Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં દેશનો પહેલો હાઈટેક 'સ્ટીલ અંડરપાસ', DRONE VIDEO:મેટલ આર્ચ ટેકનોલોજીથી ટ્રેક કાપીને માત્ર 6 કલાકમાં જ ટનલ ફીટ કરાઈ, પેડેસ્ટ્રિયન સબવેથી મુસાફરોનો ફાયદો

    4 days ago

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા રેલવેના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. સુરતના વ્યસ્ત ગણાતા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો સૌથી પહેલો સ્ટીલનો અંડરપાસ (સબવે) બનાવવાની ઐતિહાસિક કામગીરી કરાઈ હતી. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે પરંપરાગત પદ્ધતિઓમાં મહિનાઓનો સમય લેતી આ કામગીરી રેલવે તંત્ર અને LTની ટીમ દ્વારા માત્ર 6 કલાકના શોર્ટ બ્લોકમાં જ પૂર્ણ કરવામા આવી હતી. સ્ટીલ આર્ચ ટેકનોલોજી આધારિત સ્ટીલ અંડરપાસ (પેડેસ્ટ્રિયન સબવે) ભારતીય રેલવેના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું વિજ્ઞાન અને અદભુત એન્જિનિયરિંગનું પ્રદર્શન પશ્ચિમ રેલવે દ્વારા સુરતના આંગણે કરવામાં આવ્યું હતું. દેશભરમાં ટ્રેનની ગતિ વધારવા અને સુરક્ષા મજબૂત કરવાના ચાલી રહેલા પ્રયાસો વચ્ચે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને એક અત્યંત ક્રાંતિકારી પગલું ભર્યું છે. સુરતના અતિ વ્યસ્ત એવા ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો સૌપ્રથમ સ્ટીલ આર્ચ ટેકનોલોજી આધારિત રોડ અંડરપાસ (પેડેસ્ટ્રિયન સબવે) બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે માત્ર 6 કલાકમાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે. લાખો મુસાફરનો ફાયદો થશે. માત્ર 6 કલાકના લાઈન બ્લોકમાં આટોપી લેવાનો રેકોર્ડબ્રેક ટાર્ગેટ પૂર્ણ આ કોઈ સામાન્ય કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતીય રેલવે અને દેશની દિગ્ગજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (LT) વચ્ચેના સંયુક્ત સંશોધન (RD)નું એક અદભુત પરિણામ છે. જે કામ કરવામાં સામાન્ય રીતે મહિનાઓ સુધી ટ્રેનો રોકવી પડે અથવા ધીમી પાડવી પડે, તે કામ આજે 17 જુલાઈએ માત્ર બપોરના 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 6 કલાકમાં જ લાઈન બ્લોકમાં આટોપી લેવાનો રેકોર્ડબ્રેક ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો છે. રેલવેના ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થનારા આ પ્રોજેક્ટને જોવા માટે રેલવે મંડળ અને LTના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સુરત ખાતે ઉતરી પડ્યો હતો. રેલવે ટ્રેક કાપીને સીધી સ્ટીલ ટનલ ઉતારાશે આ પ્રોજેક્ટની ઝીણવટભરી વિગતો આપતા પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળના ડીઆરએમ (DRM) પંકજસિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભારતીય રેલવેમાં પેડેસ્ટ્રિયન્સ (પગપાળા ચાલનારા) કે ટુ-વ્હીલર ચાલકો માટે જ્યારે પણ રેલવે લાઈનની નીચેથી અંડરપાસ બનાવવાનો હોય, ત્યારે બે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રથમ પદ્ધતિ 'કટ એન્ડ કવર' છે અને બીજી પદ્ધતિ કોંક્રિટના ભારેખમ બોક્સને હાઇડ્રોલિક જેક દ્વારા ધીમે-ધીમે ટ્રેકની નીચે પુશ કરવાની છે જેને 'બોક્સ પુશિંગ ટેકનોલોજી' કહેવાય છે. આ બંને પદ્ધતિઓમાં ટ્રેક સુરક્ષિત રાખવા માટે રિલીવિંગ ગર્ડર્સ નાખવા પડે છે અને જમીનની અંદર લાંબા સમય સુધી ખોદકામ કરવું પડે છે. આ પ્રક્રિયામાં મહિનાઓનો સમય બગડે છે, કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે અને સૌથી મોટી વાત એ છે કે મુસાફરો તેમજ ટ્રેન વ્યવહારને અસાધારણ અસુવિધા ભોગવવી પડે છે. આ રીતે સ્ટીલની આખી ટનલ ક્રેનની મદદથી સીધી ફિટ કરાશે તેમણે ઉમેર્યું કે, આ જૂની પુરાણી અને સમય માગી લેતી પદ્ધતિઓનો કાયમી ઉકેલ લાવવા માટે રેલવે લાંબા સમયથી નવી ટેકનોલોજી પર કામ કરી રહી હતી. હવે અમે જે કરવા જઈ રહ્યા છીએ તે અકલ્પનીય છે. અમે ચાલુ ટ્રેકમાંથી બરાબર 10 મીટરનો રેલવે ટ્રેક આખો કાપીને ત્યાંથી હટાવી દીધો હતો. ત્યારબાદ જેસીબી અને આધુનિક મશીનરી વડે ગણતરીની મિનિટોમાં મોટો ખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાડામાં ફેક્ટરીમાંથી અગાઉથી જ તૈયાર કરીને લાવવામાં આવેલી ગોળાકાર સ્ટીલની આખી ટનલ ક્રેનની મદદથી સીધી ફિટ કરી દેવાઈ હતી. LTના ટોચના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતનું પરિણામ આ દેશી અને હાઈટેક ટેકનોલોજીનું સફળ પ્રદર્શન કરવા માટે ભારતીય રેલવે મંત્રાલય દ્વારા પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન હેઠળ આવતા સુરતના ઉધના સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના ડિઝાઇનિંગ અને એક્ઝિક્યુશનની સંપૂર્ણ જવાબદારી LT કંપનીને સોંપવામાં આવી હતી. LTના વરિષ્ઠ એન્જિનિયરો અને મેટલ એક્સપર્ટ્સની ટીમે રાત-દિવસ એક કરીને આ સ્ટીલ આર્ચ સબવેની અદભુત ડિઝાઇન તૈયાર કરી છે. પૂરા 4 લેયરનું સ્પેશિયલ કેમિકલ અને એન્ટી-કોરોઝિવ કોટિંગ એન્જિનિયરિંગની ભાષામાં સમજીએ તો, આ અંડરપાસ બનાવવા માટે 6 મિલીમીટર (6 mm) જાડાઈ ધરાવતી ખાસ ગ્રેડની સ્ટીલ પ્લેટ્સનો ઉપયોગ કરીને એક મજબૂત ટનલ બનાવવામાં આવી હતી. આ ટનલ સિંગલ પીસ નથી, પરંતુ તેના અલગ-અલગ ગોળાકાર 'આર્ચ સેક્શન્સ' તૈયાર કરવામાં આવ્યા હતાં. આ સેક્શન્સને સાઇટ પર લાવીને ઉચ્ચ ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક બોલ્ટ્સની મદદથી એકબીજા સાથે એસેમ્બલ કરવામાં આવ્યા હતા. કાટ અને જમીનની અંદરના ભેજ સામે રક્ષણ આપવા માટે આ સ્ટીલ આર્ચ પર એક-બે નહીં, પણ પૂરા 4 લેયરનું સ્પેશિયલ કેમિકલ અને એન્ટી-કોરોઝિવ કોટિંગ (પ્રોટેક્શન લેયર્સ) કરવામાં આવ્યું હતું, જે તેને આગામી પચાસ વર્ષ સુધી સુરક્ષિત રાખશે. જમીનની અંદર સૌપ્રથમ એક મજબૂત કોંક્રિટ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યો છે, જેની પર આ સ્ટીલ આર્ચ જઈને બરાબર લોક થઈ જશે. ઉધના સ્ટેશન પર કામ કરવું લોઢાના ચણા ચાવવા સમાન હતું પશ્ચિમ રેલવેની સબર્બન (લોકલ) અને મેઈન લાઈન ટ્રેનોને જોડીએ તો મુંબઈ ડિવિઝન એ દેશનું સૌથી ગીચ અને અતિ વ્યસ્ત રેલવે નેટવર્ક ગણાય છે. અહીં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે અને ચોવીસે કલાક સેંકડો ટ્રેનો દોડતી રહે છે. તેમાં પણ સુરતનું ઉધના સ્ટેશન એ જલગાંવ, ભુસાવળ અને પૂર્વ ભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય જંક્શન હોવાથી ત્યાં રેલ ટ્રાફિકનું ભારણ બહુ વધારે રહે છે. આવા ધમધમતા સ્ટેશન પર આ પ્રકારનો પ્રયોગ કરવો એ એન્જિનિયરો માટે કોઈ મોટી યુદ્ધભૂમિથી કમ નહોતો. ચાલુ સ્ટેશને તમામ કેબલ્સને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોટેક્ટ કરાયા ઉધના સ્ટેશનનું જે સિગ્નલિંગ નેટવર્ક છે તે રેલવેની ભાષામાં અત્યંત 'ડેન્સ અને કોમ્પ્લેક્સ' (અતિ જટિલ) માનવામાં આવે છે. જમીનની નીચે હજારો હાઈ-વોલ્ટેજ પાવર કેબલ્સ, સિગ્નલિંગ વાયરો અને ટેલિકોમ્યુનિકેશનના લાઈવ કેબલ્સ પસાર થાય છે. ખોદકામ દરમિયાન જો એક પણ કેબલ કપાય તો આખા મુંબઈ-સુરત રૂટનું સિગ્નલિંગ ખોરવાઈ જાય અને ટ્રેનોના પૈડાં થંભી જાય તેમ હતા. આ પડકારને પહોંચી વળવા માટે LTની ટીમે છેલ્લી ઘડીએ પોતાની મૂળ ડિઝાઇનમાં પણ કેટલાક મહત્વના ફેરફારો કરવા પડ્યા હતા. ચાલુ સ્ટેશને તમામ કેબલ્સને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોટેક્ટ કરવામાં આવ્યા હતા. જલગાંવ તરફ જતી 'લાઈન નંબર 6' ને આ કામગીરી માટે પસંદ કરવામાં આવી, જેના પર માત્ર 6 કલાકનો ટ્રાફિક બ્લોક લેવાયો હતો. રેલવે પ્રશાસન માટે પડકાર એ છે કે આ 6 કલાકથી એક પણ મિનિટનો સમય વધવો ન જોઈએ. ગેરકાયદેસર ટ્રેક ક્રોસિંગ રોકવા રેલવેનો માસ્ટર પ્લાન ભારતમાં રેલવે અકસ્માતોનું એક મુખ્ય કારણ લોકો દ્વારા શોર્ટકટ અપનાવીને અસુરક્ષિત રીતે કરવામાં આવતું ટ્રેક ક્રોસિંગ છે. ઉધના અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વસતી બહુ વધારે હોવાથી દરરોજ હજારો શ્રમિકો અને સામાન્ય નાગરિકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરીને સામે પાર જતા હોય છે. ફૂટ ઓવરબ્રિજ (FOB) હોવા છતાં, ઊંચા પગથિયાં ચડવાની આળસ અથવા અજ્ઞાનતાના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે. પેડેસ્ટ્રિયન સબવે અંડરપાસથી મુસાફરનો ફાયદો થશે રેલવે તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માગે છે. જો રેલવે લાઈનની નીચેથી જ નાનકડા પેડેસ્ટ્રિયન સબવે (અંડરપાસ) બનાવી દેવામાં આવે, તો લોકો ખૂબ જ સરળતાથી અને સુરક્ષિત રીતે રેલવે લાઈનની આરપાર જઈ શકે છે. ટુ-વ્હીલર ચાલકો પણ ટ્રાફિક વિના પસાર થઈ શકે છે. પંકજસિંહે જણાવ્યું કે, અમારો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા વધારવાનો અને અકસ્માતો શૂન્ય પર લાવવાનો છે. આ સ્ટીલ અંડરપાસ એટલો સુવિધાજનક હશે કે લોકો ટ્રેક પર જવાનું ભૂલી જશે. જો ટેસ્ટિંગ સફળ રહ્યું, તો દેશભરના રેલવે ટ્રેક પર સ્ટીલ અંડરપાસ બનશે રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, આ એક પાયલોટ પ્રોજેક્ટ એટલે કે સંશોધન આધારિત (RD) પ્રયોગ છે. પ્રથમ વખત આ મેટલ આર્ચ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી હાલના તબક્કે તેનો ચોક્કસ નાણાકીય ખર્ચ જાહેર કરવામાં આવ્યો નથી. અત્યારે નાણાં કરતાં પણ વધુ મહત્વ સમયના વ્યવસ્થાપન અને ટેકનોલોજીની ચોકસાઈને આપવામાં આવી રહ્યું છે. રેલવે માટે સૌથી મોટી બચત એ છે કે ટ્રેન વ્યવહાર જે મહિનાઓ સુધી પ્રભાવિત થતો હતો, તે હવે માત્ર 5થી 6 કલાકમાં સામાન્ય થઈ જશે, જેનાથી રેલવેને થતું પરોક્ષ નુકસાન અટકશે. ગુડ્સ ટ્રેનો અને સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પસાર કરીને ટેસ્ટિંગ કરાશે રેલવેના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉધના ખાતે આ સ્ટીલ અંડરપાસ તૈયાર થઈ ગયા બાદ તેના પરથી ભારેખમ ગુડ્સ ટ્રેનો અને સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનો પસાર કરીને તેનું કડક ટેસ્ટિંગ કરવામાં આવ્યું. વાઇબ્રેશન ટેસ્ટ, લોડ ટેસ્ટ અને ચોમાસા દરમિયાન પાણી ભરાવા સામેની ક્ષમતા ચકાસવામાં આવી હતી. રેલવે પ્રશાસનને સંપૂર્ણ વિશ્વાસ છે કે LTની આ સ્વદેશી ટેકનોલોજી સો ટકા સફળ સાબિત થશે. એકવાર આ પ્રયોગ સફળ જાહેર થતાં જ, પશ્ચિમ રેલવે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય રેલવેના તમામ ઝોનલ નેટવર્કમાં જ્યાં પણ બ્લેક સ્પોટ્સ અથવા અકસ્માત પ્રવણ વિસ્તારો છે, ત્યાં બહુ જ ટૂંકા સમયમાં આ ટેકનોલોજીનું રેપ્લિકેશન કરીને હજારોની સંખ્યામાં સ્ટીલ અંડરપાસ બનાવી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાનારી ઘટના સાબિત થવા જઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ:સ્ટોલના ભાવમાં રૂ. 2000થી 12000 સુધીનો વધારો ઝીંકાયો, મેળાનું AI અને ડ્રોન ટેકનોલોજીથી મોનિટરિંગ કરાશે
    Next Article
    જ્ઞાનમંજરી વિદ્યાપીઠનું NEETમાં ઐતિહાસિક પરિણામ:534થી વધુ વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ડોક્ટર બનીને માનવ સેવા કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment