Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો:જંગલમાંથી અવશેષો મળ્યા, જૂનાગઢમાં માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં વનરાજે હુમલો કર્યો; 25 દિવસમાં 6 ઘટના

    20 hours ago

    ​જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના નિર્દોષ બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વન વિભાગ તેમજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ ગિરનારની મુખ્ય સીડી પર સામાન્ય અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો ​આ અંગે બાળકના કુટુંબી કાકા ચૌહાણ અનિલકુમારસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે, તેઓ સવારે ગિરનારના પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે ગેટથી અંદર આશરે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી અચાનક એક સિંહે આવીને પાછળથી ભત્રીજા મયુરસિંહ મહેન્દ્રસિંહ પર તરાપ મારી હતી. સિંહ બાળકને હાથમાંથી જ ખેંચીને જંગલ તરફ ભાગ્યો હતો, જેના કારણે ભારે દોડધામ અને ચીસાચીસ થઈ ગઈ હતી. ત્યારબાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો જ હાથ લાગ્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા માંગ કરી છે કે સીડીઓ પર લાઈટની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે અંધારામાં વન્યજીવ બેઠો હોય તો પણ ખ્યાલ નથી આવતો, જેથી અહીં તાત્કાલિક લાઈટની સગવડ કરવી જોઈએ અને અમુક અંતરે ફોરેસ્ટ ઓફિસર તહેનાત કરવા જોઈએ. માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં અચાનક સિંહ બાળકને ખેંચી ગયો ​આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને સગા સંદીપભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે, તેઓ રાત્રે ગિરનારમાં રોકાયા હતા અને સવારે આશરે પોણા છ વાગ્યે 50થી 60 જેટલા યાત્રિકો સાથે ચઢવાનું શરૂ કર્યું હતું. માંડ 50 પગથિયાં ચડ્યા ત્યાં જ અચાનક સિંહે આવીને બાળક મયુરસિંહને ઉઠાવી લીધો હતો. સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતો હતો, તેમ છતાં લાઈટ કે સુરક્ષાની પૂરતી સુવિધા ન હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. સિંહની શોધખોળ શરૂ ​બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાલ મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરાવી દેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ વન વિભાગની અલગ-અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેને પકડવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવાયા છે. જો કે, ઘટનાના બે કલાક સુધી આરએફઓ સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક સ્ટાફે વહેલી સવારથી જ આગળની સઘન કાર્યવાહી હાથ ધરી છે. 8 જુલાઈ, 2026: અમરેલીમાં અંટાળીયા ગામ નજીક સિંહ-સિંહણે 21 વર્ષીય યુવકને ખેંચી જઈ ફાડી ખાધો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણ નામના યુવકનું કરુણ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા સોહીલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6, જુલાઈ, 2026: પાલિતાણાના ગરાજીયા ગામે સિંહે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે 6 જુલાઈએ સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો હતો. ગાયને ઘાસચારો નાખવા માટે જતા હતા તે સમયે સિંહે માલધારીને દબોચ્યો હતો. વનરાજ માલધારીના પગ પર આંટી મારી બેસી ગયો. હાથ જડબામાં લીધો અને અડધો કલાક છોડ્યો નહીં. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર માલધારીના પરિવારજનો અને ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. શું કરવું એ કોઈને ખબર પડતી નહોતી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ સિંહને પથ્થર મારી તેને ભગાડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ રસાકસીના સમયમાં સિંહના જડબામાં રહેલા માલધારીએ એકદમ સંયમથી કામ લીધું. તે જરા પણ વ્યાકુળ થયા વગર શાંતિથી ત્યાં બેસી રહ્યા અને સિંહને પંપાળ્યો. બાદમાં સિંહ માલધારીને છોડીને ત્યાંથી જતો રહ્યો. લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા અને ત્યાથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    યુપીમાં કાર અને પુલ ડૂબ્યાં, 3 દિવસમાં 15નાં મોત:ઉત્તરાખંડ-હિમાચલમાં 438 રસ્તા બંધ; મિઝોરમમાં 4 દિવસથી પ્રવાસીઓ ફસાયા
    Next Article
    શું બીજું પાટીદાર આંદોલન ઊભું થઈ રહ્યું છે:જેતપરથી શરૂ થયેલું ખેડૂતોનું આદોલન શું ગુજરાતભરમાં ફેલાશે; સમજો રણનીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment