Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સારા અલી ખાન સંસ્કારોથી હિંદુ છે':કેદારનાથ દર્શન વિવાદમાં BKTCના પૂર્વાધ્યક્ષ- બજરંગ દળનું એક્ટ્રેસને સમર્થન, કહ્યું- 'કપાળનું ત્રિપુંડ આસ્થાનું સાક્ષી છે'

    6 days ago

    સારા અલી ખાનના કેદારનાથ ધામમાં પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બજરંગ દળ, કેદારઘાટી અને શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પૂર્વ અધ્યક્ષ અજેન્દ્ર અજય એક્ટ્રેસના સમર્થનમાં સામે આવ્યા છે. બજરંગ દળના પ્રદેશ મિલન પ્રમુખ વિકાસ વર્માએ કહ્યું કે, 'જો કોઈના મનમાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય, તો તેનું સન્માન થવું જોઈએ.' તેમણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ નો ઉલ્લેખ કરતા આસ્થાની સ્વતંત્રતા પર ભાર મૂક્યો. 'સારા અલી ખાન સંસ્કારોથી હિંદુ છે' BKTC ના પૂર્વ અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે, 'સારા અલી ખાન સંસ્કારથી હિંદુ છે અને તેમના કપાળ પરનું ત્રિપુંડ તેમની આસ્થાની સાક્ષી પૂરે છે. જ્યારે સારા દર્શન માટે આવે છે, ત્યારે તેમનું આચરણ અને શ્રદ્ધા સ્પષ્ટ દેખાય છે, આવા સંજોગોમાં તેમાં વાંધો ઉઠાવવા જેવી કોઈ વાત નથી.' 'સારાને દર્શન કરવા માટે એફિડેવિટ આપવું પડશે' ઉલ્લેખનીય છે કે, શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે, 'કેદારનાથ ધામમાં પ્રવેશ માટે સારા અલી ખાનને એફિડેવિટ આપીને જણાવવું પડશે કે તેમની સનાતન ધર્મમાં આસ્થા છે.' ખરેખર, 17 માર્ચે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બિન-સનાતનીઓના પ્રવેશને લઈને BKTC એ એક સબ-કમિટીની રચના કરી છે, જે એક વિશેષ SOP તૈયાર કરી રહી છે. આ જ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ શ્રદ્ધા સંબંધિત પુરાવાની વાત સામે આવી છે. ‘અમે સારા અલી ખાનનું સ્વાગત કરીશું’ કેદારઘાટીના સ્થાનિક લોકો પણ સારા અલી ખાનના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા છે. સ્થાનિક નિવાસીઓએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, 'જો સારા બાબા કેદારના દર્શન માટે આવે છે, તો તેમનું સ્વાગત કરવામાં આવશે. તેમનું કહેવું છે કે, સારા પહેલા પણ ઘણી વખત અહીં આવી ચૂકી છે અને સ્થાનિક લોકોની વચ્ચે બેસીને ભોજન કરવા ઉપરાંત ચા પણ પી ચૂકી છે. સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે તાજેતરમાં સારા અલી ખાને ચમોલી સ્થિત ચતુર્થ કેદાર રુદ્રનાથ મંદિરના દર્શન કર્યા હતા, જેનાથી તેમના શિવભક્ત હોવાનો સંકેત મળે છે. આવા સંજોગોમાં તેમને એક શ્રદ્ધાળુ તરીકે જોવા જોઈએ. ‘કપાળનું ત્રિપુંડ આસ્થાની સાક્ષી’ બીકેટીસીના પૂર્વ અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું સારા સંસ્કારથી હિંદુ છે, તેમના કપાળનું ત્રિપુંડ તેમની આસ્થાની સાક્ષી છે. જ્યારે તેઓ દર્શન માટે આવે છે, ત્યારે તેમના કપાળ પર લગાવેલું ત્રિપુંડ તેમની આસ્થાની સાક્ષી આપી રહ્યું હોય છે. જો કોઈ હિંદુ ધાર્મિક પરંપરાઓ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા રાખે છે, તો તેમાં વાંધા જેવી કોઈ વાત જ નથી. 'સારા જેવી શિવભક્તો માટે આ નિયમ નથી' જ્યારે બજરંગ દળના પ્રદેશ મિલન પ્રમુખ વિકાસ વર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'નવી વ્યવસ્થા એવા લોકો માટે છે, જેઓ મંદિરોની આસપાસ સ્થાનિક લોકોનો રોજગાર છીનવી રહ્યા હતા અથવા અશાંતિ ફેલાવી રહ્યા હતા. જે લોકો સારા અલી ખાનની જેમ ભગવાન શિવમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે, તેમના માટે મને નથી લાગતું કે કોઈ રોક હોવી જોઈએ. સારા એક પવિત્ર ભાવનાથી આવે છે. એફિડેવિટ માટે એક પવિત્ર ભાવનાની તપાસ કરવામાં આવે છે, અને સારાની ભાવનાઓ શુદ્ધ છે.' સારાએ ઓક્ટોબરમાં કર્યા હતા રુદ્રનાથ ધામના દર્શન સારા અલી ખાને ચમોલીમાં આવેલા ચતુર્થ કેદાર રુદ્રનાથ ધામના કપાટ બંધ થાય તે પહેલા ઓક્ટોબરમાં દર્શન કર્યાં હતાં. આ દરમિયાન સારા 20 કિલોમીટર ચાલીને મંદિર પહોંચી હતી. સારાએ પોતાની આ યાત્રા ચમોલીના ગોપેશ્વરના ગંગોલ ગામથી શરૂ કરી હતી. ત્યારબાદ એક દિવસ પછી તે લ્વીંટી બુગ્યાલ પહોંચી, જ્યાં રાત્રિ રોકાણ કર્યા પછી તેણે ફરીથી ટ્રેકિંગ શરૂ કર્યું અને પછી રુદ્રનાથ બાબાના મંદિર સુધી પહોંચી ગઈ હતી. આ આખી યાત્રા દરમિયાન સારા ઘણા પથ્થરવાળા અને સાંકડા રસ્તાઓ પરથી પસાર થઈ, વચ્ચે તેને ઘણા સ્થાનિક ગ્રામીણો પણ મળ્યા, જેઓ સારાને જોઈને ખૂબ ખુશ થયા. સારા અલી ખાન ટ્રેકિંગ દરમિયાન ઝૂંપડી જેવા ઢાબા પર રોકાઈને ચા પીધી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. તેણે અહીંના ધાર્મિક વિશ્વાસ, લોકજીવન અને પરંપરાગત વાનગીઓ વિશે જાણ્યું. એક્ટ્રેસે પહાડની પ્રાકૃતિક સુંદરતા અને ગ્રામીણ સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થઈને તેને યાદગાર અનુભવ ગણાવ્યો હતો. સારા અલી ખાને ઘણી વાર કેદારનાથના દર્શન કર્યાં છે સારા અલી ખાનનો કેદારનાથ ધામ સાથે ખાસ સંબંધ રહ્યો છે. 'કેદારનાથ' ફિલ્મ બન્યા પછી તે ઘણી વખત ધામમાં દર્શન કરવા પહોંચી ચૂકી છે અને અત્યાર સુધી કોઈ રોકટોક વિના પૂજા-અર્ચના કરતી રહી છે. જોકે, પ્રસ્તાવિત નવી વ્યવસ્થા લાગુ થયા પછી તેને પણ અન્ય શ્રદ્ધાળુઓની જેમ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડી શકે છે. સારાનો કેદારનાથ સાથેનો પહેલો આધ્યાત્મિક અને પ્રોફેશનલ સંબંધ વર્ષ 2017માં તેની ડેબ્યુ ફિલ્મ 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન થયો હતો. ત્યારથી તે સતત અહીં આવતી રહી છે. ઓક્ટોબર 2024માં દિવાળીના બરાબર પહેલા તેણે કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ફોટો શેર કર્યાં હતાં. જ્યારે 2023માં તેણે બે વાર ધામની યાત્રા કરી હતી, 6 મે 2023ના રોજ કેદારનાથ અને તુંગનાથના દર્શન કર્યાં હતાં, જ્યારે લગભગ છ મહિના પછી ઓક્ટોબર 2023માં તે ફરી કેદારનાથ પહોંચી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2021માં સારા અલી ખાન તેની મિત્ર અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સાથે પણ કેદારનાથ દર્શન માટે પહોંચી હતી. 6 વર્ષ પહેલા સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન કર્યાં હતાં સારા અલી ખાને 2020માં કાશીમાં શ્રી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કર્યાં હતાં. તે દિવસોમાં તે માતા અમૃતા સિંહ સાથે વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. સારા આના બે દિવસ પહેલા ગંગા આરતીમાં સામેલ થઈ હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં ષોડશોપચાર પૂજા અર્ચના કરી હતી અને શિવલિંગને સ્પર્શ કર્યો હતો. આના પર સંતો અને વિદ્વાનોએ વાંધો નોંધાવ્યો હતો. 3 વર્ષ પહેલા કરી હતી મહાકાલની પૂજા સારા અલી ખાન 2022માં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં સામેલ થઈ હતી. ભસ્મ આરતી પછી તેણે ગર્ભગૃહમાં જઈને શિવલિંગના દર્શન કર્યા હતા. નંદી હોલમાં બેસીને લગભગ અડધો કલાક સુધી મંત્રોનો જાપ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જેન-Zએ બદલ્યો ખરીદીનો ટ્રેન્ડ:કંપનીઓને પ્રોડક્ટ સાથે કોઈ કહાની, લાઇફસ્ટાઇલ રજૂ કરવી પડી રહી છે
    Next Article
    GMCનો ટેક્સ ઓફિસર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો:ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા લાંચ માગી હતી, ACBએ ભ્રષ્ટ અધિકારીની કરતૂત ખુલી પાડી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment