Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીની એ વાતથી 46 પુસ્તકો લખ્યા:કિશોર મકવાણાને ‘કલામ જન સેવા પુરસ્કાર’: NCSCમાં 2 વર્ષમાં 78 હજાર કેસોનો નિકાલ

    12 hours ago

    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC)ના અધ્યક્ષ કિશોર મકવાણાને ‘ડૉ. એપીજે અબ્દુલ કલામ જન સેવા પુરસ્કાર-2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન અને સંસદ રત્ન એવોર્ડ્સ કમિટી દ્વારા NCSCની અનુસૂચિત જાતિના લોકોના ન્યાય, અધિકાર, સન્માન અને સામાજિક ન્યાય માટેની કામગીરીને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર 2026ના રોજ દિલ્હીમાં યોજાયેલા સંસદ રત્ન એવોર્ડ્સના 16મા સંસ્કરણ દરમિયાન આ સન્માન આપવામાં આવ્યું હતું. કમિટીની જ્યુરીએ કિશોર મકવાણાના નેતૃત્વ હેઠળ આયોગે કરેલી કામગીરીને નોંધપાત્ર ગણાવી હતી. જ્યુરી કમિટીના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય પૂર્વ ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહીર રહ્યા હતા. મકવાણાએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર માત્ર વ્યક્તિગત સન્માન નથી, પરંતુ છેલ્લા બે વર્ષમાં આયોગે કરેલી કામગીરીની માન્યતા છે. તેમણે કહ્યું કે આયોગ સમક્ષ 6 લાખથી વધુ કેસો પેન્ડિંગ હતા. આ કેસોના નિકાલ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું અને છેલ્લા બે વર્ષમાં 78,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, 1950માં આયોગની સ્થાપના થયા બાદ 75 વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં કેસોના નિકાલની કામગીરી થઈ છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિના લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે પણ આયોગે સક્રિય ભૂમિકા ભજવી છે. અત્યાચારથી લઈને કર્મચારીઓના રોસ્ટર-બઢતીના પ્રશ્નો સુધી આયોગની સુનાવણી મકવાણાએ જણાવ્યું હતું કે દેશના કોઈપણ ખૂણે અનુસૂચિત જાતિના વ્યક્તિ સાથે મારામારી, હત્યા, બળાત્કાર, જમીન પચાવી પાડવા સહિતનો અત્યાચાર થાય અને પોલીસ યોગ્ય રીતે ફરિયાદ ન સાંભળે તો પીડિત આયોગ સમક્ષ રજૂઆત કરી શકે છે. આયોગ દ્વારા આવા કેસોની સુનાવણી કરીને સંબંધિત પોલીસ અને અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુસૂચિત જાતિના કર્મચારીઓને રોસ્ટર, બઢતી સહિતના પ્રશ્નોમાં અન્યાય થતો હોય તો તેઓ પણ આયોગ સમક્ષ રજૂઆત કરી શકે છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, જેમ કે BSNL, બેંકો અને અન્ય PSUમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવી તથા ત્યાં અનુસૂચિત જાતિના કર્મચારીઓને લગતા પ્રશ્નોનું રિવ્યૂ કરવાનું પણ આયોગનું મહત્વનું કાર્ય છે. સૂઓ મોટો અને સ્થળ મુલાકાતથી અધિકારીઓને સૂચના આયોગ દ્વારા સૂઓ મોટો કાર્યવાહી પણ કરવામાં આવે છે. દેશના કોઈપણ વિસ્તારમાં અનુસૂચિત જાતિ સાથે જોડાયેલી ગંભીર ઘટના બને ત્યારે આયોગ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જરૂર જણાય તો પોલીસ અધિકારીઓ અને સંબંધિત તંત્રને જરૂરી સૂચના તથા આદેશ આપવામાં આવે છે. મોદીએ કહ્યું હતું- રોજના લેખ કરતાં પુસ્તક લખો, અલગ ઓળખ બનશે કિશોર મકવાણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના લાંબા સમયના સંબંધો અને સંસ્મરણો પણ શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમની પોતાની લખેલી લગભગ 23 પુસ્તકો છે, જ્યારે અનુવાદ અને સંપાદન સહિત કુલ મળીને લગભગ 46 પુસ્તકો સાથે તેઓ સંકળાયેલા છે. મકવાણાના જણાવ્યા મુજબ, પત્રકારત્વના શરૂઆતના સમયમાં નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે રોજનો લેખ બીજા દિવસે પસ્તી બની જાય છે, પરંતુ પુસ્તક લખવાથી લેખક અને સાહિત્યકાર તરીકે અલગ ઓળખ ઊભી થાય છે. તેમણે મકવાણાને પુસ્તક લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મકવાણાએ કહ્યું કે આ વિચાર તેમને ગમી ગયો અને ત્યારબાદ તેમનું પ્રથમ પુસ્તક ‘મળવા જેવા માણસ’ પ્રકાશિત થયું. ત્યારબાદ પુસ્તકો લખવાનો સિલસિલો આગળ વધતો ગયો. 1985ની કરમસદ બેઠકમાં મોદીએ લક્ષ્યાંક અનેક ગણો વધાર્યો હતો મકવાણાએ નરેન્દ્ર મોદી સાથે સંઘના દિવસોનો એક જૂનો પ્રસંગ પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે લગભગ 1985માં સંઘના 60 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સમગ્ર દેશમાં ઉજવણીનું આયોજન થવાનું હતું. સંઘની 60 વર્ષની યાત્રા રજૂ કરતી ‘જાગૃતિનો જયઘોષ’ પુસ્તિકા પ્રકાશિત થવાની હતી અને સ્વયંસેવકો દ્વારા ઘરે-ઘરે સંપર્ક કરીને આ પુસ્તિકા પહોંચાડવાની હતી. આ સંદર્ભે કરમસદમાં ગુજરાત પ્રાંતની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠક યોજાઈ હતી. દરેક જિલ્લામાં કેટલા પરિવારો સુધી પુસ્તિકા પહોંચાડવી તેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવી રહ્યો હતો. મકવાણાના જણાવ્યા મુજબ, કાર્યના પ્રમાણની સરખામણીએ પ્રાંત અધિકારીને નક્કી થયેલો લક્ષ્યાંક ઓછો લાગતો હતો. ભોજન બાદના સત્રમાં તત્કાલીન પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ અને ગાંધીનગર વિભાગ પ્રચારક નરેન્દ્રભાઈ મોદીએ આ લક્ષ્યાંક જોયો અને કાર્યની ગંભીરતા અંગે કાર્યકર્તાઓ સમક્ષ પ્રેરક રીતે વાત મૂકી. તેમણે ફરીથી પ્રાંત અધિકારી પાસે લક્ષ્યાંક માંગ્યો અને બેઠકમાં હાજર કાર્યકર્તાઓ પાસેથી જિલ્લાવાર લક્ષ્યાંકની માગણી કરી. ત્યારબાદ લક્ષ્યાંક અનેક ગણો વધી ગયો. મકવાણાએ કહ્યું કે આ પ્રસંગ નરેન્દ્ર મોદીની કાર્યશૈલી દર્શાવે છે. વિષયને કાર્યકર્તાઓ સમક્ષ અસરકારક રીતે મૂકવો, કાર્યની ગંભીરતા સમજાવવી, હંમેશાં ઊંચો લક્ષ્યાંક રાખવાનો આત્મવિશ્વાસ અને દરેક પરિવાર સુધી સંઘનો વિચાર પહોંચાડવાની તેમની છણાવટ તે સમયથી જ સ્પષ્ટ જોવા મળતી હતી. નરેન્દ્ર મોદીનો બીજો ચહેરો: 12 મહિનાની બાળકી માટે જાતે દૂધ ગરમ કર્યું મકવાણાએ નરેન્દ્ર મોદીની સંવેદનશીલતાનો એક અંગત પ્રસંગ પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે તેમની દીકરી અર્ચના તે સમયે માત્ર 12 મહિનાની હતી. અમદાવાદના RSSના પ્રાંત કાર્યાલય ‘ડૉ. હેડગેવાર ભવન’ ખાતે નૂતન વર્ષ બાદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ શરૂ થવાના આશરે એક કલાક પહેલાં મકવાણા પત્ની અને નાનકડી અર્ચના સાથે હેડગેવાર ભવન પહોંચ્યા હતા. તે સમયે નરેન્દ્ર મોદી હેડગેવાર ભવનના એક રૂમમાં રહેતા હતા. મકવાણા પરિવારને રૂમમાં બેસાડીને વાતચીત શરૂ કરી હતી ત્યાં જ નાનકડી અર્ચના રડવા લાગી. તેને શાંત કરવાના પ્રયાસો છતાં તે શાંત ન થઈ. મકવાણાના જણાવ્યા મુજબ, નરેન્દ્ર મોદી તરત જ ઊભા થયા અને હેડગેવાર ભવનના રસોડામાં ગયા. ત્યાંથી દૂધ લઈ આવ્યા, તેને ગરમ કર્યું, ઠંડું કરીને અર્ચનાને પીવડાવ્યું. દૂધ પીધા બાદ અર્ચના શાંત થઈ ગઈ. મકવાણાએ આ પ્રસંગને યાદ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી બહારથી જેટલા કઠોર અને કામ પ્રત્યે પ્રતિબદ્ધ દેખાય છે, એટલા જ તેઓ અંદરથી કોમળ, સંવેદનશીલ અને લાગણીશીલ છે. ‘આંબેડકરનું સપનું અને મોદીજીનું વિઝન એક જ દિશામાં’ મકવાણાએ કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સપનું સમાજના વંચિત વર્ગને ન્યાય અને અધિકાર મળે તે હતું. નરેન્દ્ર મોદીનું પણ સપનું સમાજમાં સમરસતા સ્થાપિત થાય અને નબળા વર્ગનું ઉત્થાન થાય તે છે. તેમના મતે આ ઉત્થાનમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ત્રણેય બાબતો મહત્વની છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિના નબળા વર્ગને ન્યાય અને અધિકાર અપાવવો એ જ આયોગનું મુખ્ય કાર્ય છે અને આ દિશામાં થતી કામગીરીથી એક અર્થમાં બાબાસાહેબ આંબેડકરનું સપનું સાકાર કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ગણેશોત્સવ સાથે રાજકીય માહોલ:ધારાસભ્ય હીરા સોલંકીએ POP અને પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ વહેંચી, એક જગ્યાએ અલગ આયોજન
    Next Article
    ધારાસભ્ય નિમિષાબેન સુથારે જન્મદિન પર યોજ્યો રોજગાર ભરતીમેળો:ગોધરામાં યોજાયેલા મેળામાં 251 યુવાનોને સ્થળ પર મળ્યું પ્લેસમેન્ટ; 19 કંપનીઓએ 1936 જગ્યાઓ માટે હાથ ધરી પ્રક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment