Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત, કોર્ટ આજે સજા સંભળાવશે:ગાયનું ચામડું ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવી માર માર્યો હતો; દાયકા પછી સેશન્સ કોર્ટનો ચૂકાદો, 38 નિર્દોષ

    1 week ago

    11 જુલાઈ 2016ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢીયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌહત્યા કરી છે, તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના ચાર લોકોને કાર પાછળ બાંધીને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સમરસતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા. રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં દસ વર્ષ પછી ચૂકાદો આવ્યો છે. ઉનાના ચર્ચિત દલિતકાંડ કેસમાં ગઈકાલે (16 માર્ચ 2026)ના રોજ વેરાવળ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો હતો. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીને દોષિત ઠેરવ્યા છે, જ્યારે આ જ કેસમાં 37 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ચાર પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામી સામે આજે સજાની જાહેરાત થશે. આ પાંચેય આરોપી પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વનિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનાની સજાને લઈને રાજ્યભરમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે. ઉના કાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. લગભગ દસ વર્ષ બાદ આ કેસ અંતિમ તબક્કે પહોંચ્યો છે. આજે સજાની જાહેરાત માત્ર દોષિતોને સજા આપવાનો નહીં, પરંતુ પીડિતોને ન્યાય અને સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાનો પણ પ્રશ્ન છે. આ નિર્ણય ભવિષ્યમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ આપશે કે નહીં તે મહત્વનું રહેશે. દોષિત ઠરેલા આરોપીઓની યાદી પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ આ કેસમાં કુલ 42 આરોપી સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મી સામે તપાસ થઇ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઇ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીમાંથી બે આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે. હવે જાણો આખો બનાવ શું હતો… 11 જુલાઈ 2016ના રોજ મોટા સમઢીયાળા ગામના એક અનુસૂચિત જાતિ પરિવારના સાત સભ્યો મૃત પશુનું ચામડું ઉતારી રહ્યા હતા. આ દરમિયાન ગૌરક્ષક હોવાનો દાવો કરનારા કેટલાક શખસે આવીને આરોપ લગાવ્યો કે આ મૃત પશુ ગાય છે અને ગૌહત્યાનો પાયાવિહોણો આરોપ લગાવી પરિવાર પર હુમલો કર્યો હતો. પીડિતોને ગાડી સાથે બાંધી લાકડીઓ અને લોખંડના પાઈપથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં ચાર યુવકોને ઉના શહેરમાં લાવી જાહેરમાં અર્ધનગ્ન કરી ફટકારવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનુસૂચિત જાતિ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન અને ‘દલિત અસ્મિતા યાત્રા’ વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' યોજાઈ હતી. 15 ઓગસ્ટ 2016ના રોજ ઉના ખાતે હજારોની સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત સફાઈ તથા મરેલા પશુઓના નિકાલના કામનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાનૂની કાર્યવાહીની ટાઈમ લાઈન પીડિતોની મુલાકાતે જનસૈલાબ ઉમટ્યો હતો મોટા સમઢીયાળા ગામે જ્યારે આ અમાનવીય ઘટના બની ત્યારે પીડિત પરિવારોને સાંત્વના આપવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી સામાજિક કાર્યકરો, દલિત સંગઠનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને પીડિતોના ઘરની આસપાસ સતત લોકોની અવરજવર રહેતી હતી. આ મુલાકાતો માત્ર સહાનુભૂતિ પુરતી મર્યાદિત ન રહેતા એક મોટા જનઆંદોલનમાં પરિવર્તિત થઈ હતી, જેમાં 'ચલો ઉના' જેવા નારાઓ સાથે હજારો લોકોએ પદયાત્રામાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધી, કેજરીવાલ, માયાવતી પણ ઉના પહોંચ્યા હતા આ ઘટનાની ગંભીરતાને જોતા રાષ્ટ્રીય કક્ષાના અનેક દિગ્ગજ નેતાઓ પીડિતોને મળવા ઉનાના મોટા સમઢીયાળા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી જેવા નેતાઓએ પીડિતોની મુલાકાત લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ પીડિતોના ઘરે જઈને ન્યાયની ખાતરી આપી હતી. આ રાજકીય મુલાકાતોને કારણે આ મુદ્દો સંસદ સુધી ગાજ્યો હતો અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આંદોલનો થયા હતા. એકલા ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો નોંધાયા હતા. આ હિંસામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. આ કેસને કારણે ગુજરાતના તત્કાલીન રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ અત્યાચારનો ભોગ બનેલા યુવાનોને જ્યારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલ પરિસર એક છાવણીમાં ફેરવાઈ ગયું હતું. હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હતા, જેના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. પીડિતોની તબિયત જાણવા આવતા લોકો અને નેતાઓની ભીડને સંભાળવી તંત્ર માટે પડકારજનક બની હતી. આ દરમિયાન આત્મવિલોપનના પ્રયાસો જેવી ઘટનાઓ પણ હોસ્પિટલના પટાંગણમાં બની હતી, જે લોકોમાં વ્યાપેલી તીવ્ર નારાજગી દર્શાવતી હતી. ઉશ્કેરાયેલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો આ ઘટનાએ દલિત સમુદાયમાં એક નવી જાગૃતિ અને એકતાના દર્શન કરાવ્યા હતા. પીડિતોને મળવા આવેલા લોકોમાં માત્ર એક જ જ્ઞાતિના નહીં, પરંતુ વિવિધ સમાજના અગ્રણીઓ પણ સામેલ હતા જેમણે આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ મુલાકાતો દરમિયાન પીડિતોને આર્થિક સહાયની જાહેરાતો થઈ અને ન્યાય માટે સ્પેશિયલ કોર્ટની માંગણીઓ ઉઠી હતી. એપ્રિલ 2018માં ભોગ બનનાર દલિત પરિવાર સહિત 450 દલિતોએ બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો ત્યારે હજારોની મેદની ઉમટી હતી. બીજી તરફ ભોગ બનનાર દલિત પરિવારે એ વખતે મીડિયા સામે એવું કહેલું કે અમને હિન્દુ માનવામાં નથી આવતા એટલે અમે બૌદ્ધ ધર્મ અંગિકાર કરીશું. થયું પણ એવું જ. એપ્રિલ 2018માં હજારો દલિતોની હાજરીમાં 450 જેટલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    'GPSC જિદ્દી અને અહંકારી':ઉમેદવારો NCERT-GCERTના પુસ્તકો ઉપર આધાર રાખશે કે સદીઓ પહેલાંના મૂળ પુસ્તક ઉપર, હાઇકોર્ટે GPSCને સાણસામાં લીધી
    Next Article
    GAS Supply In India | LPG ભરેલું વધુ એક જહાજ પહોંચ્યું ગુજરાત બંદરે | LPG Supply | Hormuz Strait

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment