Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનાં સ્માર્ટ સિટીના દાવાઓ પોકળ:રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન માટે 762 કિલોમીટરના ખોદકામ સામે માત્ર 103 કિમીમાં જ ડામર રોડ બન્યા, ચોમાસામાં જનતાના હાલ બેહાલ થશે

    15 hours ago

    રાજકોટ શહેરમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ચોમાસાની ઋતુના પ્રારંભમાં શહેરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા દરમિયાન બિસ્માર અને ભાંગેલા રોડ-રસ્તાની વિકરાળ સમસ્યા શાસકો અને વહીવટી પ્રશાસન માટે મોટો માથાનો દુખાવો સાબિત થવાની છે. તાજેતરમાં તંત્ર દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબ મુજબ રાજકોટ શહેરમાં ડીઆઈ પાઇપલાઇન માટે 762 કિલોમીટરના ખોદકામ સામે માત્ર 103 કિમીમાં જ ડામર રોડ બન્યા છે. જેને લઈને ચોમાસામાં જનતાના હાલ બેહાલ થવાની પૂરતી શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ ગયા વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ડીઆઈ પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈ રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી. નવાઈની વાત એ છે કે જ્યાં ડીઆઈ પાઇપલાઇનની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ હતી, તેવા વિસ્તારોમાં પણ મહાપાલિકાના જવાબદાર અને અનુભવી ઇજનેરો પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય પેચવર્ક કરવાનું જ ભૂલી ગયા હતા. આ ગંભીર બેદરકારીના કારણે શહેરના અનેક વોર્ડ વિસ્તારોમાં જાહેર માર્ગો લપસણા બની ગયા હતા અને મુખ્ય માર્ગો મગરની પીઠ જેવા પથરાળ અને ખાડાવાળા બની ગયા હતા. આવી જ ભયાનક પરિસ્થિતિનું પુનરાવર્તન આ વર્ષે પણ થાય તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં કુલ 762 કિલોમીટરમાં ડીઆઈ પાઇપલાઇનની કામગીરી તો કરી નાખવામાં આવી છે, પરંતુ તેની સામે પાકા ડામર રોડ બનાવવાની કામગીરી તેના અડધા ભાગમાં પણ પૂર્ણ થઈ શકી નથી. મનપાના કાગળ પરના અરેન્જમેન્ટ અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓની હાલત ગામડા કરતાં પણ બદતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વ્યાપક પ્રમાણમાં થતી પાણીની ચોરી અને કિંમતી પાણીનો બગાડ અટકાવવાના ઉમદા આશય સાથે અલગ-અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ડીઆઈ પાઇપલાઇન નાખવાની વ્યાપક કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ હેતુ સારો હોવા છતાં, મનપાના એન્જિનિયરિંગ વિભાગના નબળા આયોજનને કારણે જનતા પીસાઈ રહી છે. જ્યાં પણ આ પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ જાય છે, ત્યાં કોન્ટ્રાક્ટરો અને ઇજનેરો રસ્તાને પૂર્વવત કરવા માટે પેચવર્ક કરવાનું મુનાસિબ સમજતા નથી. આ આળસના પરિણામે શહેરના તમામ 18 વોર્ડ વિસ્તારમાં ફેલાયેલા અસંખ્ય રહેણાંક વિસ્તારોના આંતરિક માર્ગો અને મહોલ્લાઓની હાલત અંતરિયાળ ગામડાના ધૂળિયા માર્ગો કરતાં પણ વણસી ગઈ છે. બીજી તરફ, શહેરના મુખ્ય હાર્દ સમાન માર્ગો પર એટલા મોટા અને ભયજનક ખાડાઓ પડી ગયા છે કે સામાન્ય નાગરિક માટે એ રસ્તાઓ પર ડામર શોધવો એ તણખલામાંથી સોય શોધવા જેટલું જ અત્યંત મુશ્કેલ કામ બની ગયું છે. એક તરફ ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકોના જીવ જોખમમાં મૂકાયા છે, ત્યારે આ ગંભીર મુદ્દે સત્તાવાર આંકડાઓ પણ ચોંકાવનારા સામે આવ્યા છે. મ્યુ. કમિશનરે ગત તા.25 મેના રોજ મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં પોતે જ આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. તંત્રએ સ્વીકાર્યું છે કે તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 762 કિલોમીટરના લાંબા વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇન નેટવર્ક લંબાવવાની કામગીરી કરવામાં આવી છે. પરંતુ આ વિશાળ ખોદકામની સામે માત્રને માત્ર 103.93 કિલોમીટરના વિસ્તારમાં જ નવા પાકા ડામર રોડ બનાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના સત્તાવાર રિપોર્ટ અનુસાર, બાકી રહેલા વિસ્તારોમાં માત્ર થીગડા મારવાની એટલે કે પેચવર્ક કરવાની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. રોડ-રસ્તાના કામનીઆંકડાકીય માહિતી - 170.31 કિલોમીટર વિસ્તારમાં ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે. - 9.48 કિલોમીટર વિસ્તારમાં માત્ર મેટલ પેચ (કપચી) નાખવામાં આવી છે. -2.66 કિલોમીટર વિસ્તારમાં જ સીસી રોડ બનાવવામાં આવ્યો છે. -17.54 કિલોમીટર વિસ્તારમાં સીસી પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા 762 કિલોમીટર લાંબી પાઇપલાઇન નેટવર્ક નાખવા માટે આખું શહેર ખોદી નાખવામાં આવ્યું, પરંતુ તેની સામે કાયમી અને મજબૂત કહી શકાય તેવા નવા ડામર રોડ તો માત્ર 103.93 કિલોમીટરમાં જ બન્યા છે. વળી, ચોમાસાના આ પ્રારંભિક દિવસોમાં જ આ નવા બનેલા ડામર રોડ પણ કેટલા ટકાઉ છે તેની પોલ ખૂલી જશે અને તે તકલાદી સાબિત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ 103.93 કિલોમીટરના નવા રોડ સિવાયના બાકી રહેતા અધધ 658.07 કિલોમીટરના મોટાભાગના વિસ્તારોમાં તો માત્ર સામાન્ય પેચવર્ક, કાચો મેટલ રોડ કે પછી મેટલ પેચવર્ક કરીને જ સંતોષ માની લેવાયો છે. મનપાના ઇજનેરો અને ઉચ્ચ અધિકારીઓએ માત્ર કાગળ પર કામગીરી બતાવીને, પ્રજાને નવા રોડ-રસ્તાની મોટી ભેટ આપી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી છે અને શાસકો પાસે વાહવાહ લૂંટવાનો પ્રયાસ કર્યો છે, જેની પાછળનો ભોગ આખરે સામાન્ય કરદાતા જનતાએ જ બનવું પડશે તે નિશ્ચિત છે. એક તરફ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નેતાઓ રાજકોટને રેન્કિંગમાં મોખરે લાવવા અને વૈશ્વિક સ્તરે 'સ્માર્ટ સિટી' બનાવવાના આકાશ-પાતાળ એક કરતા મોટા-મોટા દાવાઓ કરે છે, બીજી તરફ વરવી વાસ્તવિકતા તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે. ખુદ રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયરના પોતાના જ વોર્ડ નંબર 3 માં સમાવિષ્ટ વિસ્તારો જેવા કે કૃષ્ણનગર, વોરા સોસાયટી તેમજ તેની આસપાસના અનેક રહેણાંક વિસ્તારોમાં મહિનાઓ પહેલા પાઇપલાઇન માટે રોડ-રસ્તા આડેધડ ખોદી નાખવામાં આવ્યા હતા. આ ખોદકામ પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી ત્યાં ડામર પાથરવાની તસ્દી લેવામાં આવી નથી. આવી જ ખરાબ અને બિસ્માર હાલત શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ અને દક્ષિણ ઝોનના અસંખ્ય પોશ ગણાતા વિસ્તારોની પણ છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર જાણે માત્ર રોડ-રસ્તા ખોદીને પ્રજાને રઝળતી મૂકવામાં જ માનતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખોદકામ પૂર્ણ થયા બાદ તુરંત જ નવા સીસી રોડ કે ડામર રોડ બનાવવાનું તો દૂર રહ્યું, પરંતુ વાહનો ચાલી શકે તેવું સામાન્ય સમતલ પેચવર્ક કરવાની પણ તસ્દી નિમ્ભર તંત્રએ લીધી નથી. આગામી 4 મહિના જનતા માટે 'નર્કાગાર' સમાન બનશે રાજકોટ શહેરના અસંખ્ય વોર્ડ વિસ્તારોમાં ડીઆઈ પાઇપલાઇનની કામગીરી બાદ મહિનાઓ સુધી રસ્તાઓ પેચવર્ક વિના જ ખુલ્લા મૂકી દેવાયા છે. હવે જ્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે વહીવટી તંત્ર પાસે એવું આંધળું બહાનું તૈયાર જ હશે કે ચોમાસામાં નવો ડામર રોડ ન બની શકે અને જો મેટલ (કપચી) પાથરવામાં આવે તો કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાય. આ વચ્ચે હવે તંત્ર દ્વારા જે વિસ્તારોમાં મોટા ખાડાઓ છે, ત્યાં માત્ર લુખ્ખી કપચી પાથરીને સંતોષ માનવામાં આવશે. અને વરસાદી પાણીમાં આ કપચી રોડ પર વિખરાઈ જશે, જેના કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ જશે અને ગંભીર અકસ્માતોને ખુલ્લું આમંત્રણ મળશે. પરિણામે રાજકોટના ટેક્સ ભરતા નિર્દોષ નાગરિકોને કહેવાતા સ્માર્ટ સિટીમાં નર્કાગાર જેવી યાતના ભોગવવાનો વારો આવશે તે નક્કી છે. શાસક પક્ષ માટે હવે જનતાનો આ પ્રચંડ રોષ અને ભાંગેલા રસ્તાઓ સૌથી મોટો પડકાર બની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પરષોતમભાઈના પુત્ર દિવ્યેશ સોલંકીને 2027માં ચૂંટણી લડાવાની તૈયારીઓ શરૂ:'દિવ્યેશ સોલંકી ધારાસભ્ય બનીને મંત્રી બને', કોળી સમાજના આગેવાનો તેમજ યુવાનોની માંગ
    Next Article
    વસ્રાપુરમાં રોડ બેસી જતા સગાઈમાં વિઘ્ન:ઘરની બહાર જ મંડપની નીચે ખાડેખાડા, શહેરમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદે મનપાના ધજાગરા ઉડ્યા, જાણો ક્યાં કેવી સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment