Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજીડેમ પાસે 75 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનશે:વાવડી, કોઠારીયા, લાલપરી સહિતનાં વિસ્તારમાં રહેતા લાખો લોકોને નિયમિત પાણી મળશે, 210 કરોડનો વિકાસ થશે

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કણકોટ પાસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર અગાઉ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોને નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરવા અને આગામી 20 વર્ષનું આગોતરૂ આયોજન કરવા માટે આજીડેમ પાસે 75 MLD પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટથી રાજકોટમાં નવા ભળેલા કોઠારીયા, વાવડી, લાલપરી, રાંદરડા, સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકોને નિયમિત પાણી આપી શકાશે. આ નવા ફિલ્ટર પ્લાન્ટ સહિત, લાલપરી તળાવ બ્યુટીફીકેશન તેમજ નવી લાયબ્રેરી બનાવવા સહિત રૂ. 210 કરોડથી વધુના વિકાસ કામોની 63 દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી છે. 75 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકા હસ્તકના અનેક ફિલ્ટર પ્લાન્ટ જુનાં અને જોખમી બની ગયાં છે. શહેરની વધતી વસ્તી અને વિસ્તારો પ્રમાણમાં વર્તમાન ફિલ્ટર પ્લાન્ટ પુરી ક્ષમતાથી ચાલી શકે તેમ નથી. આજી-1ડેમ પાસે આવેલો હયાત 45 MLDનો ફિલ્ટર પ્લાન્ટ 1958માં બનેલો છે અને હવે તેની આવરદા પૂરી થઈ ગઈ છે. આ જોખમી ફિલ્ટર પ્લાન્ટ તોડીને નવો 75 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પાંચ વર્ષના મેન્ટેનન્સ સાથે રૂ. 60 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ફિલ્ટર પ્લાન્ટ બન્યા બાદ તેમાં કુલ 65 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. જેમાંથી મનપામાં નવા ભળેલા કોઠારીયા, વાવડી, લાલપરી રાંદરડા અને ભવિષ્યમાં નવા ભળી શકે તેવા નવાગામ અને આસપાસના વિસ્તારોને નિયમિત રીતે 20 મિનિટ પાણી વિતરણ કરી શકાશે. મહાપાલિકા આર્થિક સંકડામણમાં 200 કરોડનો ઓવરડ્રાફ્ટ લેશે રાજકોટ મહાનગરપાલિકા હાલ આર્થિક રીતે નબળી સ્થિતિમાં હોવાથી કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળના કામો પૂર્ણ કરવા માટે રૂ. 200 કરોડની લોન અથવા ઓવરડ્રાફ્ટ લેવાની નોબત આવી છે. કમિશનર તુષાર સુમેરાની દરખાસ્ત મુજબ, અમૃત-2 હેઠળ કુલ રૂ. 1274.55 કરોડના કામો મંજૂર થયા છે, જેમાં મનપાએ પોતાના ફાળા પેટે રૂ. 482.33 કરોડ આપવાના થાય છે. મ્યુનિસિપલ બોન્ડ દ્વારા રૂ. 100 કરોડ મેળવાયા છે, પરંતુ બાકીના રૂ. 382.33 કરોડ મ્યુનિસિપલ ફંડમાંથી ચૂકવવાના હોવાથી અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન તથા ફાયર બ્રિગેડના ખર્ચમાં વધારો થતા આર્થિક સ્થિતિ કથળી છે. જરૂરિયાતને પહોંચી વળવા જી.પી.એમ.સી. એક્ટની વિવિધ કલમો હેઠળ રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અથવા રાજ્ય સરકારની સંસ્થાઓ પાસેથી કોઈ પણ પ્રકારની સિક્યોરિટી વગર લોન, ઓવરડ્રાફ્ટ કે લાઈન ઓફ ક્રેડિટ લેવાની સત્તા કમિશનરને સોંપવામાં આવી છે. ઐતિહાસિક મણીયાર હોલને ઓડિટોરિયમમાં ફેરવીને ભાડામાં તોતિંગ વધારો કરાયો રાજકોટ મહાપાલિકા દ્વારા જ્યુબેલી ગાર્ડન સંકુલમાં આવેલા ઐતિહાસિક અરવિંદભાઇ મણીયાર હોલનું આધુનિકીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હોલના નવા ભાડાના દરોને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ અંગ્રેજો વખતના કોનોટ હોલ તરીકે જાણીતા અને બાદમાં અરવિંદભાઇ મણીયાર હોલ નામ અપાયેલા આ ભવનને રૂ. 3 કરોડના ખર્ચે ઓડિટોરિયમ જેવું આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેની બેઠક ક્ષમતા પણ વધારીને 519 કરવામાં આવી છે. મણીયાર ઓડિટોરિયમમાં હવે 519 પુશબેક ખુરશી, સેન્ટ્રલ એસી, સ્ટેજ પર વુડન ફ્લોરિંગ, નવીન લાઈટિંગ, ગ્રીન રૂમ અને રજવાડી એન્ટ્રી ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ સુવિધાઓના આધારે પૂ. પ્રમુખ સ્વામી અને અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમના ભાડાના માળખાને ધ્યાને રાખીને નવા દરો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સોમવારથી શનિવાર દરમિયાન સવારની શિફ્ટનું ભાડુ રૂ. 6000, બપોરની શિફ્ટનું રૂ. 8000 અને રાત્રિની શિફ્ટનું ભાડુ રૂ. 10000 નિર્ધારિત કરાયું છે. જ્યારે રવિવારે આ દરો અનુક્રમે રૂ. 8000, રૂ. 10000 અને રૂ. 12000 રહેશે. આ ઉપરાંત રૂ. 20000 ડિપોઝિટ અને પ્રતિ શિફ્ટ રૂ. 3000 મેન્ટેનન્સ ચાર્જ પણ ચૂકવવો પડશે. ઓડિટોરિયમમાં રૂપાંતર પામતા કલાપ્રેમીઓને નવું નજરાણું મળશે સરખામણી કરવામાં આવે તો, રાજકોટ મનપાના 713 સીટ ધરાવતા બાજપેયી ઓડિટોરિયમનું શનિવારનું ભાડુ રૂ. 8 થી 12 હજાર અને રવિવારનું રૂ. 10 થી 15 હજાર છે એવી જ રીતે 774 બેઠકની ક્ષમતા ધરાવતા પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમનું ભાડુ 10થી 15 હજાર અને રવિવારે 12થી 20 હજાર સુધીનું છે. વર્ષો પહેલા કલા જગત માટે એકમાત્ર વિકલ્પ ગણાતા મણીયાર હોલની જાળવણીના અભાવે અગાઉ બે વખત જર્જરિત હાલતમાં બંધ કરવો પડ્યો હતો, હવે ઓડિટોરિયમમાં રૂપાંતર પામતા કલાપ્રેમીઓને નવું નજરાણું મળશે. તો આ હોલની સાથે વોર્ડ નં. 1ના સંતોષ પાર્ક ખાતેના નવા કોમ્યુનિટી હોલના ભાડા વધારાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. લાલપરી તળાવનું રૂ. 18.11 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન લાંબા સમયથી વિવાદો અને પર્યાવરણની ક્વેરીમાં અટવાયેલી લાલપરી તળાવ બ્યુટીફિકેશન યોજનાને આખરે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) તરફથી મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 18.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 18265 ચોરસ મીટર એરિયામાં લેક ફ્રન્ટ, 1 કિમીનો રોડ, 10,950 ચોરસ મીટર ગાર્ડન વર્ક, વોકિંગ ટ્રેક અને ગેબિયન વોલ બનાવવામાં આવશે. અગાઉ પર્યાવરણ અને પક્ષીઓને નુકસાનના ડરથી ડિઝાઇનમાં ફેરફાર કરવા પડ્યા હતા, પરંતુ હવે નવી ડિઝાઇન મુજબ કામગીરી શરૂ થશે. પ્રધુમન પાર્ક અને લાયન સફારી પાર્કની નજીક હોવાથી આ વિસ્તાર પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે. જામનગર રોડ પર રૂ. 3.71 કરોડના ખર્ચે ભવ્ય એન્ટ્રી ગેટ બનશે રાજકોટના વેસ્ટ ઝોનમાં 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડના જંકશન પર શહેરના પ્રવેશદ્વાર તરીકે એક ભવ્ય એન્ટ્રી ગેટ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. અંદાજે 113 રનિંગ મીટરમાં આર.સી.સી. સ્ટ્રક્ચર સાથે બનનારા આ ગેટ માટે રૂ. 3.71 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ઇનોવેટિવ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીનું ટેન્ડર 4.99 ટકા વધુ ભાવ સાથે અને 18 ટકા GST સહિત મંજૂર કરવામાં આવ્યું છે. આ ગેટ શહેરની સુંદરતામાં વધારો કરશે અને આવનારા મુલાકાતીઓ માટે એક લેન્ડમાર્ક તરીકે કામ કરશે. ફાયર વિભાગ માટે વોટર ટેન્કર અને ફાયરબોટની ખરીદી માટે કરોડોનો ખર્ચ મંજૂર શહેરના પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી પૂરું પાડવા માટે રૂ. 14.98 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર માસમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાથી નવી એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રખાશે. આ ઉપરાંત, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ માટે રૂ. 72.45 લાખના ખર્ચે 10 નવી બોટ અને રેસ્ક્યુ સાધનો તથા રૂ. 6.48 કરોડના ખર્ચે 9 મીની ફાયર ફાઇટર વાહનોની ખરીદી કરવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીએ સ્વીકારી છે. અગાઉ નામંજૂર પ્રોજેક્ટ મોનીટરિંગ યુનિટ (PMU)ની રચનાને લીલી ઝંડી મનપાના વિવિધ વિકાસ કામોના દૈનિક મોનીટરિંગ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) બનાવવાની દરખાસ્ત અગાઉની બેઠકમાં નામંજૂર કરવામાં આવી હતી. જોકે મ્યુ. કમિશ્નર દ્વારા આજની સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત ફરી મુકવામાં આવતા આખરે મંજૂર કરવામાં આવી છે. અગાઉ ભાજપ શાસકોએ આ દરખાસ્ત નામંજૂર કરી હતી, પરંતુ કમિશનરની સમજાવટ બાદ તેને મંજૂરી મળી છે. આ યુનિટ દ્વારા 35 ફિલ્ડ એન્જિનિયરો સોફ્ટવેરના માધ્યમથી ખાતમુહૂર્તથી લઈને લોકાર્પણ સુધીની તમામ કામગીરીનું રિપોર્ટિંગ કરશે. આ સિવાય માધાપરમાં રૂ. 1.88 કરોડના ખર્ચે ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવાની અને સફાઈ કામદારોના વારસદારોને નોકરી આપવા માટે તબીબી ચકાસણી કમિટીની રચના કરવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ છે. ડોગ ફ્રેન્ડલી સેન્ટર અને શ્વાન નિયંત્રણની કામગીરી વોર્ડ નં. 3 ના માધાપર વિસ્તારમાં હયાત ડોગ ફ્રેન્ડલી સેન્ટરના સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે રૂ. 1.88 કરોડના ટેન્ડરને મંજૂરી અપાઈ છે. શહેરમાં રખડતા શ્વાનના ત્રાસને અટકાવવા અમદાવાદની ગોલ ફાઉન્ડેશનને કામગીરી સોંપવામાં આવી છે. આ માટે પ્રતિ શ્વાન વ્યંધીકરણ અને રસીકરણ માટે રૂ. 4160, રસીકરણ માટે રૂ. 415 અને ડોગ ફ્રેન્ડલી વર્ક માટે દૈનિક રૂ. 221 ના ભાવ નક્કી કરાયા છે. સ્માર્ટ સિટીમાં પાણીના ટેન્કરનો ખર્ચ વધ્યો સ્માર્ટ સિટીના અનેક વિસ્તારોમાં હજુ પાઈપલાઈનનું નેટવર્ક ન પહોંચતા ટેન્કર દ્વારા પાણી વિતરણનો ખર્ચ વધ્યો છે. નવા વિસ્તારોનો સમાવેશ થતાં અગાઉના રૂ. 11.64 કરોડના ખર્ચમાં રૂ. 2 કરોડનો વધારો થતાં કુલ ખર્ચ રૂ. 13.65 કરોડે પહોંચ્યો છે. નવી એજન્સીની નિમણૂક ન થાય ત્યાં સુધી હાલની એજન્સીને કામ ચાલુ રાખવા જણાવાયું છે, જેનાથી કુલ ખર્ચ અંદાજે રૂ. 14.98 કરોડ થશે. વારસદારોની નોકરી માટે તબીબી પ્રક્રિયામાં ફેરફાર સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટેની તબીબી ચકાસણીની પ્રક્રિયા હવે સરળ બનાવવામાં આવી છે. યુનિયનોની રજૂઆત બાદ હવે બહારની હોસ્પિટલના બદલે મનપાના આરોગ્ય અધિકારીઓની ટીમ જ રિપોર્ટ તૈયાર કરશે. આ કમિટીમાં મેડિકલ ઓફિસર અને ડેપ્યુટી મેડિકલ ઓફિસર સભ્ય તરીકે રહેશે, જેમના રિપોર્ટના આધારે સોલિડ વેસ્ટ શાખા અંતિમ નિર્ણય લેશે. સ્ટેન્ડિંગમાં મંજુર કારટેલી અન્ય મહત્વની દરખાસ્તો - રેસકોર્સના ફુટબોલ ગ્રાઉન્ડ કોચિંગ માટે ભાડે આપવા - રેલ્વે જંકશન રોડના ડિમોલીશનગ્રસ્તોને વૈકિલ્પક જમીન - જુદા જુદા વોર્ડમાં સફાઇ અને કચરા એકત્રિકરણ - મહિલા કોલેજ બ્રીજથી જનકલ્યાણ નાલા, ચિત્રકુટ-1 સુધી સ્ટોર્મ વોટર લાઇન - વોર્ડ નં.11 અંબિકા ટાઉનશીપ સામે પેટા વોર્ડ ઓફિસ - વોર્ડ નં.11 કણકોટ રોડ-ન્યારી ડેમને જોડતા આશ્રમ રોડનું ડેવલપમેન્ટ - વોર્ડ નં.11 મવડીના સવન ચોકમાં નવો ગાર્ડન - વોર્ડ નં.14 નટેશ્વર મંદિરથી લક્ષ્મીવાડી પુલ સુધીના વોંકળામાં સીસી કામ - વોર્ડ નં.1 રૈયાધારમાં મારવાડીવાસ મેઇન રોડથી ડ્રીમ સીટી સુધી ડીઆઇ લાઇન - વોર્ડ નં.11 બાલાજી હોલથી ધોળકીયા સ્કુલના 1પ મીટરના રોડને સીસી રોડ બનાવાશે - સબઓડિટરની ખાલી જગ્યા પર બઢતી કરાશે પેન્ડિંગ રાખવામાં આવેલી દરખાસ્તો - મનપાની મિલકતનાં રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડસ પુરા પાડવા માટે એજન્સી નિમવાની દરખાસ્ત - મનપાની જુદી-જુદી જગ્યાઓનાં પગારધોરણમાં સુધારો કરવાની દરખાસ્ત - વોર્ડ નં.7, 14 અને 17માં ઢેબર રોડ તરફ ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક ઉલ્લેખનીય છે કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કુલ 66 દરખાસ્તો આવી હતી. જેમાં 63 દરખાસ્તોને મંજુર કરવામાં આવી છે. પરંતુ સિક્યુરિટી ગાર્ડસ પુરા પાડવા માટે એજન્સી નિમવા, જુદી-જુદી જગ્યાનાં પગારધોરણમાં સુધારો કરવાની ખર્ચ વધારતી દરખાસ્તો વધુ વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે વોર્ડ નં.7, 14 અને 17માં ઢેબર રોડ તરફ ડીઆઇ પાઇપલાઇન નેટવર્કની દરખાસ્ત શહેરમાં કેટલા ડીઆઈ પાઇપલાઇનનાં કામો બાકી છે અને હાલમાં આ કામો થઈ શકે તેમ છે કે નહીં તે જાણવા માટે પેન્ડિંગ રખાઈ હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સૌરાષ્ટ્રમાંથી STની 1800 બસ ફાળવાશે:રાજકોટ ડિવિઝનમાંથી 200 વાહનો મુકાતા ગ્રામ્ય રૂટો પર અસર પડવાની શક્યતા
    Next Article
    રાજકોટ એરપોર્ટ પર રેપિડો સર્વિસ શરૂ:સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટને લઈ હવાઈ મુસાફરો માટે સ્નેક બારનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment