Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 દિવસ ACમાં દાંતની સારવાર, 3 દિવસ ગામડે માટીમાં પરસેવો:રાજકોટના ટોપ ડેન્ટિસ્ટની અનોખી લાઇફસ્ટાઇલ, બૂક વાંચી ને ખેતી કરવાનું નક્કી કર્યું

    1 day ago

    જે હાથ ક્યારેક દર્દીઓના દાંતની સારવાર કરવા માટે એસી ક્લિનિકમાં ગ્લોવ્ઝ પહેરે છે એ જ હાથ વીકએન્ડમાં ગામડાંની માટીમાં પરસેવો પાડીને રોગચાળા સામે ધરતી માતાની રોગચાળા સામે સારવાર કરે છે. એક સમયે જે પિતાએ સંતાનના ભણતર માટે પહેરેલે કપડે ગામડું છોડ્યું, ચાની રેંકડી ચલાવી અને રિક્ષા હંકારીને દીકરાને યુનિવર્સિટી ટોપર બનાવ્યો આજે એ જ દીકરો આભને આંબતી સફળતા બાદ પિતાના સંસ્કારોનું ઋણ ચૂકવવા ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરે છે. વાત રાજકોટના પ્રખ્યાત ડેન્ટિસ્ટ ડૉ. દેવેન્દ્ર કાલરિયાની છે. જેમની એસીથી દેશી સુધીની અદભૂત સફર તમારૂં દિલ જીતી લેશે. દિવ્ય ભાસ્કરે ડો. દેવેન્દ્ર કાલરિયા સાથે વાત કરીને તેમના ફાર્મ વિશે, ખેતી કરવાની પદ્ધતિ અને કયા પાકની ખેતી કરે છે તે વિશે જાણ્યું હતું. છેલ્લા 26 વર્ષથી ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા અને મોરબીના ચુપણી ગામે જન્મેલા ડૉ. દેવેન્દ્ર કાલરિયા વ્યવસાયે તો તબીબ છે પરંતુ ખેતી અને માટી સાથેનો તેમનો સંબંધ આજે પણ અતૂટ રહ્યો છે. સાતેક વર્ષથી ડૉ. કાલરિયાએ ચુપણી ગામે DNK ઓર્ગેનિક ફાર્મ વિકસાવ્યું છે. તેઓ સપ્તાહના 3 દિવસ પોતાના ગામે આવેલા ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. ખાસ વાત એ છે કે તેઓ દર અઠવાડિયે શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસો પોતાના ફાર્મમાં વિતાવે છે. શહેરમાં દર્દીઓના દાંતની સારવાર કરતા ડોક્ટર જ્યારે ગામડે પહોંચે છે ત્યારે જમીન, પાક, ગાય અને પ્રકૃતિ સાથે જોડાઈને ખેતીનું કામ કરે છે. 'અહીં એસીમાં ને ત્યાં દેશીમાં રહેવાનું' ડોક્ટર તરીકેનું પ્રોફેશન અને ખેતી, આ બંને વચ્ચે કોન્ટ્રાસ્ટ છે. આ કેવી રીતે શક્ય બન્યું અને પ્રેરણા ક્યાંથી મળી તે અંગે ડૉ. કાલરિયા કહે છે કે હું તો બાય ડિફોલ્ટ ડેન્ટિસ્ટ બન્યો છું, બાકી તો કુદરતનો અને ખેડૂતનો પુત્ર છું. મને ગાય આધારિત ખેતી કરવાની પ્રેરણા મનસુખભાઈ સુવાગિયા પાસેથી મળી. ખેડૂત તરીકે મારું નાનપણ તો ગામડે કાકા-મામાના ઘરે ખેતરોમાં જ વિત્યું હતું. આર્થિક સ્થિતિ સારી થયા પછી અંદરનો જે ખેડૂતનો દીકરો હતો એને જાગૃત કર્યો. બંનેમાં વાતાવરણ બદલાઈ જાય છે, અહીંયા એસીમાં રહેવાનું છે અને ત્યાં દેશીમાં રહેવાનું છે. ત્યાં પરસેવો પાડવાનો છે, અહીંયા પરસેવો સૂકાઈ જાય છે. ઘણા બધા એજ્યુકેટેડ લોકો અને ડૉક્ટર્સ પાર્ટ ટાઈમ કે નિવૃત્તિ પછી ખેતી સાથે જોડાયેલા છે. નાની-મોટી ગણીને 30 ગાયો ડૉ. કાલરિયા સોમવારથી ગુરૂવાર સુધી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે અને શુક્ર, શનિ, રવિવારે ફાર્મ પર જઇને ખેતી કરે. 2018થી દર વર્ષે તેઓ પોતાના ફાર્મમાં 1000 ઝાડ વાવે છે. જેના કારણે ગ્રીન ઝોન ઊભો થઇ ગયો છે. તેમણે લોકોને નેચર સાથે કનેક્ટ કરવા માટે ખેતીની સાથે સાથે 'DNK ઓર્ગેનિક ફાર્મ' નામનો એક નાનકડો રિસોર્ટ ડેવલપ કર્યો છે. તેઓ કહે છે કે, અમારો એરિયા બાગાયતી ખેતી માટે પોપ્યુલર છે. જમીનમાં પાણી ક્યારેય ખૂટતું નથી. લીંબુ સૌથી વધારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઊગતા અને એક્સપોર્ટ થતા હોય તો એ અમારા ચુપણી ગામમાંથી થાય છે. અત્યારે મારી પાસે નાની-મોટી ગણીને 30 એક ગાયો છે. એમાંથી 5 ગીર ગાય છે અને 25 દેશી ગાય છે. દેશી વેરાયટીના અલગ અલગ પ્રકારો છે. દેશી વેરિયન્ટ એટલે જેના ખંભા ઉપર ખૂંધ હોય તે, તેનું દૂધ 3થી 4 ફેટનું હોય, જે શરીર માટે સુપાચ્ય છે. દૂધ, છાશ, માખણ, ઘી, ગૌમૂત્ર અને ગોબર બધું જ ઉપયોગી છે. ડો. કાલરીયાનો ખેતી તરફનો અભિગમ માત્ર વધારાની આવક અથવા શોખ પૂરતો મર્યાદિત નથી. તેઓ પ્રાકૃતિક અને ઝેરમુક્ત ખેતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માગે છે. વર્ષો સુધી લોકોને દવાઓ આપ્યા બાદ હવે સ્વસ્થ જીવન માટે શુદ્ધ અને ઝેરમુક્ત અનાજ લોકો સુધી પહોંચાડવાનો તેમનો પ્રયાસ છે. તેમના મતે સ્વાસ્થ્ય માત્ર દવાઓથી જ નહીં, પરંતુ શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને સ્વચ્છ ખોરાકથી પણ જળવાઈ રહે છે. 2017માં ગૌશાળાનો પાયો નાખ્યો ખેતી કરવાની શરૂઆત અંગે તેમણે કહ્યું કે, મેં 42 વર્ષની ઉંમરે ખેતી વિશે માહિતી મેળવવાનું ચાલુ કર્યું કેમ કે મારા માટે ખેતી બિલકુલ નવી હતી. મારા મિત્ર મનસુખભાઈ સુવાગિયાને ગાય આધારિત ખેતીનું ખૂબ જ જ્ઞાન છે. તે મારા પેશન્ટ તરીકે આવ્યા હતા. મેં તેમને વાતમાંથી વાત કરી કે મારે ગાય આધારિત ખેતી કરવી છે. મનસુખભાઇએ કહ્યું કે તું મારી નાનકડી બૂક વાંચી જો અને મેં બૂક વાંચી. જેના પછી મેં ગાય આધારિત ખેતી કરવાનો નિર્ણય લીધો. 2017માં મેં પહેલાં ગૌશાળાનો પાયો નાખ્યો. એવી બધી ગાયોને મેં મારા ફાર્મમાં રાખી જે દૂધ નહોતી આપતી, જે બાળકને જન્મ આપી શકતી નહોતી. ફક્ત ગોબર અને ગૌમૂત્ર આપતી હતી. આ મારા માટે પ્રાકૃતિક ખેતીમાં સૌથી પાયાની જરૂરિયાત હતી. ધીમે ધીમે ગાય આધારિત ખેતી કરવાનું ચાલુ કર્યું. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી જમીનનું સ્વાસ્થ્ય બગડે છે, ત્યારે ગાય આધારિત ખેતીથી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય અને કુદરતી ખેતીને પ્રોત્સાહન મળી શકે છે. તેમનો પ્રયાસ છે કે ખેતીમાં પ્રકૃતિ સાથે સુમેળ જળવાઈ રહે અને આવનારી પેઢીને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી શકાય. પિતાને ફાર્મ લઈ આપ્યું તેઓ જણાવે છે કે, 2005માં પિતા ફરીવાર અમારા ગામડે ગયા ત્યારે અમારી એક જૂની વાડી વેચાઉ હતી. જે મારા કાકાના ભાગમાં આવી હતી. પપ્પા નિવૃત્ત હતા અને મમ્મી હતાં નહીં એટલે પપ્પા માટે મેં સૌ પહેલાં 16 વીઘા જમીન લીધી હતી. ત્યારબાદ 22 વીઘા લીધી. એમ 38 વીઘા જમીન ખરીદી હતી. પિતાએ મને ડૉક્ટર બનાવ્યો એટલે મારા સ્વખર્ચે પિતાને એક ફાર્મ લઈ આપ્યું હતું, જે મારી રિટર્ન ગિફ્ટ હતી.મારા પિતાએ આ ફાર્મમાં 2006થી 2016 સુધી પોતાની રિટાયર્ડ લાઈફ ખૂબ સારી રીતે પસાર કરી. 2016માં તેઓ જ્યારે અવસાન પામ્યા ત્યારે મારી પાસે એક વિકલ્પ હતો કે હું આ ફાર્મને વેચી નાખું, કેમ કે મારા ભાગે કદાપિ ખેતી આવી ન હતી. મારા ભાગે ભણવાનું અને મેડિકલ પ્રેક્ટિસ કરવાની જ આવી હતી પરંતુ મેં ફાર્મ વેચ્યું નહીં. હું પોતે નેચર લવર છું, બાઈકર છું, ટ્રેકર છું. ડો. દેવેન્દ્ર કાલરીયા વર્ષમાં 100થી 150 દિવસ ગુજરાત બહાર હોય છે. જેમાં નેચર રિલેટેડ ટ્રિપ્સ હોય છે. 60થી 100 દિવસ હિમાલયમાં પ્રવાસ પાછળ આપે છે. તેઓ કહે છે કે જમીનને આપણે માતા કહીએ છીએ પણ કેમિકલ વાપરીને જમીન બંજર બની ગઇ છે. જેને સુધારવાનું કામ ગાય માતા જ કરી શકે છે. ડેન્માર્કમાં પણ આપણી ગીર ગાયો છે. હું લોકોને ગાય આધારિત જૈવિક ખેતી તરફ વાળવા સેમિનાર અને ફાર્મ વિઝિટ કરાવું છું. મારા દીકરાને પણ હું આ ખેતીનું નોલેજ આપું છું. સિઝન મુજબ ખેતી તેમના ફાર્મમાં લીંબુનો બગીચો છે. નાળિયેરી, ચંદન, સાગ, મલેશિયન સાગ, આંબા છે. ઓપન પાર્ટમાં ગાયો માટે લીલો ચારો એટલે કે જુવાર, મકાઇ વાવે છે. શિયાળામાં ઘઉં અને ઉનાળામાં બાજરો વાવે છે. જે માર્કેટ રેટ પ્રમાણે મિત્રોને આપે છે. ચુપણી ગામની માટીમાં ખેડૂત પિતાના સંસ્કારોથી શરૂ થયેલી ડૉ. કાલરીયાની સફર આજે ડેન્ટિસ્ટથી પ્રકૃતિપ્રેમી ખેડૂત સુધી પહોંચી છે. લોકોના સ્મિતની સારવાર કરનાર આ તબીબ હવે ધરતીના સ્વાસ્થ્ય અને ઝેરમુક્ત ભોજન માટે પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. 'જય ગાય માતા'ના સંકલ્પ સાથે ગાય આધારિત ખેતી અને કુદરત સાથેનું તેમનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયી સંદેશ બની રહ્યું છે પરંતુ તેમનું શરૂઆતનું જીવન એટલું જ કઠિન હતું. પિતા પહેરેલા કપડે રાજકોટ આવ્યા આ અંગે ડો.કાલરિયા કહે છે કે, મારા પિતા 6 ભાઈઓમાં ઓલ્ડ SSC પાસ કરનારા એકમાત્ર હતા. દાદાએ તેમને આગળ ભણવા ન દીધા અને ખેતીમાં રોકી રાખ્યા પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે બાળકોને ભણાવવા છે. 1982માં કંઈ પણ લીધા વગર તેઓ રાજકોટ આવ્યા અને સખત મહેનત કરી. શરૂઆતમાં ચાની રેંકડી ચલાવી પછી રિક્ષા ચલાવી હતી. હું 8x10ની ઓરડીમાં ભણીને ડોક્ટર બન્યો છું એમ કહું તો ચાલે. પિતાની અથાગ મહેનત હતી. 3 ભાઇ-બહેનમાં સૌથી હોંશિયાર હું હતો. મારા પિતાને મારા પ્રત્યે ખૂબ આશા હતી કે હું ભવિષ્યમાં તેમની જે ઈચ્છાઓ હતી તેને પૂર્ણ કરી શકું અને આગળ વધું. શરૂઆતમાં થોડું ડિફિકલ્ટ લાગ્યું, કેમ કે ગામડામાં જન્મ થયો હતો. ત્યાં રહ્યા હતા અને 8 વર્ષ સુધી ત્યાં જ હતા. ધીમે ધીમે ભણતરમાં આગળ વધતા ગયા અને મારા પિતા જે મહેનત કરે છે તેનું એક રિવોર્ડ આપવાનું મનોમન નક્કી કર્યું. અલ્ટિમેટલી ધો. 12માં સારા ટકા મેળવીને ડેન્ટલમાં એડમિશન લીધું. 1992માં ધો. 12માં પ્રવેશ મેળવ્યો અને 1999માં મેં માસ્ટર ડિગ્રી મેળવી લીધી. એ સમયે ગુજરાતમાં બે જ ડેન્ટલ કોલેજ હતી. એક અમદાવાદમાં અને બીજી જામનગરમાં. માસ્ટર ડિગ્રી માટે સારી બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા યુનિવર્સિટીમાં 1થી 5માં રેન્ક મેળવવો પડે તેમ હતો. ડૉ.કાલરિયાને રૂટ કેનાલ સ્પેશિયાલિસ્ટની બ્રાન્ચમાં જવું હતું.જેથી તેમણે ટોપરમાં સ્થાન મેળવ્યું. ફાઇનલ યરમાં યુનિવર્સિટીમાં તેમનો પ્રથમ રેન્ક આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મારાં મમ્મી મારી પી.જી. પરીક્ષાના 10 દિવસ પહેલાં જ અવસાન પામ્યાં છતાં મેં પી.જી.ની પરીક્ષા આપી. પહેલેથી વાંચવાની ટેવ હતી. દરરોજ ચારથી છ કલાક ફરજિયાત વાંચવાનું. વાંચવાની ટેવના કારણે મેં પી.જી.ની પરીક્ષા આપી અને હું સારા ટકા સાથે પાસ થઈ ગયો. ' સિંગલ સીટિંગ રૂટ કેનાલનો કન્સેપ્ટ ડો. કાલરિયા આગળ કહે છે કે, હું ભણીને આવ્યો ત્યારે મારી પાસે કશું હતું નહીં, કેમ કે બધું મમ્મીની ટ્રીટમેન્ટમાં જતું રહ્યું હતું. પિતા ખેતી કરતા હતા. અમારી જમીન નહોતી, ભાગે રાખીને કરતા હતા. માસ્ટર પૂરું કરીને પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી તે સમયે એટલે કે 1999માં ડેન્ટિસ્ટ કોઈ સુપર સ્પેશિયલાઈઝ્ડ પ્રેક્ટિસ કરતા નહોતા. ત્યારે મેં એવું નક્કી કર્યું કે આપણે એવી પ્રેક્ટિસ કરીએ જેમાં લોકોને વધારે લાભ થાય એટલે મેં સિંગલ સીટિંગ રૂટ કેનાલનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યૂસ કર્યો. ડો. દેવેન્દ્ર કાલરીયા પોતાને માત્ર ખેડૂત તરીકે નહીં, પરંતુ ‘નેચર લવર’ અને બાઈકર તરીકે પણ ઓળખાવે છે. દેશ-વિદેશના વિવિધ સ્થળોએ ફરવું અને કુદરતને નજીકથી માણવું તેમનો શોખ છે. આ પ્રકૃતિપ્રેમ હવે તેમના ફાર્મમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. તેઓ માને છે કે ખેતી તરફ પાછા ફરવું એ પાછળ જવું નથી પરંતુ આધુનિક શિક્ષણ, વ્યવસાય અને પર્યાવરણપ્રેમને જોડીને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવવાનો રસ્તો છે.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સીલ કરવા પહોંચેલા અધિકારીની હત્યા:હુમલાખોરોએ છરીના ઘા માર્યા; પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી થાય
    Next Article
    પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો:ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારીને પતાવી દીધો હતો, પરમિંદર પ્રસાદની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment