Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનસંઘ-BJPના પ્રમુખને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવાયા!:ભેદી હાલતમાં રેલવે ટ્રેક પરથી લાશ મળી; કૌભાંડ ખોલે તે પહેલાં જ ચૂપ કરી દેવાયા?

    14 hours ago

    11 ફેબ્રુઆરી, 1968, રાત્રે 2.20નો સમય. પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવેલા મુગલસરાય રેલવે સ્ટેશનના યાર્ડમાં સન્નાટો છવાયેલો હતો. દૂર ક્યાંક કોઈ એન્જિનની સીટી અને પાટા પર લોખંડનાં પૈડાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો. લાઇનમેન ઈશ્વરીલાલ દયાલ પોતાનું ફાનસ લઈને રોજની જેમ ટેસ્ટિંગ પર નીકળ્યો હતો. વીજળીના થાંભલા નંબર 1267થી ત્રણ ફૂટના અંતરે, કાંકરા પર તેને કંઈક પડેલું દેખાયું. નજીક ગયો તો આંખ સામેનું દૃશ્ય જોઇને એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ત્યાં એક માણસની લાશ પડી હતી. લાશનાં કપડાં અસ્તવ્યસ્ત હતા, પગની ઘૂંટી તૂટીને લગભગ નીકળી ગઈ હતી, માથા પર ઊંડી ઇજા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. એક હાથની મુઠ્ઠી વળેલી હતી, જેમાંથી પાંચ રૂપિયાની નોટ દેખાતી હતી. ઇશ્વરીલાલ ફટાફટ દોડતો ગયો અને સહાયક સ્ટેશન માસ્ટરને જાણ કરી. પાંચ મિનિટમાં રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, નિરીક્ષણ કર્યું અને તે માણસના શરીરને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યું. સ્ટેશન માસ્ટરે પોતાના રજિસ્ટરમાં બે શબ્દો લખ્યાઃ ‘આલમોસ્ટ ડેડ.’ *** જનસંઘના સૌથી મોટા નેતાની હત્યાનું વણઊકેલાયેલું રહસ્ય તે સમયે કોઈને અંદાજ નહોતો કે રેલવે ટ્રેકના કિનારે પડેલી તે લાશ દેશના રાજકારણના સૌથી મોટા વણઉકેલ્યા રહસ્યોમાંની એક સાબિત થવાની છે. થોડા કલાકો પછી ખબર પડી કે આ મૃતદેહ કોઈ સામાન્ય મુસાફરનો નહીં, પરંતુ ભારતીય જનસંઘ (જે પાછળથી ‘ભારતીય જનતા પાર્ટી’ (BJP) બનવાનું હતું) તેના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો હતો. મૃત્યુના માત્ર 43 દિવસ પહેલાં જ દીનદયાળ ઉપાધ્યાયે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. પ્લેટફોર્મથી 750 મીટરના અંતરે એમનો મૃતદેહ સાવ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. એમનું મૃત્યુ એક્ઝેક્ટ્લી કેવી રીતે થયું તેનો જવાબ આજે 58 વર્ષ પછી પણ સંપૂર્ણપણે મળ્યો નથી. આજના ‘ખાખી કવર’માં વાત કરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અનસોલ્વ્ડ મર્ડરની. *** જ્યોતિષીના દીકરાને રાજાએ ગોલ્ડ મેડલ આપ્યો દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના નગલા ચંદ્રભાન ગામમાં થયો હતો. તેમના પિતા એક જ્યોતિષી હતા. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે માતા-પિતા બંનેનું અવસાન થતાં દીનદયાળ મામાના ઘરે મોટા થયા. ભણવામાં તેજસ્વી હોવાને કારણે તેમનાં મામા-મામીએ તેમને રાજસ્થાનના સિકરમાં ભણવા મોકલ્યા. જ્યાં તેમને સિકરના મહારાજાએ દીનદયાળને ગોલ્ડ મેડલ આપ્યો, પુસ્તકો ખરીદવા માટે અઢીસો રૂપિયા અને મહિને દસ રૂપિયાની સ્કોલરશિપ આપી. કાનપુરમાંથી BA કર્યા બાદ ઇંગ્લિશ લિટરેચરમાં MA કરવા માટે દીનદયાળે આગ્રાની સેન્ટ જ્હોન્સ કોલેજમાં એડમિશન તો લીધું, પરંતુ પરિવારની પરિસ્થિતિને કારણે પોતાનો અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો. ધોતી-કુરતા-ગાંધી ટોપીનો પહેરવેશ અને સિવિલ સર્વિસીસની પરીક્ષા આપવાને કારણે તેમના નામની આગળ ‘પંડિત’નું છોગું લાગી ગયું. કારકિર્દીની શરૂઆતથી જ દીનદયાળ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (RSS) સાથે જોડાયા અને ફુલટાઇમ તેના પ્રચારક બની ગયા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું નામ આજે ભારતીય જનતા પાર્ટીના વૈચારિક પાયા સાથે જોડાયેલું છે. તેઓ ‘એકાત્મ માનવવાદ’ના પ્રણેતા, ‘પાંચજન્ય’ અને ‘રાષ્ટ્રધર્મ’ જેવાં સામયિકોના સ્થાપક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તે સમયના સૌથી તેજસ્વી સંગઠનકર્તા હતા. પરંતુ 11 ફેબ્રુઆરી 1968ની મોડી રાત્રે તેમની લાશ જે હાલતમાં મળી, તેણે એક એવી ગૂંચ ઊભી કરી જે CBIની તપાસ, એક જ્યુડિશિયલ કમિશન અને અડધી સદીથી વધુ સમય વીતી ગયા પછી પણ ઉકેલાઈ નથી. દિલ્હીને બદલે પટના જવાનું શા માટે કહેવાયું? તેમની આખરી સફરની મિસ્ટ્રી 10 ફેબ્રુઆરી 1968ની સવારથી શરૂ થાય છે. દીનદયાળ ઉપાધ્યાય તે દિવસોમાં લખનૌમાં હતા. તેમની ધર્મની માનેલી બહેન લતા ખન્નાના ઘરે રોકાયા હતા. સંસદનું બજેટ સત્ર નજીક હતું અને આગામી રણનીતિ નક્કી કરવા માટે 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં જનસંઘના 35 સભ્યોના સંસદીય દળની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળવાની હતી. તેની અધ્યક્ષતા ખુદ દીનદયાળ કરવાના હતા. પરંતુ સવારે આઠ વાગ્યે લતા ખન્નાના ઘરે એક ફોન આવ્યો. ફોનના સામેના છેડે જનસંઘના બિહાર પ્રાંતના સંગઠન મંત્રી અશ્વિની કુમાર હતા, જેમણે દીનદયાળને વિનંતી કરી કે તેઓ પાર્ટીની પ્રદેશ કાર્યકારિણીની એક જરૂરી બેઠકમાં પટના પહોંચે. દીનદયાળે દિલ્હી ફોન કર્યો, સુંદર સિંહ ભંડારીની સલાહ લીધી અને નિર્ણય કર્યોઃ દિલ્હી નહીં, હવે તેઓ પટના જશે. ઉતાવળમાં કાર્યકર્તાઓએ પઠાણકોટ-સિયાલદહ એક્સપ્રેસમાં તેમના માટે ટિકિટ બુક કરાવીઃ ફર્સ્ટ ક્લાસ, એ-કમ્પાર્ટમેન્ટ, ટિકિટ નંબર 04348. સાંજે સાત વાગ્યે ટ્રેન લખનૌ પહોંચી. તેમને વિદાય આપવા તે સમયની ‘સંયુક્ત વિધાયક દળ’ની સરકારમાં ઉપ-મુખ્યમંત્રી રામપ્રકાશ ગુપ્ત અને વિધાન પરિષદના સભ્ય પીતાંબર દાસ આવ્યા હતા. તે જ કમ્પાર્ટમેન્ટમાં એક અન્ય પેસેન્જર પણ હતા, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારી એમ.પી. સિંહ, જે પણ પટના જ જઈ રહ્યા હતા. બાજુના બી-કમ્પાર્ટમેન્ટમાં કોંગ્રેસના MLC (વિધાન પરિષદના સભ્ય) ગૌરી શંકર રાય સવાર થયા. રાત્રે 12:12 વાગ્યે છેલ્લીવાર દીનદયાળ જીવતા જોવા મળેલા ટ્રેન બારાબંકી, ફૈઝાબાદ, અકબરપુર, શાહગંજ થઈને જૌનપુર પહોંચી. અહીં દીનદયાળ નીચે ઊતર્યા. જૌનપુરના પૂર્વ મહારાજાનો કનૈયા નામનો એક સંદેશવાહક તેમના માટે એક પત્ર લઈને આવ્યો હતો. સંદેશ વાંચવા માટે તેમને તેમનાં ચશ્માં જોઈતાં હતાં, જે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં રહી ગયા હતા. બંને અંદર ગયા, ચશ્માં લીધાં, પત્ર વાંચ્યો અને દીનદયાળે કહ્યું, ‘જવાબ જલ્દી લેખિતમાં મોકલીશ.’ તે વખતે જ ટ્રેનની સીટી વાગી. કનૈયા નીચે ઊતર્યો. ઘડિયાળમાં તે સમયે બાર વાગીને બાર મિનિટ થઈ હતી. આ છેલ્લી વાર હતું જ્યારે કોઈ પરિચિતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને જીવતા જોયા હતા. ટ્રેનનું શન્ટિંગ, અંધારું અને અડધા કલાકનો ખૂની ખેલ પઠાણકોટ-સિયાલદહ એક્સપ્રેસ સીધી પટના જતી ન હોવાથી, તેમના ડબ્બાને મુગલસરાયમાં દિલ્હી-હાવડા એક્સપ્રેસ સાથે જોડવાનો હતો. શન્ટિંગની આ પ્રક્રિયામાં સામાન્ય રીતે અડધો કલાક લાગતો. રાત્રે સવા બે વાગ્યે ગાડી મુગલસરાય પહોંચી. દિલ્હી-હાવડા એક્સપ્રેસને ત્યાંથી 2:50 વાગ્યે રવાના થવાનું હતું, અને સવારે છ વાગ્યે પટના પહોંચવાનું હતું. ગાડી પટના પહોંચી અને દીનદયાળ ગાયબ! પરંતુ જ્યારે ગાડી પટના પહોંચી ત્યારે દીનદયાળ ઉપાધ્યાય પોતાના કમ્પાર્ટમેન્ટમાં ક્યાંય નહોતા. જનસંઘના બિહારના કદાવર નેતા કૈલાશપતિ મિશ્ર તેમને તેડવા રેલવે સ્ટેશને આવ્યા હતા. ટ્રેન આવી એટલે તેમણે આખી બોગીમાં તપાસ કરી, પરંતુ દીનદયાળ ક્યાંય દેખાયા નહીં. કૈલાશપતિ મિશ્રને લાગ્યું કે કદાચ તેઓ દિલ્હી ચાલ્યા ગયા હશે. આમ વિચારીને તેઓ ખાલી હાથે પાછા જતા રહ્યા. રેલવે યાર્ડમાં પાટાની વચ્ચે દીનદયાળ ઉપાધ્યાયની લાશ પડી હતી બરાબર તે જ સમયે મુગલસરાયના રેલવે યાર્ડમાં પાટાથી લગભગ 150 ગજ દૂર, વીજળીના થાંભલા પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો મૃતદેહ પડ્યો હતો. તપાસ માટે પહોંચેલા રેલવે પોલીસના બે સિપાહી અબ્દુલ ગફૂર અને રામપ્રસાદ લગભગ પોણા ચાર વાગ્યે ઘટનાસ્થળે આવ્યા. થોડી વારમાં દરોગા ફતેહ બહાદુર સિંહ પણ ત્યાં પહોંચી ગયા. ડોક્ટરની રાહ જોવાતી રહી. જ્યારે છ વાગ્યાની આસપાસ ડૉક્ટર આવ્યા, ત્યારે જ મૃતદેહને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યો. કાર્યવાહી રજિસ્ટરમાં સવારે 5:55નો સમય નોંધાયો હતો, જેને પાછળથી ચેન્જ કરીને 3:55 કરી દેવામાં આવ્યો. આ એક નાનો ફેરફાર આગળ જતાં આખા કેસ પર સવાલો ઉભા કરવાનો હતો. દીનદયાળના શબ પાસેથી માત્ર ચાર વસ્તુઓ મળીઃ ફર્સ્ટ ક્લાસની એક ટિકિટ, એક રિઝર્વેશનની પહોંચ, નાનાજી દેશમુખનું નામ કોતરેલી એક ઘડિયાળ, અને 26 રૂપિયા રોકડા. બાકીનો સામાન સૂટકેસ, બિસ્તર, જેકેટ, કુરતો ગાયબ હતો. ‘આ તો જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષનો મૃતદેહ છે!’ બનમાલી ભટ્ટાચાર્ય નામના રેલવે કર્મચારીએ લાશ જોઇને આઘાત સાથે કહ્યું કે આ તો જનસંઘના વરિષ્ઠ નેતા દીનદયાળ ઉપાધ્યાયની લાશ છે! એ કંઈ અત્યારના જેવો મોબાઇલ–ઇન્ટરનેટનો જમાનો નહોતો, કે દરેક નેતાના ચહેરાથી સૌ પરિચિત હોય. એટલે બનમાલી ભટ્ટાચાર્યની વાત માનવા કોઈ તૈયાર નહોતું. ભારતીય જનસંઘના તે સમયના સૌથી વરિષ્ઠ નેતાની લાશ તે કંઈ આ રીતે બિનવારસી હાલતમાં મળતી હશે? આખરે જનસંઘના સ્થાનિક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા અને ટિકિટ નંબર તથા રિઝર્વેશન લિસ્ટ સાથે તાળો મેળવવામાં આવ્યો ત્યારે આખા દેશને ખબર પડી કે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરમાં ટ્રેનના યાર્ડમાં રાતના અંધકારમાં કરપીણ હત્યા થઈ ચૂકી છે. સ્વાભાવિક રીતે જ આખા દેશમાં સનસનાટી મચી ગઈ. દીનદયાળનો સામાન કોણ લઈ ગયું? સવારે લગભગ સાડા નવ વાગ્યે જ્યારે દિલ્હી-હાવડા એક્સપ્રેસ મોકામા (બિહાર) પહોંચી, ત્યારે ફર્સ્ટ ક્લાસના એક મુસાફરે ફરિયાદ કરીઃ તેની એક સીટ નીચે એક બિનવારસી સૂટકેસ પડી છે. તપાસમાં સામે આવ્યું કે, આ દીનદયાળ ઉપાધ્યાયનો જ સામાન હતો. તેમનો પુત્ર હોવાનો દાવો કરતો યુવાન કોણ હતો? હત્યાની તપાસમાં પ્રથમ કડી તેમના સહયાત્રી એમ.પી. સિંહના નિવેદનથી મળી. મુગલસરાયમાં જ્યારે તેઓ શૌચાલય જવા માટે બહાર નીકળ્યા, ત્યારે તેમને એક યુવાન દીનદયાળનો સામાન સમેટીને લઈ જતો દેખાયો. એમ. પી. સિંહે પૂછ્યું પણ ખરું, કે તું કોણ છે અને શા માટે તેમનો સામાન લઈ જઈ રહ્યો છે, ત્યારે તેણે કહ્યું, ‘એ મારા પિતાજી છે અને તેમને અહીં જ ઊતરવાનું હતું, તેથી હું તેમનો બિસ્તરો સમેટીને લઈ જઈ રહ્યો છું.’ પોલીસે તે છોકરાને શોધી કાઢ્યો. તેનું નામ હતું લાલતા. તેણે કબૂલ્યું કે રામઅવધ નામના એક વ્યક્તિએ તેને કહ્યું હતું કે ફલાણી સીટ પર એક બિનવારસી બિસ્તરો પડ્યો છે, તેને ઉઠાવી લાવ. લાલતા તે બિસ્તરો 40 રૂપિયામાં એક અજાણ્યા માણસને વેચી ચૂક્યો હતો. આ જ રીતે ભરત નામના એક સફાઈ કર્મચારી પાસેથી દીનદયાળનું જેકેટ મળી આવ્યું. CBIએ ટ્રેનના ડબ્બાનો ખૂણેખૂણો ચેક કર્યો, પરંતુ… દેશના એક મોટા રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચવો નિશ્ચિત હતો. કેન્દ્રિય એજન્સીઓ પર આ હત્યાનું રહસ્ય છત્તું કરવાનું દબાણ વધતું ગયું. બે દિવસ પછી એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ તે ડબ્બાને ‘તુફાન એક્સપ્રેસ’ સાથે જોડીને પાછો મુગલસરાય લાવવામાં આવ્યો. દિલ્હી અને કલકત્તાથી ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. હાથ લાગ્યા ફક્ત ટોયલેટમાં ફિનાઇલથી ભરેલા તૂટેલાં કુલ્હડ. એ સિવાય કોઈ નક્કર પુરાવો મળ્યો નહીં. દબાણ એટલું વધ્યું કે તપાસ રેલવે પોલીસ પાસેથી લઈને CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવી. અહીંથી જ મામલો વધુ ગૂંચવાવા લાગ્યો. ટ્રેનનો કોચ રોકવા માટે 400 રૂપિયા કોણે ઑફર કરેલા? ટીટીઈએ જણાવ્યું કે એક ‘મેજર શર્મા’ ફર્સ્ટ ક્લાસમાં સવાર હતા, જેમને બનારસમાં ઉતારવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે ટીટીઈ તેમને જગાડવા ગયો, ત્યારે દીનદયાળની શાલ પહેરેલો એક અજાણ્યો માણસ મળ્યો, જેણે કહ્યું, ‘મેજર શર્મા તો ઊતરી ચૂક્યા છે, આ ડબ્બામાં હવે કોઈ નથી.’ પટના સ્ટેશનના જમાદાર ભોલાએ જણાવ્યું કે એક માણસ બોગીમાંથી ઊતરીને તેને એક સીટ સાફ કરવાનો આદેશ આપીને ગાયબ થઈ ગયો, ફરી પાછો જ ન આવ્યો. મુગલસરાય યાર્ડના એક પોર્ટરે ખુલાસો કર્યો કે કોઈ અજાણ્યા માણસે તેને 400 રૂપિયાની ઓફર કરતાં કહ્યું હતું કે ડબ્બાને અડધો કલાક વધુ રોકી રાખે. CBIએ દાવો કર્યો કે પાંચ દિવસમાં તેમને પહેલો મજબૂત પુરાવો મળ્યો અને તેમણે બે અઠવાડિયાંમાં કેસ સોલ્વ કરી નાખ્યો! તેમણે રામઅવધ અને ભરત નામના બે આરોપીની ધરપકડ કરી. આ ચોરીનો મામલો હતો કે વેલ પ્લાન્ડ મર્ડર હતું? પંડિત દીનદયાળ ઉપાધ્યાયની હત્યાનો કેસ બનારસની વિશેષ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલ્યો. 9 જૂન 1969ના રોજ સેશન્સ જજ મુરલીધરે ચુકાદો સંભળાવ્યો. CBIની દલીલ હતી કે આરોપીઓએ ચોરીના ઈરાદે સામાન ઉઠાવ્યો અને વિરોધ કરવા પર દીનદયાળજીને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. પરંતુ જજ મુરલીધર આ થિયરીથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન હતા. એમ. પી. સિંહનું સ્ટેટમેન્ટ આવા કોઈ ચોરીના પ્રયાસ, હુમલા કે મારામારીની પુષ્ટિ કરતું ન હતું. લાલતાનું પોતાનું સ્ટેટમેન્ટ જણાવી રહ્યું હતું કે જ્યારે તેણે બિસ્તરો ઉઠાવ્યો, ત્યારે ટ્રેન યાર્ડમાં નહીં પણ પ્લેટફોર્મ પર ઊભી હતી. એટલે કે તે સમયે હત્યા થઈ ચૂકી હતી. CBIએ રજૂ કરેલા બંને ‘હત્યારા’ નિર્દોષ છૂટી ગયા! સૌથી મોટો સવાલ એ પણ હતો કે દીનદયાળની મુઠ્ઠીમાં ભીડાયેલી પાંચ રૂપિયાની નોટ કયા કારણે હતી. તેનો કોઈ જવાબ CBI આપી શકી નહીં. પરિણામ એ આવ્યું કે જજે કહ્યું કે આ હત્યાના કેસમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું અશક્ય છે. રામઅવધ અને ભરતને હત્યામાંથી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા, જોકે ચોરીના એક જૂના કેસમાં ભરતને પહેલાથી જ સજા થયેલી હોવાને કારણે ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી. યાને કે દેશના સૌથી હાઈપ્રોફાઇલ અને શૉકિંગ કેસમાં અસલી હત્યારા ક્યારેય પકડાયા જ નહીં. દીનદયાળ પાસે સ્ફોટક ગુપ્ત દસ્તાવેજો હતા? રસપ્રદ વાત એ છે કે હત્યાના માત્ર એક મહિનાની અંદર 25 માર્ચ 1968ના રોજ નાગપુરમાં જનસંઘના જ એક મોટા નેતાએ જાહેરમાં કહ્યું કે આ એક સુનિયોજિત હત્યા છે અને જે બે લોકોને આરોપી બનાવવામાં આવી રહ્યા છે તેઓ ફક્ત મહોરાં છે. અસલી ષડ્યંત્ર હજુ પણ પડદા પાછળ છે. આ વ્યક્તિ હતા નાનાજી દેશમુખ. તેમનો દાવો હતો કે દીનદયાળ પાસે કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા, જેનાથી સરકારમાં થઈ રહેલો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકતો હતો, અને આ જ દસ્તાવેજો મેળવવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી. જનસંઘના બલરાજ મધોકે વાજપેયી સામે આંગળી ચીંધી! પરંતુ કમનસીબી એ છે કે વર્ષો પછી એ જ નાનાજી દેશમુખ અને તેમની સાથે અટલ બિહારી વાજપેયી પોતે શંકાના ઘેરામાં આવી ગયા. જનસંઘના સ્થાપક સભ્યોમાંના એક બલરાજ મધોક, જેમને પાછળથી લાલકૃષ્ણ અડવાણીએ અનુશાસનહીનતાના આરોપસર પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા, તેમણે પોતાની આત્મકથા ‘જિંદગી કા સફર’ના ત્રીજા ખંડમાં સનસનાટીભર્યો દાવો કર્યો. મધોકના લખવા પ્રમાણે, ‘‘1967ની ચૂંટણીમાં જનસંઘને નવ ટકાથી વધુ મત અને 35થી વધુ સાંસદો મળવા છતાં, દીનદયાળે વાજપેયી અને નાનાજી દેશમુખને પાર્ટીના મહત્ત્વનાં પદોથી દૂર રાખ્યા અને મધોકને આગળ વધાર્યા, જેનાથી આ બંને નેતાઓ નારાજ થયા, અને આ જ નારાજગી આગળ જતાં ભાડે રાખેલા હત્યારાઓ દ્વારા આ ઘટનાના રૂપમાં સામે આવી’’, એવો મધોકનો આરોપ હતો. મધોકે એ પણ લખ્યું કે, ‘‘જ્યારે જનતા પાર્ટી સરકારના સમયમાં સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ હત્યાની ફરી તપાસની માગ ઉઠાવી, ત્યારે તે સમયના વિદેશ મંત્રી અટલ બિહારી વાજપેયીએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આ મામલાને ઠંડો પાડી દીધો.’’ અને વાજપેયી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા નોંધપાત્ર બાબત એ છે કે મધોકના આ આરોપો તેમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા પછી આવ્યા હતા, તેથી તે સમયે કોઈએ તેને ગંભીરતાથી લીધા ન હતા. એવું માનવામાં આવ્યું હતું કે આ એક નારાજ નેતાનો ગુસ્સો માત્ર છે. પરંતુ સવાલ એ પણ છે કે ખુદ અટલ બિહારી વાજપેયી તે સવારના સમાચાર સાંભળીને ભાંગી પડ્યા હતા. 11 ફેબ્રુઆરીની સવારે જ્યારે તેઓ બજેટ સત્ર સંબંધિત બેઠક માટે ઘરેથી નીકળી ચૂક્યા હતા, ત્યારે તેમના રસોઈયા બિરજુએ પાછળથી દોડતા આવીને તેમને આ સમાચાર પહોંચાડ્યા. ચાલુ બેઠકની વચ્ચે વાજપેયી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. એક એવું દૃશ્ય જે તેમના નજીકના લોકોના મતે શંકાને કોઈ અવકાશ છોડતું નથી. ચંદ્રચૂડ આયોગ અને ઉકેલ માગતા સવાલો વિરોધ પક્ષોના લગભગ 70 સાંસદોની માગ પર ઇન્દિરા ગાંધી સરકારે 23 ઓક્ટોબર 1969ના રોજ જસ્ટિસ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડની અધ્યક્ષતામાં એક સભ્ય તપાસ પંચની રચના કરી. પંચે CBIનાં તારણો સાથે સહમતિ દર્શાવતાં તેને ચોરી-લૂંટફાટ અને ઝૂંટાઝૂંટના પરિણામે થયેલી હત્યા ગણાવી. એક વિશ્લેષણ મુજબ પંચે પોતે સ્વીકાર્યું કે મુગલસરાયમાં જે કંઈ થયું તે કોઈ નવલકથા કરતાં પણ વધુ વિચિત્ર હતું, અને ઘણા લોકોનું વર્તન એટલું અસામાન્ય હતું કે શંકા થવી સ્વાભાવિક છે. એટલે કે, તપાસ એજન્સી પોતે માને છે કે આ કેસમાં જે કંઈ થયું તે કોઈ સીધી-સાદી ચોરીની ઘટના જેવું લાગતું નથી. તેમ છતાં સત્તાવાર નિષ્કર્ષ એ જ રહ્યો કે આ એક ગુનાહિત લૂંટની ઘટના હતી, સુનિયોજિત રાજકીય ષડ્યંત્ર નહીં. જનસંઘના એક મોટા જૂથે આ નિષ્કર્ષને ક્યારેય સ્વીકાર્યો નહીં. આજે 58 વર્ષ પછી આ રહસ્ય ક્યાં ઊભું છે? આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વૈચારિક વારસાના કેન્દ્રમાં છે. તેમનો ‘એકાત્મ માનવવાદ’ પાર્ટીના આર્થિક અને સામાજિક ચિંતનનો પાયાનો પથ્થર માનવામાં આવે છે. દર વર્ષે 25 સપ્ટેમ્બરે તેમની જયંતિ અને 11 ફેબ્રુઆરીએ તેમની પુણ્યતિથિ પર દેશભરમાં સ્મૃતિ કાર્યક્રમો યોજાય છે. જે મુગલસરાય સ્ટેશન પર તેમનો મૃતદેહ મળ્યો હતો, તેનું નામ 2018માં બદલીને ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન’ કરી દેવામાં આવ્યું. પરંતુ તેમના મૃત્યુનું રહસ્ય આજે પણ 1968માં હતું તેટલું જ ગૂંચવાયેલું છે. શું દીનદયાળ કોઈ ભેદી રહસ્ય જાણતા હતા? વર્ષો પછી પણ પરિવારની અંદરથી સવાલો ઊઠતા રહ્યા છે. પંડિત દીનદયાળનાં ભત્રીજી અને ભાજપ મહિલા મોરચાના રાજસ્થાન યુનિટના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ મધુ શર્માએ એક મુલાકાતમાં દાવો કર્યો કે દીનદયાળ કદાચ એવું કોઈ રહસ્ય જાણતા હતા, જેના ખુલાસાથી ભારતીય રાજનીતિના પાયા હલી શકે તેમ હતા, અને આ જ કારણ હતું કે જ્યારે તેમના ભાઈ પ્રભુદયાળ ઉપાધ્યાયે ફરીથી તપાસની માગ ઉઠાવી, ત્યારે તેમને ચૂપ રહેવાની ધમકીઓ મળવા લાગી. આવા દાવા કોઈ અદાલતમાં સાબિત થયા નથી, પરંતુ આ વાતનો પુરાવો ચોક્કસ છે કે પરિવાર અને પાર્ટીનો એક હિસ્સો આજે પણ સરકારી નિષ્કર્ષથી સંતુષ્ટ નથી. સુબ્રહ્મણ્યમ સ્વામીની માગ કોઇએ કેમ સ્વીકારી નહીં? દાયકાઓ પહેલા આ કેસની ફેરતપાસની માગ ઉઠાવનારા સુબ્રહ્મણ્યમ સ્વામી આજે પણ જાહેર મંચો પર સમયાંતરે આ વિષય ઉઠાવતા રહ્યા છે, પરંતુ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં અત્યાર સુધી કોઈ નવી, સત્તાવાર SIT કે CBI પુનઃતપાસની જાહેરાત થઈ નથી. સરકારી રેકોર્ડમાં આ કેસ આજે પણ એ જ સ્થિતિમાં નોંધાયેલો છે જેવો જસ્ટિસ ચંદ્રચુડના આયોગે 1969માં નક્કી કર્યો હતો, યાને કે આ એક આકસ્મિક ગુનાહિત લૂંટમાં થયેલું મૃત્યુ હતું, વેલ પ્લાન્ડ મર્ડર નહોતું. આટલાં વર્ષોમાં આ કેસમાં ન કોઈ નવી ધરપકડ થઈ, ન કોઈ નવો આરોપી સામે આવ્યો. જે ગુપ્ત દસ્તાવેજોનો ઉલ્લેખ નાનાજી દેશમુખે કર્યો હતો તે દસ્તાવેજો કે તેનો કોઈ પુરાવો પણ ક્યારેય મળ્યો નહીં. બલરાજ મધોક 2016માં 97 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પોતાના આરોપો પાછા ખેંચ્યા વગર. હા, એમની આત્મકથા અત્યારે માર્કેટમાંથી અને પુસ્તકાલયોમાંથી ગાયબ છે. નાનાજી દેશમુખનું મૃત્યુ 2010માં થયું, અટલ બિહારી વાજપેયીનું નિધન 2018માં. બંનેને પછીનાં વર્ષોમાં ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા, અને બંને આ કેસમાં ક્યારેય ઔપચારિક રીતે તપાસના દાયરામાં આવ્યા નહીં. એટલે કે જે નામો પર સૌથી ગંભીર આરોપો લાગ્યા હતા, તેઓ ઇતિહાસમાં સન્માનના શિખર પર પહોંચીને વિદાય થયા, અને જે સવાલ પર આરોપો ટકેલા હતા, તે સવાલ અનુત્તરિત રહી ગયો. મુગલસરાયના રેલવે સ્ટેશન પર એ રાત્રે ખરેખર શું થયેલું? આજે પણ ઇતિહાસકારો, પત્રકારો અને સંશોધકો હરીશ શર્માના પુસ્તક ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય’ અને CBIની પોતાની વેબસાઇટ પર નોંધાયેલી વિગતોના આધારે આ કેસને સમજવાનો પ્રયાસ કરે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ આવે છે, ત્યારે અખબારો અને વેબસાઇટ્સ પર આ સવાલ ફરી ઊભો થાય છેઃ શું આ ખરેખર લૂંટ હતી, કે ભારતીય રાજનીતિના ઇતિહાસની સૌથી સફાઈપૂર્વક રચાયેલી એક રાજકીય હત્યા, જેનું રહસ્ય મુગલસરાયના તે અંધારા પ્લેટફોર્મ પર હંમેશ માટે દબાઈ ગયું? જવાબો વિનાનો ‘સોલ્વ્ડ કેસ’ મુઠ્ઠીમાં ભીડાયેલી પાંચ રૂપિયાની નોટ, ગુમ થયેલો સામાન, અડધી રાતના ટ્રેનના શન્ટિંગમાં વીતેલો તે ‘વધારાનો અડધો કલાક’, રજિસ્ટરમાં ચેન્જ કરાયેલો સમય, અને પાર્ટીની અંદરથી ઊઠેલા તે અવાજો જે પોતાના જ સૌથી મોટા નેતાઓની તરફ ઇશારો કરે છે. આ બધા તંતુઓ આજે પણ વિખરાયેલા પડ્યા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું મૃત્યુ ભારતીય રાજનીતિનો તે અધ્યાય છે, જેને પુસ્તકોમાં ‘સોલ્વ્ડ કેસ’ તરીકે તો લખવામાં તો આવ્યો, પરંતુ જેના વિશે દેશનો એક મોટો હિસ્સો આજે પણ એ જ સવાલ પૂછે છેઃ મુગલસરાયના તે પ્લેટફોર્મ પર, તે રાત્રે આખરે શું થયું હતું?
    Click here to Read More
    Previous Article
    પાટણમાં વિશ્વ આદિવાસી દિવસે ભવ્ય શોભાયાત્રા:પરંપરાગત વેશભૂષામાં ભીલ સમાજે પ્રકૃતિ અને પર્યાવરણ બચાવના સંદેશ સાથે રેલી યોજી
    Next Article
    Assam flood: गाय बचाने गए थे पति, गाय तो बच गई पति नहीं बच पाए!

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment