Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાઈવેટ નહીં, અમદાવાદની આ સરકારી સ્કૂલો વાલીઓની પહેલી પસંદ:સ્માર્ટ ક્લાસરૂમથી લઈ AIની સુવિધા, IT એન્જિનિયરના પુત્ર સહિત 56 હજારે પ્રાઈવેટ છોડી AMCની સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશ લીઘો

    10 hours ago

    એક સમય હતો જ્યારે સરકારી સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ પ્રાઈવેટ શાળાઓ તરફ જતા હતા, પરંતુ હવે અમદાવાદમાં ચિત્ર સંપૂર્ણ બદલાઈ રહ્યું છે. હવે પ્રાઈવેટ સ્કૂલ છોડીને હજારો વિદ્યાર્થીઓ AMCની સ્માર્ટ સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યા છે. આ વર્ષે(2026-27)3,500થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ છોડીને AMCની સ્કૂલમાં એડમિશન લીધું છે, જ્યારે છેલ્લા 10 વર્ષમાં આ આંકડો 56 હજારને પાર પહોંચી ગયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે હવે માત્ર મધ્યમવર્ગ જ નહીં, પરંતુ IT કંપનીમાં કામ કરતા માતા-પિતા પણ પોતાના બાળકો માટે સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, આધુનિક લેબ સહિતની સુવિધા અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે એક શાંત પરંતુ મહત્વની ક્રાંતિ જોવા મળી રહી છે. વર્ષો સુધી પ્રાઈવેટ સ્કૂલોને ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતિક માનવામાં આવતી હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોએ પોતાની કામગીરીથી લોકોનો વિશ્વાસ જીત્યો છે. જેના કારણે વાલીઓ પ્રાઈવેટ સ્કૂલ છોડી તેના બાળકોનું સરકારી શાળામાં એડમિશન કરાવી રહ્યા છે. એક સમયે સરકારી શાળાઓમાં માત્ર આર્થિક રીતે નબળા વર્ગના બાળકો જ ભણતા હોવાની માન્યતા હતી, પરંતુ હવે ઉચ્ચ શિક્ષિત અને સારા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો પણ પોતાના બાળકોને કોર્પોરેશનની શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. AMCની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, અંગ્રેજી માધ્યમની શાળાઓ, આધુનિક લેબ, રમતગમતની સુવિધાઓ, તાલીમબદ્ધ શિક્ષકો અને વિવિધ પ્રવૃત્તિઓને કારણે શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. ગુણવત્તાયુક્ત અને મફત શિક્ષણ માટે AMCની શાળાઓ તરફ લોકો વળ્યા બીજી તરફ પ્રાઈવેટ સ્કૂલોની સતત ફી વધી રહી છે. વધતી જતી મોઘવારીના કારણે મસમોટી ફી વાલીઓ ભરી શકતા નથી. તેમજ મોંઘી ફી લેવા છતાં બાળકોને પૂરતું શિક્ષણ પણ આપવામાં આવતું નથી. તેમજ ફી ભર્યા બાદ પણ પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચથી વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. તેના કારણે હવે ઘણા વાલીઓ ગુણવત્તાયુક્ત અને મફત શિક્ષણ માટે AMCની શાળાઓ તરફ વળી રહ્યા છે. તો IT કંપનીઓમાં કામ કરતા અને સારી આવક ધરાવતા માતા-પિતા પણ માત્ર ઓછી ફી માટે નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે. થલતેજ, બોડકદેવ સહિતની સ્કૂલોમાં એડમિશન માટે વેઈટિંગ તેમજ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં કુલ 31 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. આ આંકડો પણ ગયા વર્ષ કરતા ખૂબ જ વધારે છે. તેમજ થલતેજ, બોડકદેવ સહિતની સ્કૂલોમાં એડમિશન માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં આધુનિક સુવિધાઓ સાથે બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોવાથી સારી કંપનીમાં કામ કરતા વાલીઓ પણ તેમના બાળકોના એડમિશન પ્રાઈવેટના બદલે કોર્પોરેશનની સ્કૂલમાં કરાવી રહ્યા છે. 220 કેમ્પસમાં સ્માર્ટ સ્કૂલ, હજુ વધુ બનશે સ્કૂલ બોર્ડ દ્વારા 220 કેમ્પસમાં આવેલી તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. તેમજ હજુ પણ અન્ય નવી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. પતરાવાળી શાળાઓને અત્યારે નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી તેને બાદ કરતા તમામ કેમ્પસમાં સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. દરેક વિસ્તારમાં સ્માર્ટ શાળાઓ બની હોવાથી તમામ વર્ગના વાલીઓ તેમના બાળકોનું એડમિશન સ્માર્ટ શાળાઓમાં કરાવી રહ્યા છે. 'પ્રાઈવેટમાં શિક્ષણ બરાબર લાગ્યું નહીં અને ખર્ચ પણ ખૂબ જ વધી જતો હતો' વાલી એકતાબેન રબારીએ જણાવ્યું હતું કે, પહેલા મારો દીકરો રાણીપમાં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્રણ વર્ષ સુધી રાણીપમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલમાં તેને અભ્યાસ કર્યો છે. પરંતુ તેનું શિક્ષણ બરાબર લાગ્યું નહીં અને ખર્ચ પણ ખૂબ જ વધી જતો હતો. યુનિફોર્મ, પુસ્તક સહિતની વસ્તુઓ બહારથી લાવવી પડતી હતી અને જેના કારણે તેનો ખર્ચ ખૂબ જ વધી જતો હતો. 'સુવિધાઓ જોઈને પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં એડમિશન કરાવ્યું' વધુમાં એકતાબેન રબારીએ જણાવ્યું હતું કે, અનુપમ પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો અને શાળાની સુવિધાઓ ખૂબ જ સરસ લાગી રહી છે. શિષ્યવૃતિ પણ મળે છે જેનાથી મારા દીકરાનો યુનિફોર્મ આવી જાય છે. 15 હજાર રૂપિયા પ્રાઇવેટ સ્કુલની ફી હતી. જેની સાથે અન્ય ખર્ચ જોડીએ તો 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હતો. તેની સામે અત્યારે સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવાથી 20 હજાર રૂપિયા સીધા બચી જાય છે. કોમ્પ્યુટર ક્લાસ, લાઇબ્રેરી અને રમત ગમતના સાધનો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી બધી સુવિધાઓ જોઈને પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. 'સરકારી શાળા હોવા છતાં બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે' IT સેક્ટરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા આશિષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાઇવેટ જોબ કરું છું. મારો દીકરો પહેલા પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અત્યારે તેનું સરકારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું છે. પ્રાઇવેટ સ્કુલનું ભણતર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના ભણતરમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. AMCએ સ્માર્ટ શાળાઓ બનાવી ખૂબ સારી બનાવી છે. સરકારી શાળા હોવા છતાં બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. 'ગૂગલ ફ્યુચર ક્લાસથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે' વધુમાં આશિષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમજ બાળકોને વિનામૂલ્યે પુસ્તક અને શિષ્યવૃતિ આપવામાં આવતી હોય છે. તેમજ ધોરણ 8 પછી વધુ અભ્યાસ માટે પણ બાળકોને પરીક્ષા આપી અલગથી શિષ્યવૃત્તિ મળતી હોય છે. સરકારી શાળા હોવા છતાં અહીંયા ગૂગલ ફ્યુચર ક્લાસથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રોમ બુક, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીમાં પણ વિદ્યાર્થીઓ ડિજિટલ બુક વાંચી શકે છે. જેથી આ બધી સુવિધાઓને કારણે બાળકો વધુ આધુનિક ટેકનોલોજી સાથે અભ્યાસ કરી શકે છે. જેથી પ્રાઇવેટ સ્કુલમાંથી એડમિશન રદ કરાવી સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. શહેરની નામાંકિત પ્રાઇવેટ સ્કૂલો છોડીને સરકારી શાળા પહેલી પસંદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, જૂન 2026થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ શાળાઓમાં કરાવવામાં આવ્યા છે. તેમજ ડ્રોપ આઉટ થયેલા બાળકોને પણ ફરી પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 3500 કરતાં વધુ બાળકોએ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, તેમજ ખાનગી શાળા છોડી 3500 કરતાં વધુ બાળકોએ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. તેમજ છેલ્લા દસ વર્ષમાં 56 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળી રહ્યા છે. શહેરની નામાંકિત પ્રાઇવેટ શાળાઓ છોડી વાલીઓ તેમના બાળકોને કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. બાળકોને રમત ગમત માટે પણ સુવિધા વધુમાં એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્કોલરશીપ યોજના, માળખાગત સુવિધાઓ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રોબોટિક લેબ તેમજ પ્રયોગશાળાના સાધનો પણ વિકસાવવામાં આવ્યા છે. બાળકોને રમત ગમત માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓનો પણ વાલીઓ લાભ લઈ રહ્યા છે. તેમજ વાલીઓનો પણ સરકારી શાળા તરફ ઝૂકાવ વધી ગયો છે. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે. બાળક ત્યાં શાળા અને શાળા ત્યા શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:બોલો, યોજના મંજૂર થઈ તો એક મંત્રી પેંડા લઈ સચિવની ચેમ્બરમાં પહોંચી ગયા!, PM મોદીએ ગુજરાતના મંત્રીઓનો બરાબરનો ક્લાસ લીધો
    Next Article
    ઉલ્લંઘન કરવા પર લાઇસન્સ રદ કરવાની ચેતવણી:એફડીએનો હવે દૂધ સમ્રાટો તરફ મોરચો; ભેળસેળ અટકાવવા ‘ફાર્મ ટુ પ્લેટ' નિયમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment