Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદી, 800 ઓફિસો બંધ:રફ ડાયમંડની અછતની અસર, 1 લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ; 47 પરિવારો સુરત સ્થળાંતરિત

    2 days ago

    ભાવનગરના કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે રફ ડાયમંડની અછત સર્જાતાં ઉદ્યોગ ભાંગી પડ્યો છે, જેના લીધે અંદાજે 1 લાખથી વધુ લોકો રોજગારી ગુમાવી અન્ય ધંધા-રોજગારમાં ડાયવર્ટ અથવા સુરત ખાતે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને સ્થાનિક રત્નકલાકારોના જણાવ્યા અનુસાર, નિર્મળનગર વિસ્તારની અડધોઅડધ ઓફિસો અને અનેક કારખાના બંધ થઈ ગયા છે. મંદીમાંથી ઉગારવા માટે સરકારે ડાયમંડ પાર્ક કે જ્વેલરી યુનિટ્સ સ્થાપવા જેવી નક્કર યોજનાઓ બનાવવી જરૂરી હતી. હાલ રોજીરોટીના અભાવે પરિવારનું ગુજરાન ચલાવવા રત્નકલાકારો ખેતમજૂરી કે છૂટક કામ કરવા લાચાર બન્યા છે. 800 ઓફિસો બંધ, સાડા ત્રણ વર્ષથી સતત મંદીનો માહોલ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ ઘનશ્યામ ગોરસીયાએ કહ્યું હતું કે, હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી સતત ને સતત મંદીના માહોલમાં હતો. છેલ્લા દોઢ મહિનાથી પરિસ્થિતિ થોડી સ્ટેબલ થઈ હતી, જેમાં છેલ્લે જે ટેરિફની વાત આવી તેનાથી અત્યારે માણસો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. શહેરના નિર્મળનગર વિસ્તારમાં ત્રણ ચાર વર્ષ પહેલાં 1500 ઓફિસો કાર્યરત હતી. ત્યાં માણસો ટ્રેડિંગ કામ કરતા હતા. જેમાંથી હાલ અડધી ઓફિસો, 700-800 ઓફિસો બંધ સ્થિતિમાં હશે અને અડધી ઓફિસો શરૂ હશે. બાકી હાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકા મથકો અને બધે થઈને બે લાખ લોકોને રોજી-રોટી, ધંધો આપતો હતો અને રત્નકલાકારો કામ કરતા હતા. અમેરિકાએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ બેન કરતાં મંદી 'જે 4થી 5 વર્ષ પહેલાંની જોવી અને આજની સ્થિતિમાં 50%નો ઘટાડો છે. આ હીરા ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધથી મંદીનો માહોલ હોવાનું મુખ્ય કારણ છે. જે હીરા ધંધામાં રફ ડાયમંડની જરૂર હોય તેમાં 35થી 40% રફ ડાયમંડ એકલું રશિયા આપણને પૂરું પાડતું હતું. જે તે સમયે યુએસ કન્ટ્રીએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ કરવાનો બેન લગાવ્યો, એના હિસાબે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ અને આજની તારીખમાં એ પરિસ્થિતિ શરૂ છે.' એક લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ ​'પાંચ વર્ષ પહેલાં એક પ્રોફેસર બહેન છે, તેમણે હીરાના ધંધા પર પીએચડી કર્યું હતું, ત્યારે તેની સાથે મળીને જિલ્લા, તાલુકા, ગ્રામ્ય લેવલેથી આંકડા લીધા હતા. જેમાં બે લાખ લોકોને રોજી-રોટી મળતી હોય તેવા આંકડા સામે આવ્યા હતા. તો આજની પરિસ્થિતિ જોઈએ તો કારખાનાઓ-ઓફિસો બંધ થઈ જેમાં અંદાજિત એક લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ અને સ્થળાંતર થયા છે. રત્નકલાકારો નાના-મોટા ધંધામાં ગયા અને જે વેપારીઓ છે એ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શિફ્ટ થયા હોય એવું છે.' 'હજી પણ ધંધાની ઘણી ખરાબ પરિસ્થિતિ થાય એવું લાગી રહ્યું' ​'પહેલાના સમયમાં જ્યારે હીરામાં મંદી આવતી તો 6-8 મહિનામાં મંદી રિકવર થઈ જતી અને તેજીનો માહોલ આવતો પણ આ જે મંદી આવી છે એમાં માણસોને ઘસારો વધુ લાગ્યો છે. લોકોએ નુકસાની ભોગવી છે અને હીરામાં પૈસા ઓછા કર્યા છે. લોકોને અત્યારે હીરા ઉપર એક વિશ્વાસ બેસવો જોઈએ, એ વિશ્વાસ રહ્યો નથી. જો આવી પરિસ્થિતિ રહી તો હજી પણ ધંધાની ઘણી ખરાબ પરિસ્થિતિ થાય એવું લાગી રહ્યું છે.' 'સરકારે ડાયમંડ પાર્ક કર્યો હોત તોરિઝલ્ટ આજે થોડું દેખાત' ઘનશ્યામ ગોરસીયાએ કહ્યું કે, અગાઉ સરકારને રજૂઆત કરી હતી કે જહાંગીર મિલ છે, તેમાં સરકારે ડાયમંડ પાર્ક કર્યો હોત તો એનું રિઝલ્ટ આજે થોડું વધુ દેખાત અને સ્થળાંતર થતા લોકો ઓછા થયા હોત. એ તો સમય જતો રહ્યો છે. હજુ પણ ભાવનાગરમાં જેમ્ઝ એન્ડ જ્વેલરી વિશે થોડું વિચારે અને એના કંઈક યુનિટો શરૂ થાય તો જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને એના હિસાબે માણસોનું થોડુંક સ્થળાંતર અટકે એવું લાગી રહ્યું છે. રોજગારી ન મળતાં ગામના 47 પરિવાર સુરત ગયા મૂળ તરસમિયા ગામના અને હાલ સુરત ખાતે રહેતા રત્નકલાકાર ભાવેશ સોનાણીએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં ધંધા-રોજગારની સ્થિતિ કફોડી બની ગઈ છે. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાના માણસ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હોવાથી લોકો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે. છેલ્લા આશરે બે મહિનામાં મારા ગામમાંથી કુલ 47 પરિવારો સ્થળાંતર કરીને સુરત ગયા છે. ભાવનગરમાં યોગ્ય ધંધો કે રોજગારની તકો ન મળતી હોવાના કારણે બાળકોની ફી ભરવી, જરૂરી ચીજવસ્તુઓ ખરીદવી સહિતની જીવન જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.દિવાળી બાદ પણ વધુ 10થી 12 પરિવારો સ્થળાંતર કરવાની તૈયારીમાં છે. ભાવેશે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરમાં રાજકીય દ્વેષના લીધે અટકેલો વિકાસ તેમજ અસામાજિક તત્વોના ત્રાસ સામે સરકારની નિષ્ફળતાને કારણે સજ્જન લોકોને પોતાના જીવના જોખમે અને પરિવારના ગુજરાન માટે શહેર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. અન્ય શહેરોમાં ધંધા-રોજગારની તકો વધી રહી છે ત્યારે સ્થાનિક નેતાઓ અને સરકાર ભાવનગરમાં વિકાસ તરફ ધ્યાન આપે અને પ્રજાના હિતમાં ગંભીરતાથી યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરી છે. 'મંદીનો માહોલ એવો છે કે કારખાનું બંધ કરી દીધું' મોરચંદ ગામે રહેતા રત્નકલાકાર ગોપા મકવાણાએ કહ્યું હતું કે, હું 20થી 25 વર્ષથી હીરા ઘસવાનું કામ કરતો હતો. થોડો સમય બાદ પરિવારના સભ્યોને હીરા ઘસતા શીખવાડ્યા. ઘરે બે-ત્રણ ઘંટી મૂકી રોજગારી મેળવતો હતો. ત્યારે હીરા ઉધોગમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તો એવી મંદી છે કે પહેલા અમે જે કામ કરતા હતા એમાં રૂ. 15-20 હજાર મળી રહેતા અને અમારું ગુજરાન ચાલતું હતું. પણ બે-ત્રણ વર્ષથી તો આ યુદ્ધના કારણે ને મંદીનો માહોલ એવો છે કે કોઈ સંજોગોમાં ચાલી શકે એવી શક્યતા નથી. એટલે કારખાનું પણ અત્યારે બંધ કરી દીધું છે. 'પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત કઠિન બની ગયું' 'હવે ગામડે ભાઈઓના ભાગે આવેલી બે વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. આ પાક યોગ્ય રીતે પાકે અને તેના સારા ભાવ મળે તો જ થોડી આર્થિક રાહત થાય તેમ છે. હાલના સમયે પરિવારનું પેટ ભરવા માટે ખેતરમાં અને બહાર છૂટક મજૂરી કરવા મજબૂર બન્યા છીએ. રોજનું કમાઈને રોજ ખાવાની સ્થિતિ હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત કઠિન બની ગયું છે. રત્નકલાકારો બેરોજગાર થઈને અલગ-અલગ મજૂરીના કામો કરવા મજબૂર બન્યા છે. સરકારને નમ્ર વિનંતી છે કે હીરા ઉદ્યોગની સ્થિતિ પર ઊંડાણપૂર્વક ધ્યાન આપવામાં આવે અને યોગ્ય પગલાં લેવાય. જો સરકાર હીરા ઉદ્યોગને સુધારવા મદદ કરશે, તો રત્નકલાકારોને પોતાના જ ક્ષેત્રમાં રોજી-રોટી મળી રહેશે અને તેમને અન્ય મજૂરીકામ તરફ ભટકવું નહીં પડે.'
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો:73,350 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો વધારો; IT અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી
    Next Article
    US Judge Who Presided Over Trump, Maduro, 9/11 Cases, Dies At 92

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment