Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલોમાં 38 લાખ બાળકોના મધ્યાહન ભોજનના ઠેકાણા નથી:માત્ર મોટી વાતો, બે મહિનાથી ગ્રાન્ટ અને કઠોળ,દાળનો જથ્થો અટવાયો; સંચાલકો પોતાના પૈસા બાળકોને જમાડવા મજબૂર

    1 day ago

    રાજ્યની સરકારી શાળાઓમાં અપાતા મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા બે મહિનાથી કઠોળ-દાળનો જથ્થો મળવાનો બંધ થતા વિદ્યાર્થીઓની થાળી ફિક્કી પડી છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજનના સંચાલકને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે તે પણ ન ચૂકવાતા વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવું મુશ્કેલ બન્યુ છે. PM પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે કહ્યું હતું કે, સરકાર તાત્કાલીક બાકીની ગ્રાન્ટ અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરે તો યોજનાના સંચાલકોએ ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે. છેલ્લા બે મહિનાથી સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે જ્યારે પુરવઠા વિભાગ અને શિક્ષણ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બંને વિભાગો દ્વારા આ મામલે જવાબદારીની ફેંકાફેંકી કરી હતી. રાજકોટની શાળામાં ભાસ્કરની રિયાલિટી ચેક મધ્યાહન ભોજન યોજનાની અને શાળાની શું સ્થિતિ છે તે જાણવા ભાસ્કરે રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામની શાળાની મુલાકાત લીધી હતી. પડધરી મધ્યાહન ભોજન સંચાલક યુનિયનના પ્રમુખ મનીષ સોલંકીએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામમાં મધ્યાહન ભોજન કેન્દ્ર છે. તેનો હું સંચાલક છું. ગુજરાત રાજ્યમાં અંદાજે 33,000 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલુ છે પરંતુ આ વખતે માલનો જથ્થો અને ગ્રાન્ટમાં જે ઇસ્યુ ઊભો થયો છે તેમાં સરકારે ધ્યાન આપવાની જરૂર છે. કઠોળ, તેલ અને વિદ્યાર્થી દીઠ મળતી ગ્રાન્ટ મળી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો પરિપત્ર છે કે પેશગી (મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થી દીઠ આપવામાં આવતી ગ્રાન્ટ) એડવાન્સમાં આપવી પરંતુ કેન્દ્ર સંચાલકોને કોઈ દિવસ એડવાન્સમાં પેશગી આપવામાં આવતી નથી. સરકાર દ્વારા નવું મેનુ આપવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી અમારે કરવી કઈ રીતે? વિદ્યાર્થી દીઠ રૂ.5 માં આ મેનુ અમને પોષાય તેમ નથી. તેમણે જણાવ્યું કે સામાન્ય માણસ મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક તરીકે કામ કરતો હોય છે. જે નાનો પગારદાર હોય છે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતો ખર્ચ કઈ રીતે પોસાય તેમ નથી. જેને લીધે સંચાલકોને તકલીફ છે જેથી સરકારે આમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી બાળકોને પૂરું પોષણ મળી રહે. અમારી રજૂઆત સરકાર સાંભળે તો સારું છે. સંચાલકે કહ્યું- 'ગ્રાન્ટ ન મળતા અમે અમારા પૈસે કે્ન્દ્ર ચલાવીએ છીએ' તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી એટલે કે એપ્રિલ અને મે માસની પેશગીની ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવી નથી. જોકે અમે અમારા ખર્ચે મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવીએ છીએ. મામલતદાર કચેરીમાં સ્થિત મધ્યાહન ભોજન શાખામાં પૂછવામાં આવે તો જવાબ મળે છે કે ઉપરથી ગ્રાન્ટ આવી નથી. આ કઈ રીતની યોજના સરકારે બહાર પાડી છે? તમે ખુદ વિચારો બે મહિના ખુદના પૈસા કાઢી કેવી રીતે આ કેન્દ્ર ચલાવી જીવન નિર્વાહ ચલાવી શકે. ? મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોને વિદ્યાર્થી દીઠ અલ્પાહારના રૂ.5 અને ભોજનના રૂ.5.88 આપવામાં આવે છે. જોકે આ રકમ પણ ખૂબ ઓછી છે. કેન્દ્ર સંચાલકોએ ભોજન-નાસ્તાની સેવા બંધ કરવી પડે તેવી સ્થિતિ- રાજેન્દ્રસિંહ ચુડાસમા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમાએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો તાત્કાલિક ધોરણે બાકી ગ્રાન્ટ ચૂકવવામાં નહીં આવે અને કઠોળ-દાળનો પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો યોજનાના સંચાલકોને ભોજન અને નાસ્તાની સેવા બંધ કરવાની ફરજ પડશે. દાળ અને કઠોળ ન મળતા મર્યાદિત મેનુ પર નિર્ભર સંઘના જણાવ્યા અનુસાર હાલમાં અનેક શાળાઓમાં તિથિ ભોજન અને દાતાઓના સહયોગથી બાળકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. જોકે તુવેર દાળ અને ચણાની અછતને કારણે અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળતો નથી. પરિણામે અનેક શાળાઓમાં ખાલી ભાત અથવા મર્યાદિત મેનૂ પર નિર્ભર રહેવાની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી અલ્પાહાર યોજના પણ ગ્રાન્ટના અભાવે અસરગ્રસ્ત બની હોવાનું જણાવાયું છે. રાજ્યની આશરે 29 હજાર શાળાઓમાં પૌવા, ઉપમા સહિતના અલ્પાહાર માટે DBT મારફતે એડવાન્સ ગ્રાન્ટ આપવાની જોગવાઈ હોવા છતાં છેલ્લા બે મહિનાથી રકમ જમા થઈ નથી. કઠોળની ખરીદીનું ટેન્ડર 3 મહિનાથી બહાર ન પડાતા સમસ્યા સંઘે આક્ષેપ કર્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી. જેના કારણે શાળાઓમાં કઠોળનો જથ્થો ખૂટી ગયો છે અને બાળકોના પોષણ પર સીધી અસર પડી રહી છે. રાજ્યની આશરે 32 હજાર શાળાઓમાં આ યોજનાઓ અમલમાં છે, પરંતુ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં પૂરતું કઠોળ ઉપલબ્ધ હોવાનું અને અન્ય શાળાઓમાં અછત હોવાનું પણ સંઘે જણાવ્યું છે. રાજ્ય સરકારના બે વિભાગો વચ્ચે જવાબદારીની ફેંકાફેંકી આ સમગ્ર મુદ્દે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, "આ મુદ્દો અમારા વિભાગ હેઠળ આવતો નથી, આ શિક્ષણ વિભાગનો વિષય છે." બીજી તરફ શિક્ષણ વિભાગના સૂત્રો આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી હોવાનું જણાવી રહ્યા છે. પરિણામે કઠોળ અને ગ્રાન્ટના પ્રશ્ને બંને વિભાગો વચ્ચે જવાબદારીનો દોર જોવા મળી રહ્યો છે, જ્યારે તેની સીધી અસર લાખો વિદ્યાર્થીઓના પોષણ પર પડી રહી છે. સંઘે દાવો કર્યો છે કે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી માર્ચ અને એપ્રિલ મહિનાની બાકી ગ્રાન્ટ તેમજ કઠોળ-દાળનો પુરવઠો તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો રાજ્યભરમાં પીએમ પોષણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળનું ભોજન અને નાસ્તાનું વિતરણ બંધ કરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્ય બોલ્યા- રામ મંદિરમાં શરૂઆતથી ચોરી થઈ રહી છે:સાયકલ પર ફરતા હતા તે આજે મોટી-મોટી ગાડીઓમાં ફરે છે, જે ટ્રસ્ટમાં ચંપત રાય હોય ત્યાં લઈને ભાગી જવાનું જ કામ થશે
    Next Article
    ચકાચક ગાડી, સાહેબ હવામાં ઉડે:કલેક્ટર મેડમના ખાસમખાસ અધિકારીના જલસા જુઓ, કુલપતીની ઓફિસમાં ડાયરાની જેમ નોટોનો વરસાદ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment