Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધવચ્ચે શાળા છોડી દેનારા બાળકોને પરત લાવવા તંત્રની દોડધામ:CRCથી લઈ મ્યુ. કમિશનર ડોર ટુ ડોર સર્વેમાં લાગ્યા, 7 દિવસમાં 3168 બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો

    1 day ago

    સુરત મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા 'વિકસિત ભારત-2047' ના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ ક્ષેત્રે એક અભૂતપૂર્વ ઝુંબેશ છેડવામાં આવી છે. વર્ષ 2030 સુધીમાં ગુજરાતમાં 100 ટકા સાક્ષરતાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર સુરતમાં શિક્ષણ છોડી દેનારા (ડ્રોપઆઉટ) વિદ્યાર્થીઓને શોધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ અભિયાનની સૌથી મોટી સફળતા એ છે કે, છેલ્લા માત્ર એક અઠવાડિયામાં જ એવા 3,168 બાળકોનું પુનઃ એડમિશન કરાવવામાં આવ્યું છે જેમના વાલીઓ પહેલા તેમને શાળાએ મોકલવા તૈયાર ન હતા. તંત્રની સમજાવટ અને સતત સંપર્ક બાદ હવે આ બાળકો ફરીથી કલમ અને પુસ્તક પકડતા થયા છે. અઢી લાખ બાળકોનો પ્રી-સર્વે અને 52 હજાર 'સંવેદનશીલ' કેસ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 2.5 લાખ (અઢી લાખ) બાળકોનો વ્યાપક પ્રી-સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ડેટાના વિશ્લેષણ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ 52,000 જેટલા બાળકો એવા છે જેમના શિક્ષણ પર જોખમ છે અથવા તો તેઓ 'સંવેદનશીલ' શ્રેણીમાં આવે છે. આ બાળકોએ કાં તો શાળાએ જવાનું બંધ કરી દીધું હતું અથવા તો તેઓ આગળના ધોરણમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં બાળકો શિક્ષણથી વંચિત રહે તે ભવિષ્ય માટે ચિંતાજનક હોવાથી તંત્રએ તાત્કાલિક અસરથી ડોર-ટુ-ડોર સર્વે શરૂ કર્યો હતો. વેકેશનમાં પણ શિક્ષકો અને અધિકારીઓ મેદાનમાં સામાન્ય રીતે મે મહિનામાં શાળાઓમાં વેકેશન હોય છે અને શિક્ષકો રજા પર હોય છે, પરંતુ સુરતમાં સ્થિતિ અલગ જોવા મળી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકોની ટીમે પોતાના વેકેશનનો ભોગ આપીને પણ સેવાનું કામ કર્યું છે. આ ટીમોએ 52,000 બાળકોના ઘરે-ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. જે વાલીઓ આર્થિક કે સામાજિક કારણોસર પોતાના બાળકોને ભણાવવા માંગતા ન હતા, તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ મહેનતને પરિણામે જ હજારો બાળકોને શિક્ષણની મુખ્યધારામાં પરત લાવી શકાયા છે. શિક્ષણથી કોઈ વંચિત ન રહે તે જ અમારો ધ્યેય: એમ. નાગરાજન મનપા કમિશનર એમ. નાગરાજન આ અભિયાન વિશે વધુમાં જણાવે છે કે, "નવી પેઢીનું નિર્માણ માત્ર અને માત્ર શિક્ષણથી જ શક્ય છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સુરતનો કોઈપણ દીકરો કે દીકરી શિક્ષણથી વંચિત ન રહે. ખાસ કરીને એવા 3,168 કેસ જેમાં વાલીઓ ખૂબ જ મક્કમ હતા કે તેઓ બાળકને શાળાએ નહીં મોકલે, ત્યાં અમારી ટીમે સંતોષકારક રીતે સમજાવટ કરી અને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી. હવે આ બાળકો નિયમિત ભણશે તેવી ખાતરી વાલીઓ પાસેથી લેવામાં આવી છે." ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) ભગીરથસિંહ પરમારે આ ઝુંબેશના ટેકનિકલ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો ડેટા ચેક કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે ટ્રાન્ઝિશન પોઈન્ટ્સ છે, જેમ કે ધોરણ 5 થી 6 માં પ્રવેશ, ધોરણ 8 થી 9 માં પ્રવેશ અને ધોરણ 10 પછી 11 માં પ્રવેશ - આ તબક્કે સૌથી વધુ ડ્રોપઆઉટ જોવા મળે છે. આ સંજોગોમાં જે વિદ્યાર્થીઓએ ચાલુ અભ્યાસ દરમિયાન શાળા છોડી દીધી છે, તેમને 'મેઈન સ્ટ્રીમ'માં પાછા લાવવા માટે પદ્ધતિસરનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત ટીમ વર્ક: કલેક્ટરથી લઈને CRC સુધીના તમામ કાર્યરત આ મિશન માત્ર મનપા પૂરતું સીમિત નથી, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર પણ તેમાં ખભેખભા મિલાવીને કામ કરી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સંકલન હેઠળ આખી પ્રક્રિયા ચાલી રહી છે. સી.આર.સી. (CRC), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શિક્ષણ નિરીક્ષક વર્ગ-2 ના અધિકારીઓ સતત ફિલ્ડમાં ફરી રહ્યા છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ પોતે વાલીઓના ઘરે જાય છે, ત્યારે તેનો પ્રભાવ પણ વધુ પડે છે અને વાલીઓ બાળકના ભવિષ્ય પ્રત્યે જાગૃત બને છે. 2030 સુધીમાં 100% સાક્ષરતાનું લક્ષ્ય રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે આગામી થોડા વર્ષોમાં ગુજરાતનો સાક્ષરતા દર 100 ટકા સુધી પહોંચે. સુરતમાં થઈ રહેલી આ કામગીરી અન્ય શહેરો માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે. જે રીતે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ડ્રોપઆઉટ બાળકોને ટ્રેક કરવામાં આવ્યા છે અને ત્યારબાદ જે રીતે માનવીય અભિગમ સાથે સમજાવટ કરવામાં આવી છે, તેનાથી શિક્ષણ સ્તરમાં મોટો સુધારો આવવાની શક્યતા છે. આ ઝુંબેશથી માત્ર એડમિશનની સંખ્યા જ નહીં વધે, પણ સાક્ષરતાના ગુણાત્મક પાસાઓ પણ મજબૂત થશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:જેલમાં ગયેલા મિત્રની પત્ની પર યુવકે દુષ્કર્મ આચર્યું, શહેરમાં આકરી ગરમીએ યુવકનો જીવ લીધો
    Next Article
    સુરેન્દ્રનગરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો પ્રારંભ:AI/ML અને GIS આધારિત ડિજિટલ પ્લેટફોર્મ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment