Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BJP સરકારમાં બંગાળની દુર્ગા પૂજા કેટલી બદલાઈ:370 વર્ષ બાદ પાર્ક સ્ટ્રીટમાં પૂજા; DJ, દારૂ અને પંડાલો પર નવા નિયમો

    7 hours ago

    ક્લાસિક રેસ્ટોરન્ટ્સ, પ્રીમિયમ પબ અને કેફે, ઝગમગતા રસ્તાઓ, ચારેતરફ પોપ અને જેઝ મ્યુઝિકનો અવાજ... નાઇટલાઇફ માટે જાણીતો આ કોલકાતાનો પોશ વિસ્તાર પાર્ક સ્ટ્રીટ છે. અહીં ક્રિસમસ અને ન્યૂ યરની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વખતે પાર્ક સ્ટ્રીટની ઓળખ બદલાતી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બન્યા બાદ પહેલીવાર અહીં દુર્ગા પૂજા થવા જઈ રહી છે. અહીં જ આવેલા એલન પાર્કમાં ‘તાંડવ’ થીમ પર પંડાલ બનાવવામાં આવી રહ્યો છે. આ એકમાત્ર બદલાવ નથી. આ વખતે મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો બંધ રહેશે, ડીજે વગાડવા પર પ્રતિબંધ છે અને સુરક્ષાની જવાબદારી 20 હજાર સિવિક વોલન્ટિયર્સ સંભાળશે. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ… સૌપ્રથમ પાર્ક સ્ટ્રીટની વાત… દુર્ગા પૂજા બંગાળનો સૌથી મોટો તહેવાર, તો પછી ડીજે પર પ્રતિબંધ કેમ? પાર્ક સ્ટ્રીટના જે એલન પાર્કમાં પંડાલ બની રહ્યો છે, તેની એક તરફ બજાર છે તો બીજી તરફ બિશપ હાઉસ આવેલું છે. આસપાસ એંગ્લો ઇન્ડિયન્સ, યહૂદી અને મુસ્લિમ પરિવારો રહે છે. અહીં દુર્ગા માતાની પ્રતિમા તૈયાર થઈ ચૂકી છે. પંડાલમાં મુલાકાત દરમિયાન ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની કોનિકા ગોસ્વામી કહે છે, ‘અહીં ક્રિસમસ તો ઉજવાય જ છે, એટલે દુર્ગા પૂજા કરવામાં પણ મને કશું ખોટું લાગતું નથી.’ જોકે, કોનિકા દુર્ગા પૂજામાં ડીજે બંધ કરવાના સરકારના નિર્ણયથી નારાજ છે. તે કહે છે, ‘આ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી ઓછી કરવી યોગ્ય નથી. ગણેશ પૂજા અને વિશ્વકર્મા પૂજામાં ડીજે વાગી શકતું હોય, તો દુર્ગા પૂજામાં શું વાંધો છે?’ ‘પાર્ક સ્ટ્રીટમાં દુર્ગા પૂજા કરાવવામાં 370 વર્ષ લાગી ગયા’ એલન પાર્કમાં ‘કોલકાતા સનાતની સંઘ કમિટી’ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કમિટીના જનરલ સેક્રેટરી નવીન મિશ્રા કહે છે, ‘પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં 95% હિન્દુઓ છે, છતાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવતી નહોતી. 2016 અને 2017માં અમે પરમિશન માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પરવાનગી ન મળી.’ ‘પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનર્જીની સરકાર રહી, પરંતુ પૂજા ન થઈ શકી. મમતા સરકારમાં અમને પરમિશન ન મળી, ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે અમારી સરકાર આવ્યા પછી અહીં દુર્ગા પૂજા જરૂર થશે. અહીં પૂજા કરાવવામાં 370 વર્ષ લાગી ગયા.’ પૂજાની તૈયારીઓ અંગે નવીન જણાવે છે, ‘મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ચોથના દિવસે પંડાલનું ઉદ્ઘાટન કરી શકે છે. બાકી જે રીતે વિધિ-વિધાનથી પૂજા થાય છે, એ જ પરંપરા મુજબ થશે.’ ‘બંગાળીઓ માટે દુર્ગા પૂજા એટલે જ નોનવેજ’ ગયા મહિને હાવડા પહોંચેલા કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું— ‘હું બંગાળના લોકોને અપીલ કરું છું કે દુર્ગા પૂજા દરમિયાન નોનવેજ ન ખાવ.’ આ નિવેદન બાદ બંગાળમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સરકારી પ્રતિબંધ તો નથી મુકાયો, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે આયોજકોને પૂજા પંડાલ પાસે નોનવેજ ન રાખવાની સૂચના આપી છે. બીજી તરફ સરકારે મહાઅષ્ટમીના દિવસે દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પાર્ક સ્ટ્રીટમાં નોકરી કરતી ડોલ ચક્રવર્તી અને સોનલ ગુપ્તા મળ્યાં. એક બંગાળથી છે અને બીજી બિહારથી. દુર્ગા પૂજા બંને માટે ખાસ છે. દારૂ પર પ્રતિબંધના નિર્ણયથી નારાજ થઈને તેઓ કહે છે, ‘જેને પીવું છે, તે પીશે જ. લોકો પહેલાંથી જ સ્ટોક કરીને રાખી લેશે. બીજું પાસું એ પણ છે કે આનાથી દારૂનું કાળોબજાર વધશે.’ ‘નોનવેજને લઈને પણ જાતજાતની વાતો થઈ રહી છે. બંગાળીઓ માટે દુર્ગા પૂજાનો મતલબ જ નોનવેજ છે. આ દિવસોમાં ઘરમાં અને બહાર પણ અવનવી નોનવેજ વાનગીઓ બને અને વેચાય છે. ખુશી માત્ર એ વાતની છે કે આ વખતે કાર્નિવલ નથી થઈ રહ્યો. તેમાં અલગ-અલગ સંસ્કૃતિઓની ઝલક તો જોવા મળતી હતી, પરંતુ બે-ત્રણ દિવસ સુધી રસ્તાઓ બંધ થઈ જતા હતા, જેના કારણે કામકાજ માટે બહાર નીકળતા લોકોની મુશ્કેલીઓ વધી જતી હતી.’ ‘મટન અને ઇલિશ માછ વગર પૂજાનો આનંદ અધૂરો’ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા અમિતાભ મજુમદાર માટે આ વખતની દુર્ગા પૂજા સાવ અલગ છે. તેઓ જણાવે છે, ‘ઘણા લોકોને સરકારના નિર્ણયો પસંદ નથી આવ્યા, પરંતુ તેઓ બોલવા માંગતા નથી. દુર્ગા પૂજા એટલે જ મટન અને ઇલિશ માછ (હિલસા માછલી). તેના વગર પૂજાનો આનંદ અધૂરો છે. બાકી જેને વેજ ખાવું હોય, એ ભલે ખાય.’ અમિતાભ કાર્નિવલ બંધ થવાથી પણ નારાજ છે. તેઓ કહે છે, ‘બંગાળનો કાર્નિવલ વિશ્વભરમાં જાણીતો છે. તે આપણી સંસ્કૃતિને હજારો કિલોમીટર દૂર સુધી પહોંચાડતો રહ્યો છે. તેને બંધ ન કરવો જોઈતો હતો. આ સંપૂર્ણપણે રાજકીય નિર્ણય છે.’ જ્યારે નેટવર્કિંગ કંપનીમાં કામ કરતી શીલા ડે કહે છે, ‘નોનવેજ ન ખાવા અંગેની ચર્ચા યોગ્ય નથી. વર્ષમાં એકવારમાં ઘરે પધારે છે. આ અમારા માટે ઉત્સવનો સમય છે. આવા સમયે ખાવા-પીવા પર કોઈ કડકાઈ ન હોવી જોઈએ.’ સરકારે આ વખતે મૂર્તિ વિસર્જન માટે ચાર દિવસનો સમય આપ્યો છે. 21થી 24 ઓક્ટોબર વચ્ચે વિસર્જન કરવું ફરજિયાત છે. શીલા આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતા કહે છે, ‘પૂજા પૂરી થયા પછી લોકો મૂર્તિ પર ધ્યાન આપતા નથી. આ નિયમને કારણે ઓછામાં ઓછું પૂરી શ્રદ્ધા સાથે માતાજીની વિદાય થઈ શકશે.’ દુર્ગા પૂજામાં મૂર્તિ બનાવવાથી લઈને સ્ટોલ લગાવવા સુધી તમામ ધર્મના લોકો જોડાયેલા હોય છે. અમે આ બદલાવ અંગે મુસ્લિમ સમાજના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ તૈયાર ન થયું. નોનવેજનો સ્ટોલ લગાવતા એક વેન્ડરે નામ ન આપવાની શરતે જણાવ્યું, ‘અમે પૂજામાં સ્ટોલ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ વિવાદ શરૂ થતાં પ્લાન બદલી નાખ્યો. હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી.’ ખાવા-પીવા પર વિવાદ ન થાય તે માટે RSSના સ્વયંસેવકો સક્રિય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અમારા એક સૂત્રએ નોનવેજ અને દારૂબંધી અંગે જણાવ્યું, ‘જુઓ, પ્રાણપ્રતિષ્ઠા પછી તે જગ્યાએ દેવીનો વાસ થઈ જાય છે. આવા સંજોગોમાં ત્યાં દારૂ અને નોનવેજનો ઉપયોગ યોગ્ય નથી. જોકે, કોઈના પર જબરદસ્તી નથી. ખાવા-પીવાને લઈને કોઈ બબાલ ન થાય, તે માટે સ્વયંસેવકોની ટીમ સક્રિય રહેશે.’ ‘અમારો બુક સ્ટોલ લગાવવાનો પણ પ્લાન છે. ડાબેરી પક્ષો દરેક પૂજા પંડાલ પાસે પોતાનો બુક સ્ટોલ લગાવે છે. એ જ રીતે સંઘના લોકો પણ પૂજા પંડાલની બહાર સ્ટોલ લગાવશે. તેમાં સંઘના કાર્યો અને સ્વયંસેવકોના જીવન સાથે જોડાયેલા પુસ્તકો રાખવામાં આવશે, જેથી લોકો સુધી તેમના દ્વારા થયેલા કાર્યો પહોંચી શકે.’ દુર્ગા પૂજા માટે 45 હજાર પાડા ક્લબોને 1-1 લાખની સહાય બંગાળમાં આશરે 45 હજાર ‘પાડા ક્લબ’ દુર્ગા પૂજાનું આયોજન કરે છે, જેમાંથી 3 હજાર ક્લબ માત્ર કોલકાતામાં છે. ભાજપ સરકારે પૂજા માટે દરેક ક્લબને 1-1 લાખ રૂપિયા આપ્યા છે. આ વખતે મફત વીજળી પણ આપવામાં આવી રહી છે. પૂજા કમિટીઓમાં પ્રમુખ સહિતના અન્ય હોદ્દાઓ પર પણ ભાજપ સાથે જોડાયેલા લોકો આવી ગયા છે. કોલકાતાની સૌથી મોટી દુર્ગા પૂજા કમિટી ‘શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબ’ લેક ટાઉનમાં પંડાલ બનાવે છે. દર વર્ષે અહીં અલગ-અલગ થીમ પર પંડાલ તૈયાર થાય છે— ક્યારેક બુર્જ ખલીફા, ક્યારેક વેટિકન સિટી તો ક્યારેક હવામહલ. અહીં માતાજીને સોના-ચાંદીના ઘરેણાં પહેરાવવામાં આવે છે, જેને જોવા માટે ભારે ભીડ ઉમટે છે. તૃણમૂલ કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા સુજીત બોઝ આ ક્લબના સંરક્ષક હતા. હાલ તેઓ નગરપાલિકા ભરતી કૌભાંડ કેસમાં જેલમાં છે, જેથી ક્લબનો વહીવટી વિભાગ ભાજપના લોકો સંભાળી રહ્યા છે. અહીં બે અઠવાડિયા સુધી પૂજા ચાલતી હતી, પરંતુ આ વખતે ચોથથી જ પંડાલ ખોલવામાં આવશે. સાથે જ આ વખતે પ્રતિમાને સોના-ચાંદીના ઘરેણાં પહેરાવવામાં નહીં આવે. ક્લબના પ્રેસિડેન્ટ કનક દેવનાથ જણાવે છે, ‘આ વખતની પૂજા સુજીત બોઝ અને તેમના પરિવાર માટે નહીં, પરંતુ સામાન્ય જનતા માટે હશે. સોના-ચાંદીના ઘરેણાં પહેરાવવાને કારણે પહેલાં સામાન્ય લોકો ન તો માતાજીના દર્શન કરી શકતા હતા કે ન પુષ્પાંજલિ અર્પણ કરી શકતા હતા. પંડાલમાં માત્ર પોલીસ ફોર્સ અને વીઆઈપી મહેમાનો જ આવી શકતા હતા.’ નાના વેન્ડર્સ પંડાલથી 100 મીટર દૂર સ્ટોલ લગાવી શકશે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને પણ દુર્ગા પૂજાને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે. તે મુજબ પંડાલથી 100 મીટર દૂર ખાણી-પીણીની દુકાનો લગાવવાની રહેશે. આ પાછળ આગ સામે સુરક્ષાનું મુખ્ય કારણ દર્શાવવામાં આવ્યું છે. આ નિયમની અસર પાણીપૂરી, ઝાલમુડી અને રમકડાં વેચતા નાના ફેરિયાઓની કમાણી પર પડશે. પંડાલના મેઇન ગેટથી 100-200 મીટર દૂર જતાં જ તેમનો વેપાર અડધો થઈ જશે. જાદવપુર યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સના પ્રોફેસર વિકાસ દીક્ષિત આ સ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેઓ કહે છે, ‘નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓ માટે દુર્ગા પૂજા જ આખા વર્ષમાં વધારાના પૈસા કમાવવાનો સમય હોય છે. જો પંડાલ તેમનાથી દૂર થઈ જશે, તો મોટું નુકસાન થશે.’ ‘લોકો ઝાંખીઓ જોતા-જોતા લારીવાળાઓ પાસેથી ખાણી-પીણી લેતા હોય છે. જો તેઓ પંડાલથી દૂર થશે, તો લોકો દર્શન કરીને બહાર નીકળ્યા પછી સીધા ઘરે કે રેસ્ટોરન્ટમાં જવાનું વધારે પસંદ કરશે. જોકે, આ નિયમોનું કેટલું પાલન થશે તે કહેવું હાલ મુશ્કેલ છે.’ ‘બાકી ધર્મોમાં જ્યારે ઉત્સવ નથી, તો પછી દુર્ગા પૂજાને શરદોત્સવ કેમ કહેવો?’ ભાજપના પ્રવક્તા દેબજીત સરકારનું કહેવું છે કે મમતા સરકાર દરમિયાન દરેક પૂજા પહેલાં હાઈકોર્ટમાંથી ઓર્ડર લેવો પડતો હતો, પરંતુ આ વખતે ધામધૂમથી પૂજા થશે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પંડાલોમાં ‘શરદોત્સવ’ની જગ્યાએ ‘દુર્ગા પૂજા’ લખવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે દેબજીત કહે છે કે જ્યારે અન્ય ધર્મોમાં કોઈ ઉત્સવ નથી હોતો, ત્યારે દુર્ગા પૂજાને શરદોત્સવ શા માટે કહેવો જોઈએ? જોકે વિપક્ષી દળો આ નિર્ણયથી નારાજ છે. સીપીએમ નેતા સૃજન ભટ્ટાચાર્ય કહે છે, ‘દરેક બંગાળી તેને એક તહેવાર તરીકે ઉજવે છે. પૂજા ભલે હિન્દુઓની હોય, પરંતુ શરદોત્સવ તરીકે તેને દરેક વ્યક્તિ માને છે. આ જ સદીઓથી બંગાળની સુંદરતા રહી છે. ભાજપ પોતાની રાજનીતિ માટે આ માહોલ ખરાબ કરી રહી છે, જેથી અન્ય ધર્મના લોકો આનાથી અંતર બનાવી લે.’ તેઓ વધુમાં ઉમેરે છે, ‘મા દુર્ગાનું બીજું નામ મા શારદા છે. શરદોત્સવનો સીધો અર્થ થાય છે— શારદાનો ઉત્સવ. આ દુર્ગા પૂજાથી અલગ નથી, પરંતુ ભાજપ આ મુદ્દે ખોટો વિવાદ ઊભો કરી રહી છે.’
    Click here to Read More
    Previous Article
    18-19 વર્ષના યુવા મતદારો નોંધણી કરાવી શકશે‎:ગીર સોમનાથમાં મતદાર નોંધણી માટે 4 દિવસ સુધી ખાસ ઝુંબેશ
    Next Article
    Indira Ekadashi Vrat 2026: इंदिरा एकादशी का व्रत आज, पूजा का पूर्ण फल पाने के लिए जरूर पढ़ें ये कथा

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment