Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ ઉમેદવારો તો ભારે કરી, BA પહેલા MA પૂરું કર્યું:વોર્ડ-29ના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોમાં વિસંગતતા, સત્તાના જોરે ફોર્મ મંજૂર થયાના વિપક્ષના આક્ષેપ

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29 ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેની શૈક્ષણિક વિગતોએ ભારે ચર્ચા જગાવી છે. તેમના સોગંદનામા મુજબ, સુધા પાંડેએ 1997માં BAની ડિગ્રી મેળવી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે તેની ઉપરની વિગતમાં તેમણે 1996માં MA પૂર્ણ કરી લીધું હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની પદવી મેળવવાની આ અજીબોગરીબ વિસંગતતાને કારણે વિપક્ષોએ તંત્રની કામગીરી અને ઉમેદવારની લાયકાત સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે ઉમેદવારે આને માત્ર 'ટાઈપિંગ મિસ્ટેક' ગણાવી છે. 1997માં ગ્રેજ્યુએશન અને 1996માં માસ્ટર્સની પદવી! સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે, પરંતુ આ દરમિયાન વોર્ડ નંબર 29ના ભાજપના ઉમેદવાર સુધા પાંડેનું ચૂંટણી સોગંદનામું સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યું છે. આ વિવાદનું મુખ્ય કારણ તેમની શૈક્ષણિક લાયકાતના વર્ષો છે. એફિડેવિટમાં દર્શાવ્યા મુજબ, સુધા પાંડેએ રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશથી વર્ષ 1997માં BA (બેચલર ઓફ આર્ટસ)ની ડિગ્રી મેળવી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેની બરાબર નીચે જ તેમણે એવું દર્શાવ્યું છે કે તેમણે તે જ યુનિવર્સિટીમાંથી 1996માં MA (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી લીધી હતી. એટલે કે, નિયમ મુજબ સ્નાતક થયા પછી જ અનુસ્નાતક થઈ શકાય, પરંતુ અહીં ઉમેદવારે BA કરતા એક વર્ષ પહેલા જ MA પૂર્ણ કરી લીધું હોવાનું સામે આવ્યું છે. શૈક્ષણિક લાયકાતમાં 'લોજિક'નો અભાવ, સો. મીડિયામાં ચર્ચા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી વિગતોમાં આ પ્રકારનો છબરડો સામે આવતા મતદારોમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ પૂરો કર્યા બાદ જ બે વર્ષના માસ્ટર્સ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સુધા પાંડેના કિસ્સામાં 1997માં ગ્રેજ્યુએશન પૂર્ણ થયું હોવા છતાં, 1996ની સાલમાં માસ્ટર્સની ડિગ્રી કેવી રીતે મળી શકે તે એક મોટો તર્ક-વિતર્કનો વિષય બન્યો છે. આ વિસંગતતાને કારણે લોકો હવે ઉમેદવારની શૈક્ષણિક કારકિર્દીના ક્રમ પર રમૂજ અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર સામે સવાલ, વિપક્ષે લગાવ્યા ગંભીર આક્ષેપો આટલી મોટી અને દેખીતી ભૂલ હોવા છતાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણી દરમિયાન સુધા પાંડેનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવતા વિપક્ષી નેતાઓ લાલચોળ થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષના દબાણ હેઠળ ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, જો સામાન્ય જનતા કે અપક્ષ ઉમેદવારના ફોર્મમાં નાની ભૂલ હોય તો પણ તેને રદ કરવામાં આવે છે, તો પછી ભાજપના ઉમેદવારના કિસ્સામાં આટલી મોટી વિસંગતતા કેમ ચલાવી લેવામાં આવી? સત્તાના જોરે ખોટા દસ્તાવેજો અથવા વિગતોને માન્ય રખાઈ હોવાનો ગણગણાટ શરૂ થયો છે. ચૂંટણી જંગ ગરમાયો, પ્રામાણિકતા સામે સવાલો વોર્ડ નંબર 29માં આ શૈક્ષણિક વિવાદને કારણે હવે ચૂંટણીનો માહોલ વધુ ઉગ્ર બન્યો છે. જનતામાં ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત અંગે ચર્ચાઓ જાગી છે. વિપક્ષે માગ કરી છે કે ચૂંટણી પંચે આ મામલે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો વિગતો ખોટી સાબિત થાય તો ઉમેદવારનું ફોર્મ રદ કરવું જોઈએ. આ વિવાદને કારણે ભાજપ બેકફૂટ પર જોવા મળી રહ્યું છે, જ્યારે અન્ય પક્ષો આ મુદ્દાને મતદારો વચ્ચે લઈ જઈને ભાજપની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉમેદવારનો બચાવ, 'ટાઈપિંગ મિસ્ટેક' હોવાનો દાવો સમગ્ર વિવાદ વકરતા ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક ટેકનિકલ ખામી અથવા ટાઈપિંગ મિસ્ટેક છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તમામ અસલ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ ઉપલબ્ધ છે, જેમાં વર્ષોનો ક્રમ એકદમ સાચો છે. એફિડેવિટ તૈયાર કરતી વખતે વર્ષ લખવામાં ભૂલ થઈ હોઈ શકે છે, પરંતુ તેમના દસ્તાવેજો સાચા છે અને ગમે ત્યારે તેની ખરાઈ કરી શકાય છે. જોકે, આ ખુલાસો વિપક્ષ અને સોશિયલ મીડિયાના યુઝર્સને કેટલો સંતોષ આપે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત સંબંધિત ત્રણ સંશોધન બિલ પર આજે મતદાન:ખડગેએ કહ્યું- અમે તેને પાસ થવા દઈશું નહીં, TMCએ કહ્યું- સરકાર સીમાંકનનું નાટક ન કરે
    Next Article
    લુખ્ખા-ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો આવશે: સંઘવી:વડોદરામાં કોંગ્રેસના લોકશાહી બચાવો ધરણાં; ચૂંટણી ટાણે નરેશ પટેલ ફરી મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment