Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની સ્થિતિમાં આત્મઘાતી ડ્રોનની માંગ 7 ગણી વધી:15 કરોડની મિસાઇલ સામે 2 લાખનું સુરતી ડ્રોન, માત્ર 2 મહિનામાં ભારતીય સેનાનો 10 કરોડનો ઓર્ડર પૂરો કર્યો

    9 hours ago

    વૈશ્વિક સ્તરે જ્યાં એક તરફ ભીષણ યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાયેલી છે અને આધુનિક મિસાઇલો, ટેન્કો તથા ભારે લશ્કરી વાહનોથી જંગ લડવામાં આવી રહી છે, ત્યારે આખી દુનિયા હવે નાના અને સચોટ હુમલો કરતા ડ્રોન્સ તરફ વળી રહી છે. વર્તમાન પરિસ્થિતિઓમાં વ્યૂહાત્મક રણનીતિઓને ધાર આપવા અને સચોટ દેખરેખ રાખવા માટે ખાસ કરીને ભારતમાં બનેલા હાઇ-ટેક ડ્રોન્સની વૈશ્વિક માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ગર્વની વાત એ છે કે, દેશના હીરા અને કાપડ ઉદ્યોગના કેન્દ્ર તરીકે જાણીતા 'સુરત' શહેરમાં આ વિશેષ સ્વદેશી ડ્રોન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સુરતની ડ્રોન કંપની ‘Inside FPV’એ આ ક્ષેત્રમાં અપ્રતિમ સફળતા મેળવીને ભારતીય સેના પાસેથી 10 કરોડનો ઇમર્જન્સી પ્રોક્યોરમેન્ટ ઓર્ડર મેળવ્યો છે, જેને માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશની રક્ષા પ્રણાલીને મજબૂત કરી છે. હીરા અને ટેક્સટાઈલ માટે જાણીતું સુરત હવે વૈશ્વિક સ્તરે હાઈ-ટેક લશ્કરી હથિયારોનું કેન્દ્ર બની રહ્યું છે. સુરત સ્થિત ડીપ-ટેક ડ્રોન કંપની ‘Inside FPV’ ના સીઈઓ (CEO) હર્ષ ચૌધરીએ જણાવ્યું કે, તાજેતરમાં જ ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા કંપનીને 10 કરોડ રૂપિયાનો ઈમર્જન્સી આર્મી ઓર્ડર આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ડિફેન્સના પ્રોગ્રામ અને ઓર્ડર પૂરા થવામાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ સુરતના આ સ્ટાર્ટઅપે માત્ર 60 દિવસની અંદર આખો ઓર્ડર કમ્પ્લીટ કરીને આર્મીના નોર્ધન કમાન્ડને સેંકડોની સંખ્યામાં આત્મઘાતી (કામાકાઝી) ડ્રોન્સ ડિલિવર કરી દીધા છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે ગુજરાત હવે સંરક્ષણ ઉત્પાદનમાં પણ દેશનું મોડેલ બનવા સક્ષમ છે. ગયા વર્ષની સરખામણીએ ડિમાન્ડમાં 6 થી 7 ગણો તોતિંગ ઉછાળો વર્ષ 2020માં જ્યારે હર્ષ ચૌધરી અને તેની ટીમે આ કંપનીની શરૂઆત કરી ત્યારે ભારતમાં 'FPV કામિકાઝે ડ્રોન્સ' (FPV Kamikaze Drones) વિશે કોઈ વિચારતું પણ ન હતું. તે સમયે મોટાભાગની કંપનીઓ માત્ર લોજિસ્ટિક્સ કે સર્વેલન્સ (દેખરેખ) માટેના સામાન્ય ડ્રોન બનાવતી હતી. પરંતુ બદલાતા સમય સાથે Inside FPVએ જોખમ ખેડ્યું અને આત્મઘાતી ડ્રોન સેગમેન્ટ પર કામ શરૂ કર્યું. હર્ષ ચૌધરીના જણાવ્યા મુજબ, હાલમાં આ ડ્રોન્સ સેંકડોની સંખ્યામાં ખરીદવામાં આવી રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં ભારતીય સેના અને વૈશ્વિક બજારોમાંથી હજારોની સંખ્યામાં આ ડ્રોન્સના ઓર્ડર મળે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. 15 કરોડની મિસાઇલ સામે ₹2 લાખનું ડ્રોન આધુનિક યુદ્ધમાં આર્થિક પાસું ખૂબ મહત્વનું બની ગયું છે. ઉદાહરણ તરીકે, ઈરાન દ્વારા જે શાહિદ ડ્રોન્સનો ઉપયોગ અમેરિકા કે અન્ય ટાર્ગેટ્સ પર થાય છે, તેને હવામાં જ તોડી પાડવા (Intercept કરવા) માટે સેનાઓએ 10 થી 15 કરોડની મોંઘીદાટ બેલિસ્ટિક મિસાઇલ્સ છોડવી પડે છે. આ એક બહુ મોટું આર્થિક નુકસાન છે. આની સામે સુરતમાં બનેલા એફપીવી કામાકાઝી ડ્રોન્સ માત્ર 2 લાખથી 10 લાખની કિંમતમાં તૈયાર થઈ જાય છે. આ ડ્રોન્સ કદમાં નાના હોવા છતાં અત્યંત ઘાતક છે. અગાઉ ભારત પાસે માત્ર મોટા ફાઇટર જેટ્સ કે વિશાળ ડ્રોન્સ હતા, જેને બોર્ડર પર તૈનાત કરવામાં જ 10 મિનિટથી વધુ સમય લાગતો હતો, જ્યારે સુરતના આ ડ્રોન્સ પળવારમાં ઓપરેટ કરી શકાય છે. 6 વર્ષની આકરી મહેનતથી મળી 10 પેટન્ટ્સ કંપનીએ છેલ્લા 6 વર્ષથી સતત આર એન્ડ ડી (RD - Research and Development) ક્ષેત્રે મોટું રોકાણ કર્યું છે. હર્ષ ચૌધરીએ જણાવ્યું કે, તેમની કંપનીએ અત્યાર સુધીમાં 30 થી વધુ પેટેન્ટ્સ ફાઈલ કર્યા છે, જેમાંથી 8 થી 10 જેટલા પેટન્ટ્સ ઓલરેડી ગ્રાન્ટ (મંજૂર) પણ થઈ ચૂક્યા છે. આ ટેક્નિકલ સક્ષમતાના કારણે જ તેઓ આ ક્ષેત્રના 'પાયોનિયર્સ' સાબિત થયા છે. આ મજબૂત ટેકનોલોજીકલ પાયાના કારણે જ ભારતીય સેનાએ તેમના પર ભરોસો મૂકીને ₹10 કરોડનો ઇમર્જન્સી ઓર્ડર આપ્યો હતો. 80 થી 90 ટકા ડિમાન્ડ માત્ર FPV અને કામાકાઝી ડ્રોન્સની ડિફેન્સ સેક્ટરના વૈશ્વિક એક્સપોર્ટ પ્રોજેક્શનની વાત કરીએ તો વર્ષ 2027-28 સુધીમાં આ માર્કેટ અંદાજે ₹3,00,000 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે ડિમાન્ડ આવી રહી છે, તેના સેગ્મેન્ટેશનમાં 80% થી 90% ડિમાન્ડ માત્ર એફપીવી અને કામાકાઝી ડ્રોન્સની જ છે. આ પ્રકારના ડ્રોન્સની ન્યુટ્રલાઇઝેશન (દુશ્મનને ખતમ કરવાની) એક્યુરેસી 80% થી 90% જેટલી સચોટ હોય છે. રશિયા-યુક્રેન સંઘર્ષમાં પણ સાબિત થયું છે કે ભવિષ્યના યુદ્ધો ટેન્કોથી નહીં પણ ડ્રોન્સથી જીતાશે. આ વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતને સંતોષવા માટે સુરત અને ભારત હવે સંપૂર્ણ રીતે સજ્જ છે. માઈનસ 35 ડિગ્રીમાં પણ સચોટ હુમલો કરી શકે સુરતની ‘Inside FPV’ કંપનીના કામિકાઝે ડ્રોન્સની સૌથી મોટી અને આશ્ચર્યજનક ખાસિયત એ છે કે, તેને ભારતની અત્યંત વિષમ અને કપરી ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યા છે. લદ્દાખ, કારગિલ અને દ્રાસ જેવા સરહદી વિસ્તારોમાં જ્યાં શિયાળામાં તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ (-35°C) સુધી ગગડી જાય છે અને મોટાભાગના ઇલેક્ટ્રોનિક હથિયારો કે સામાન્ય ડ્રોનની બેટરીઓ કામ કરવાનું બંધ કરી દે છે, ત્યાં સુરતના આ હાઇ-ટેક ડ્રોન્સ કોઈ પણ અડચણ વગર 120 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે ઉડાન ભરી શકે છે. પહાડી વિસ્તારોના ભારે પવન અને હાડ થીજવતી ઠંડી વચ્ચે પણ આ આત્મઘાતી ડ્રોન દુશ્મનના બંકરો, છૂપાયેલા ઠેકાણાઓ કે લશ્કરી વાહનો પર 90% સુધીની સચોટતા (એક્યુરેસી) સાથે ત્રાટકીને તેને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. AI આધારિત ઓટોનોમસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ એલિવેટ Z1 એ ખાસ કરીને લાંબા સમય સુધી સરહદી દેખરેખ અને સંરક્ષણ ISR (Intelligence, Surveillance, and Reconnaissance) મિશન માટે તૈયાર કરાયેલું અત્યાધુનિક ડ્રોન છે. આ ડ્રોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓટોનોમસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જે દિવસ અને રાત બંને સમયે એકસાથે 8થી વધુ ટાર્ગેટ શોધીને સચોટ નજર રાખી શકે છે. તેની સૌથી મોટી ખાસિયત તેનો 60 મિનિટનો લાંબો ઉડાન સમય (Endurance), 5 કિલોમીટરથી વધુની ઓપરેશનલ રેન્જ અને ગુપ્ત મિશનો માટે તદ્દન શાંત ઓપરેશન (Silent Operation) છે. તેમાં 20 મેગાપિક્સલનો ફુલ HD કેમેરો છે, જે 30X ઓપ્ટિકલ અને 180X હાઇબ્રિડ ઝૂમ તેમજ પાવરફુલ થર્મલ ઇમેજિંગ સિસ્ટમ ધરાવે છે. IP55 રેટિંગ ધરાવતું આ વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (VTOL) ડ્રોન માત્ર 3 મિનિટની અંદર સેટ થઈ જાય છે અને તેને એક જ વ્યક્તિ સરળતાથી ઓપરેટ કરી શકે છે. 5 મિનિટથી ઓછા સમયમાં ડિપ્લોય કરી શકાય છે શહેરી વિસ્તારોમાં ગુપ્ત દેખરેખ અને ઇમરજન્સી રિસ્પોન્સ માટે ત્રિકાલ લાઇટ એક આદર્શ અને અત્યંત હલકું (Lightweight) ડ્રોન છે. તેની કોમ્પેક્ટ અને ફોલ્ડેબલ ડિઝાઇનને કારણે તેને યુદ્ધભૂમિ કે કોઈ પણ ફિલ્ડમાં સરળતાથી લઈ જઈ શકાય છે અને 5 મિનિટથી ઓછા સમયમાં ડિપ્લોય કરી શકાય છે. આ ડ્રોન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 30 મિનિટ સુધી સતત ઉડી શકે છે અને તેની ઓપરેશનલ રેન્જ 5 કિલોમીટર જેટલી છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ ડ્રોન ખૂબ જ પાવરફુલ છે, કારણ કે તે 400 મીટર દૂરથી માનવ હિલચાલ અને 1000 મીટર દૂરથી વાહનોને શોધી કાઢવા માટે સક્ષમ છે. તેમાં ફુલ HD 1080p કેમેરો, થર્મલ ઇમેજિંગ અને ગ્રેનેડ લઈ જવાની વધારાની ટેક્ટિકલ ક્ષમતા પણ આપવામાં આવી છે. 10 કિમીની રેન્જમાં 75 મિનિટથી વધુ સમય સુધી હવામાં રહે છે ત્રિકાલ મેક્સ એ આધુનિક યુદ્ધભૂમિની લોજિસ્ટિક્સ અને કોમ્બેટ (યુદ્ધ) જરૂરિયાતોને પૂરી કરતું એક હેવી-લિફ્ટ જાયન્ટ ડ્રોન છે. આ ડ્રોન 9 કિલોગ્રામ જેટલો ભારે સામાન અથવા એકસાથે 6 ગ્રેનેડ ડ્રોપ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની ઉડાન ક્ષમતા અદભુત છે, જે 10 કિલોમીટરથી વધુની રેન્જમાં 75 મિનિટથી વધુ સમય સુધી હવામાં રહી શકે છે. આ ડ્રોન ફ્રીક્વન્સી હોપિંગ અને ટ્રિપલ ફ્રીક્વન્સી કોમ્યુનિકેશન સપોર્ટ સાથે આવે છે, જેથી દુશ્મન તેના સિગ્નલને જામ ન કરી શકે. તેમાં 1500 મીટરની ક્ષમતા ધરાવતું લેઝર રેન્જ ફાઇન્ડર, હાઇ-પાવર સર્ચલાઇટ, મેગાફોન અને 30X ઓપ્ટિકલ ઝૂમ સાથે મલ્ટિ-ટાર્ગેટ ટ્રેકિંગ થર્મલ કેમેરો પણ છે, જે તેને બહુહેતુક મિશનો માટે સર્વશ્રેષ્ઠ બનાવે છે. 50 કિમી ઝડપે ફૂંકાતા પવનમાં પણ સ્થિર રહીને પ્રહાર કરે કામાકાઝી 15 ઇંચ એ દુશ્મનના ઠેકાણાઓ પર સચોટ અને ઘાતક હુમલો કરવા માટે ડિઝાઇન કરાયેલું હાઇ-સ્પીડ કોમ્બેટ એફ.પી.વી. (First-Person View) ડ્રોન છે. આ ડ્રોન 100 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે દોડી શકે છે અને 50 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનમાં પણ સ્થિર રહીને સચોટ પ્રહાર (Precision Strike) કરી શકે છે. પાયલટને લાઇવ ફીડ આપવા માટે તેમાં 160 ડિગ્રી અલ્ટ્રા-વાઇડ વ્યૂ કેમેરો છે, જે HD FPV ગોગલ્સ સાથે મળીને પાયલટને એવું ઇમર્સિવ કંટ્રોલ આપે છે જાણે તે પોતે ડ્રોનમાં બેઠો હોય. આ આક્રમક ડ્રોન 6 કિલોગ્રામ સુધીનો વિસ્ફોટક પેલોડ, જેમાં 2 ગ્રેનેડ અથવા 51mm મોર્ટાર સામેલ છે, તે લઈને માત્ર 1 મિનિટની અંદર લોન્ચ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    કર્ક રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ:5 મહિના સુધી ઉચ્ચની રાશિમાં ભ્રમણ કરશે, કોને લાભ અને કોને નુકસાન થશે? જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ. પંકજ નાગર પાસેથી
    Next Article
    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં GT અને RCB વચ્ચે મહા મુકાબલો:IPL ફાઈનલમાં વરસાદનું વિઘ્ન?, પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ, 3000 પોલીસકર્મી તૈનાત; જુઓ મેપ સાથે પાર્કિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment