Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રડતા બાળકને મોબાઇલ આપ્યો, હવે થેરાપી માટે પરેશાન:મોબાઇલની લતથી બાળકો બેકાબૂ, ગુજરાત સહિત 7 રાજ્યોમાં તપાસ

    17 hours ago

    બાળક રડ્યું એટલે હાથમાં મોબાઈલ પકડાવી દીધો. જમવામાં આનાકાની કરી કે તરત વીડિયો શરૂ કરી દીધો. માતા-પિતા પોતાના કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળકને શાંત રાખવા ફોન આપી દેવો—કોવિડ બાદથી દેશના લાખો પરિવારોમાં આ સામાન્ય બની ગયું. જોકે, હવે એ જ પરિવારો એ જ સંતાનોને લઈને થેરેપી સેન્ટરોની બહાર પોતાના વારાની રાહ જોઈને બેઠા છે. બાળકોમાં મોડા બોલવું, આઈ-કોન્ટેક્ટ ન કરવો, લોકો સાથે હળવા-મળવાનું ટાળવું અને હાઈપર એક્ટિવ થવા જેવી ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. તબીબો અને થેરેપિસ્ટ તેને ‘વર્ચ્યુઅલ ઓટિઝમ’ કહી રહ્યા છે; એટલે કે વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે બાળકોમાં ઓટિઝમ જેવાં જ લક્ષણો દેખાવાં. 7 રાજ્યોમાં તપાસ, દરેક જગ્યાએ એકસરખી સ્થિતિ સરકારી હોસ્પિટલોમાં વર્ચ્યુઅલ ઓટિઝમની સારવારની શું વ્યવસ્થા છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. તપાસમાં સામે આવ્યું કે ઓટિઝમની ટ્રીટમેન્ટ માટે ઊભા કરાયેલા ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) ખાતે જ બાળકોનું પ્રારંભિક નિદાન, એસેસમેન્ટ અને થેરેપી થાય છે. આરોગ્ય મંત્રાલયના 2023-24ના આંકડા મુજબ દેશમાં 430 DEIC કાર્યરત છે. ત્યારબાદ નવો કોઈ ડેટા જાહેર કરાયો નથી. આ સેન્ટરોમાં 21 પ્રકારની વિકલાંગતા (ડિસએબિલિટી)ની થેરેપી અપાય છે, પરંતુ તેમાં વર્ચ્યુઅલ ઓટિઝમનો સમાવેશ કરાયો નથી. ભાસ્કરની ટીમે દિલ્હી ઉપરાંત 6 રાજ્યોનાં પાટનગરમાં તપાસ કરી. સૌથી પહેલાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના DEIC પહોંચ્યા, જ્યાં થેરેપી સાથે સંકળાયેલા મોટાભાગના રૂમ પર તાળાં લટકતાં હતાં, કારણ કે જરૂરી સ્ટાફની ભરતી જ કરવામાં આવી નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનાં પાટનગરમાં પણ સ્થિતિ આનાથી અલગ નથી. રાજસ્થાનમાં તો DEIC માત્ર કાગળ પર છે, જમીન પર તેનું નામોનિશાન નથી. બિહારમાં સેન્ટર માંડ બે રૂમમાં ધમધમે છે, તો દેશની રાજધાની દિલ્હીના DEICમાં પણ થેરેપિસ્ટોની ભારે અછત છે. રાજ્યોનાં પાટનગરમાંથી સિલસિલાવાર અહેવાલ... શરૂઆત મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી... ભોપાલની સરકારી જયપ્રકાશ જિલ્લા હોસ્પિટલમાં આવેલા DEICમાં 2026માં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે ઓટિઝમથી પીડિત 31 બાળકો આવ્યાં, પરંતુ તેમાંથી માત્ર એક જ કેસ વર્ચ્યુઅલ ઓટિઝમનો ગણવામાં આવ્યો. સેન્ટરમાં તેની ચોક્કસ ઓળખ માટે અલગ એસેસમેન્ટ ટૂલ જ ઉપલબ્ધ નથી. સવાલ એ થાય છે કે સાધન વગર આ કેસનું ડાયગ્નોસિસ કઈ રીતે થયું? સેન્ટરમાં ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર, પીડિયાટ્રિક અને ઓફ્થેલ્મિક આસિસ્ટન્ટની જગ્યા એક વર્ષથી ખાલી પડી છે. થેરેપિસ્ટના અભાવે સેન્સરી ઇન્ટિગ્રેશન એરિયા પર તાળું લાગેલું છે. આ એક વિશિષ્ટ રીતે ડિઝાઈન કરેલી થેરેપી સ્પેસ હોય છે. સેન્ટર મેનેજર ઉજ્જવલ સિંહના જણાવ્યા અનુસાર, ખાલી પદો અંગે રાજ્ય સરકારને વારંવાર જાણ કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા એક વર્ષમાં કોઈ નવી નિમણૂક થઈ નથી. જે સમસ્યાની ગણતરી જ નથી, તેની પોલિસી-ગાઈડલાઈન કેવી રીતે બને? ઉજ્જવલ સિંહ કહે છે, ‘અમારી પાસે ઓટિઝમ અને વર્ચ્યુઅલ ઓટિઝમને અલગ તારવવાનું કોઈ ટૂલ નથી. આ માટે સ્પષ્ટ સરકારી ગાઈડલાઈનની જરૂર છે.’ વર્ચ્યુઅલ ઓટિઝમ અને મૂળ ઓટિઝમનાં લક્ષણો ઘણાં મળતાં આવે છે. બંનેના મૂલ્યાંકન માટે એક જ ટૂલ વપરાય છે, જેના કારણે વર્ચ્યુઅલ ઓટિઝમના દર્દીઓની ગણતરી પણ સામાન્ય ઓટિઝમમાં જ થઈ જાય છે. આ બાબત ચિંતાજનક છે, કારણ કે નિષ્ણાતોનું માનવું છે કે વર્ચ્યુઅલ ઓટિઝમ સંપૂર્ણપણે સાજું થવાની શક્યતા હોય છે, જ્યારે જન્મજાત ઓટિઝમ ક્યારેય પૂર્ણપણે મટતું નથી. વધતા કેસ અને સ્ટાફની અછતને લીધે થેરેપીમાં વિલંબ DEICના સાયકોલોજિસ્ટ ડૉ. નિમિતા દુબે જણાવે છે, ‘ઓપીડી અને ફોલોઅપના વધતા કેસો સામે સ્ટાફ ખૂબ ઓછો હોવાથી દર્દીને અઠવાડિયામાં વારંવાર બોલાવવો શક્ય બનતો નથી. પરિણામે 15 દિવસે કે મહિને એક વાર ફોલોઅપ મળે છે. જો પૂરતો સ્ટાફ હોય અને બાળકને સમયસર યોગ્ય થેરેપી મળે તો ઝડપી સુધારો શક્ય છે.’ લોકડાઉન પછી દર મહિને 30-40 નવા કેસ સરકારી સેન્ટરની વાસ્તવિકતા તપાસ્યા બાદ અમે ખાનગી ડાયગ્નોસિસ અને થેરેપી સેન્ટરોની કાર્યપદ્ધતિ સમજી. આ માટે અમે ભોપાલના ‘RAVI સેન્ટર’ પહોંચ્યા, જેનું સંચાલન તૃપ્તિ મંગલ કરે છે. તેઓ 15 વર્ષથી ઓટિઝમ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે અને તેમની દીકરી પણ ઓટિસ્ટિક છે. તૃપ્તિ જણાવે છે, ‘લોકડાઉન પહેલાં વર્ચ્યુઅલ ઓટિઝમના આખા વર્ષમાં માંડ 8થી 15 નવા કેસ નોંધાતા હતા. લોકડાઉન બાદ હવે દર મહિને 30થી 40 કેસ આવી રહ્યા છે. કેટલાક કિસ્સા તો અત્યંત ગંભીર હોય છે; બાળકો પોતાને ઇજા પહોંચાડવા, નોંચવા કે બચકાં ભરવા સાથે અન્યો પર હુમલો કરવા લાગે છે. એક કિસ્સામાં તો ફોન છીનવી લેતાં બાળકે થેરેપિસ્ટનું માથું જ ફોડી નાખ્યું હતું.’ આ જ સેન્ટર પર 8 વર્ષની માયરા મળી. જન્મના બીજા જ દિવસે માતાનું અવસાન થતાં તેની પરવરિશ ફોઈએ કરી હતી. માયરા રડતી ત્યારે તેને મોબાઈલ પકડાવી દેવાતો અને તે તરત શાંત થઈ જતી. બે વર્ષની થઈ ત્યાં સુધી તે કશું જ બોલી શકતી નહોતી. 6 વર્ષની ઉંમરે તેની થેરેપી શરૂ કરાઈ. જે મોબાઈલે એક સમયે માયરાને શાંત રાખી હતી, આજે તેનાથી તેને દૂર કરવી પરિવાર માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આવી જ કહાણી સોનાની છે. તેની માતા જણાવે છે, ‘તે બે વર્ષની હતી ત્યાં સુધી બિલકુલ સામાન્ય હતી. અમે જે શબ્દ શીખવતા તે બોલતી. પછી તેને ફોન જોવાની લત લાગી ગઈ અને તેને કોઈએ રોકી પણ નહીં. 2 વર્ષ અને 7 મહિનાની ઉંમરે પહોંચતાં-પહોંચતાં સોનાએ બોલવાનું સાવ બંધ કરી દીધું. 3 વર્ષની થઈ ત્યારે ડૉક્ટર પાસે લઈ ગયા. હવે દરરોજ થેરેપી માટે સેન્ટરે આવવું પડે છે. હાલ તે ફોનમાંથી સાંભળેલા માત્ર અમુક શબ્દો જ રિપીટ કરી શકે છે. રાજસ્થાન: પાટનગર જયપુરમાં DEIC માત્ર કાગળ પર, જમીન પર અસ્તિત્વ જ નહીં આરોગ્ય વિભાગના ચોપડે જેકે લોન હોસ્પિટલમાં DEIC નોંધાયેલું છે. અમે ત્યાં તપાસ કરવા પહોંચ્યા તો જાણવા મળ્યું કે સેન્ટર કાર્યરત જ નથી. હોસ્પિટલ પ્રશાસન મુજબ, સરકાર તરફથી DEIC શરૂ કરવા માટે માત્ર પત્ર મળ્યો છે. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થના ડિરેક્ટર ડૉ. મધુ રિતેશ્વર જણાવે છે કે રાજસ્થાનમાં આશરે 23 સ્થળોએ DEICને કોઈ ને કોઈ સ્વરૂપે ફંક્શનલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. લગભગ 8 સ્થળોએ બિલ્ડિંગ તૈયાર થઈ ગયાં છે અને માત્ર હેન્ડઓવરની પ્રક્રિયા બાકી છે. હોસ્પિટલમાં ઓટિઝમ પર કામ કરી રહેલાં ઓડિયોલોજિસ્ટ-સ્પીચ થેરેપિસ્ટ ટ્વિંકલ કહે છે, ‘અમારી પાસે સમગ્ર રાજસ્થાનમાંથી વર્ચ્યુઅલ ઓટિઝમના ઘણા બાળકો આવે છે. બાળકોની હાઈપર એક્ટિવિટી ઓછી કરવા માટે સૌથી પહેલાં ઓક્યુપેશનલ થેરેપી આપવી પડે છે.’ પરંતુ અહીં ઓક્યુપેશનલ થેરેપિસ્ટ સહિત લગભગ તમામ જગ્યાઓ ખાલી છે. માત્ર ઓડિયોલોજિસ્ટ અને ફિઝિયોથેરેપિસ્ટની નિમણૂક ત્રણ મહિના પહેલાં કરવામાં આવી છે. બિહાર: માત્ર બે રૂમમાં ધમધમતું સેન્ટર પટનાની નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં DEIC માટે જગ્યા ફાળવાઈ હતી, પરંતુ હાલ ત્યાં કેન્સર હોસ્પિટલ ચાલી રહી છે. બીજી તરફ ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં DEIC માત્ર બે રૂમમાં ચલાવવામાં આવી રહ્યું છે, એટલે કે પૂરતી જગ્યા અને પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. સેન્ટર મેનેજર ડૉ. રવિશંકર સિંહા જણાવે છે કે અહીં 2024થી ઓક્યુપેશનલ થેરેપિસ્ટ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી જ નથી થઈ. અમારી પાસે થેરેપી માટેનાં પાયાનાં સાધનો જ નથી. સેન્સરી ગાર્ડન અને ઓડિયોલોજી રૂમ ન હોવાથી થેરેપી થઈ શકતી નથી. અમે આ અંગે વિભાગનું વારંવાર ધ્યાન દોર્યું છે. ઉત્તર પ્રદેશ: લખનૌ DEICમાં દરરોજ 5થી 10 કેસ આ સેન્ટર કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) ખાતે ચાલે છે. મેનેજર ગૌરવ સક્સેનાના જણાવ્યા મુજબ અહીં 7 કર્મચારીઓનો સ્ટાફ છે અને મોટાભાગની જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે. સાયકોલોજિસ્ટ ડૉ. અમિત આર્ય કહે છે કે ચાઈલ્ડ ઓપીડીમાં રોજના 70થી 80 બાળકો આવે છે. તેમાંથી આશરે 20 બાળકોમાં ઓટિઝમનાં લક્ષણો જોવા મળે છે, જેમાં 5થી 10 કેસ વર્ચ્યુઅલ ઓટિઝમ સાથે સંકળાયેલા હોય છે. ગુજરાત: ગાંધીનગર DEICમાં 2 વર્ષથી વર્ચ્યુઅલ ઓટિઝમના કેસમાં ઉછાળો ગાંધીનગરના DEICમાં 8 વર્ષની બાળકી સારવાર માટે આવેલી મળી. તેના પિતા તુષાર ભારતીય છે અને માતા યુક્રેનનાં છે. તુષાર જણાવે છે કે દીકરીનો જન્મ 2019માં થયો હતો. ત્યારપછી કોરોના મહામારી આવી ગઈ. લોકડાઉનમાં બહાર જવાનું શક્ય નહોતું એટલે દીકરી આખો દિવસ ઘરમાં બેસીને મોબાઈલ જોયા કરતી. આ કારણે તેનામાં વર્ચ્યુઅલ ઓટિઝમની ગંભીર સમસ્યા ઊભી થઈ. અહીંના મેનેજર ડૉ. પૂજા પટેલના જણાવ્યા અનુસાર સેન્ટરમાં તમામ જરૂરી સ્ટાફ હાજર છે. તો સાયકોલોજિસ્ટ શિખા શુક્લા કહે છે કે છેલ્લાં બે વર્ષમાં વર્ચ્યુઅલ ઓટિઝમના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર વધી છે. અમે વાલીઓને સાયકો-એજ્યુકેટ કરીએ છીએ કે જો પ્રારંભિક તબક્કે જ (અર્લી ઇન્ટરવેન્શન) સારવાર શરૂ કરી દેવાય તો બાળકના વર્તનમાં મોટો સુધારો લાવી શકાય છે. દિલ્હી: કોવિડ બાદ વર્ચ્યુઅલ ઓટિઝમના કેસમાં 40થી 50 ટકાનો વધારો દિલ્હીમાં કુલ ત્રણ DEIC આવેલાં છે. તે પૈકીનું એક ગુરુ ગોવિંદ સિંહ ગવર્નમેન્ટ હોસ્પિટલમાં છે. સેન્ટરના મેનેજર ડૉ. અનિતા પંડિતની ગેરહાજરીમાં કામ સંભાળી રહેલાં ડૉ. સંગીતા રાનીએ જણાવ્યું કે મેનેજર 14 દિવસની રજા પર છે. DEICના સોશિયલ વર્કર ટ્વિંકલના જણાવ્યા મુજબ કોવિડ બાદ વર્ચ્યુઅલ ઓટિઝમના કેસ 40થી 50 ટકા વધ્યા છે. દરરોજ આવાં 6થી 7 બાળકો સેન્ટર પર આવે છે. વાલીઓ ઘણીવાર એવું માની બેસે છે કે બાળક મોટું થઈને આપમેળે બોલવા લાગશે, પરંતુ દરેક વખતે આવું બનતું નથી. DEICમાં હાલ 10ની જરૂરિયાત સામે 7 જ કર્મચારીઓ છે. સ્પીચ થેરેપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર અને પીડિયાટ્રિક સ્ટાફની અછત વર્તાઈ રહી છે. મહારાષ્ટ્ર: મુંબઈમાં DEIC નથી, BMCનું અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત મુંબઈ શહેરમાં ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર નથી, પરંતુ બીએમસી (BMC) દ્વારા નાયર હોસ્પિટલમાં અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર ચલાવાય છે. આ સિવાય સાઉથ મુંબઈના નાગપાડા ખાતે અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર ફોર ચિલ્ડ્રન આવેલું છે. તેના વડાં ડૉ. સુરભિ રાઠીએ જણાવ્યું કે સેન્ટરમાં રોજનાં અંદાજે 120 બાળકો આવે છે. તેઓ વધુમાં ઉમેરે છે, ‘વર્ચ્યુઅલ ઓટિઝમ નવો કોન્સેપ્ટ હોવાથી હાલ તેના કેસ અલગથી નોંધાતા નથી. દર 10માંથી 1 બાળક વર્ચ્યુઅલ ઓટિઝમથી પ્રભાવિત હોઈ શકે છે. હાલ તેનો કોઈ અલગ રેકોર્ડ રખાતો નથી, પરંતુ ભવિષ્યમાં તેનું સ્વતંત્ર રજિસ્ટર તૈયાર કરવાનું આયોજન છે.’ નાનાં બાળકોના સ્ક્રીન ટાઈમ પર 31 દેશોની ગાઈડલાઈન ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની માર્ગદર્શિકા અનુસાર, બે વર્ષ સુધીનાં બાળકોને ડિજિટલ સ્ક્રીનથી બિલકુલ દૂર રાખવાં જોઈએ. ભારત સહિત વિશ્વના 31 દેશોમાં બાળકોના સ્ક્રીન ટાઈમને મર્યાદિત કરવા અંગે સ્પષ્ટ ગાઈડલાઈન અમલમાં છે. ઉમ્મીદ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ (ભોપાલ)ના ડિરેક્ટર ડૉ. ઝફર મીનાઈ જણાવે છે કે વાલીઓએ પ્રારંભિક ઓળખ માટે આ 4 બાબતો પર ખાસ નજર રાખવી જોઈએ: 1. શું બાળકે બોલવાનું શરૂ કર્યાના 3-4 મહિના બાદ અચાનક બોલવાનું બંધ કરી દીધું? 2. બાળક બોલવાના બદલે માત્ર ઈશારાઓથી જ વાતચીત કરે છે? 3. તે પોતાની જ દુનિયામાં ખોવાયેલું રહે છે? 4. 18 મહિના પછી પણ તે 'ઊભા રહો', 'બેસી જાઓ' કે 'આ ન કરો' જેવી સાદી સૂચનાઓ સમજી શકતું નથી? મેદાંતા મેડિસિટીના ડિરેક્ટર અને ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પ્રમુખ ડૉ. નીલમ મોહન વર્ષોથી વર્ચ્યુઅલ ઓટિઝમ પર કાર્યરત છે. તેમનું માનવું છે કે આ અંગે જાગૃતિ લાવવા નક્કર રાષ્ટ્રીય નીતિ બનવી જોઈએ. તેઓ નીતિ આયોગની આગામી બેઠકોમાં પણ આ મુદ્દો ઉઠાવશે. ===================== સ્ટોરી સહયોગ: યુપીમાંથી વિકાસ શ્રીવાસ્તવ, રાજસ્થાનમાંથી સૌરવ, બિહારમાંથી રણજીત, દિલ્હીમાંથી રાજીવ નયન ચતુર્વેદી, ગુજરાતમાંથી દીપક, મહારાષ્ટ્રમાંથી સંતોષ ગાયકવાડ.
    Click here to Read More
    Previous Article
    ધો.4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપી:CTMની સ્કૂલના શિક્ષકને જાણ થતા વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો, માતાની શિક્ષક-પ્રિન્સિપાલ સામે ફરિયાદ
    Next Article
    NSE IPO Day 3: Issue Booked Over 4 Times After QIB Rush; Check GMP, Price Band, Other Key Details

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment