Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધિયા રાજ ઘરાનાનો 4 દાયકાનો 40 હજાર કરોડનો સંપત્તિ વિવાદ:મા, દીકરા, પૌત્ર, ફોઈઓનો પેલેસ, 600 કિલો સોનું, 300 કિલો ચાંદી, જંગી ખજાનાનો જંગ

    9 hours ago

    વર્ષ 1990. ગ્વાલિયર ડિસ્ટ્રિક્ટ કોર્ટ. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. આજે એક પ્રોપર્ટી વિવાદની સુનાવણી થવાની હતી, જેના સાક્ષી બનવા માટે કુતૂહલપ્રેમીઓ અને પત્રકારોની ભારે ભીડ કોર્ટરૂમમાં જમા થઈ હતી. અંદર પગ મૂકવાનીયે જગ્યા નહોતી. વિવાદના કેન્દ્રમાં રહેલી પ્રોપર્ટીની કિંમત થવા જતી હતી અધધધ 40 હજાર કરોડ રૂપિયા! કદાચ તેનાથીયે વધારે. આ પ્રોપર્ટીમાં સામેલ હતો ગ્વાલિયરનો 400 રૂમવાળો જય વિલાસ પેલેસ, જેના વિરાટ ડાઇનિંગ ટેબલ પર મહેમાનોને ભોજન પીરસવા માટે ટેબલ પર ચાંદીની રમકડાની ટ્રેન દોડાવવામાં આવતી હતી. એ પેલેસ જેની છત પર ઇટાલીથી મંગાવવામાં આવેલું સાત ટનનું ઝુમ્મર લટકાવતાં પહેલાં છતની મજબૂતી ચકાસવા માટે હાથીઓને છત પર ચડાવીને તેની મજબૂતી ચકાસવામાં આવી હતી! *** ચાર દાયકાથી ત્રણ પેઢી 40 હજાર કરોડની સંપત્તિ માટે લડે છે! યસ્સ, આ વખતના ‘ખાખી કવર’માં વાત કરીએ ચાર દાયકા જૂના અને 40 હજાર કરોડ રૂપિયાની રજવાડી સંપત્તિ માટે લડાઈ રહેલા ‘સિંધિયા પરિવાર’ના પ્રોપર્ટી વિવાદમાં, જેમાં એક જ ઘરની ત્રણ પેઢી સામસામે જંગે ચડી છે. *** કોર્ટરૂમમાં એન્ટ્રી થઈ 19 વર્ષના જ્યોતિરાદિત્ય સિંધિયાની 1990ના ગ્વાલિયરની ડિસ્ટ્રિક્ટ કોર્ટના એ રૂમમાં પાછા ફરીએ. પત્રકારોની ધડાધડ ફ્લેશ અને વકીલોનાં ધાડાં સાથે કોર્ટરૂમમાં 19 વર્ષનો એક યુવાન કોર્ટ રૂમના કોરિડોરમાં પ્રવેશે છે. તેના હાથમાં કાગળોની એક જાડી ફાઇલ છે. તે યુવાનના ચહેરા પર ન તો ગભરામણ છે કે ન ઉત્સાહ. બસ, એક વિચિત્ર કઠોરતા દેખાઈ રહી છે, જે સામાન્ય રીતે જિંદગીની ઠોકરો ખાધા પછી માણસના ચહેરા પર આવતી હોય છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પિતા અને દાદી વિરુદ્ધ કેસ દાખલ કર્યો! હજુ થોડાં અઠવાડિયાં પહેલાં સુધી તો આ યુવાન અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. હવે તે ગ્વાલિયરની એક અદાલતમાં એક અરજી દાખલ કરવા આવ્યો છે, જેમાં ડિફેન્ડન્ટ નંબર એક તેની પોતાની સગી દાદી છે, અને ડિફેન્ડન્ટ નંબર બે તેના પોતાના પિતા છે. ‘40 હજાર કરોડની સંપત્તિમાં મારો હક છે!’ ફાઇલમાં દાવો છે: 40 હજાર કરોડ રૂપિયાની શાહી સંપત્તિ પર હકનો, અને આરોપ છે કે દાદી દ્વારા લખાયેલું વસિયતનામું ખોટું છે. આ છોકરડો કોઈ સામાન્ય માણસ ન હતો. તે હતો જ્યોતિરાદિત્ય સિંધિયા, આજના કેન્દ્રીય મંત્રી. અને આ કેસ તે યુદ્ધની શરૂઆત હતી, જે આગામી ચાર દાયકા સુધી ભારતના સૌથી ધનિક રાજઘરાનાને અંદરથી ખોખલું કરતું રહ્યું. આજે 2026માં જ્યારે આ લડાઈ ફાઇનલી એક સમાધાનની નજીક ઊભી છે, ત્યારે સવાલ ઊભો થાય છે આખરે આટલી સંપત્તિ, આટલી સત્તા અને આટલા માન-મરતબાવાળા પરિવારમાં આ નફરત ક્યાંથી આવી? અને કેવી રીતે એક સામાન્ય સિપાહીના ખાનદાને ભારતનું સૌથી ભવ્ય રાજઘરાનું ઊભું કર્યું, જેનો વારસો આજે પણ અદાલતોમાં લડાઈ રહ્યો છે? *** સિપાહીએ પેશ્વાનાં જોડાં છાતીસરસાં ચાંપ્યા ને નસીબ પલટાયું આ કહાનીનાં મૂળ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના એક નાનકડા ગામ કનેરખેડમાં છે. અહીં રહેતો શિંદે પરિવાર ગામનો પાટીલ એટલે કે મુખી પરિવાર હતો. આ જ ઘરમાં જન્મેલો રાણોજી શિંદે પેશ્વા બાજીરાવ પ્રથમની સેનાનો એક સામાન્ય સિપાહી હતો, જેનો કોઈ મોટો દરજ્જો નહોતો. પરંતુ કહેવાય છે કે નસીબ આડેથી પાંદડું ખસતાં વાર નથી લાગતી. એક રાત્રે પેશ્વા બાજીરાવ અને છત્રપતિ શાહુજી મહારાજ વચ્ચે એક લાંબી ગુપ્ત બેઠક ચાલી. બેઠક પૂરી થતાં જ્યારે બાજીરાવ બહાર નીકળ્યા ત્યારે જોયું તેમનો સેવક રાણોજી જમીન પર ગાઢ નિદ્રામાં સૂતો હતો, પરંતુ તેણે પેશ્વાનાં જોડાં પોતાના છાતી સરસા ચાંપી રાખ્યાં હતાં. તે સમયે દુશ્મનો અવારનવાર જોડામાં ઝેર લગાવીને હુમલો કરતા હતા, અને રાણોજીને ડર હતો કે કોઈ પેશ્વાનાં જોડાં સાથે છેડછાડ ન કરી દે. આ વફાદારીએ બાજીરાવનું દિલ જીતી લીધું અને રાણોજીને પેશ્વાની સૌથી ભરોસાપાત્ર સૈન્ય ટુકડી 'પાઘા'માં સામેલ કરી લેવામાં આવ્યો. અહીંથી જ સિંધિયા ઘરાનાનો પાયો નંખાયો. રાણોજી માત્ર વફાદાર જ નહીં, એક કુશળ યોદ્ધા પણ સાબિત થયો. ઇ.સ. 1728માં જ્યારે માળવા મુઘલો પાસેથી છીનવી લેવામાં આવ્યું ત્યારે તેને ત્યાંનો સુબેદાર બનાવવામાં આવ્યો. ઇ.સ. 1738માં હૈદરાબાદના નિઝામુલ મુલ્ક અને 1739માં પોર્ટુગીઝો વિરુદ્ધની લડાઈઓમાં તેની બહાદુરી પછી પેશ્વાએ આખું માળવા હંમેશ માટે તેને સોંપી દીધું. સિંધિયાના પરિવારનાં વીસ સભ્યોનાં માથાં કાપી નાખવામાં આવ્યાં 1745માં રાણોજીનું મૃત્યુ થયું, પરંતુ તે પછી પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. 1759માં મોટા પુત્ર જયપ્પાની હત્યા થઈ, અને પછી 1761માં પાણીપતની ત્રીજી લડાઈમાં સિંધિયા પરિવારનો લગભગ સફાયો થઈ ગયો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે લડાઈમાં તેમના પરિવારના લગભગ વીસ સભ્યોનાં માથાં કાપી નાખવામાં આવ્યાં હતાં. બચી શક્યો માત્ર રાણોજીનો નાનો પુત્ર મહાદજી સિંધિયા. મહાદજીએ હાર ન માની. દખ્ખણ જઈને તેણે ફ્રેન્ચ કમાન્ડર બેનવા દ બોઈનની મદદથી એક અત્યંત આધુનિક સેના ઊભી કરી, જેમાં સામેલ હતી સોળ પાયદળ બટાલિયન, પાંચસો તોપો અને એક લાખથી વધુ ઘોડેસવારો. તેણે દિલ્હીમાં મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને હરાવ્યો અને 1788માં ગુલામ કાદિરના હુમલાથી દિલ્હીને બચાવ્યું. ‘શિંદે’ કેવી રીતે બની ગયા ‘સિંધિયા’? અહીં એક રસપ્રદ સવાલ ઊભો થાય છેઃ ‘શિંદે’ પરિવાર ઉત્તર ભારતમાં આવીને ‘સિંધિયા’ કેવી રીતે બની ગયો? જવાબ અંગ્રેજી ઉચ્ચારણમાં છે. જે રીતે અંગ્રેજોએ કાનપુર અને મુંબઈનાં નામ બગાડ્યાં, તે જ રીતે તેમણે વહીવટી દસ્તાવેજોમાં 'શિંદે'ને 'સિંધિયા' લખી નાખ્યું અને આ નામ હંમેશ માટે ચોંટી ગયું. મહાદજીને નવ પત્નીઓ હતી પણ કોઈ પુત્ર નહોતો, તેથી તેણે ભત્રીજા દૌલતરાવને વારસ બનાવ્યો. દૌલતરાવના શાસનમાં સિંધિયા સલ્તનતની ચમક ઝાંખી પડી. દિલ્હી, આગ્રા, જયપુર અને જોધપુર જેવા વિસ્તારો હાથમાંથી નીકળી ગયા અને રિયાસત અંગ્રેજોના તાબા હેઠળ આવી ગઈ. શું સિંધિયાઓએ 1857ના વિપ્લવમાં અંગ્રેજોને મદદ કરેલી? અહીંથી જ એ વિવાદ જોડાય છે જે આજે પણ ચૂંટણી ભાષણોમાં ગુંજે છે. 1857ની ક્રાંતિમાં ગદ્દારીનો આરોપ. આરોપ છે કે ગ્વાલિયરના મહારાજા જયાજીરાવ સિંધિયાએ રાણી લક્ષ્મીબાઈનો સાથ ન આપ્યો. વિનાયક દામોદર સાવરકરે પોતાના પુસ્તક 'ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ 1857'માં જયાજીરાવ માટે ખૂબ જ કડક શબ્દોનો ઉપયોગ કર્યો. તેમને ‘અંગ્રેજોના ગુલામ’ અને ‘કાયર’ સુદ્ધાં કહેવામાં આવ્યા. પરંતુ સિંધિયા પરિવાર આ આરોપને સંપૂર્ણપણે નકારતો રહ્યો છે. રાજમાતા વિજયારાજે સિંધિયાએ પોતાની આત્મકથા 'પ્રિન્સેસ'માં લખ્યું કે જયાજીરાવ તે સમયે ખૂબ જ મજબૂર પરિસ્થિતિમાં હતા. તેમની પોતાની સેના જ બળવાખોર બની ગઈ હતી, તેમ છતાં તેમણે રાણી લક્ષ્મીબાઈના પરિવાર અને સાથી મહિલાઓને આશ્રય આપીને સુરક્ષિત આગ્રાના કિલ્લા સુધી પહોંચાડ્યાં. આ જ સ્પષ્ટતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આજ સુધી દોહરાવતા રહ્યા છે. આ વિવાદ ઇતિહાસમાં દબાયો નથી, પરંતુ પેઢી દર પેઢી સિંધિયા પરિવાર સાથે ચોંટી રહ્યો.સમય વીતતો ગયો અને વીસમી સદીમાં સિંધિયા ઘરાનો ગ્વાલિયરનો સૌથી ધનિક અને પ્રતિષ્ઠિત રાજઘરાનો બની ચૂક્યો હતો. 400 રૂમવાળો જય વિલાસ પેલેસ તેની શાનનો પુરાવો હતો, પરંતુ આ જ સંપત્તિ આગળ જતાં પરિવારના ગળાની ફાંસ બની ગઈ. મહાત્મા ગાંધીની હત્યા માટેની પિસ્તોલ સિંધિયા પરિવારે આપેલી? મહાત્મા ગાંધીની હત્યા પછી ગ્વાલિયરના સિંધિયા રાજપરિવાર પર એક મોટો અને ગંભીર આરોપ લાગ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે બાપુની હત્યામાં જે પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે ગ્વાલિયરથી જ ખરીદવામાં આવી હતી. એક્ચ્યુઅલી, આ પિસ્તોલ ગ્વાલિયર રેજિમેન્ટના એક નિવૃત્ત કર્નલની હોવાનું કહેવાય છે. આ સાથે, તે સમયે આ વિસ્તારમાં હિંદુ મહાસભાએ ચૂંટણીમાં ઘણી બેઠકો જીતી લીધી હતી. આ તમામ પરિસ્થિતિઓ અને ગતિવિધિઓના કારણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ગ્વાલિયર રાજપરિવારને આ બધી બાબતો માટે જવાબદાર ઠેરવવા લાગ્યા હતા. જવાહરલાલ નેહરુ અને વિજયારાજે સિંધિયાની મુલાકાત ગાંધીજીની હત્યા સાથે જોડાયેલા આરોપો અને રાજકીય દબાણ વચ્ચે તત્કાલીન મહારાજા જીવાજીરાવ સિંધિયાની તબિયત ઘણી ખરાબ રહેવા લાગી હતી. આવી વિષમ પરિસ્થિતિમાં તેમની પત્ની મહારાણી વિજયારાજે સિંધિયા વડાપ્રધાન જવાહરલાલ નેહરુને મળવા દિલ્હી પહોંચ્યાં. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ, જેમાં નેહરુએ મહારાણી સમક્ષ 1957ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો. પતિ જીવાજીરાવના ઢળતા સ્વાસ્થ્યને જોતાં મહારાણી માટે આ પ્રસ્તાવને નકારવો સરળ ન હતો, તેથી તેમણે આ ચૂંટણી પ્રસ્તાવ પર પોતાની સંમતિ આપી દીધી. માતા ભાજપમાં અને દીકરો કોંગ્રેસમાં! કોંગ્રેસમાં પ્રવેશ સાથે રાજમાતા વિજયારાજે સિંધિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો. પરંતુ કોંગ્રેસ સાથે તેમનો સંબંધ લાંબો ટક્યો નહીં. એક તો મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દ્વારકાપ્રસાદ મિશ્રાએ રાજઘરાણાંઓને લોકશાહી માટે ખતરારૂપ બતાવ્યાં. જ્યારે બીજી ઘટનામાં બસ્તરના મહારાજા પ્રવીર ચંદ્ર ભંજદેવની પોલીસે હત્યા કરી નાખી. આ દરમિયાન 1961માં જીવાજીરાવ સિંધિયાનું નિધન થઈ ચૂક્યું હતું. આ ઘટનાઓથી રાજમાતા વિજયારાજે સિંધિયાને એટલું લાગી આવ્યું કે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો અને (ભાજપના જૂના અવતાર) જનસંઘના સ્થાપક સભ્યોમાં સામેલ થયાં. રાજમાતા એકલાં ન ગયાં, બલકે પોતાની સાથે કોંગ્રેસના 36 ધારાસભ્યો પણ લેતાં ગયાં, અને રજવાડાંઓને લોકશાહી માટે ખતરો ગણાવનારા કોંગ્રેસી મુખ્યમંત્રી દ્વારકા પ્રસાદ મિશ્રાની સરકાર પડી ભાંગી. આગળ જતાં તેઓ ભારતીય જનતા પાર્ટીનાં સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ગણાયાં. ઇમર્જન્સીમાં માધવરાવ નેપાળ ભાગ્યા, માતાએ આત્મસમર્પણ કર્યું 1975માં જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાગુ કરી, ત્યારે દેશમાંથી વીણી વીણીને જેલમાં ધકેલાયેલા નેતાઓમાં બે નામ સામેલ હતાંઃ રાજમાતા વિજયારાજે સિંધિયા અને તેમના પુત્ર માધવરાવ સિંધિયા. માધવરાવ સિંધિયા ધરપકડથી બચવા માટે પોતાના સાસરે નેપાળ જતા રહ્યા. જ્યારે રાજમાતાએ દેશ છોડીને જવાને બદલે દિલ્હીથી ગ્વાલિયર આવીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. રાજમાતાને પહેલાં પચમઢીની જેલમાં અને ત્યારબાદ દિલ્હીની તિહાર જેલમાં પૂરવામાં આવ્યાં. માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં કેમ સામેલ થયા? ઇમર્જન્સી પહેલાં 1971માં માત્ર 26 વર્ષની વયે માધવરાવ સિંધિયા મધ્ય પ્રદેશની ગુના સીટ પરથી ભારતીય જનસંઘની ટિકિટ પર ચૂંટણી જીતી ચૂક્યા હતા. પરંતુ કટોકટી ઊઠી અને માધવરાવ દેશમાં પાછા આવ્યા ત્યારે તેમને પોતાની માતાની હિન્દુત્વવાદી રાજનીતિ સામે અનેક વાંધા પડી ગયા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા માધવરાવ સિંધિયા જનસંઘ છોડીને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. જ્યારે 1980માં જનસંઘમાંથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું નિર્માણ થયું ત્યારે રાજમાતા વિજયારાજે ભાજપનાં સંસ્થાપક ઉપાધ્યક્ષ બની ગયાં. આ રીતે એક જ ઘરમાં દેશની બે સૌથી મોટી રાજકીય વિચારધારાઓ સામસામે આવી ગઈ. છેલ્લી ઘડીએ રાજીવ ગાંધીએ હુકમનું પત્તું ખેલ્યું ઇન્દિરા ગાંધીની હત્યા પછી 1984માં દેશમાં લોકસભાની ચૂંટણી આવી પડી. તેમાં ગ્વાલિયરની સીટ પરથી ભાજપે ત્યાં જ જન્મેલા અટલ બિહારી વાજપેયીને ઉતાર્યા. ત્યાં તેમને રાજમાતા સિંધિયાનું સંપૂર્ણ સમર્થન હતું. પરંતુ ઉમેદવારી દાખલ કરવાના થોડા કલાકો પહેલાં જ એક જબરદસ્ત પોલિટિકલ ટ્વિસ્ટ આવ્યો. રાજીવ ગાંધીના કહેવાથી માધવરાવ સિંધિયા ચૂંટણી કમિશનરની ઑફિસે પ્રગટ થયા અને તેમણે અટલ બિહારી વાજપેયીની સામે ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી. આ મૂવ ઇન્ટરેસ્ટિંગ એ રીતે પણ હતું કારણ કે માધવરાવ પોતાની ટ્રેડિશનલ સીટ ગુના પરથી ઓલરેડી ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. માતાએ ચૂંટણીમાં સગા દીકરાનો વિરોધ કર્યો હવે ચૂંટણી આમને સામને હતી. ચૂંટણી પ્રચારમાં માધવરાવે પોતાની માતાની વિરુદ્ધમાં એકપણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. પરંતુ રાજમાતાએ પોતાના દીકરાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો. તેમણે અહલ્યાબાઈ હોલ્કરનું ઉદાહરણ આપીને કહ્યું કે, ‘હું અહલ્યાબાઈ હોલ્કર જેવી છું, જેમણે પ્રજા માટે પોતાના દીકરાને કચડવામાં પણ પાછીપાની નહોતી કરી.’ માધવરાવ સિંધિયાએ વાજપેયીને 1.75 લાખ મતથી હરાવ્યા! પરંતુ ચૂંટણી પરિણામો આવ્યાં ત્યારે સનસનાટી મચી ગઈ. માધવરાવે અટલ બિહારી વાજપેયીને 1.75 લાખ વોટની જંગી લીડથી હરાવી દીધા હતા. આ ચૂંટણી પછી માધવરાવ સિંધિયા કોંગ્રેસના હીરો બની ગયા, પરંતુ મા-દીકરા વચ્ચેના સંબંધો પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું. રાજમાતાએ રાજમહેલ છોડી દીધો આ ચૂંટણી પરિણામ પછી રાજમાતાએ જય વિલાસ પેલેસ છોડીને બાજુમાં આવેલા રાણી મહેલમાં રહેવા જતાં રહ્યાં. મહેલ બે ભાગમાં વહેંચાઈ ગયો. જય વિલાસ પેલેસના રૂમો અને વિંગ્સ પર તાળાં મારી દેવામાં આવ્યાં. મહેલમાં કામ કરતા નોકરોને પણ પસંદ કરવું પડતું હતું કે તેઓ રાજમાતા પ્રત્યે વફાદાર છે કે માધવરાવ સિંધિયા પ્રત્યે. રાજમાતાના વસિયતનામાથી ભૂકંપ આવી ગયો રાજમાતાએ પહેલાં પરિવારની સંપત્તિઓને વ્યવસ્થિત કરવા માટે ઘણાં ટ્રસ્ટ બનાવ્યાં હતાં. જેમ કે, વિજયારાજે સિંધિયા ટ્રસ્ટ, સર જીવાજીરાવ સિંધિયા ટ્રસ્ટ વગેરે, અને જય વિલાસ પેલેસ જેવી સંપત્તિઓ આ ટ્રસ્ટોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. 1971 અને 1976માં પરિવારની અંદર સંપત્તિના ઔપચારિક ભાગલા પણ થઈ ચૂક્યા હતા. ત્યાં સુધી બધું શાંત દેખાઈ રહ્યું હતું. પરંતુ 1984નો સમય આવતાં સુધીમાં રાજકીય કડવાશ એટલી વધી કે 1985માં રાજમાતાએ એક નવી વસિયત લખી નાખી, જેણે આખા રાજઘરાનામાં ભૂકંપ લાવી દીધો. ‘મારા દીકરાને સંપત્તિ નહીં મળે, મારી ચિતાને આગ પણ નહીં આપે’ તેમણે પોતાની બધી સંપત્તિ પોતાના અને પોતાની દીકરીઓના નામે કરી દીધી અને પોતાના એકમાત્ર પુત્ર માધવરાવ સિંધિયાને 400 કરોડ રૂપિયાની આ અપાર સંપત્તિમાંથી સંપૂર્ણપણે બેદખલ કરી દીધા. કહેવાય છે કે રાજમાતાનો ગુસ્સો એટલો ભયંકર હતો કે તેમણે વસિયતમાં એટલે સુધી લખાવી દીધું કે તેમના મૃત્યુ પછી પુત્ર તેમની ચિતાને અગ્નિ પણ નહીં આપે. પરિવારના પૈતૃક શિવલિંગને લઈને પણ માતા-પુત્ર વચ્ચે તણાવ એટલો વધ્યો કે વાત આમરણાંત ઉપવાસ સુધી પહોંચી ગઈ. મહાદજી સિંધિયા જે શિવલિંગને પોતાની પાઘડીમાં પહેરી રાખતા તેને મેળવવા માટે રાજમાતાએ આમરણાંત ઉપવાસની ધમકી આપી. આખરે માધવરાવ સિંધિયા ઝૂક્યા અને તેમની પત્ની માધવી રાજેએ ભારે હૈયે શિવલિંગ રાજમાતાને સોંપ્યું. 19 વર્ષનો દીકરો જેણે દાદી અને પિતા બંનેને કોર્ટમાં ખેંચ્યા અહીંથી જ એ વળાંક આવે છે જે આખી વાર્તાને એક થ્રિલરમાં બદલી નાખે છે. 1990 સુધીમાં માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા માત્ર ઓગણીસ વર્ષના હતા અને અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગમાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા. પરંતુ વસિયતના આ ખેલને કારણે તેમને મેદાનમાં ઊતરવાની ફરજ પડી. તેમણે ગ્વાલિયરની જિલ્લા અદાલતમાં સિવિલ કેસ દાખલ કર્યો જેમાં ડિફેન્ડન્ટ નંબર એક તરીકે પોતાની સગી દાદી રાજમાતા વિજયરાજે સિંધિયાને બનાવ્યાં અને ડિફેન્ડન્ટ નંબર બે તરીકે પોતાના પિતા માધવરાવ સિંધિયાને. એટલે કે, એક પૌત્રે પોતાની જ દાદી અને પિતા વિરુદ્ધ 40 હજાર કરોડનો દાવો ઠોકી દીધો. અદાલતમાં તેમનો તર્ક અત્યંત સ્પષ્ટ હતોઃ સિંધિયા પરિવારમાં સદીઓથી 'જ્યેષ્ઠાધિકાર' એટલે કે સૌથી મોટા પુત્રના અધિકારનો નિયમ ચાલ્યો આવે છે, જેના હેઠળ પૈતૃક સંપત્તિનું વિભાજન થઈ શકતું નથી, અને રાજમાતાને ફક્ત ગુજરાન ભથ્થાનો અધિકાર છે, માલિકી હકનો નહીં. તેમણે 1971 અને 1976ના વિભાજનના દસ્તાવેજોને પણ અમાન્ય ગણાવ્યા અને આરોપ લગાવ્યો કે રાજમાતા સરોજિની નગર, વસંત વિહાર અને કુસુમપુર ક્લે માઇન્સ જેવી કિંમતી સંપત્તિઓ વેચવાનો કે લીઝ પર આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેનાથી તેમનો ભવિષ્યનો હક જોખમમાં મુકાઈ રહ્યો છે. રાજમાતાએ અદાલતમાં આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢતાં વિભાજનને સંપૂર્ણપણે કાયદેસર ગણાવ્યું. પરંતુ ઓક્ટોબર 1990માં ગ્વાલિયર અદાલતે જે ચુકાદો આપ્યો, તેનાથી રાજમાતાને ઊંડો આઘાત લાગ્યો. કોર્ટે જ્યોતિરાદિત્યની તરફેણમાં અસ્થાયી સ્ટે આપ્યો અને રાજમાતાને વિવાદિત સંપત્તિઓ વેચવા કે ટ્રાન્સફર કરતાં અટકાવી દીધાં. શરૂઆતના તબક્કામાં જ પલ્લું પૌત્રની તરફેણમાં ઝૂકી ગયું. એક જ વર્ષમાં રાજમાતા અને માધવરાવ બંને મૃત્યુ પામ્યાં રાજમાતાએ આ આદેશ સામે વાંધો ઉઠાવ્યો અને મામલો વર્ષો સુધી ખેંચાતો રહ્યો. પછી આવ્યું વર્ષ 2001, જ્યારે પરિવાર પર એક પછી એક બે મોટા આઘાત આવ્યા. 25 જાન્યુઆરી 2001ના રોજ રાજમાતા વિજયારાજે સિંધિયાનું નિધન થયું, અને બરાબર આઠ મહિના પછી, 30 સપ્ટેમ્બર 2001ના રોજ એક રાજકીય રેલીમાં જતી વખતે માધવરાવ સિંધિયાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું અને તેમનું પણ મૃત્યુ થયું. પિતાના અકાળ અવસાન પછી કોંગ્રેસ પાર્ટીએ એક મોટી પરંપરા તોડી. સામાન્ય રીતે નેતાઓ પાર્ટી કાર્યાલય જઈને સભ્યપદ લે છે, પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોતે જ્યોતિરાદિત્યના દિલ્હી સ્થિત બંગલા પર પહોંચ્યાં અને ત્યાં લગભગ ત્રીસ વર્ષની ઉંમરે તેમને કોંગ્રેસનું સભ્યપદ આપાવામાં આવ્યું. અહીંથી જ જ્યોતિરાદિત્યની રાજકીય સફરની મોટી શરૂઆત થઈ. સંપત્તિની લડાઈ ત્રીજી પેઢીમાં પહોંચી પરંતુ દાદી અને પિતા બંનેના અવસાન છતાં સંપત્તિની લડાઈ સમાપ્ત થઈ નહીં. તે આગલી પેઢીમાં પહોંચી ગઈ. હવે મેદાનમાં જ્યોતિરાદિત્ય સામે તેમની ફોઈઓ ઊભી હતી, જેમણે અદાલતમાં દાવો કર્યો કે રાજમાતાએ 1999માં બીજી વસિયત બનાવી હતી, જેમાં આખી સંપત્તિ ફક્ત પોતાની દીકરીઓનાં નામે કરી દીધી હતી. આ લડાઈ હવે એક ભત્રીજા અને તેની ફોઈઓ વચ્ચેની લડાઈ બની ચૂકી હતી. વસુંધરા, યશોધરાઃ માથાભારે ફોઇઓ આ ફોઈઓ કોણ છે? એ સમજવું જરૂરી છે કે આ ફોઈઓ કોઈ સામાન્ય પાત્રો નથી. તેમાંનું સૌથી જાણીતું નામ છે વસુંધરા રાજે સિંધિયા, જે રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે અને ભાજપના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક ગણાય છે. બીજાં છે, યશોધરા રાજે સિંધિયા, જે મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે અને આજે પણ ગ્વાલિયરમાં જય વિલાસ પેલેસની બરાબર બાજુમાં બનેલા રાણી મહેલમાં રહે છે. આ એ જ રાણી મહેલ છે, જ્યાં ક્યારેક ખુદ રાજમાતા વિજયારાજે સિંધિયા રહેતાં હતાં. ત્રીજી ફોઈ ઉષા રાજે ચર્ચાઓથી થોડાં દૂર રહે છે. સૌથી મોટી ફોઈ પદ્મા રાજેનું નિધન 1960ના દાયકામાં જ થઈ ગયું હતું, તેથી હવે તેમની બે દીકરીઓ આ કેસમાં પક્ષકાર છે. આ ઉપરાંત જ્યોતિરાદિત્યની સગી બહેન ચિત્રાંગદા સિંહ પણ આ સમગ્ર વહેંચણીનો ભાગ છે. એટલે કે જે જ્યોતિરાદિત્ય ક્યારેક પોતાને એકમાત્ર વારસ સાબિત કરવા માટે પોતાની દાદી અને પિતા સાથે લડ્યા હતા, હવે તેમની સામે પોતાની સંપત્તિ બચાવવાનો બેવડો પડકાર ઊભો હતો. રાજકારણ એક થયું તો પરિવાર પણ નજીક આવ્યો 2017માં આ મામલો જબલપુર હાઈકોર્ટમાં એક નવા એંગલ સાથે ફરીથી ચર્ચામાં આવ્યો. પરંતુ અસલી વળાંક 2020માં આવ્યો, જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો. આ એ જ પાર્ટી હતી, જેનો પાયો તેમની દાદીએ નાખ્યો હતો અને જેમાં તેમની બંને ફોઈઓ પહેલેથી જ મોટા હોદ્દા પર હતી. ભત્રીજો અને ફોઈઓ હવે એક જ રાજકીય છત્ર હેઠળ આવી ગયાં. રાજકારણમાં નિકટતા વધવાની સાથે-સાથે પારિવારિક અંતર પણ ઓગળવા લાગ્યાં. દાયકાઓ સુધી અદાલતોના ધક્કા ખાધા પછી આખરે બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત શરૂ થઈ. સપ્ટેમ્બર 2024માં અદાલતને જણાવવામાં આવ્યું કે પરિવાર પરસ્પર સહમતિથી વહેંચણી માટે તૈયાર થઈ ગયો છે, અને જ્યોતિરાદિત્ય અને તેમની બહેન ચિત્રાંગદાએ ફોઈઓ વિરુદ્ધ પોતાની વાંધાઓ પાછા ખેંચી લીધા. ફેબ્રુઆરી 2026માં અદાલતે આ અરજીને મંજૂર કરતાં પરિવારને સમાધાન માટે 90 દિવસનો સમય આપ્યો. ચાર દાયકાની લડાઈ હવે ઉકેલના આરે જુલાઈ 2026માં આ પાંત્રીસ-સડત્રીસ વર્ષ જૂની કાનૂની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 8 જુલાઈ 2026ના રોજ ગ્વાલિયર જિલ્લા અદાલતમાં પરિવાર વતી એક ઔપચારિક સમાધાન અરજી (જેને ‘રાજીનામું’ કહે છે, તે) રજૂ કરવામાં આવી હતી. તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે તેમની ત્રણેય ફોઈઓ વસુંધરા રાજે સિંધિયા, યશોધરા રાજે સિંધિયા અને ઉષા રાજે રાણા તથા પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિવાદ માત્ર ગ્વાલિયર પૂરતો સીમિત નથી, પરંતુ દિલ્હી, મુંબઈ અને પુણે સહિત દેશભરની અદાલતોમાં ફેલાયેલા એક ડઝનથી વધુ કેસો સાથે સંકળાયેલો છે, અને અંદાજ છે કે પરિવારની કુલ સંપત્તિનો આંકડો લગભગ 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. જેમાં જમીન-જાયદાદ, મહેલ, ઘરેણાં, ચાંદી-સોનાનાં વાસણો અને પ્રાચીન કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ સમાધાન જેટલું સરળ દેખાય છે, તેટલું સરળતાથી આગળ વધી શક્યું નથી. 20 જુલાઈ 2026ના રોજ થનારી મહત્ત્વપૂર્ણ સુનાવણી ટળી ગઈ, કારણ કે ફોઈઓના દાવાઓ સંબંધિત રેકોર્ડ હાઈકોર્ટથી જિલ્લા અદાલત સુધી હજુ પહોંચી શક્યો ન હતો. અદાલતે હવે આગામી સુનાવણી 27 જુલાઈ 2026 માટે નક્કી કરી છે, જે દિવસે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બાકી રહેલો રેકોર્ડ અદાલતમાં રજૂ થઈ જશે અને તે જ આધારે આગળની પ્રક્રિયા નક્કી થશે. એટલે કે આ ઐતિહાસિક રાજીનામું હજુ કાનૂની રીતે અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રસ્તાવિત ફોર્મ્યુલામાં જય વિલાસ પેલેસ જ્યોતિરાદિત્ય સિંધિયાના હિસ્સામાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બાકીની સંપત્તિઓ ફોઈઓ અને અન્ય પક્ષકારોમાં વહેંચવામાં આવે તેવી શક્યતા છે. જોકે અંતિમ નિર્ણય અદાલતી હુકમનામા પછી જ સાર્વજનિક થશે. સમાચારોમાં એ પણ સામે આવ્યું છે કે સમાધાનનો આધાર મોટાભાગે 'કબજો' એટલે કે હાલમાં જેની પાસે જે સંપત્તિ ભૌતિક રીતે ઉપલબ્ધ છે, તેને જ આધાર બનાવવામાં આવી રહ્યો છે. 10 હજાર કરોડનો 400 રૂમનો જય વિલાસ પેલેસ પત્રકાર રશીદ કિદવાઈના પુસ્તક 'ધ હાઉસ ઓફ સિંધિયાઝ: અ સાગા ઓફ પાવર, પોલિટિક્સ એન્ડ એન્ટરપ્રાઈઝ'માં ભોપાલના પત્રકાર રાકેશ દીક્ષિતના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે એકલા જય વિલાસ પેલેસ અને તેની સાથે જોડાયેલી સંપત્તિઓની કિંમત દસ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. જય વિલાસ પરિસરની ખુલ્લી જમીન, જેમાં સામાન્ય રસ્તો પણ સામેલ છે, તેની કિંમત 198 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. રાણી મહેલની કિંમત 32.72 કરોડ, હિરણવન કોઠીની 28.63 કરોડ, શાંતિ નિકેતનની 20.45 કરોડ અને વિજય ભવનની આશરે 22.49 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. મહારાષ્ટ્રના શ્રીગોંડા અને લિમ્પેનગાંવમાં પણ જમીનો છે, જે હાલમાં જ્યોતિરાદિત્યના સીધા કબજામાં નથી. માત્ર આ વારસાગત રહેણાંક સંપત્તિઓની કુલ બજાર કિંમત આશરે 326 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 623 કિલો સોનું, 332 કિલો ચાંદી, દુર્લભ પેઇન્ટિંગ અને મૂર્તિઓ આ ઉપરાંત હિંદુ અનડિવાઇડેડ ફેમિલી (HUF)ના નામે 26.57 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિઓ પણ છે, જેમાં આશરે 17.10 કરોડ રૂપિયાના સોનાના દાગીના, સવા કરોડ રૂપિયાનો નવ કેરેટનો સોનાનો કપ અને સાડા છ કરોડ રૂપિયાથી વધુનાં ચાંદીનાં વાસણો સામેલ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની અંગત સંપત્તિઓમાં મુંબઈના સમુદ્ર મહેલમાં બે ફ્લેટ પણ જણાવ્યા છે, જેમાંથી એક તેમને વારસામાં મળ્યો હતો. તેની બજાર કિંમત સાડા પાંત્રીસ કરોડ રૂપિયાની આસપાસ આંકવામાં આવી છે. વિવાદિત જંગમ સંપત્તિઓની યાદી ત્રણસો પાનાંની છે, જેમાં 623 કિલો સોનું, 332 કિલો ચાંદી, અને નવમીથી ચૌદમી સદી સુધીનાં દુર્લભ પેઇન્ટિંગ્સ સામેલ છે. આ યાદી એકલા ચારસો કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી છે. આ આંકડાઓ અને પરિવારની વ્યાપક સ્થાવર સંપત્તિઓને ભેગા કરીને જ મીડિયા રિપોર્ટ્સમાં કુલ વિવાદનો વ્યાપ લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયા સુધીનો જણાવવામાં આવી રહ્યો છે! આજે પણ રાજકારણમાં દબદબો છે સિંધિયા પરિવારનો જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી છે અને મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ભાજપના સૌથી ભરોસાપાત્ર ચહેરાઓમાં ગણાય છે. તેમની ફોઈ વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે આજે પણ ભાજપમાં મોટું કદ ધરાવે છે, જ્યારે યશોધરા રાજે સિંધિયા મધ્ય પ્રદેશના રાજકારણ અને ગ્વાલિયરના સામાજિક જીવનમાં સક્રિય છે. પરિવારના તમામ મુખ્ય સભ્યો આજે એક જ રાજકીય પક્ષનો ભાગ છે. તે પક્ષ, જેનો પાયો ક્યારેક રાજમાતાએ નાખ્યો હતો. એક અધૂરી વાર્તા, જે જલ્દી પૂરી થવાની છે રાણોજી શિંદે નામના એક સામાન્ય સિપાહીથી શરૂ થયેલી આ ગાથા જેણે માળવા જીત્યું, દિલ્હીને સુરક્ષિત કર્યું, અંગ્રેજો સાથે ટકરાઈ, આઝાદ ભારતના રાજકારણમાં ઊંડાં મૂળ જમાવ્યાં અને છેવટે પોતાના જ લોહીના સંબંધોની સૌથી મોટી પરીક્ષામાં ફસાઈ ગઈ. આ કેસમાં દાદી વિરુદ્ધ પૌત્ર, ફોઈ વિરુદ્ધ ભત્રીજો લડી રહ્યાં છે. પાંત્રીસ-પાંત્રીસ વર્ષો સુધી ચાલેલી આ પારિવારિક 'ગેમ ઑફ થ્રોન્સ' હવે તે મુકામ પર છે જ્યાં કોર્ટના નિર્ણયની શાહી સુકાતાં જ આ અધ્યાય હંમેશ માટે બંધ થઈ શકે છે. પરંતુ 27 જુલાઈ 2026ની સુનાવણી સુધી, ચાલીસ હજાર કરોડ રૂપિયાનો આ અખૂટ વારસો સત્તાવાર રીતે કોના-કોના નામે જશે, તે હજુ પણ કોર્ટના દરવાજે જ અટકેલું છે. ઇતિહાસ સાક્ષી છે કે સિંધિયા રાજઘરાનાએ યુદ્ધોમાં સામ્રાજ્યો જીત્યાં અને રાજકારણમાં સત્તાની સીડીઓ ચડી, પરંતુ પોતાના જ પરિવારની અંદર શાંતિની આ લડાઈ, કદાચ તેમનો સૌથી લાંબી અને સૌથી મુશ્કેલ જંગ સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    ‘ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પહેલું પગથિયું’:CJPના પ્રવક્તા બોલ્યા- રાજીનામા પછી રોકાઈશું નહીં, પોલીસકર્મીઓનો પણ હિસાબ થશે
    Next Article
    फ्लाइट में शीट मास्क लगाती हैं त्रिशा कृष्णन, लेकिन क्या यह स्किन के लिए सही है? एक्सपर्ट से जानें

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment