Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષ જૂનો વિશ્વાસ અને ચોરીનો માસ્ટરપ્લાન:મુંબઈમાં બિઝનેસ શરૂ કરવા પોતાની જ ફેક્ટરીમાંથી 37 લાખના સોના-હીરા ચોરનાર કારીગર ઝડપાયો

    1 day ago

    સુરતના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મુંબઈમાં પોતાનું મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરવાની ઘેલછામાં એક કારીગરે લાખો રૂપિયાના દાગીના સાફ કરી દીધા હતા. આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપ્પન બરાબર 15 દિવસ પહેલા એટલે કે 3 જી જૂન, 2026 ના રોજ સુરતની સાંધા જ્વેલ્સ ફેક્ટરીમાં ફરીથી નોકરી કરવા માટે આવ્યો હતો. જો કે, તેનો અસલી ઈરાદો કામ કરવાનો નહીં, પરંતુ મુંબઈમાં ધંધો શરૂ કરવા માટે મોટી રકમ અને કિંમતી માલની ચોરી કરવાનો હતો. તે ચોરી કરવાના જ પાકા ઈરાદા સાથે આવ્યો હતો અને ફેક્ટરીના માલિકોના જૂના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને માત્ર બે અઠવાડિયામાં જ લાખો રૂપિયાના સોના અને હીરાની ચોરી કરીને મુંબઈ ભાગી છૂટ્યો હતો. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેના મુંબઈના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે. આ ઘટના સુરતના મહિધરપુરા ભવાનીવડ મેઈન રોડ પર આવેલા સાંધા નિવાસના ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર્યરત 'સાંધા જ્વેલ્સ' નામની ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં સોનાના દાગીનામાં હીરા જડવાનું (ડાયમંડ સેટિંગ) કામ કરતા કારીગર સંજીબ સાધ્યને કિંમતી માલ સોંપવામાં આવ્યો હતો. ગત તારીખ 17/06/2026 ના રોજ સવારના 08:00 થી 08:30 વાગ્યાના અરસામાં, આરોપી તક જોઈને ફેક્ટરીમાંથી કુલ 111.565 ગ્રામ સોનાના દાગીના (કિંમત આશરે ₹11,65,540/-) અને 62.38 કેરેટના કિંમતી હીરા (કિંમત આશરે ₹18,76,476/-) મળી કુલ ₹30,42,016/- ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયો હતો. આ અંગે ફેક્ટરી માલિક દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની એક્શન અને વરાછાથી આરોપીની ધરપકડ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરની સૂચનાથી મહિધરપુરા પોલીસની સાથે સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એસ.એન. પરમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી મુંબઈ ભાગી ગયો હતો, પરંતુ તે સુરતમાં કોઈ જગ્યાએ છુપાવી રાખેલો મુદ્દામાલ લેવા અથવા તો કોઈ કામ અર્થે ફરી વરાછા વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વરાછા એલ.એચ. રોડ ગરનાળા તરફ જવાના રસ્તા પર જે.બી. ડાયમંડ સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને વહેલી સવારે આરોપી સંજીબ સાધ્ય ઉર્ફે બપ્પનને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રૂપિયા 37 લાખથી વધુનો 100% મુદ્દામાલ રિકવર પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹37,17,460/- જેટલી થવા જાય છે. રિકવર કરાયેલા મુદ્દામાલમાં 11 નંગ સોનાની વીંટી (33.980 ગ્રામ વ્હાઈટ ગોલ્ડ), 2 નંગ સોનાની બંગડી (જેમાં એકમાં 57 નંગ ડાયમંડ જડેલા છે), 2 નંગ રોઝ ગોલ્ડ પેંડલ, 1 નંગ સોનાનું બ્રેસલેટ અને 3 નંગ સોનાના લટકણીયા સામેલ છે. આ ઉપરાંત, તેની પાસેથી 45.19 કેરેટના 674 નંગ નેચરલ તૈયાર હીરા (કિંમત ₹24,38,000/-), 15.80 કેરેટના 26 નંગ સી.વી.ડી. (CVD) હીરા (કિંમત ₹70,000/-), એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન અને જરૂરી ઓળખપત્રના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. 8 વર્ષ જૂનો વિશ્વાસ અને ચોરીનો માસ્ટરપ્લાન ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી (DCP) ભાવેશ રોઝિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી સંજીબ સાધ્ય મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પાંડુઆનો વતની છે અને સુરતમાં લાંબા સમયથી રહેતો હતો. તે વર્ષ 2009 થી સુરતમાં હીરા અને સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આરોપી 'સાંધા જ્વેલ્સ' ફેક્ટરીમાં વર્ષ 2016થી 2022 સુધી સતત 8 વર્ષ કામ કરી ચૂક્યો હતો. લાંબો સમય કામ કરવાને કારણે ફેક્ટરીના માલિકોને તેના પર અતૂટ વિશ્વાસ હતો અને આરોપી ફેક્ટરીની આંતરિક સિસ્ટમ અને કિંમતી માલ ક્યાં રાખવામાં આવે છે તેનાથી ભીતરી રીતે વાકેફ હતો. 2022 માં નોકરી છોડ્યા બાદ તે ફરી 3 જી જૂને આ જ પ્લાન સાથે આવ્યો હતો. મુંબઈમાં ધંધો શરૂ કરવાની ઘેલછા નડી ગઈ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને ચોરી પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું છે. આરોપી સંજીબ સુરતમાં સામાન્ય કારીગર તરીકે કામ કરવા ઈચ્છતો ન હતો, તેને માયાનગરી મુંબઈમાં જઈને સોના-ચાંદી અને ડાયમંડ જ્વેલરીનો પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવો હતો. પોતાની પાસે નવો ધંધો શરૂ કરવા માટે પૂરતી મૂડી ન હોવાથી, તેણે પોતાની જૂની અને જાણીતી ફેક્ટરીને જ નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. તેનો પ્લાન એવો હતો કે આ કિંમતી હીરા અને સોનાના દાગીના મુંબઈ લઈ જઈ ત્યાં વેચીને અથવા તેનો ઉપયોગ કરીને મોટો બિઝનેસ સેટ કરી લેશે, પરંતુ સુરત પોલીસની સજાગતાને કારણે તેનો આ પ્લાન નિષ્ફળ રહ્યો. અન્ય ગુનાખોરી અને સાગરીતો અંગે તપાસ તેજ ડીસીપી ભાવેશ રોઝિયાએ વધુમાં ઉમેર્યું કે, આરોપી વર્ષ 2022થી 2026 દરમિયાન ક્યાં હતો અને આ સમયગાળામાં તેણે અન્ય કોઈ જગ્યાએ આવી કોઈ ચોરી કે વિશ્વાસઘાત આચર્યો છે કે કેમ, તે દિશામાં પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ આ ગુનો એકલા હાથે જ કર્યો હોવાની કબૂલાત કરી છે, તેમ છતાં આ ગુનામાં તેને સુરત કે મુંબઈમાં અન્ય કોઈ સ્થાનિક ઈસમ કે સાગરીતે મદદ કરી હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે તમામ કિંમતી મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ અર્થે આરોપીને મહિધરપુરા પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અનિરુદ્ધસિંહને જામીન છતાં જેલમાં જ રહેવું પડશે:અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે રેગ્યુલર જામીન આપ્યા, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદ યથાવત
    Next Article
    ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:રાજકોટના જંગલેશ્વરમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment