Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: શાંતિ, સસ્પેન્સ અને સંકટ:યુદ્ધનો ટ્રિપલ એટેક, 36 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં, આવતીકાલે છેલ્લો ઘા, ખાતર-ઓઈલ-ગેસ મોંઘા ને પાયમાલીનો પર્વત

    14 hours ago

    શું દુનિયા ખરેખર ભૂખમરાના કિનારે ઉભી છે કે આ ખાલી રાજકારણની જ ગરમી છે? કારણ કે એક બાજુ ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મિસાઈલો વરસી રહી છે, તો બીજી બાજુ ઇસ્લામાબાદમાં શાંતિ માટે હાઈ-સ્ટેક્સ બેઠકની વાત છે. પણ અહીં ટ્વિસ્ટ એવો આવ્યો કે પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા ઈરાન અને અમેરિકાની મીટિંગ થાય તે પહેલા જ પાકિસ્તાનના મંત્રીએ એવી તડકતી ભડકતી ટ્વીટ લખી કે મીટિંગ પહેલા જ આગ લાગી ગઈ. આ વચ્ચે હોર્મુઝમાં ઈરાને ફરી કબજો જમાવી, જલડમરુંને બંધ કરી દીધું છે. આટલું જ નહીં ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે ગ્લોબલ સપ્લાઈ ચેઈન તૂટી પડી છે. જેના પર IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સાથે મળીને ધડાકો કર્યો છે કે ખાતર-ટ્રાન્સપોર્ટેશન અને તેલના ભાવ વધવાથી મોંઘવારી થશે અને તેના કારણે દુનિયાના ગરીબ દેશો ભૂખમરામાં આવી જશે. આ ગૂંચવાયેલી ડિપ્લોમસીની વાત આજે આપણે કરીશું. નમસ્કાર... એક બાજુ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ છે, તો બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધની લાંબી અસરોએ સાથે મળીને ગ્લોબલ સપ્લાય ચેઇનને ધૂળધાણી કરી નાખી છે. પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન યુદ્ધ રોકવા મીટિંગ કરે તે પહેલા જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા એમ. આસીફની X પોસ્ટે આગ લગાવી, તેમણે લખ્યું છે કે, ઈઝરાયલે પાક.ની મધ્યસ્થીને ઉઘાડી પાડી જ્યારે કોઈ દેશ બે દેશ વચ્ચે ઝઘડો પૂરો કરતો હોય ત્યારે તે કોઈની પણ બાજુ ન હોવો જોઈએ. પણ પાકિસ્તાનના રક્ષા મંત્રીનું આ નિવેદન તે જ ન્યુટ્રાલિટીના ધજાગરા ઉડાવતું નજરે આવે છે. આ નિવેદને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પણ ડિપ્લોમેટિક લેવલે પણ ભૂકંપ લાવી દીધો છે. પોતાના દેશનું આવું અપમાન ઈઝરાયલ પણ થોડું સહન કરે? તેમણે પણ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પાકિસ્તાનને ચીઠ્ઠીનો છૂટ્ટો ઘા કરીને લખ્યું, “ઈઝરાયલના સર્વનાશ માટેનું આહ્વાહન અત્યંત આઘાતજનક. ઈઝરાયલ આ સહન નહીં કરે,ખાસ કરીને મધ્યસ્થીનો દાવો કરનારનું.” પાક.ની આંખ ખૂલી તો બપોર થઈ ગયું પછી તો શું ઈન્ટરનેશલ દબાણ એટલું વધ્યું કે ખ્વાજા એમ. આસીફે ટ્વીટ ડિલિટ કરવી પડી. પણ અબ પછતા કે ક્યા ફાયદા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત? તેના જેવા હાલ થયા. નુકસાન તો થઈ ચૂક્યું છે. ડિલિટ કરતાની સાથે જ એ સાબિત થઈ ગયું કે પાકિસ્તાન અત્યારે સૂડી વચ્ચે સોપારીના હાલમાં છે. એક બાજુ તેમને પોતાના ઘરના કટ્ટરપંથીઓના અહમને સંતોષવાનો છે તો બીજી બાજુ અમેરિકા અને ચીન સામે પોતાને હોંશિયાર સાબિત કરવાનું છે. આજે નહીં આવતીકાલે થશે યુદ્ધ રોકવાની મીટિંગ હવે આપણે એ વાત કરીએ જે આજે સૌથી વધુ ચર્ચામાં રહેવાની હતી પણ થયું કંઈક બીજું. વાત જાણે એમ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઇસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાનની બેઠક મળવાની હતી. પણ ઈરાન લેબનોન હુમલા સામે વિરોધ કરીને પાકિસ્તાન નથી આવ્યું. પછી નક્કી કરવામાં આવ્યું કે આજની બેઠક 11 એપ્રિલે એટલે કે કાલે થશે. વાત અહીં જ નથી અટકતી, એવી પણ વાત છે કે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસીફના ઇઝરાયેલ વિરોધી વિવાદાસ્પદ નિવેદનથી મોટો ડખો થયો છે. ઇઝરાયેલના આકરા પ્રહાર અને અમેરિકાના દબાણ વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. હવે આખી દુનિયાની નજર આવતીકાલના ફેંસલા પર છે. ઈરાનની અડધી સેનાનો ખાત્મો? હવે યુદ્ધ અને તેની માઠી અસરોની વાત કરીએ તો ઈરાન ગુરિલ્લા યુદ્ધમાં માહેર છે પણ ઈઝરાયલ અને અમેરિકાના આકાશથી બોમ્બમારામાં ઈરાનને ઘણું નુકસાન થયું છે. કહેવાય છે કે પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામૈનીના ગયા પછી સૈનિકોની ક્ષમતા 50 ટકા જેટલી ઘટી ગઈ છે. અંદરખાને એવા પણ રિપોર્ટ્સ છે કે ઈરાનમાં પણ હવે બે ભાગ પડ્યા છે. એકને યુદ્ધ ચાલુ રાખવું છે અને બીજાને જે નુકસાન થયું છે તેની ભરપાઈ અને તમામ પ્રકારના પ્રતિબંધોમાંથી છૂટ જોઈએ છે. ઈરાનનો દસનો દમ, અમેરિકાનો પંદરનો પંચ પાકિસ્તાની બેઠકમાં આવતીકાલે ઈરાનના 10 મુદ્દાના અને અમેરિકાના 15 મુદ્દાના યુદ્ધ બંધીના કાગળિયા મૂકાવાના છે તેની વાત કરીએ તો આ રાજકીય ખેંચતાણની સીધી અસર ગ્લોબલ ઈકોનોમી પર પડી રહી છે. ગ્લોબલ તેલ પૂરવઠામાં 13થી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે. તેલના ભાવ પ્રતિ બેરલ 140 ડોલરથી વધુ પહોંચ્યા છે. જેણે ટ્રાન્સપોર્ટેશન અને ખેતીના ખર્ચામાં વધારો કરી દીધો છે. જ્યારે દુનિયાના નેતાઓ એસી રૂમમાં બેસીને શરતો પર ચર્ચાઓ કરે છે ત્યારે સામાન્ય નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. થોડા સમય પહેલા થયેલા રશિયા યુક્રેનના યુદ્ધે પહેલેથી જ ફટકો માર્યો છે ને હવે મિડલ ઈસ્ટના યુદ્ધે પણ ખાતર અને તેલ-ગેસના પૂરવઠાને તોડી નાખ્યો છે. જેના કારણે આજે લોકો ભૂખમરાનો સામનો કરવા મજબૂર થઈ ગયા છે. હવે થોડી વાત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના યુદ્ધ પછીની અસરના આંકડાઓની પણ વાત કરીએ. IMF અને WFPએ એટમ બોમ્બ ફોડ્યો વર્ષ 2026 માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે સરેરાશ ગ્લોબલ જીડીપીનો અંદાજ 3.3 ટકા રહેવાનો અંદાજ આપ્યો હતો પણ યુદ્ધના કારણે તેમાં ઘટાડો થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના દેશો કે જ્યાં યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યાં જીડીપી દર 2.4 ટકાથી ઘટીને 1.8 ટકા સુધી આવી શકે તેવી સંભાવના છે. વિસ્તારો મુજબ જીડીપીની સંભાવનાની વાત કરીએ તો અમેરિકાની 2.4, યુરોપની 1.5, ચીનની 4.6 અને દક્ષિણ એશિયાની સરેરાશ 5.1 ટકા જીડીપી રહી શકે તેવો IMFનો અંદાજો છે. હોર્મુઝ બંધ હોવાના કારણે શિપિંગમાં 90 ટકાનો ફટકો પડ્યો છે. કતાર જેવા મોટા ગેસ પ્રોડક્શનવાળા દેશો હવે એક્સપોર્ટ નથી કરી શકતા. જેના લીધે યુરોપમાં વીજળીના ભાવ 60 ટકા જેટલા વધી ગયા છે. તેલના ભાવ પણ પ્રતિ બેરલ 140 ડોલરને પાર પહોંચી ગયા હતા. યુદ્ધમાં ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રીનું ગળું દબાયું સેમિકન્ડક્ટર જેવી વસ્તુઓ બનાવવા માટે જે હિલિયમ અને એલ્યુમિનિયમનો સપ્લાય ખોરવાયો છે તેના કારણે ગ્લોબલ ટેક ઈન્ડસ્ટ્રી પણ અટવાઈ છે. દરિયામાં ચાલતા જહાજોના ઈન્શ્યોરન્સની વાત કરીએ તો પ્રિમિયમમાં પણ 50 ટકા વધારો થયો છે, જેનો અલ્ટીમેટ બોજો તો લોકો માથે જ આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનું કહેવું છે કે ભૂખમરો થશે તો તેનું સૌથી મોટું કારણ અનાજની કમી નથી પણ ખાતરના ભાવ છે. ખાતર બનાવવા માટે જે એમોનિયા અને નાઈટ્રોજન વાપરવામાં આવે છે તે યુદ્ધ વિસ્તારના દેશોથી જ આવે છે. જો ખેડૂત જ ખાતર નહીં વાપરે તો આવનાર મોસમમાં પાકનું પ્રોડક્શન પણ ઘટી શકે છે. દુનિયા પર દુષ્કાળ અને ભૂખમરાનું જોખમ WFP મુજબ આપણે ભયાનક દુષ્કાળ બાજુ પણ વળી શકીએ તેવી સંભાવના છે. 36.3 કરોડ લોકો ભૂખમરાના ભરડામાં આવી ગયા છે. 2019માં જેટલો ભૂખમરો હતો આ આંકડો તેનાથી બેગણો છે. આપણી વચ્ચે દુનિયામાં એવા પણ પરિવારો છે તેમને બે ટંકનું ભોજન જ નસીબ નથી થઈ રહ્યું. ભૂખમરાના હોટસ્પોટ દેશોની વાત કરીએ તો… સુદાન અને દક્ષિણ સુદાનમાં સદીનો સૌથી મોટો દુષ્કાળ થઈ શકે છે. યમન દેશ 80 ટકા ખાવાની વસ્તુઓ બીજા દેશ પાસેથી મગાવે છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન તૂટતા હાહાકાર મચ્યો છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો ઈરાન અને પાકિસ્તાનના વેપારી માર્ગો બંધ થતાં 1.2 કરોડ લોકો કટોકટીમાં છે. આફ્રિકામાં આવેલા સોમાલિયા અને ઈથિયોપિયા જેવા દેશો તેલના ભાવ વધતા અનાજના ફાંફાં પડી રહ્યા છે. મિડલ ક્લાસ ખલ્લાસ, ગરીબ પાયમાલ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો માર્ચ 2026માં ખાવાની વસ્તુઓમાં દુનિયા લેવલે સરેરાશ 2.4 ટકાનો ભાવ વધારો થયો છે. તે મોંઘવારીની પહેલી વેવ હતી આ સેકન્ડ વેવ છે. દરેક 10 ટકા તેલના ભાવનો વધારો ગ્લોબલ ઈન્ફ્લેશનમાં 0.4 ટકાનો વધારો કરી દે છે. આ આંકડાઓ એવું કહી જાય છે કે મિડલ ક્લાસ ફેમેલી પાસે ખાવાની વસ્તુઓ છે તે પૂરી થઈ રહી છે અને ગરીબ લોકો પાયમાલ થઈ રહ્યા છે. એવામાં બની શકે કે દુનિયામાં આવનાર સમયમાં સિવિલ વોર કે અનાજ માટેના રમખાણો પણ થઈ શકે છે. 67 લાખ પાકિસ્તાની ભૂખ ભેગા થશે આવી પરિસ્થિતિ છે તો ભારતની આસપાસના દેશોના શું હાલ છે તેની વાત કરવી પણ બને. પાકિસ્તાનની વાત કરીએ તો 67 લાખ લોકો ભૂખમરાની હાલતમાં આવવાના છે અને 35 ટકાનો ફુગાવો પણ થઈ ગયો છે. આ બધુ તેલ-ગેસ-ખાતર વગેરેમાં સપ્લાઈ ચેઈન તૂટી છે તેના કારણે થયું છે. પાકિસ્તાનના મુસાખેલ અને ઝોબમાં 30% ભૂખમરો શ્રીલંકાની જ વાત કરીએ તો 26 ટકા વસ્તી ગરીબી રેખા નીચે છે. 39 ટકા પરિવારોને ખાવાના ફાંફાં પડી શકે છે. બાંગ્લાદેશમાં લાઈટ ગુલ, ફેક્ટ્રીમાં ફાંફાં બાંગ્લાદેશમાં 8-9 ટકા આસપાસ ફુગાવો પહોંચી ગયો છે. લોકોની ખર્ચો કરવાની તાકાત તૂટી ગઈ છે. હોર્મુઝ બંધ હોવાના કારણે ઘઉં અને ગેસની કમી છે. બાંગ્લાદેશની ગાર્મેન્ટ ફેક્ટરીમાં પણ વીજળીના ફાંફાં પડી શકે છે. દુનિયાભરના એક્સપર્ટ્સ ઇસ્લામાબાદ સમિટને શંકાની નજરે જોઈ રહ્યા છે. તેમનું શું કહેવું છે તેની વાત કરીએ તો માનવતાને ભૂખમરાથી બચવાની છેલ્લી તક વૈશ્વિક નેતાઓના નિવેદનોમાં શાંતિ ઓછી અને આક્રમકતા વધુ દેખાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચોખ્ખું કહી રહ્યા છે કે જો હોર્મુઝ નહીં ખુલે તો ઈરાને પરિણામ ભોગવવા પડશે. બીજી બાજુ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની શહીદોના લોહીના વળતરની માંગ કરી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ તો સ્પષ્ટ કરી દીધું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સામેનું તેમનું ઓપરેશન એટર્નલ ડાર્કનેસ અટકવાનું નથી. આ તમામ નિવેદનો વચ્ચે એક વાત ચોખ્ખી છે, ઇસ્લામાબાદ સમિટ 2026 એ માનવતાને ભૂખમરાથી બચાવવાની છેલ્લી તક છે. જો આ મંત્રણાઓ નિષ્ફળ જશે, તો 2027માં દુનિયાએ એવા અનાજ રમખાણો જોવા પડશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. અને છેલ્લે… પાકિસ્તાનની મીટિંગમાં સસ્પેન્સ વધ્યું છે; ઈરાની ડેલિગેશન હજુ સુધી પાકિસ્તાન પહોંચ્યું નથી. લેબનોન પર ઈઝરાયેલી હુમલાથી ઈરાન લાલચોળ છે, જેના કારણે 8 એપ્રિલનો યુદ્ધવિરામ હવે જોખમમાં છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ઈરાન પાકિસ્તાન પહોંચી ગયું છે પણ આ સમાચાર માત્ર અફવા નીકળ્યા. શું આ બેઠક ખરેખર યોજાશે? હવે આખી દુનિયાની નજર આવતીકાલના આ ગૂંચવાયેલા ડિપ્લોમેટિક ફેંસલા પર છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરા, કરમસદ-આણંદ અને ગાંધીધામ મનપાની ભાજપની યાદી જાહેર:ભાજપમાં સામેલ થયાના બીજા જ દિવસે રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટિકિટ
    Next Article
    રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની રણનીતિ:બળવાખોરી ટાળવા તમામ દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યા, મેન્ડેટ છેલ્લી ઘડીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment