Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: મોદીના મંત્રી પહેલો ટાર્ગેટ:કોકરોચ પાર્ટીનો માસ્ટર પ્લાન તૈયાર, આજે જંતર-મંતર પર આંદોલન, દીપકેની ધરપકડ થશે તો શું થશે? ચાર તર્કથી ભલભલા સળવળ્યા

    1 week ago

    આજે આપણે જે મુદ્દાની વાત કરવી છે ને, એ સીધી તમારા ઘરના યુવાન દીકરા કે દીકરીના ભવિષ્ય સાથે જોડાયેલી છે. આપણે સૌ એટલું તો જાણીએ છીએ કે ભારતના રાજકારણમાં કોઈ પણ મોટા બદલાવ માટે લોકોએ પરસેવો પાડીને રસ્તા પર ઉતરવું જ પડે. પણ શું તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું છે કે માત્ર કોઈ સોશિયલ મીડિયાનું એક પેજ કે પછી ઈન્સ્ટાગ્રામની કોઈ નાની એવી રીલ દેશની આખી રાજનીતિને હચમચાવી શકે? મે અને જૂન 2026નો આ સમયગાળો આપણા દેશના લોકશાહીના ઇતિહાસમાં એક એવો જ ઐતિહાસિક અને મોટો બદલાવ લઈને આવ્યો છે. જો જંતર મંતર પર કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન ઉતરી જાય તો ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ ડિજિટલ વિરોધ ગ્રાઉન્ડ પર ઉતર્યો હશે. આજે વાત કરીશું કોક્રોચ જનતા પાર્ટીના ધરણાની અને તેનાથી થનારી અસરોની. નમસ્કાર... આ બધી બબાલની શરૂઆત ક્યાંથી થઈ? તારીખ હતી 15 મે, 2026. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં એક કન્ટેમ્પ્ટ પિટિશન એટલે કે અદાલતના તિરસ્કારની અરજી પર ગંભીર સુનાવણી ચાલી રહી હતી. એ વખતે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા CJI જસ્ટિસ સૂર્યકાન્તે ચાલુ કોર્ટમાં એક એવી વાત કહી દીધી જેણે આખા દેશના યુવાનોમાં જાણે આગ લગાવી દીધી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે, “આપણા દેશમાં કેટલાક એવા યુવાનો છે જેઓ બિલકુલ કોક્રોચ એટલે કે વંદા જેવા છે. આ એવા યુવાનો છે જેમને પોતાના વ્યવસાયમાં કોઈ કામ કે નોકરી મળતી નથી, એટલે તેઓ સીધા મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને બેસી જાય છે અને આખી સિસ્ટમ પર હુમલા કરે છે.” જરા વિચારો, દેશની સર્વોચ્ચ અદાલતમાંથી આવો શબ્દ આવે ત્યારે બેરોજગાર યુવાનો પર શું વીતે? જોકે, બીજે જ દિવસે એટલે કે 16 મેના રોજ ચીફ જસ્ટિસે આ બાબતે ખુલાસો પણ કરી દીધો. તેમણે ચોખવટ કરી કે ભાઈ, મારો કહેવાનો મતલબ દેશના સામાન્ય કે બેરોજગાર યુવાનો માટે બિલકુલ નહોતો. પણ જે લોકો નકલી ડિગ્રીઓ લઈને વકીલાતના વ્યવસાયમાં ઘૂસી જાય છે, મેં તો માત્ર તેમના માટે જ આ વાત કહી હતી. પણ સાહેબ, ત્યાં સુધીમાં તો તીર કમાનમાંથી છૂટી ગયું હતું. દેશના ભણેલા-ગણેલા પણ વર્ષોથી બેરોજગાર બેઠેલા યુવાનોના મનમાં આ વંદાવાળો શબ્દ સીધો તીરની જેમ વાગ્યો હતો. આખા યુવા વર્ગમાં એક એવો ભયંકર રોષ ફાટી નીકળ્યો જેને શાંત કરવો હવે સરકાર કે સિસ્ટમમાંથી કોઈના હાથમાં નહોતો અપમાન કેવી રીતે દેશવ્યાપી ડિજિટલ આંદોલન બન્યું? હવે એન્ટ્રી થાય છે એક યુવાનની. આ જ અપમાનજનક શબ્દ કોક્રોચને પોતાની ઢાલ બનાવીને 30 વર્ષનો એક યુવાન સીધો મેદાનમાં ઉતરી આવ્યો. આ યુવાનનું નામ છે અભિજિત દીપકે. 16 મે 2026ના રોજ આ ભાઈએ સોશિયલ મીડિયા પર એક નવી જ પાર્ટી બનાવી દીધી, જેનું નામ રાખ્યું કોક્રોચ જનતા પાર્ટી એટલે કે શોર્ટમાં CJP. હવે આ અભિજિત કોઈ રસ્તે ચાલતો સામાન્ય માણસ નથી, હોં! એ એક જબરદસ્ત ભણેલો-ગણેલો અને પોલિટિકલ કમ્યુનિકેશનનો એક્સપર્ટ છે. ચાલો તેની પ્રોફાઇલ પર એક નજર કરીએ: અભિજિતે અગાઉ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટી માટે પડદા પાછળ કામ કર્યું હતું. ખાસ કરીને 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે યુવાનોને પોતાની તરફ ખેંચવા માટે તેણે જબરદસ્ત મીમ-આધારિત કન્ટેન્ટ બનાવ્યું હતું. એટલે તેને પાક્કી ખબર જ હતી કે આજના યુવાનોની નસ કઈ રીતે દબાવવી. તેણે આ નવી પાર્ટી માટે એક જોરદાર સૂત્ર આપ્યું, "વોઇસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોઇડ" એટલે કે આળસુ અને બેરોજગારોનો અવાજ. મોબાઈલ સ્ક્રીનથી સીધા જંતર મંતર સુધી આ સૂત્રએ લોકો પર એવો જાદુ કર્યો કે માત્ર ગણતરીના દિવસોમાં જ ઈન્સ્ટાગ્રામ પર CJPના 2.2 કરોડથી પણ વધુ ફોલોઅર્સ થઈ ગયા. તમે ખુદ વિચાર કરો, દિલ્હીમાં સત્તામાં બેઠેલી દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપના સત્તાવાર એકાઉન્ટ કરતા પણ આ આંકડો ઘણો મોટો છે. અત્યાર સુધી દેશમાં એવું જ થતું આવ્યું છે કે ડિજિટલ આંદોલનો માત્ર મોબાઈલની સ્ક્રીન પૂરતા જ સીમિત રહે. લોકો ખાલી ઓનલાઈન કમેન્ટ્સ કરે કે હેશટેગ ચલાવે, જેને અંગ્રેજીમાં સ્લેકટીવિઝમ કહેવાય. પણ આ પાર્ટીએ આખી ગેમ જ બદલી નાખી છે. ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું છે કે કોઈ વ્યંગ માટે શરૂ થયેલું પેજ હવે રસ્તા પર ઉતરીને વાસ્તવિક લડાઈમાં ફેરવાઈ રહ્યું છે. દિલ્હીમાં ગુંજ્યો યુવાનોનો અવાજ અહીં સૌથી ચોંકાવનારી વાત સામે આવે છે. જે લોકોને ખાલી એમ જ હતું કે આ કોક્રોચ જનતા પાર્ટી એટલે સોશિયલ મીડિયા પર બેસીને ખાલી જોક્સ અને મીમ્સ બનાવનારા છોકરાઓનું ટોળું છે, એ બધાની આંખો 3 જૂન 2026ના રોજ ખુલ્લી ને ખુલ્લી રહી ગઈ. આ દિવસે નવી દિલ્હીના એકદમ જાણીતા અને પ્રતિષ્ઠિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે આ પાર્ટીએ પોતાની સૌથી પહેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ બોલાવી. આ કોઈ સામાન્ય પત્રકાર પરિષદ નહોતી, આ તો આપણા દેશના રાજકારણમાં નવી પેઢી એટલે કે Gen-Zની સત્તાવાર અને ધમાકેદાર એન્ટ્રીનું પ્રતીક હતું. આ લોકોએ આખી દુનિયાને બતાવી દીધું કે તેમની પાસે ખાલી ઓનલાઈન ફોલોઅર્સ જ નથી, પણ એક મજબૂત પ્લાનિંગ અને ભણેલા-ગણેલા લોકોનું આખું સંગઠન છે જે સિસ્ટમ સામે લડવા તૈયાર છે. આંદોલન ચલાવનારા ત્રણ બુદ્ધિશાળી કોક્રોચો કોણ છે? આ આખી મીટિંગમાં પત્રકારોના આકરા સવાલોના જવાબ આપવા માટે કોઈ સામાન્ય નેતાઓ નહોતા બેઠા, પણ દેશના બુદ્ધિશાળી ત્રણ પ્રવક્તાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમના નામ અને કામ જાણીને કોઈ પણ મોટા નેતાના પરસેવા છૂટી જાય તેવું મજબૂત તેમનું બેકગ્રાઉન્ડ છે. મુખ્ય પ્રવક્તા સૌરવ દાસને લીગલ, જ્યુડિશિયલ અને સોશિયલ ઈશ્યુઝમાં મોટો અનુભવ છે, જેમણે નવેમ્બર 2025માં ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધી આંદોલનનું સફળ નેતૃત્વ કર્યું હતું. બીજા પ્રવક્તા વિજેતા દહિયા દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેમણે પાવર ઓફ યુનિવર્સ નામનું પુસ્તક લખ્યું છે, હરિયાણવી ફિલ્મો બનાવી છે અને ધ્રુવ રાઠી જેવા મોટા ડિજિટલ ક્રિએટર્સ સાથે પણ કામ કર્યું છે. ત્રીજા પ્રવક્તા આશુતોષ રાંકા આઈઆઈટી કાનપુર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જેવી દુનિયાની ટોચની સંસ્થાઓમાંથી ભણીને આવ્યા છે અને મેકકિન્સે કંપનીમાં મોટી નોકરી છોડીને દેશના યુવાનો માટે લડવા પાછા આવ્યા છે. આ ત્રણેય જણાએ ભેગા મળીને જે વાતો કરી, તેનાથી સરકારના પાયા હચમચી ગયા. પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની મોટી માગણી આ આખી પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા હતો દેશના યુવાનોના ભવિષ્ય સાથે થતી રમત અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું. પ્રવક્તાઓએ આક્રોશ સાથે આંકડા આપતા કહ્યું કે તાજેતરમાં NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષામાં થયેલા ભયંકર પેપર લીક અને ગોટાળાઓ, CBSEની નવી ઓન-સ્ક્રીન માર્કિંગ ઇવેલ્યુએશન સિસ્ટમની ખામીઓ, તેમજ CUET અને SSC GD પરીક્ષાઓમાં થયેલી મોટી ગેરરીતિઓના કારણે દેશના લગભગ 1 કરોડ જેટલા યુવાનોનું ભવિષ્ય સાવ અંધકારમાં ધકેલાઈ ગયું છે. મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે બહુ કડક શબ્દોમાં કહ્યું કે આપણી આખી સિસ્ટમમાં સડો પેસી ગયો છે અને દેશના યુવાનો હવે સરકાર પાસેથી મિનિમમ જવાબદારી માગી રહ્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે અત્યાર સુધીમાં 8 લાખથી વધુ નાગરિકોએ ઓનલાઈન પિટિશન પર સહી કરીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી છે. સરકારે આ આંદોલનને શાંત કરવા અને આંખમાં ધૂળ નાખવા માટે કૃષિ મંત્રાલયના 2 સચિવોની બદલી કરી નાખી, પણ સૌરવે તેને સાવ નકામું પગલું ગણાવ્યું. વિજેતા દહિયાએ એક બહુ જ સેન્સિટિવ મુદ્દો ઉઠાવ્યો કે પેપર લીક અને ભણતરના તણાવના કારણે દેશમાં કેટલાય માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી, પણ સરકાર હજુ સુધી મૌન ધરીને બેઠી છે. આ પત્રકાર પરિષદના અંતે મોટી જાહેરાત કરવામાં આવી કે પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે 6 જૂન 2026ના રોજ અમેરિકાથી સીધા ભારત આવી રહ્યા છે અને જંતર મંતર પર થનારા શાંતિપૂર્ણ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. તેમણે બધા જ પક્ષોના નેતાઓને કોઈ પણ પક્ષના બેનર વગર આ લડાઈમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું. CJPની 5 માંગણીઓ અને વિપક્ષની ઢીલાશ હવે વાત કરીએ આ પાર્ટીના 5-મુદ્દાના મેનિફેસ્ટોની. આ મુદ્દાઓ જ બતાવે છે કે આ યુવાનો દેશની મૂળભૂત ખામીઓને કેટલી સારી રીતે સમજે છે. નવાઈની વાત એ છે કે જે સવાલો કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન જેવા મુખ્ય વિપક્ષોએ વર્ષોથી ઉઠાવવાના હતા, તે ઉઠાવવામાં તેઓ સાવ નિષ્ફળ રહ્યા છે. વિપક્ષો હંમેશા સાવચેતીભરી અને જૂની પુરાણી રાજકીય ભાષા વાપરે છે, જ્યારે સત્તાધારી પક્ષ રાષ્ટ્રવાદ અને ધર્મના નામે સ્ક્રિપ્ટેડ અને રટેલી વાતો કરે છે. આ બંનેની વચ્ચે જે મોટો રાજકીય શૂન્યાવકાશ ઊભો થયો હતો, તેને આ કોક્રોચ જનતા પાર્ટીએ ભરી દીધો છે. તેમની આ માંગણીઓ સીધી જનતાના દિલને સ્પર્શે તેવી છે. તેમની સૌથી પહેલી અને મોટી માગણી છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે નિવૃત્તિ પછી કોઈ પણ સરકારી પદ કે રાજ્યસભાની સીટ પર પ્રતિબંધ હોવો જોઈએ, જેથી ન્યાયતંત્ર એકદમ સ્વતંત્ર રહી શકે અને કોઈ ક્વિડ પ્રો ક્વો એટલે કે બદલામાં ઇનામ વાળી નીતિ ન ચાલે. બીજી માગણી બહુ આક્રમક છે કે જો કોઈ સાચા મતદારનું નામ યાદીમાંથી ગાયબ થાય, તો મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ થવી જોઈએ. ત્રીજી વાત તેમણે મહિલાઓ માટે કરી છે, જેમાં સંસદનું કદ વધાર્યા વગર કેબિનેટ અને ચૂંટણીમાં મહિલાઓને પૂરેપૂરી 50% અનામત આપવાની માગ છે. ચોથો પ્રહાર તેમણે મોટા ઉદ્યોગપતિઓના કોર્પોરેટ મીડિયા લાયસન્સ રદ કરવા અને ગોદી મીડિયાના એન્કરોના બેંક ખાતા તપાસવા પર કર્યો છે. છેલ્લે, પક્ષપલટો કરનારા સાંસદો અને ધારાસભ્યો પર 20 વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી લડવા પર કડક પ્રતિબંધની માગ કરી છે, જેથી આ નેતાઓનું ખરીદ-વેચાણ બંધ થાય. આ સિવાય, તેમણે કોઈ ગુપ્ત ભંડોળ ન લેવાની અને RTI હેઠળ પોતાની જાતને જવાબદાર રાખવાની જાહેરાત કરી છે, જે યુવાનોને બહુ ગમી ગઈ છે. જંતર મંતર: માત્ર જગ્યા નહીં, પણ સત્તામાં પહોંચવાનો ગેટવે હવે આપણે એક બહુ જ અગત્યની વાત સમજવાની છે કે આ કોક્રોચ જનતા પાર્ટીએ પોતાના આટલા મોટા આંદોલન માટે 6 જૂનના રોજ દિલ્હીનું જંતર મંતર જ કેમ પસંદ કર્યું? આ કોઈ સામાન્ય નિર્ણય કે માત્ર સગવડ ખાતર લેવાયેલો નિર્ણય નથી. વર્ષો પહેલાં મહારાજા સવાઈ જયસિંહે આ મેદાન બનાવ્યું હતું. આ સ્થળ છેલ્લા કેટલાક દાયકાઓથી દેશના કોઈ પણ મોટા આંદોલનનું કેન્દ્ર બન્યું છે. જંતર મંતર ખાલી વિરોધ કરવાની જગ્યા નથી, પણ તે સીધું મેઈન પોલિટિક્સમાં પહોંચવાનું એક મોટો ગેટવે એટલે કે પ્રવેશદ્વાર છે. તેની જીઓગ્રાફી જુઓ, આ જગ્યા દિલ્હીમાં સંસદ ભવન અને લ્યુટિયન્સ વિસ્તારની એટલી નજીક છે કે ત્યાંથી કોઈ પણ અવાજ સીધો સત્તાના કેન્દ્રો સુધી પહોંચી જાય. અને ત્યાં પ્રદર્શન કરવાથી આંતરરાષ્ટ્રીય અને નેશનલ મીડિયા સીધું ત્યાં પહોંચી જાય છે. ત્યાં સુધી કે રાતોરાત દેશભરમાં ચર્ચા શરૂ થઈ જાય છે. ઇતિહાસ ગવાહ છે કે જે લોકો આ જંતર મંતરની ધરતી પર લાંબો સમય ટકી ગયા, તેઓ સીધા રાજકારણના શિખરે પહોંચી ગયા છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનો ઉદય યાદ કરો વર્ષ 2011, અન્ના હજારેની લીડરશીપમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન થયું. એ આંદોલનની શરૂઆત પણ આ જ જંતર મંતરથી થઈ હતી. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા દિગ્ગજો આ જ આંદોલનની પેદાશ છે. આ આંદોલનમાંથી જ આમ આદમી પાર્ટીનો જન્મ થયો જેણે પાછળથી દિલ્હીમાં સરકાર બનાવી. માર્ચ 2026માં પણ જ્યારે કેજરીવાલને કાનૂની રાહત મળી, તો તેમણે પહેલી મોટી જનસભા જંતર મંતર પર જ કરી હતી. જંતર મંતરે પેદા કરેલા લીડર્સ કિરણ બેદી જેવા પોલીસ અધિકારીઓ કે જનરલ વી.કે. સિંહ જેવા આર્મીના મોટા અધિકારીઓ પણ જંતર મંતર પરના આંદોલનો પછી સીધા રાજકારણમાં આવ્યા અને મંત્રી પદો સુધી પહોંચ્યા. બાબા રામદેવે પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સમયે આ જ જગ્યાનો ઉપયોગ કરીને પોતાની રાષ્ટ્રીય લેવલે મોટી વગ ઊભી કરી હતી. હવે વિચારો, જો આ કોક્રોચ જનતા પાર્ટી અહીં લાંબો સમય ટકી ગઈ, તો કદાચ તે પણ સીધો કોઈ રાજકીય વિકલ્પ બની શકે છે. જંતર મંતરના આંદોલનો, જ્યારે સરકારોને ઝુકવું પડ્યું જંતર મંતરના ધરણાઓએ ભલભલી શક્તિશાળી સરકારોને પોતાના નિર્ણયો બદલવા મજબૂર કરી છે. 2011માં અન્ના આંદોલન વખતે મનમોહન સિંહ સરકારને લોકપાલ બિલ લાવવા મજબૂર થવું પડ્યું હતું. 2012માં નિર્ભયા કાંડ વખતે અહીં ભેગા થયેલા યુવાનોના આક્રોશને કારણે સરકારે બળાત્કારના કાયદાઓ કડક કરવા જસ્ટિસ વર્મા કમિટી બનાવવી પડી હતી. માજી સૈનિકોના વન રેન્ક વન પેન્શન આંદોલને કેન્દ્ર સરકાર પાસે માંગ સ્વીકારાવી. 2020-21ના કિસાન આંદોલન વખતે પણ અહીંના સમાંતર વિરોધના કારણે મોદી સરકારને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા પડ્યા. આ બતાવે છે કે જો CJP અહીં લાખો યુવાનોને ભેગા કરવામાં સફળ રહેશે, તો પેપર લીક કાંડના કારણે શિક્ષણ મંત્રી માટે ખુરશી બચાવવી બહુ જ મુશ્કેલ થઈ જશે. જંતરમંતરથી દીપકેને સરકાર રાતોરાત ઉઠાવી તો નહીં લે ને? કોઈ પણ યુવા આંદોલન માત્ર જોશથી નથી ચાલતું, તેને અનુભવી લોકોના ટેકાની બહુ જરૂર હોય છે. આ દિશામાં CJPને સૌથી મોટો ફાયદો ત્યારે થયો જ્યારે મેગ્સેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચૂકે તેમને ખુલ્લેઆમ ટેકો આપ્યો. તેમણે જાહેરાત કરી કે 6 જૂનના પ્રદર્શનમાં તેઓ પણ જોડાશે. તેમના જેવા બૌદ્ધિક માણસના જોડાવાથી આંદોલનને એક નવી તાકાત મળી. આ સિવાય, મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, ડેરેક ઓ બ્રાયન, મહુઆ મોઇત્રા અને સંજય હેગડે જેવા દિગ્ગજોએ પણ કોક્રોચ જનતા પાર્ટીનો ખુલ્લો સાથ આપ્યો છે. આ સમર્થનથી CJPને ત્રણ મોટા ફાયદા થયા છે: દીપકે પર લટકતી ધરપકડની તલવાર! વાત કરીએ 6 જૂન 2026 ના એ દિવસની, જેના પર આખા દેશની નજર ટકેલી છે. અભિજિત દીપકે અમેરિકાથી સીધા દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકે છે. તેમણે પોતાના લાખો સમર્થકોને એક જ હાકલ કરી છે કે "મને એરપોર્ટ પર મળવા આવો". ત્યાંથી તેઓ લગભગ સોનમ વાંગચૂક અને બીજા નેતાઓ સાથે સીધા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે, જેથી જંતર મંતર પર શાંતિપૂર્ણ ધરણા કરવાની સત્તાવાર પરવાનગી લઈ શકાય. પણ મોટો સવાલ એ છે કે શું સરકાર તેમને આમ આસાનીથી એરપોર્ટ બહાર જવા દેશે? શું તેમને રાતોરાત ઉઠાવી લેવામાં આવશે? જો જમીની વાસ્તવિકતા અને સીધી વાત કરીએ તો, હા, એરપોર્ટ પરથી જ તેમની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે. કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય અને આપણી ગુપ્તચર એજન્સીઓએ તો પહેલેથી જ CJP ને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ગણાવી દીધી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલની ભાજપ સરકાર આવા વિરોધ કે આંદોલનો સામે કેટલી કડક રહી છે. ભારતનો તાજેતરનો ઈતિહાસ જુઓ, ભૂતકાળમાં પણ ઉમર ખાલિદ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા જેવા એક્ટિવિસ્ટોને UAPA અને રાજદ્રોહ હેઠળ રાતોરાત જેલમાં ધકેલી દેવાયા હતા. વર્ષો સુધી તેમને જામીન મળ્યા નથી. દીપકેને પણ ખુદ આ વાસ્તવિકતાની પાક્કી ખબર છે. તેણે મીડિયાને સ્પષ્ટ કહ્યું જ છે કે મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે, પણ દેશના બંધારણ મુજબ શાંતિથી વિરોધ કરવો એ મારો મૂળભૂત હક છે. ધરપકડથી બચવા કાનૂની રસ્તા કયા? જો સરકાર દબાણ લાવીને એરપોર્ટ પરથી જ તેમની ધરપકડ કરવાની કોશિશ કરે, તો દીપકેની કાનૂની ટીમ પાસે બચવાના બંધારણીય રસ્તા છે: દીપકેના વકીલ નકુલ ગાંધી અગાઉથી જ દિલ્હી હાઈકોર્ટમાં તેમનો કેસ લડી રહ્યા છે. સિનિયર વકીલ અખિલ સિબ્બલે બહુ જ જોરદાર દલીલ કરી હતી કે આ તો એક શુદ્ધ વ્યંગ એટલે કે પ્યોર સટાયર છે અને લોકશાહીમાં આવો વ્યંગ કરવાનો અધિકાર કોઈ છીનવી શકે નહીં. આ સિવાય જો એરપોર્ટ પર લોકોની ભીડ ઉમટી પડશે તો પોલીસ માટે દબાણમાં આવીને તાત્કાલિક ધરપકડ કરવી પણ મુશ્કેલ બની જશે. જો દીપકેની ધરપકડ થાય તો શું થઈ શકે? ઘણા રાજકીય પંડિતો એવું માને છે કે આજના જમાનાના છોકરાઓનો ગુસ્સો ખાલી મોબાઈલ સ્ક્રીન પૂરતો સીમિત હોય છે. પણ અહિયાં પરિસ્થિતિ સાવ અલગ છે. લાખો યુવાનો પહેલેથી જ પેપર લીકથી ત્રાસી ગયા છે. જો દીપકેની ધરપકડ થઈ, તો તે રાતોરાત આખા દેશના યુવાનો માટે એક શહીદ બની જશે. સમાજશાસ્ત્રમાં આને સ્ટ્રેઇસેન્ડ ઇફેક્ટ કહેવાય છે. જેનો સીધો અર્થ એ થાય કે તમે જે વાતને દબાવવા જાવ, તે આખા દેશમાં વધુ પ્રખ્યાત થઈ જાય. ખાસ કરીને જ્યારે વાત નોકરી અને કરિયરની હોય, ત્યારે આ ગુસ્સો કાબુ બહાર જઈ શકે છે. સરકારે એ વાત સમજવી પડશે કે આ વર્ચ્યુઅલ ગુસ્સો હવે એક વાસ્તવિક બળવો બની ચૂક્યો છે. આ ગુસ્સો ખાલી દિલ્હી પૂરતો નહીં રહે, પણ ગુજરાત, મહારાષ્ટ્ર, લખનૌ અને જયપુર સુધી યુવાનો રસ્તા પર ઉતરી આવશે. ભાજપ આને દબાવવા શું કરી શકે? બીજી બાજુ, ભાજપ સરકાર પણ આ આંદોલનને કચડવા માટે પોતાની પૂરી સરકારી મશીનરી લગાવી દેશે: સરકારનો આઈટી સેલ દીપકેને અર્બન નક્સલ સાબિત કરવા પૂરો પ્રયાસ કરશે. આ ઉપરાંત ભાજપના આઈટી સેલ દ્વારા સતત એવો નેરેટિવ બનાવવાનો પ્રયાસ થશે કે આ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકો દેશવિરોધી છે. જોકે, દીપકેનો એક સવાલ બહુ તીક્ષ્ણ છે કે શું સિસ્ટમ પર વ્યંગ કરવો અને નોકરી માંગવી એ ખરેખર દેશ માટે રાષ્ટ્રીય ખતરો હોઈ શકે ખરો? આ વિચારવા જેવી વાત છે! આ 2.2 કરોડ લોકોમાંથી કેટલા લોકો ગામડાના છે અને કેટલા શહેરના? આટલો મોટો ખર્ચો કાઢવા માટે ક્રાઉડ ફંડિંગ ક્યાંથી આવે છે? સરકાર કે શિક્ષણ મંત્રીનો આ પેપર લીક બાબતે સત્તાવાર જવાબ શું છે? અને તાઇવાનના સનફ્લાવર મુવમેન્ટ કે આરબ સ્પ્રિંગ જેવા દુનિયાના બીજા દેશોમાં થતા યુવા આંદોલનો સાથે આની સરખામણી કરવી પણ એટલી જ જરૂરી છે. આ બધી માહિતી વગર અત્યારનું ચિત્ર થોડું એકતરફી લાગી શકે છે. કોક્રોચ જનતા પાર્ટીએ આખી સિસ્ટમને સાબિત કરી દીધું છે કે જ્યારે લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત થાય અને દેશના શાસકો તેમને વંદા કહીને ઉતારી પાડવાની મોટી ભૂલ કરે, ત્યારે ખાલી ઈન્ટરનેટથી શરૂ થયેલો ગુસ્સો પણ આખા દેશમાં વાસ્તવિક આગ લગાવી શકે છે. અને છેલ્લે… ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હમણાં નાગપુરમાં એક બહુ ગર્ભિત વાત કહી હતી. “આંદોલનકારીઓ કે વિપક્ષને દેશના દુશ્મન ન ગણવા જોઈએ. હું તો વિપક્ષ શબ્દનો જ વિરોધી છું, પ્રતિપક્ષ કહેવું જોઈએ.” લોકશાહીમાં દેશ ચલાવવા માટે વિપક્ષ કે સામાન્ય લોકોનો અવાજ સાંભળવો જ પડે, આ કોઈ યુદ્ધ નથી. પણ વિડંબના જુઓ, સંઘની જ ભગિની સંસ્થા ભાજપે આજે લોકોની વાત સાંભળવાનું જ સાવ બંધ કરી દીધું છે! આ વાત આજે અહીં એટલા માટે યાદ કરવી પડે છે, કારણ કે કોક્રોચ જનતા પાર્ટીનો આ અસલી આક્રોશ ખાલી એક શિક્ષણમંત્રીનું રાજીનામું માંગવા પૂરતો સીમિત નથી. યુવાનોની અસલી લડાઈ એ સિસ્ટમ સામે છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી સાવ અનઆન્સરેબલ એટલે કે બેજવાબદાર બની ગઈ છે. સવાલ બહુ સીધો છે... જો આપણી લોકશાહીમાં દેશના ભણેલા-ગણેલા યુવાનો પોતાની નોકરી, પેપર લીક અને પોતાના ભવિષ્ય માટે સવાલ પૂછે અને સત્તામાં બેઠેલા શાસકો તેમને વંદા કહીને ઉતારી પાડે... તો આ સત્તા ખરેખર કોના માટે છે? આરએસએસની આ ગંભીર વાત સત્તાના નશામાં ચૂર નેતાઓએ વહેલી તકે સમજવી પડશે, બાકી દેશનો યુવા વર્ગ જ્યારે રસ્તા પર ઉતરશે ત્યારે બહુ મોડું થઈ જશે! સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ગાયત્રી મંદિર પાસે નગરપાલિકા-સામાજિક વનીકરણ વિભાગે વૃક્ષારોપણ કર્યું
    Next Article
    Bandar box office collection Day 1: Anurag Kashyap’s Bobby Deol film fails to cross Rs 1 cr

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment