Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ઈરાનને છંછેડીને અમેરિકા ભાઠે ભરાયું:યુદ્ધ ટ્રમ્પે શરૂ કર્યું, ખતમ ઈરાન કરશે; દુનિયાની ધોરીનસ સમાન આ ટાપુ પર કબજો કરવાનો અમેરિકાનો ગેમ પ્લાન

    11 hours ago

    આજે આપણે બે મુદ્દા પર વાત કરવાની છે. નમસ્કાર, 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે સાથે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા. તેના બરાબર દસ દિવસ પહેલાં 18 ફેબ્રુઆરીએ વ્હાઈટ હાઉસમાં હાઈલેવલ મિટિંગ ચાલી રહી હતી. તેમાં નક્કી થયું કે દસ દિવસ પછી ઈરાન પર હુમલો કરવો. હુમલો થતાં તો થઈ ગયો પણ ઈરાન નાનો પણ રાઈનો દાણો નીકળ્યો.દુનિયાની અર્થવ્યવસ્થા વીખી નાખી. ઈરાને તો ત્યાં સુધી કહ્યું કે અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. ટ્રમ્પના જ મંત્રીઓ સ્વીકારે છે કે અમેરિકા ગફલતમાં રહી ગયું ઓવેલ ઓફિસમાં જ્યારે મિટિંગ ચાલતી હતી ત્યારે ટ્રમ્પે તેમના મંત્રીઓ અને સલાહકારો વચ્ચે વાત મૂકી કે અમેરિકા ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરવા વિચારી રહ્યું છે. તમે બધા અભિપ્રાય આપો. દરેકે અભિપ્રાય આપ્યા. જ્યારે એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટને પૂછવામાં આવ્યું તો તેમણે સલાહ આપી કે જૂન-2025માં અમેરિકાએ ઈરાન પર હુમલા કરીને 12 દિવસ યુદ્ધ ચલાવ્યું ત્યારે ક્રૂડ ઓઈલ માર્કેટને કોઈ અસર થઈ નહોતી. એટલે ઈરાન પર હુમલો કરીએ છીએ તો ક્રૂડ ઓઈલ માર્કેટને બહુ અસર નહિ થાય. પણ અમારી ગણતરી ઊંધી પડી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે અને મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કરશે, એ વિચાર્યું પણ નહોતું. અત્યારે દુનિયામાં ક્રૂડ ઓઈલની માર્કેટને મોટી અસર થઈ છે, તેણે અમારી ચિંતા વધારી છે. હવે સ્થિતિ એવી છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આર્થિક કટોકટીનો સામનો કરવાના રસ્તાઓ શોધવા માટે ઝઝૂમી રહ્યું છે. આ કટોકટીના કારણે અમેરિકામાં ગેસોલિનના ભાવમાં પણ વધારો થયો છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની તાકાતનો ખોટો અંદાજો લગાવ્યો હતો. યુદ્ધના 13 દિવસ પછી પણ ઈરાન ઝૂક્યું નથી 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા. અમેરિકાએ આને 'ઓપરેશન એપિક યુરી' અને ઈઝરાયલે 'ઓપરેશન લાયન્સ રોર' નામ આપ્યા. ઈરાનના 8 હજાર ઘરો તબાહ થઈ ગયા. સ્કૂલો, 18 હોસ્પિટલો, સરકારી ઓફિસો અને ઓઈલ રિફાઈનરીઓ પર હુમલા કર્યા. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની અને તેની ફર્સ્ટ લીડરશિપ ખતમ થઈ ગઈ. આટલું બધું થયા પછી પણ ઈરાન ગાંજ્યું જાય તેમ નથી. યુદ્ધના 13 દિવસ પછી પણ ઈરાન પરાસ્ત થયું નથી. એ બરાબરની ફાઈટ આપે છે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને તેમણે દુનિયાની ઈકોનોમીનું નાક દબાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની બાબતમાં માર ખાઈ ગયા છે. ટ્રમ્પ નેતન્યાહૂના ગેમ પ્લાનમાં ફસાઈ ગયા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ચાલાક અને ક્રૂર વ્યક્તિ છે. તેમનો હેતુ એક જ હતો કે ઈરાનને પાડી દેવું. પણ ઈઝરાયલ એકલું આ કરી શકે તેમ નહોતું. કારણ કે ડિફેન્સમાં ઈરાન વધારે મજબૂત છે. એટલે તેમણે તેના મિત્ર ટ્રમ્પનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અમેરિકાએ જ્યારે વેનેઝુએલામાં ઘૂસીને ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને રાતોરાત પકડી લીધા અને વેનેઝુએલા પર કબજો કરી લીધો ત્યારથી ટ્રમ્પનો કોન્ફિડન્સ સાતમા આસમાને છે. તેને એમ જ છે કે હું જ આ દુનિયાનો બાદશાહ છું. આ ઘમંડનો જ લાભ લઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ટ્રમ્પને ચાવી ભરાવી કે આપણે સાથે મળીને ઈરાન પર હુમલો કરી દઈએ. આનાથી અમેરિકા અને ટ્રમ્પને ઈતિહાસ યાદ રાખશે. ટ્રમ્પને આટલું જ જોઈતું હતું. તરત જ નેતન્યાહૂના ગેમ પ્લાનનો ભાગ બની ગયા. જાન્યુઆરીમાં ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો થયા ત્યારે જ ઇઝરાયલના ચાલાક નેતા બેન્જામિન નેતન્યાહૂએ નક્કી કરી લીધું હતું કે ઈરાન ભીંસમાં છે ત્યાં જ હુમલો કરી દેવો જોઈએ. નેતન્યાહૂએ ટ્રમ્પને મનાવી લીધા અને આગળ-પાછળનું કાંઈ વિચાર્યા વગર હુમલો કરી દીધો. આનાથી અમેરિકા તો અળખામણું થયું જ, હવે ઈઝરાયલ પણ દુનિયાથી એકલું પડી ગયું છે. અમેરિકામાં ય મોંઘવારી વધી, ટ્રમ્પ સરકારને રેલો આવ્યો ઈરાનના યુદ્ધને ખતમ કરવું એ હવે ટ્રમ્પની મજબૂરી છે. અમેરિકાના અખબારોમાં રિપોર્ટ છે કે ટ્રમ્પના સલાહકારો પણ હવે ટ્રમ્પને કહી રહ્યા છે કે યુદ્ધમાંથી બહાર આવો. અત્યારે યુદ્ધ રોકવા ટ્રમ્પ પર પ્રેશર ઘણું છે. પહેલું કારણ છે ઓઈલના ભડકે બળતા ભાવ. આની અસર અમેરિકા પર પણ પડી છે. અમેરિકાના મોટા ભાગના લોકો યુદ્ધની વિરૂદ્ધમાં હતા, છતાં ટ્રમ્પે યુદ્ધ કર્યું એટલે તેની લોકપ્રિયતાનો ગ્રાફ ડાઉન થયો છે. અત્યાર સુધીમાં અમેરિકાના સાત સૈનિકો માર્યા ગયા છે. 1 લાખ કરોડ ડોલરનો ખર્ચ થઈ ચૂક્યો છે. જો આવું જ ચાલતું રહેશે તો અમેરિકાના મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પને નુકસાન થઈ શકે છે. નવેમ્બર મહિનામાં અમેરિકામાં મિડટર્મ ઈલેક્શન છે. હવે ક્રૂડ ઓઈલના ભાવ વધતાં ટ્રમ્પ સરકારને રેલો આવ્યો છે. કારણ કે ઓઈલના ભાવ વધારા માટે આખી દુનિયા ટ્રમ્પ પર જ દાજ કાઢી રહી છે. ઈરાને કહી દીધું- અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ 4-5 અઠવાડિયાં ચાલી શકે છે. પછી એવું કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ જલ્દી ખતમ થશે. આવું તો એમણે બબ્બેવાર કહ્યું છે. પણ ટ્રમ્પનું 'જલ્દી' એટલે કેટલું? બે દિવસ, બે સપ્તાહ કે બે મહિના...? એ નક્કી નથી. જોકે ટ્રમ્પ હવે યુદ્ધ પૂરું કરવાના મૂડમાં છે પણ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) કહે છે કે, યુદ્ધ ક્યારે પૂરું થશે તે હવે અમે નક્કી કરીશું. ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. ઈરાને તો કહી દીધું છે કે જ્યાં સુધી ઈઝરાયલ અને અમેરિકાના હુમલા થતા રહેશે ત્યાં સુધી અમારા કાઉન્ટરએટેક ચાલુ રહેશે. ઈરાન મિસાઈલ અને ડ્રોન્સથી હુમલા કરી-કરીને રણનીતિક રીતે અમેરિકાને થકાવવા માગે છે. બીજું, ઈરાને UAE, સાઉદી, કતાર, કુવૈત, ઓમાન જેવા ગલ્ફ દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાન આનાથી એ સાબિત કરવા માગે છે કે અમેરિકાના આ સાથી દેશો જ ટ્રમ્પને વિનંતી કરશે કે હવે ઈરાન સામેનું યુદ્ધ બંધ કરો. ટ્રમ્પ અને હેગસેથના નિવેદનોમાં ફેર ઈરાને મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કરીને બાજી પલટી નાખી છે. અમેરિકી લશ્કરી મિલટરી બેઝ, મિડલ ઈસ્ટના ઘણા આરબ દેશોના શહેરો અને ઇઝરાયલમાં વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓના કારણે અમેરિકી અધિકારીઓને રણનીતિ બદલવાની ફરજ પડી. અમેરિકાએ તાત્કાલિક ઘણા પ્લાન બદલ્યા, કેટલાક સ્થળોએ દૂતાવાસો ખાલી કરાવ્યા અને ઓઈલના વધતા ભાવોને કંટ્રોલ કરવા માટે નવી નીતિઓ લાગુ કરી. જગત જમાદાર અમેરિકાને પોતાની જગત જમાદારી ટકાવી રાખવી છે એટલે રઘવાયું બન્યું છે. ટ્રમ્પ ઘણીવાર ખૂબ જ મોટા ટાર્ગેટની વાત કરે છે. તે એવું કહેતા આવ્યા છે કે ઈરાનમાં સુપ્રીમ લીડર કોણ આવશે, તે અમેરિકા નક્કી કરશે. પણ ઈરાને પોતાના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને નક્કી કરી નાખ્યા. ટ્રમ્પ વારંવાર ઈરાનના સુપ્રીમ લીડરની વાત કરે છે પણ વિદેશમંત્રી માર્કો રુબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ આવી વાતો કરતા નથી. પીટ હેગસેથે બે દિવસ પહેલાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ ઈરાકમાં પહેલેથી જ નુકસાન સહન કર્યું છે અને ઈરાનમાં નુકસાન સહન નહીં કરે. અમેરિકાનો સાચો હેતુ એ છે કે ઈરાનની મિસાઈલ શક્તિ અને મિલિટરી શક્તિને નબળી પાડવી. જો આ હેતુ પાર પડે તો યુદ્ધનો અંત આવે. હેગસેથે સ્વીકાર્યું કે અમને અંદાજો નહોતો કે ઈરાન બદલો લેવા આટલી મજબૂત રીતે હુમલા કરશે. ઓઈલના ભાવ વધતાં અમેરિકા પર પ્રેશર વધ્યું; 100 પાદરીઓને બોલાવીને પ્રેયર કરાવી ઓઈલના વધતા ભાવે અમેરિકામાં સત્તાધારી પાર્ટી રિપબ્લિકન નેતાઓની ચિંતા વધારી છે. તેમને ડર છે કે આ મિડટર્મ ચૂંટણીઓ પહેલા મતદારો સાથેની તેમની આર્થિક નીતિઓને નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાવાની છે. ટ્રમ્પ જાહેરમાં અને ખાનગી રીતે પણ કહી રહ્યા છે કે વેનેઝુએલા ઓઈલ કટોકટીનો સામનો કરવામાં મદદ કરી શકે છે. મંગળવારે ટ્રમ્પ સરકારે ટેક્સાસમાં એક નવી રિફાઇનરી શરૂ જાહેરાત કરી, જે રિલાયન્સ સાથે મળીને બનાવશે. આ ઓઈલ પુરવઠો વધારવામાં અને ઈરાનના ઓઈલ માર્કેટની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે. ટ્રમ્પને કોમ્ફિડન્સ હતો કે યુદ્ધથી ઓઈલ સપ્લાયમાં કોઈ અસર નહિ થાય પણ ટ્રમ્પનું ગણિત ઊંધું પડ્યું. એટલે તેમણે વ્હાઈટ હાઉસની ઓવેલ ઓફિસમાં 100 જેટલા પાદરીઓને બોલાવીને પ્રેયર કરાવી. નિષ્ણાતો માને છે કે અમેરિકા યુદ્ધનો અંત લાવવાનો રસ્તા શોધી રહ્યું છે. અમેરિકા પોતે ઈચ્છે છે કે હવે યુદ્ધ પૂરું થાય પણ હવે ઈરાન આડું ફાટ્યું છે. હવે વાત ઈરાનના નાનકડા ખાર્ગ ટાપુની, અહીંથી ચાલે છે દુનિયાની ઈકોનોમી... યુદ્ધ વચ્ચે ચર્ચા ઈરાનના એક ટાપુની છે. આ ટાપુનું નામ ખાર્ગ આઈલેન્ડ. ઈરાન પર ધૂંઆધાર હુમલા થયા પણ અમેરિકા આ ટાપુને અડ્યું પણ નથી. ફારસની ખાડીમાં આવેલો આ ટાપુ ઈરાનની ઈકોનોમીની ધોરી નસ છે. જો આના પર હુમલો થાય છે તો ઈરાન સંપૂર્ણ રીતે તબાહ થઈ જશે. છતાં અમેરિકા આ ટાપુ તરફ જોતું પણ નથી. એનું કારણ શું? કારણ એ જ છે કે જો આ ટાપુ પર અમેરિકા હુમલો કરે તો ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ જાય. ખાર્ગ આઈલેન્ડનું મહત્વ શું છે? ખાર્ગ આઈલેન્ડ ઈરાનના સમુદ્ર કિનારાથી 25 કિલોમીટર દૂર દરિયાની વચ્ચે નાનકડો ટાપુ છે. આ ટાપુ ઈરાનના ક્રૂડ ઓઈલનું એક્સપોર્ટ ટર્મિનલ છે. ઈરાન આખી દુનિયાને ઓઈલ પૂરું પાડે છે. તેના 90% ઓઈલની નિકાસ આ ખાર્ગ આઈલેન્ડથી જ થાય છે. યુદ્ધના કારણે આ ટાપુ અત્યારે ચર્ચામાં છે પણ ઈરાનના આ ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી. જાણીને નવાઈ લાગશે કે આ ટર્મિનલને એક્ટિવ કરવામાં અમેરિકન કંપની એમોકોએ જ ઈરાનની મદદ કરી હતી. આ આઈલેન્ડની કેપેસિટી એટલી જોરદાર છે કે આ આઈલેન્ડ પરથી 70 લાખ બેરલ ઓઈલ શિપમાં લોડ કરવામાં આવે છે. દક્ષિણ ઈરાનમાં જેટલા પણ ઓઈલના કૂવા છે તે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનથી સીધા આ આઈલેન્ડ સાથે જોડાયેલા છે. ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકાએ હુમલો કેમ નથી કર્યો? અમેરિકા એવા દાવા કરે છે કે અમે ઈરાનને તબાહ કરી નાખ્યું. તેના સુપ્રીમ લીડર અલી ખામેનીને મારી નાખ્યા. આટઆટલું થયું પણ ખાર્ગ ટાપુને ઉની આંચ પણ આવી નથી. સેટેલાઈટ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે અહીંથી ઓઈલ સપ્લાય બેરોકટોક ચાલી રહી છે. આના સૌથી મોટા બે કારણો છે. અમેરિકાનો પ્લાન છે કે કમાન્ડો મોકલીને ટાપુ પર કબજો કરવો આ ટાપુની કહાની બીજી બાજુ તો વધારે ચોંકાવનારી છે. અમેરિકા ટાપુ પર બોમ્બમારો નથી કરતું તો શું ખાર્ગ ટાપુને આમ જ છોડી દેશે? ના. વાત એમ છે કે વ્હાઈટ હાઉસ એવી તૈયારી કરી રહ્યું છે કે ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકા હવાઈ હુમલા નહિ કરે પણ તેના બદલે અમેરિકી સૈનિકોને ટાપુ પર મોકલીને કબજો કરવાનો પ્લાન છે. આનો હેતુ માત્ર ઓઈલ પર કબજો કરવાનો જ નથી પણ બહુ મોટું ન્યૂક્લિયર કનેક્શન પણ છે. ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટસ એવું કહે છે કે ઈરાન પાસે અત્યારે 450 કિલો યુરેનિયમ છે જેમાંથી 60% તો ઉપયોગમાં લેવાઈ ગયું છે. જો ઈરાન 90% સુધી ઉપયોગમાં લેવાઈ જાય તો ઈરાન 11 ન્યુક્લિયર બોમ્બ બનાવી શકે છે. મોટાભાગનું યુરેનિયમ આ ટાપુ પર સંગ્રહાયેલું છે. અમેરિકાનું માનવું છે કે જો તે ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરી લે છે તો ઈરાનની આર્થિક કમરને ભાંગી નાખશે અને ન્યુક્લિયર બનાવાની શક્તિ ખતમ કરી નાખશે. જોવાનું એ રહેશે કે અમેરિકાનું આ સિક્રેટ આઈલેન્ડ ઓપરેશન સફળ થશે કે પછી ત્રીજા વિશ્વયુદ્ધનું ટ્રિગર પોઈન્ટ બની જશે. છેલ્લે, 1988માં ઈરાન-ઈરાક યુદ્ધ ચાલતું હતું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. એ ઈન્ટરવ્યૂમાં તેમણે એવું કહ્યું હતું કે, ઈરાકની જગ્યાએ હું હોત તો ઈરાન પર હુમલો કરીને ખાર્ગ ટાપુ પર કબજો કરી લેત. ટૂંકમાં, ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવાની ટ્રમ્પની મનશા 40 વર્ષ પહેલાં પણ હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ : યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    Mini Mathur, 50, reveals why isabgol, magnesium, and vitamin D are her ‘non-negotiable’ supplements: ‘Keep changing it’
    Next Article
    પાલનપુરમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી:12.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment