Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ઇરાન યુદ્ધનો નવો અધ્યાય:આર્મી ચીફની રાતોરાત હકાલપટ્ટી, ગુજરાતી કાશ પટેલ અને તુલસી ગબાર્ડ ટ્રમ્પની રડારમાં, અમેરિકામાં યાદવાસ્થળી સામે આવી

    19 hours ago

    અત્યારે અમેરિકા ઈરાન પર ઓપરેશન એપિક ફ્યૂરી કરીને મિસાઈલ્સના મારા ચલાવી રહ્યું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં ઓપરેશન શુદ્ધિકરણ કરીને પોતાના જ અધિકારીઓને હટાવી રહ્યું છે. યુદ્ધની ભીષણ આગ વચ્ચે ટ્રમ્પે પોતાના જ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને ઘરભેગા કરી દીધા છે. આટલું તો ઠીક અમેરિકાન ઈન્ટેલિજન્સ ડિપાર્ટના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને એફબીઆઈના ગુજરાતી મૂળના ડિરેક્ટર કાશ પટેલને હટાવી દેશે તેવી અફવા કે સમાચારો વહેતા થયા છે. દેશ હોય કે દુનિયા સામાન્ય રીતે ઓફિસર્સને બંધારણને સમર્પિત હોવું જોઈએ પણ ટ્રમ્પ ઈચ્છે છે કે નેતાઓ અને હવે તો અધિકારીઓ પણ તેમની જ વાત માને. આર્મી ચીફને હટાવી દેતા હવે ઈરાન સામેની જંગમાં સૈનિકોના મનોબળમાં શું અસર પડશે અને આ ઓપરેશન ક્લિનઅપથી અમેરિકામાં કેવી આંતરિક યાદવાસ્થળી થશે એની તેનાથી અમેરિકાના દુશ્મનોને કેટલો ફાયદો થઈ શકે આજે વાત કરીએ. નમસ્કાર... સૌથી પહેલા તો આપણે જે આર્મી ચીફની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમની વાત કરીએ... બહાનું સિગ્નલનું પણ હટાવાનું કારણ કંઈક બીજું? હકાલપટ્ટી તો કરી નાખી પણ કેમ થઈ તેની પણ વાત કરીએ. ઓફિશિયલ કારણ કહેવામાં આવ્યું છે તે છે સિગ્નલ એપ વિવાદ. આર્મી ચીફ પર ડિફેન્સ સચિવ પીટ હેગસેથનો આક્ષેપ છે કે તેમણે સેન્સિટિવ વાતો સિગ્નલ મારફતે શેર કરી છે. પણ આંતરરાષ્ટ્રીય બાબતોના એક્સપર્ટ્સ અને રાજકીય પંડિતો માને છે આ તો એક બહાનું છે. કહેવાય છે કે જનરલ જ્યોર્જ એ વાતના કટ્ટર રીતે માનતા હતા કે સેના અને રાજનીતિ બંને અલગ હોવું જોઈએ. રાજનીતિમાં સેના આવે તો ચાલે પણ સેનાને તો રાજનીતિથી દૂર જ રહેવું જોઈએ. ટ્રમ્પ સરકારને એવા અધિકારીઓ જોઈએ છે જે વ્હાઈટ હાઉસના આદેશોને બંધારણના ચશ્મા પહેર્યા વગર માને. સાવ સાદી રીતે સમજીએ તો ટ્રમ્પને સેના ચીફ જોડે વિચારો મેળ નહોતા ખાતા. ખાલી આટલું જ નહીં હેગસેથે તો એવું કહ્યું કે બીજા વર્લ્ડ વોરમાં ખાલી 7 જ ફોર સ્ટાર જનરલ હતા, આજે અમેરિકામાં 44 ફોર સ્ટાર જનરલ છે. હેગસેથને આમાં 20 ટકા કાપ મૂકવો છે. આ યોજનામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM), યુરોપિયન કમાન્ડ (EUCOM) અને આફ્રિકા કમાન્ડ (AFRICOM) ને મર્જ કરીને એક નવું US ઇન્ટરનેશનલ કમાન્ડ બનાવવાની દરખાસ્ત પણ છે. જે કરવામાં જ્યોર્જ તેમને નડતા હતા. અંદરખાને એવી પણ વાત છે કે હેગસેથે લશ્કરમાંથી કેટલાક બ્લેક અધિકારીઓના પ્રમોશન અટકાવી રાખવા દબાણ કર્યું હતું પણ જનરલ જ્યોર્જે આનો વિરોધ કર્યો. મેરિટ વિરુદ્ધ વફાદારીમાં જ્યોર્જની હકાલપટ્ટી થઈ. આ મામલે અમેરિકાના પાંચ રિટાયર્ડ ડિફેન્સ સચિવોએ પત્ર લખીને ચેતવણી આપી છે કે આ હકાલપટ્ટીઓ પક્ષપાતી છે. તેનાથી સૈનિકોમાં સાચુ ન બોલવાનો ડર પેદા થશે. AIને આર્મીમાં અને ડ્રોનનો દુશ્મન ટેન્ક; જનરલ જ્યોર્જની દેન હવે જનરલ રેન્ડી જ્યોર્જની એવી વાતો કરીશું જેનાથી અમેરિકન આર્મીની તાકાત વધી. તેમની એક્સપર્ટી ટેક્નિકલ લેવલે છે, જેનો ફાયદો અમેરિકન આર્મીને યુદ્ધમાં પણ થયો. જનરલ જ્યોર્જના કારણે જ અમેરિકાને M1E3 અબ્રામ્સ નામનો ટેન્ક મળ્યો જેને ડ્રોન્સના હુમલાની કોઈ અસર નથી થતી, ઉપરથી આ ટેન્કમાં AI સિસ્ટમ પણ છે. જનરલ જ્યોર્જના જ કારણે અમેરિકાને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી મળી. જેના કારણે અમેરિકન આર્મી ચાલુ યુદ્ધે પણ મેદાનમાં જ સ્પરપાર્ટ્સ બનાવી શકે છે. દુશ્મનના ડ્રોન ટોળાઓને તોડી પાડવા માટે લેસર અને એન્ટી-ડ્રોન મિસાઇલ સિસ્ટમની તૈનાતી પણ જનરલ જ્યોર્જની આગેવાનીમાં જ થઈ. જનરલ જ્યોર્જની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ ક્રિસ્ટોફર લાનેવને કાર્યકારી ચીફ બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે લાનેવ હેગસેથના નજીકના સહાયક પણ રહ્યા છે. આ એપોઈન્ટમેન્ટ એક ક્લિયર મેસેજ છે કે પેન્ટાગોનમાં માત્ર એ જ ટકી રહેશે જે ટ્રમ્પ અને તેમની સરકારના નેતાઓની જી હજૂરી કરે. આ ઓપરેશન શુદ્ધિકરણમાં આર્મી ટ્રાન્સફોર્મેશન ચીફ જનરલ ડેવિડ હોડને પણ હટાવી દેવામાં આવ્યા છે. તાજા ઉદાહરણોની વાત કરી પણ હવે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે કેટલા અધિકારીઓને હટાવ્યા તેની પણ વાત કરીએ. ટ્રમ્પને પસંદ માત્ર ચરણ-ચૂંબન અધિકારી? ટ્રમ્પનું માનવું છે કે લશ્કરમાં સામાજિક સમાનતા અને વિવિધતાના નામે સૈન્યની લડાયક ક્ષમતા સાથે બાંધછોડ કરવામાં આવી છે. એટલે તેઓ અધિકારીઓને હટાવી રહ્યા છે, પણ અંદરખાને એવી વાતો થઈ રહી છે કે ટ્રમ્પને તેના ચરણ ચૂંબન કરે તેવા જ અધિકારીઓ તેની આસપાસ જોઈએ છે. પણ દુનિયામાં અત્યારે આ જ નથી ચાલી રહ્યું. અમેરિકાના રહેમ નજર હેઠળ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. અત્યારે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે તોડી ભાંગવા કસમ ખાઈ ચૂક્યું છે. જો કે જમીની હકિકત એ છે કે ઈરાને હજુ હાર નથી માની. ઉલટાનું ઈરાનના સસ્તા ડ્રોન અમેરિકાની મોંઘી એર ડિફેન્સ સિસ્ટમને થકવી રહ્યા છે. આર્મી ચીફ હટતા આર્મી જવાનોનું મનોબળ ડગશે? જ્યારે આ બધુ થઈ રહ્યું હોય એવા કપરા સમયે અનુભવી સેનાપતિને હટાવી ટ્રમ્પ શું મેળવી લેવા માગે છે તે મોટો સવાલ છે કારણ કે આ સમયે તો તેમના સેનાના જવાનો આર્મી ચીફની મેન્ટલી અને ઈમોશનલી રીતે ખાસ જરૂર હોય છે. જ્યારે ચીફ કમાન્ડ બદલાય ત્યારે તેની રણનીતિ પણ નવા ચીફ મુજબ બદલાતી હોય છે. જે અમેરિકાના દુશ્મન માટે સારી વાત બની શકે છે. આ તમામ હરકતો પર રશિયા અને ચીન ચાંપતની નજર રાખીને બેઠા હશે કારણ કે અમેરિકાનો આ અંદરોઅંદરનો ઝઘડો તેમને ગ્લોબલી અને યુદ્ધમાં પણ નબળું કરી શકે તેમ છે. વિપક્ષને સાણસામાં ન લઈ શક્યાં તો હાંકી કાઢ્યાં? પેન્ટાગોનમાં જનરલોની હકાલપટ્ટી તો માત્ર હિમશિલાની ટોચ છે. વોશિંગ્ટનના સત્તાના કેન્દ્રમાં અત્યારે એક એવી શુદ્ધિકરણ ઝુંબેશ ચાલી રહી છે જેણે ટ્રમ્પના સૌથી નજીકના સાથીઓને પણ ફાળ પાડી દીધી છે. એપ્રિલ 2026ની શરૂઆત જ એક મોટા ધડાકા સાથે થઈ છે એટર્ની જનરલ પામ બોન્ડીની અણધારી વિદાય. 2 એપ્રિલ, 2026ના રોજ જ્યારે આખું અમેરિકા ઈરાન યુદ્ધના સમાચારમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે એટર્ની જનરલ પામ બોન્ડીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઓફિશિયલી કહેવામાં આવ્યું કે પામ સ્વૈચ્છિક રીતે નીકળવા માગે છે પણ પડદા પાછળ તો કંઈક બીજી જ ગેમ ચાલી રહી છે. કહેવાય છે કે બોન્ડીને હાંકી કાઢવામાં બાળ તસ્કર અને જેફરી એપ્સ્ટિન ફાઈલ્સ જવાબદાર છે. ટ્રમ્પને જેફરી એપ્સ્ટિન કેસમાં જે માહિતીઓ સામે આવી તેમાં પોતાના વિરોધીઓને ફસાવવાનો પ્લાન હતો પણ પામ આવું કરી ન શક્યાં. ટ્રમ્પ ઈચ્છતું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ઝડપથી ટ્રમ્પની સામેના પક્ષના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરે પણ પામ બોન્ડીની રાજનીતિ ટ્રમ્પના બદલાની આગના ગિયરમાં ફિટ ન બેઠી અને તેમને હાંકી કાઢવામાં આવ્યા. ટ્રમ્પના 'તુલસી' માસ્ટરસ્ટ્રોકનું સૂરસૂરિયું? હવે વાત કરીએ તુલસી ગબાર્ડની કારણ કે કહેવાય છે કે ઈરાન યુદ્ધમાં તેમણે જે ખુલાસાઓ કર્યા તેના કારણે તેમને ટ્રમ્પ હકાલપટ્ટી કરી શકે છે. તુલસી હાલ અમેરિકાની ઈન્ટેલિજન્સ નેટવર્કના ડિરેક્ટર છે. જ્યારે 2025માં તેમને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા ત્યારે આને ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યો હતો પણ એપ્રિલ 2026 આવતા સુધીમાં તો સૂરસૂરિયું થઈ ગયું. બંનેના વિચારો મેળ ન ખાયા અને સંબંધોમાં તિરાડ પડવાની વાતો સામે આવી રહી છે. તુલસી ગબાર્ડ હિંદુ પણ ભારતીય નહીં તુલસી ગબાર્ડને શા માટે હટાવવામાં આવી શકે તેની વાત કરીએ તેના પહેલા એક વાત ક્લિયર કરી લેવી જોઈએ કે તુલસી ભારતીય મૂળના નથી. તેમના માતા ક્રિશ્યનમાંથી હિંદુ બન્યા હતા માટે તેમનું નામ તુલસી છે. હવે તુલસીની વાત કરીએ તો તે ભારત અને અમેરિકાની વિદેશ નીતિ સુધરે અને બંને દેશોના સંબંધો સારા થાય તેવી વિદેશનીતિમાં માનવાવાળા છે. આ સિવાય તે યુદ્ધ વિરોધી માનસિકતાવાળા પણ છે. તેમણે ઈરાન સામેના યુદ્ધના જસ્ટિફિકેશન સામે પણ સવાલો ઉઠાવનારા અધિકારીઓનો બચાવ કર્યો હતો. ખાસ કરીને તેમના ડેપ્યુટી જો કેન્ટના રાજીનામા પછી ગબાર્ડે જે રીતે મૌન રાખ્યું તે ટ્રમ્પને ગમ્યું ન હતું. ઈન્ટેલિજન્સ વડાં તુલસી ગબાર્ડને ઘરે બેસાડશે ટ્રમ્પ? અમેરિકાના સેનેટમાં જ્યારે ગબાર્ડે યુદ્ધ મામલે વાત મૂકી હતી ત્યારે તેમણે એક ચોંકાવનારી વાત કહી હતી કે ઈરાને હજુ પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય લીધો જ ન હતો. તેમનો પરમાણુ કાર્યક્રમ તો ક્યારનો'ય નષ્ટ થઈ ગયો હતો. આ નિવેદન ટ્રમ્પના યુદ્ધ શરૂ કરવાના દાવાને ઉઘાડો પાડે છે કે ઈરાન ન્યુક્લિયર હથિયાર બનાવી રહ્યું છે અને તેને રોકવાનું છે. ટૂંકમાં ટ્રમ્પે ખોટું બોલીને યુદ્ધ શરૂ કર્યું તે દુનિયા સામે ઉઘાડું પડી ગયું જે ટ્રમ્પને ગમ્યું નહીં. એટલે ગમે તેમ ટ્રમ્પને હવે તુલસી ગબાર્ડને હટાવવા છે કારણ કે તે ટ્રમ્પના આક્રમક યુદ્ધના વિચારો સાથે મેળ નથી ખાઈ રહ્યા. તુલસી ગબાર્ડ પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમણે વ્હાઈટ હાઉસની મંજૂરી વગર 37 મોટા અધિકારીઓના સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરી દીધા હતા જેના કારણે વહીવટમાં અંદરોઅંદરનો મૌન ઝઘડો વધ્યો હતો. FBI વડા કાશ પટેલની ગમે ત્યારે થઈ શકે હકાલપટ્ટી? બીજું નામ સામે આવે છે જેના પર પણ તલવાર લટકી રહી છે તે છે ગુજરાતી મૂળના કાશ પટેલ, જે અત્યારે FBIના ડિરેક્ટર છે. પામ બોન્ડી બાદ હવે ટ્રમ્પની નજર કાશ પટેલ પર છે. થયું કંઈક એવું છે કે 27 માર્ચે ઈરાનની હંદલા હેક ટીમે કાશ પટેલના જીમેઈલ એકાઉન્ટને હેક કરી લીધું હતું. માત્ર આટલું જ નહીં ત્યાર બાદ હેકર્સે કાશ પટેલના પર્સનલ ફોટોઝ અને અમેરિકાના સેન્સિટિવ ડેટા પબ્લિક કરી ફેલાવી દીધા હતા. યુદ્ધના સમયે એફબીઆઈ ચીફની સુરક્ષામાં આટલું મોટું ગાબડું પડે તે ટ્રમ્પ માટે મોઢા પર તમાચો કહેવાય. આ સિવાય જૂના એફબીઆઈ એજન્ટ્સે કાશ પટેલ સામે ગેરકાયદેસર રીતે તેમને બરતરફ કર્યા અને વેર રાખીને કામ કરાવ્યું તે બદલ કેસ પણ કર્યો છે. આ કેસમાં જે પુરાવાઓ સામે આવી રહ્યા છે તેનાથી પટેલની છબી અલગ રીતે ચીતરાઈને સામે આવી રહી છે. વધુ એક મુદ્દાની વાત કરીએ તો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર્લી કિર્ક નામના ટ્રમ્પના કટ્ટર સમર્થકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે કાશ પટેલે એક્સ પર એક માહિતી શેર કરી હતી જે પછીથી ખોટી સાબિત થઈ હતી. આવી ભૂલોના કારણે કહેવાય છે કે ટ્રમ્પનો વિશ્વાસ કાશ પટેલ પરથી ડગમગ્યો છે. ટ્રમ્પના ઓપરેશન શુદ્ધિકરણના મહિલા શિકાર ટ્રમ્પના વધુ એક શિકાર બન્યા હતા હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ. ગયા મહિને તેમને હટાવીને સ્પેશિયલ એન્વોય બનાવી દીધા છે. ટ્રમ્પે પોતાની છબી અતિ રાષ્ટ્રવાદી રાખવા માટેનો સૌથી મોટો એજેન્ડા બીજા દેશથી અમેરિકા આવતા લોકોનો દેશનિકાલ કરવાનો છે. નેઓમની નબળી લીડરશીપના કારણે સરહદ પરની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે એવું ટ્રમ્પનું માનવું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પૂર આવ્યું અને ICE એજન્ટ્સ દ્વારા ગોળીબારી થઈ તેમાં નાઓમ પૂરી રીતે વાતને હેન્ડલ નહોતા કરી શક્યા. જેના કારણે તેમની પાસેથી જવાબદારી છીનવી લેવામાં આવી હતી. પત્ની ખૂબસૂરત હોવાથી તમને નોકરી આપીઃ ટ્રમ્પ આ બધુ જોઈને એવો અર્થ કાઢી શકાય કે ટ્રમ્પ સરકારમાં એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમને ટ્રમ્પ સરકારમાં સારું કામ કરવું હોય તેમને બંધારણ શું કહે છે તે નહીં પણ ટ્રમ્પ શું કહે છે તે માનવું પડશે. તેમની હામાં હા અને નામાં ના કહેવું પડશે. જો તે આવું કરશે તો વફાદાર અને જો નહીં કરે તો હકાલપટ્ટી નક્કી છે. આ અંધાધૂંધી સાબિત કરે છે કે ટ્રમ્પ હવે સરકાર ચલાવવાના એ તાનાશાહ મોડમાં પહોંચી ગયા છે જ્યાં તેમને ટીકા નહીં પણ માત્ર વખાણ કરનાર લોકો જ જોઈએ છે. એક મહિલાને તો તેમણે દુનિયાની સામે જાહેરમાં એવું કહી દીધું હતું કે તમારા પતિને મેં એટલે નોકરી પર રાખ્યા છે કારણ કે તે બહુ ખૂબસૂરત છે. આ મહિલા એટલે કેથરીન બર્ગમ અને તેમના પતિ એટલે ગૃહ સચિવ ડગ બર્ગમ. ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની સંગીત ખુરશી કેવી રીતે અમેરિકાનો બેડો પાર કરશે તે મોટો સવાલ છે. ટ્રમ્પના ફાંકાથી યુદ્ધનો હાલ અલગ આજે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને 35 દિવસ પૂરા થયા છે. તહેરાન અને ઈઝરાયલમાં બંદૂકો અને મિસાઈલ્સ ગરજી રહી છે. પણ અહીં એક વાત જોવા જેવી છે તે છે યુદ્ધ વિશે ટ્રમ્પના દાવાઓ અને જમીની હકીકત. પેન્ટાગોનથી મળતા સમાચારોને ટ્રમ્પના નિવેદનો સાથે કમ્પેર કરીએ તો યુદ્ધનું ચિત્ર કંઈક અલગ સામે આવી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમણે ઈરાનની પરમાણુ શક્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાખ કરી દીધું છે પણ ઈરાન તરફથી હજુ પણ હુમલા ચાલુ છે અને તુલસી ગબાર્ડ મુજબ તો ન્યૂક્લિયર પ્રોગ્રામ ક્યારનો'ય નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. ગઈકાલે જ અમેરિકાએ તહેરાન પાસેના બીવન બ્રિજને તોડી પાડ્યો. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે હવે તમારા ગેસ અને પાવર પ્લાન્ટનો વારો છે. જવાબમાં ઈરાને આજે જ તેલ અવીવના રેલવે સ્ટેશન પર મિસાઈલ ફેંકી. એક રીતે ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી પણ યુદ્ધ છેડ્યું અને અમેરિકાના 15 જવાનોને શહાદત વહોરવી પડી, 500થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ છે તે અલગ વાત છે. ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકાનું લડાકુ વિમાન એફ-35 તોડી પાડ્યું છે. જો આ સાચું હોય તો આ અમેરિકા માટે બિલકુલ સારી વાત નથી. અમેરિકામાં આંતરિક યાદવાસ્થળી ઈરાને ગ્લોબલ સપ્લાય ચેઈન રોકવા હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે. અનેક ધમપછાડા અને અનેક દેશોને ધમકી બાદ પણ કોઈ ટ્રમ્પ સાથે હોર્મુઝ ખોલવા સાથે ન આવ્યું તો છેલ્લે ટ્રમ્પને પોતાને મોટા બતાવવા એવું કહેવું પડ્યું કે હોર્મુઝ ખોલવું અમારી જવાબદારી નથી. આજે ગ્લોબલ લેવલે તેલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. અમેરિકામાં પણ ધીમે ધીમે યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે, લેબર માર્કેટ નબળુ પડી રહ્યું છે. આવા ગંભીર સમયે ટ્રમ્પ ઓપરેશન ક્લિનઅપ ચલાવે છે તો અમેરિકાના નેતાઓ અને લોકો તેને કઈ નજરે જોશે તે મોટો સવાલ છે. જે થાય તે પણ અમેરિકાના દુશ્મનોને આ આંતરિક યાદવાસ્થળીથી મજા પડી ગઈ છે. અમેરિકા આફતમાં રશિયા-ચીન મોજમાં તેલના ભાવ વધતાની સાથે જ રશિયાને અબજો ડોલરનો નફો થયો છે. દુનિયાને તેલ જોઈએ છે અને રશિયા તે વેચીને માલામાલ થઈ રહ્યું છે. કહેવાય છે કે રશિયા ઈરાનને સેટેલાઈટ ઈમેજનરી આપી રહ્યું છે જેથી ઈરાન અમેરિકા પર ચાપતી નજર રાખી શકે. ચીન આ મામલે પોતાને ન્યુટ્રલ કહે છે અને તે પણ બેફામ રૂપિયા છાપી રહ્યું છે. હોર્મુઝમાં થતા યુઆન પેમેન્ટને કારણે એક પળે તો એવી માહિતી પણ આવી ગઈ હતી કે ચીન આડકતરી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. અમેરિકાએ યુદ્ધની ચિન્ગારીથી ભડકો પણ કરી દીધો પણ હવે યુદ્ધ રોકી નથી શકતું એટલે ચીન પાકિસ્તાન સાથે મળીને યુદ્ધ રોકવા મેદાને આવ્યું છે. જેના કારણે ચીનની ઈમેજ પણ ગ્લોબલ લેવલે સુધરી રહી છે અને અમેરિકાની ગ્લોબલ પાવરને ફટકાર મળી રહ્યો છે. અને છેલ્લે... અમેરિકાની છબી દુનિયામાં એવા દેશની છે જ્યાં લોકશાહી ટોપ લેવલે છે અને તેની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. પણ તુલસી ગબાર્ડ, કાશ પટેલ, જનરલ જ્યોર્જના સમાચારોના કારણે અમેરિકાની આ જ છબી પર મોટો તમાચો છે. અમેરિકા અત્યારે એક નહીં બે મોરચે લડી રહ્યું છે, એક તો બહારથી ઈરાનમાં અને બીજુ અંદરથી પોતાનામાં જ. જેનો ભરપૂર લાભ તેના દુશ્મન દેશો લઈ રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    How the Iran war has left Gulf nations divided in their response
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં હાહાકાર, પેટ્રોલ 450-ડીઝલ 500ને પાર, ઇરાને અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાં, ગુજરાતમાં 7 એપ્રિલે ફરી માવઠાનો ખતરો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment