહ્યું છે? ટ્રમ્પે તો યુદ્ધ રોકવાની વાત કરી દીધી છે પણ ઈઝરાયલ તેના સૂરમાં સૂર નહીં મિલાવે તો બંનેના સંબંધોમાં કેવી મોટી ખાઈ બની શકે છે? નમસ્કાર… 28 ફેબ્રુઆરીના ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યારથી લઈને આજ સુધી ઈઝરાયલના હુમલાઓના કારણે લેબનોન વિસ્તારમાં 4 હજાર લોકોના મોત થઈ ગયા છે. આ ચાર હજાર લોકોમાં સેંકડો માસૂમ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ હશે. લોકોના જીવ બચાવતા ડોક્ટર્સ, માહિતી આપતા પત્રકારો અને આરોગ્ય કર્મચારીઓના પણ જીવ ગયા હશે. આંખો બંધ કરીને બે મિનિટ વિચારો કે 4 હજાર હસતા-રમતા પરિવારો કાયમ માટે વેરવિખેર થઈ ગયા છે. લેબનોન કે જે ક્યારેક પૂર્વનું પેરિસ કહેવાતું હતું, તે આજે બોમ્બમારાથી રાખના ઢગલામાં ફેરવાઈ ગયું છે. આ કરુણતા જોઈને દિલમાંથી અવાજ નીકળે કે, સૂકા ભેગું લીલું પણ બળે. આતંકીઓને ખતમ કરવાની આ આંધળી અને ઝનૂની દોડમાં નિર્દોષ લોકોનો ભોગ બેફામ લેવાઈ રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ આખી દુનિયા અત્યારે અચંબામાં છે કારણ કે દાયકાઓથી અમેરિકા અને ઈઝરાયલની દોસ્તી રામ-લક્ષ્મણ જેવી અકબંધ ગણાતી. પણ અત્યારે આ બંનેના સંબંધોમાં મોટી ખાઈ ઊભી થઈ શકે છે. ટ્રમ્પની લીડરશીપવાળી અમેરિકન સરકાર હવે આ અનંત યુદ્ધોથી થાકી ગઈ છે. તેને પોતાનું અને વૈશ્વિક અર્થતંત્ર સુધારવું છે, તેથી જ તેણે હારીને ઈરાન સાથે શાંતિનો માર્ગ અપનાવ્યો છે. બીજી બાજુ, ઈઝરાયલને આ શાંતિ કરાર પોતાના અસ્તિત્વ માટે જીવલેણ ખતરો લાગે છે. ઈઝરાયલના કટ્ટરપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન-ગ્વીર અને નાણામંત્રી બેઝેલ સ્મોટ્રિચે તો જાહેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અત્યંત આકરી ટીકા કરી નાખી. આ તો સીધેસીધું એવું જ થયું કે,જેની થાળીમાં જમવું, તેમાં જ કાણાં પાડવા. જે દેશ તમને સૌથી વધુ હથિયાર અને અબજો ડોલરના ફંડ આપે છે, જેના સહારે તમે દુશ્મનો સામે યુદ્ધ લડી રહ્યા છો, તેને જ તમે ખુલ્લેઆમ આંખો દેખાડી રહ્યા છો! દાયકાઓ સુધી એકબીજાના પડખે ઊભા રહેલા આ બે દેશો વચ્ચે આજે અવિશ્વાસનું મોટું વાતાવરણ ઊભું થયું છે. દુનિયાભરના રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમ પર બાજ નજર રાખીને બેઠા છે. ઈઝરાયલને લાગે છે કે અમેરિકાએ તેમને અધવચ્ચે મધદરિયે છોડી દીધા છે, જ્યારે અમેરિકાને લાગે છે કે ઈઝરાયલ પોતાની હદ અને મર્યાદા વટાવી ગયું છે. આ જ કારણ છે કે અમેરિકન નેતૃત્વ હવે ભડકી ઊઠ્યું છે. બંને દેશો વચ્ચેની કૂટનીતિમાં હવે એક એવો વળાંક આવ્યો છે જ્યાં દોરી ખેંચાય તો તૂટી જાય તેવી સ્ફોટક સ્થિતિ બની રહી છે. જે.ડી. વેન્સનો સણસણતો જવાબ અને સીધી ચેતવણી આપણે વાત કરી કે ઈઝરાયલના કટ્ટરપંથી મંત્રીઓએ અમેરિકાના શાંતિ કરારની જાહેરમાં ભારે ટીકા કરી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ભારે બફાટ કર્યો. હવે, આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અમેરિકા કંઈ ચૂપચાપ કોઈની પણ વાતો સાંભળી લે એવો નબળો દેશ તો છે નહિ! વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈઝરાયલી મંત્રીઓને રોકડા સંભળાવીને તેમની બરાબરની શાબ્દિક ધોલાઈ કરી નાખી. વેન્સે આકરા શબ્દોમાં ઈઝરાયલના મંત્રીઓને સંભળાવી દીધું કે, ભાઈ, તમારી કુલ વસ્તી માત્ર 9 થી 10 મિલિયન એટલે કે આશરે એક કરોડની આસપાસ છે. તમે એવું માનતા હોવ કે માત્ર અને માત્ર લોકોને મારીને, બોમ્બ ફેંકીને કે હત્યાઓ કરીને તમારી રાષ્ટ્રીય સુરક્ષાની દરેક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દેશો, તો એ તમારી બહુ મોટી ભૂલ છે. વેન્સનું કહેવું હતું કે અક્કલ બહેર મારી જાય ત્યારે માણસ હથિયાર પકડે. આતંકવાદ કે સુરક્ષાના પડકારોને માત્ર બંદૂકની ગોળીએથી કે ફાઈટર જેટના બોમ્બથી ખતમ ન કરી શકાય. કોઈ પણ યુદ્ધનો અંત લાવવા માટે છેવટે તો ટેબલ પર બેસીને રાજદ્વારી ઉકેલ અને વાટાઘાટો કરવી જ પડે. અમેરિકન હથિયારોની યાદ અપાવતા વેન્સ વેન્સે પ્રેસ બ્રીફિંગમાં ઈઝરાયલને ગ્રાઉન્ડ રિયાલિટીનું ભાન કરાવતા એક બહુ જ કડવું સત્ય કીધું. એમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જો હું અત્યારે ઈઝરાયલની કેબિનેટમાં મંત્રી હોત, તો હું મારી પડખે ઊભેલા દુનિયાના એકમાત્ર શક્તિશાળી સાથી દેશ પર ક્યારેય આ રીતે જાહેરમાં હુમલો કરવાનું ટાળત. આજે આખી દુનિયામાં અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય ઈઝરાયલનું કોઈ જ મોટું બેલી કે સમર્થક બચ્યું નથી. આખી દુનિયા, ખાસ કરીને યુરોપના દેશો અત્યારે ઈઝરાયલની ક્રૂર નીતિઓની વિરુદ્ધમાં છે. પણ ઈઝરાયલના નેતાઓ તો અત્યારે જાણે અહંકારના નશામાં રાચે છે. આપણા વડીલો બહુ સાચું કહી ગયા છે કે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બરાબર એવી જ સ્થિતિ અત્યારે ઈઝરાયલની સરકાર અને તેના મંત્રીઓની થઈ ગઈ છે. વેન્સે કેટલાક ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા જે નીચે મુજબ છે: આ આંકડાઓ કહી જાય છે કે અમેરિકા હવે એવું માની રહ્યું છે કે ઈઝરાયલ અમેરિકાના ખભા પર બંદૂક રાખીને પોતાની અંગત અદાવત અને એજન્ડા પૂરા કરી રહ્યું છે. અમેરિકાને અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરનો રસ્તો ખોલાવીને આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કાબૂમાં લેવા છે અને વર્લ્ડ ઈકોનોમીને સ્ટેબલ કરવી છે. જ્યારે બીજી બાજુ ઈઝરાયલને અમેરિકન ઢાલ પાછળ છુપાઈને પોતાના દુશ્મનો એટલે કે હમાસ અને હિઝબુલ્લાહનો સફાયો કરવો છે. પણ હવે ઈઝરાયલે સમજી જવું જોઈએ કે પારકી આશા સદા નિરાશા. ઈઝરાયલે અમેરિકાના અતૂટ ભરોસે બધી બાજુ યુદ્ધ તો છેડી દીધું પણ હવે અમેરિકા ધીમે ધીમે પાછી પાની કરી રહ્યું છે. ઈઝરાયલ આટલું આક્રમક, જિદ્દી અને યુદ્ધખોર કેમ? અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની આટલી કડક ચેતવણી સાંભળીને ઈઝરાયલના મંત્રી ઈતામાર બેન-ગ્વીર પણ ક્યાં ચૂપ બેસી રહેવાના હતા? તેમણે તો સીધું જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખી માર્યું કે ઈઝરાયલ તો અત્યારે 21મી સદીની હિટલરની સેના સામે લડી રહ્યું છે, બરાબર એવી જ રીતે જેમ અમેરિકાએ 20મી સદીમાં નાઝીઓનો સામનો કર્યો હતો. આ જાહેર પ્લેટફોર્મ પરની ખુલ્લી દલીલબાજી કે નિવેદનબાજી કહી જાય છે કે બંને દેશો વચ્ચેના સંબંધોની ખાઈ હવે વધી રહી છે. પણ એક સવાલ થાય કે ઈઝરાયલ આટલું બધું આક્રામક કેમ છે? અમેરિકાએ યુદ્ધ બંધ કરી દીધું તો પણ તેને હજુ શું યુદ્ધ કરવું છે? ઈઝરાયલ અમેરિકાના શાંતિ કરારને કેમ ગાંઠતું નથી? તો ઈઝરાયલની આવી સાયકોલોજી પાછળ ઈતિહાસમાં થયેલા તેમના કડવા અનુભવો છે. ઈઝરાયલમાં યહૂદી પ્રજા રહે છે. આ લોકોએ હજારો વર્ષો સુધી ઝુલમ સહન કર્યો છે. આખી દુનિયામાં સૌથી વધુ પરેશાન થનાર પ્રજા જો કોઈ હોય તો લગભગ યહૂદી છે. કારણ કે તેણે હજારો વર્ષોથી દુનિયાનો અત્યાચાર સહન કર્યો છે. જેના લીધે તેમનો નરસંહાર પણ થયો અને તેમના માઈગ્રેશન પણ થયા. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે જે રીતે લાખો નિર્દોષ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં જીવતા ભૂંજી નાખ્યા, તે હોલોકોસ્ટની ભયાનક ઘટનાએ યહૂદીઓના મગજમાં કાયમ માટે એક ભયંકર ડર બેસાડી દીધો છે. ગુજરાતીમાં આના માટે એક શબ્દો છે કે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. આ જ દર્દનાક ઇતિહાસના કારણે તેમના મનમાં એક બીક ઘૂસી ગયેલી છે કે અમારે અમારા અસ્તિત્વની જંગ લડવી જ પડશે બાકી અમને ખતમ કરી દેવામાં આવશે અથવા પહેલાની જેમ પરેશાન કરવામાં આવશે. ઈઝરાયલના દરેક નાગરિકના લોહીમાં અને રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં એ વાત વણાઈ ગઈ છે કે દુનિયામાં કોઈ જ તેમને બચાવવા આવવાનું નથી. જો તેઓ પોતાની રક્ષા જાતે નહીં કરે, અને લશ્કરી તાકાતમાં જરા પણ નબળા પડશે, તો આજુબાજુના દુશ્મનો તેમનો સમૂળગો નાશ કરી દેશે. કારણ કે 1948માં જ્યારથી ઈઝરાયલ દેશ બન્યો છે ત્યારથી તેમની આજુબાજુમાં પણ આરબ અને ઈસ્લામિક દેશો છે. જેના લીધે તેમની અવાર નવાર ટક્કર થતી રહે છે. કારણ કે ઈસ્લામિક દેશો ઈઝરાયલને નકશા પર જોવા જ નથી માગતું. સતત મોતના ડર અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની જદ્દોજહદે ઈઝરાયલને અત્યારે આટલું આક્રામક બનાવી દીધું છે. ઈઝરાયલનો ડર અને લેબનોનની બરબાદી ઇતિહાસના પાના જુઓ તો 1948માં જ્યારે દુનિયાના નકશા પર ઈઝરાયલ દેશ બન્યો, ત્યારે માંડ થોડા કલાકો થયા હશે અને આજુબાજુના પાંચ આરબ દેશોએ ભેગા મળીને તેના પર ઘાતક હુમલો કરી દીધો. બસ, એ જ દિવસથી ઈઝરાયલના મનમાં એક ડર ઘર કરી ગયો છે. પછી 1969નું છ દિવસનું યુદ્ધ હોય કે 1973માં યોમ કિપ્પુરના તહેવારના દિવસે થયેલો ઓચિંતો હુમલો હોય, ઈઝરાયલે હંમેશા પોતાના અસ્તિત્વને ટકાવવાની લડાઈ લડી રહ્યું છે. 1973માં અને ઓક્ટોબર 2023માં જે ઓચિંતા હુમલાઓ થયા, તેનાથી ઈઝરાયલની નેતાગીરીને સમજાઈ ગયું છે કે જો જરા પણ શાંતિથી બેસી રહીશું તો માર્યા જઈશું. આખી પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે, હિઝબુલ્લાહ જેવા આતંકી જૂથોને કારણે આખા લેબનોનને ભોગવવું પડી રહ્યું છે.ટૂંકમાં પાડાના વાંકે પખાલીને ડામ. વાંક કટ્ટરપંથીઓનો છે, પણ લેબનોનમાં ઘર નિર્દોષ નાગરિકોના સળગી રહ્યા છે. ઈઝરાયલ હવે કોઈ જોખમ લેવા નથી માંગતું અને દુશ્મનને મૂળમાંથી જ ઉખાડી ફેંકવા માંગે છે. એક સમયનો સ્વર્ગ જેવો સુંદર દેશ આજે રાખનો ઢગલો હવે જરા યુદ્ધની બીજી બાજુ એટલે કે લેબનોન તરફ નજર કરીએ... લેબનોન એટલે કોઈ નાનોસૂનો દેશ નહિ. એક સમયે આ દેશને પૂર્વનું પેરિસ અથવા મિડલ-ઈસ્ટનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવતું. દુનિયાભરના મોટા માથાઓ ત્યાં ફરવા અને વેપાર કરવા આવતા. પણ આજે તમે ત્યાં જાઓ તો તમને ચારે બાજુ માત્ર કાટમાળ, ધુમાડો અને લાશો જ જોવા મળે. ખરેખર, આ કરુણતા જોઈને દિલ રડી પડે છે. લેબનોનની કમનસીબી તો જુઓ, વર્ષ 2019થી જ ત્યાં પૈસાની એટલી મોટી તંગી શરૂ થઈ ગઈ કે લોકોના બેન્ક ખાતા રાતોરાત ખાલી થઈ ગયા. ચલણની વેલ્યૂ સાવ ઝીરો થઈ ગયું. આર્થિક મંદીથી દેશ માંડ માંડ ઊભો થતો હતો, ત્યાં વળી 2020માં બેરૂત બંદર પર એક ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો, જેણે અડધા શહેરને ઉડાડી દીધું. ઉપરથી કોરોનામાં પણ ઘણો ફટકો પડતા દુકાળમાં અધિક માસ જેવો હાલ થયો. પહેલેથી જ ગરીબી અને ભૂખમરો હતો, અને તેમાં આ યુદ્ધ ઉમેરાયું. માર્ચ 2026માં ઈઝરાયલે જે હુમલા ચાલુ કર્યા, તેણે તો આ દેશને સીધો પાષાણ યુગમાં ધકેલી દીધો છે. નુકસાન એટલું મોટું છે કે બેઠા થવામાં વર્ષો નીકળી જશે આ આંકડાઓ 68,000 ઘરો તૂટવાનું દર્દ છે. લાખો લોકો ભરશિયાળે કે ઉનાળાની ગરમીમાં ખુલ્લા આસમાન નીચે રોડ પર સુવા મજબૂર બન્યા છે. વર્લ્ડ બેન્કનો રિપોર્ટ કહે છે કે દેશની કમાણી સાવ તળિયે જતી રહી છે. સામાન્ય માણસ પાસે ખાવા માટે અન્ન નથી અને પીવા માટે ચોખ્ખું પાણી નથી. એક પછી એક મોટી આફતો તેમના માથે તૂટી જ પડી રહી છે. બોમ્બના અવાજો વચ્ચે મોટી થતી પેઢી આ યુદ્ધની સૌથી મોટી અને કાયમી કોઈ અસર હોય તો તે છે લેબનોનની નવી પેઢી. માર્ચથી જૂન સુધીના માત્ર ત્રણ-ચાર મહિનામાં જ 12 લાખથી વધુ લોકો પોતાના ઘર છોડીને રઝળવા મજબૂર બન્યા છે. આ આંકડો લેબનોનની કુલ વસ્તીના 20 ટકા કરતા પણ મોટો છે! જે બાળકો અત્યારે નાના છે, તેમણે પોતાના બાળપણમાં રમકડાંની જગ્યાએ માત્ર સાયરન, બોમ્બના ધડાકા અને લાશો જ જોઈ છે. શિક્ષણ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે. હવે તમે જ શાંતિથી વિચારો કે આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે તેમના મગજમાં શું હશે? માત્ર ઈઝરાયલ પ્રત્યેની ભયંકર નફરત! ઈઝરાયલ અત્યારે ભલે એમ માનતું હોય કે તેણે લશ્કરી તાકાતથી આતંકીઓને મારી નાખ્યા છે, પણ આ આખી ઘટના તો એવી છે કે, બાવળ વાવીને આંબા ન મંગાય. અત્યારે જે હિંસા અને વિનાશનું વાવેતર થઈ રહ્યું છે, તેનાથી ભવિષ્યમાં નવા, વધુ કટ્ટર અને ખતરનાક દુશ્મનો જ પેદા થશે. મારવાથી કે બોમ્બ ફેંકવાથી ક્યારેય કોઈ વિચારધારા મરતી નથી. અમેરિકા અને ઈરાન વચ્ચે જે વર્સેલ્સ ડીલ થઈ છે, તે આવા જ સર્વનાશને રોકવા માટેની એક આશા છે. પણ ઈઝરાયલને એમ છે કે જો અમે યુદ્ધ રોકીશું, તો ઈરાન ધીમે ધીમે હિઝબુલ્લાહને પાછું તાકાતવર બનાવી દેશે. એટલે જ એ વાત માનવા તૈયાર નથી. તાળી ક્યારેય એક હાથે ન વાગે, અને એટલે જ અત્યારે બંને પક્ષો પોતપોતાની જીદ પર એડેલા છે. યુદ્ધ રોકવાના કરારની લાંબા ગાળાની અસરો હવે વાત કરીએ એ શાંતિ કરારની જેણે દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફ્રાન્સમાં જે 14-મુદ્દાની ડીલ થઈ છે, તે માત્ર એક કાગળ નથી, પણ દુનિયાનો નકશો બદલવાની ચાલ છે. અમેરિકાનું માનવું છે કે આ કરારથી, અંત ભલા તો સબ ભલા. એટલે કે જો તેલનો વેપાર સરખો થઈ જાય અને વૈશ્વિક અર્થતંત્ર સુધરી જાય, તો પાછલી બધી નુકસાની સરભર થઈ જશે. આવો જોઈએ આ ઐતિહાસિક ડીલના મુખ્ય મુદ્દાઓ: આ કરાર જોઈને ઈઝરાયલના પેટમાં તેલ રેડાયું છે. ઈઝરાયલના મંત્રીઓ કહે છે કે આ તો સીધેસીધું દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું ભયંકર કામ છે. કારણ કે આ કરારમાં ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને રોકવાની કોઈ વાત જ નથી! અમેરિકા ભલે 300 બિલિયન ડોલર આપે, પણ ઈઝરાયલને ડર છે કે ઈરાન આ પૈસાથી ફરી હમાસ અને હિઝબુલ્લાહને હથિયારો પૂરા પાડશે. ભવિષ્યના ત્રણ સૌથી મોટા અને ગંભીર જોખમો જો ઈઝરાયલ પોતાની જિદ્દ પર અડી રહેશે, તો ભવિષ્યમાં ત્રણ મોટા ભયાનક દૃશ્યો સર્જાઈ શકે છે. પહેલું એ છે કે ઈઝરાયલનો ઈન્ટરનેશનલ બહિષ્કાર. જો ઈઝરાયલ લેબનોનમાંથી સેના પાછી નહીં ખેંચે, તો યુરોપ અને ખુદ અમેરિકા તેને હથિયાર અને પૈસા આપવાનું બંધ કરી શકે છે. ત્યારે ઈઝરાયલની હાલત એવી થશે કે, આગળ કૂવો અને પાછળ ખાઈ. એક તરફ આતંકીઓનો હુમલો અને બીજી તરફ ખાલી તિજોરી. બીજી સંભાવના એ છે કે મધ્ય-પૂર્વમાંથી અમેરિકાની પીછેહઠ થઈ શકે. ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટ કહે છે કે અમેરિકા ફર્સ્ટ. જો અમેરિકા ત્યાંથી હાથ ખેંચી લેશે, તો ત્યાં એક મોટો પાવર વેક્યુમ ઉભો થશે. તેની જગ્યા લેવા માટે તરત જ ચીન, રશિયા અને ઈરાન મેદાનમાં ઉતરી પડશે. રાજકારણમાં કહેવાય છે ને કે, સમય સમય બળવાન છે, નહિ મનુષ્ય બળવાન. ક્યારેક જે વિસ્તાર પર અમેરિકાનો સિક્કો ચાલતો હતો, ત્યાં દુશ્મનોનો દબદબો વધી જશે અને સત્તાનું આખું સંતુલન બગડી જશે. ત્રીજું અને સૌથી ખરાબ સંભાવના છે કે અનંત ચાલતું લોકલ યુદ્ધ. ઈઝરાયલ દક્ષિણ લેબનોનમાં બોર્ડર બનાવીને બેસી રહે અને હિઝબુલ્લાહ રોજ છુપા હુમલાઓ કરતું રહે. આ રોજબરોજની હિંસા એવી સામાન્ય બની જશે કે દુનિયા કહેવા લાગશે, રોજ મરે એને કોણ રડે?. આ લાંબો ખેંચાતો સંઘર્ષ ભવિષ્યની પેઢીઓને જીવતેજીવ નર્કમાં ધકેલી દેશે, જ્યાં રોજ રોકેટ અને સાયરનના અવાજ જ સંભળાશે. ઈઝરાયલે સમાધાનનો માર્ગ અપનાવવો જ પડશે આખી વાતનો સાર એ છે કે મિડલ-ઈસ્ટનો આ અત્યારનો જંગ એ માત્ર જમીનનો ટુકડો પચાવવાની લડાઈ નથી. આ સદીઓ જૂના ઐતિહાસિક ઘા, સતત મરવાના ડર અને મહાસત્તાઓના અહંકારનો વિસ્ફોટક જ્વાળામુખી છે. 4 હજાર નિર્દોષ નાગરિકોને મારીને પણ આજે ઈઝરાયલ રાત્રે શાંતિથી ઊંઘી શકતું નથી. હિંસા ક્યારેય શાંતિનો વિકલ્પ બની જ ન શકે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની વાત એકદમ સોનાના સિક્કા જેવી સાચી છે કે માત્ર હત્યાઓ કરીને તમે સુરક્ષિત ન બની શકો. હવે કૂટનીતિનો સમય પાકી ગયો છે કે નમે તે સૌને ગમે. ઈઝરાયલે પોતાનો અહંકાર છોડીને વાટાઘાટોના ટેબલ પર આવવું જ પડશે. જો ઈઝરાયલ સમયના એંધાણ નહીં સમજે, તો કાયમ માટે અનંત યુદ્ધના વમળમાં ફસાઈ જશે. કારણ કે સમય વર્તે સાવધાન. દુનિયા બદલાઈ રહી છે, અમેરિકાની નીતિઓ બદલાઈ રહી છે, અને હથિયારોથી ક્યારેય કાયમી શાંતિ ખરીદી શકાતી નથી એ ઐતિહાસિક વાસ્તવિકતા હવે બધાએ સ્વીકારવી જ રહી. અને છેલ્લે… શું અમેરિકાની સેના, હથિયારો અને ડોલર વગર ઈઝરાયલ એક દેશ તરીકે સર્વાઈવ કરી શકશે? જવાબ છે શોર્ટ ટર્મ માટે સર્વાઈવ કરવું લગભગ શક્ય જ નથી પણ જો લોન્ગ ટર્મ માટે દેશ બચાવવો હોય તો ઈઝરાયલને પોતાની પોલિસી બદલવી પડશે. કારણ કે ઈઝરાયલ ચારેય બાજુથી દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. ઈઝરાયલ પાસે પરમાણુ હથિયાર અને સેનાની આક્રામકતા તો છે પણ અમેરિકા જેવી મહાશક્તિના સપોર્ટ વગર બધુ જ રાખ બરાબર છે. ઈઝરાયલને અમેરિકા સાથે દુશ્મની કરીને દેશ સુરક્ષિત રાખવો લગભગ ઈમ્પોસિબલ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    From Kalamkari painting to Kashmiri carpet, PM Modi’s gifts showcase India’s heritage
    Next Article
    આધારકાર્ડની કઢાવવા માંગતા લોકો માટે રાહત:રાજકોટની કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધારકાર્ડની સેવા શરૂ થશે, કલેક્ટરે આપ્યા આદેશ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment