Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબુના ભાવ પાકિસ્તાન જેટલા થઈ ગયા:300 રૂપિયે કિલો ક્યાં સુધી રહેશે; ભાદરવામાં જ મીડલ ક્લાસને રાડ બોલાવી દીધી

    1 day ago

    પાકિસ્તાનમાં એક કિલો લીંબુનો ભાવ 350થી 500 રૂપિયા છે. ગુજરાતમાં એક કિલો લીંબુનો ભાવ 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. લગભગ 15 રૂપિયાનું એક નંગ મળે છે. સપ્ટેમ્બર મહિનામાં લીંબુના ભાવ રોકેટગતિએ કેમ વધ્યા? તેના કારણો શું છે? આ ભાવ ક્યાં સુધી રહેવાના છે? આ સવાલોના જવાબ જાણીશું ગુજરાત એક્સપ્લેનરમાં.... સવાલ-1 : લીંબુની ઉત્પતિ થઈ ક્યાંથી? જવાબ : આ અંગે અમેરિકા અને ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું. તેમાં કેટલાક પુરાવા મળ્યા હતા. આ પુરાવા પ્રમાણે લીંબુ, નારંગી જેવાં તમામ ખાટાં ફળો મૂળ હિમાલયની દક્ષિણપૂર્વ હારમાળામાંથી આવ્યાં છે. રિસર્ચ અનુસાર, લીંબુ, નારંગી, સંતરા જેવા ખટાશવાળાં ફળોના છોડ સૌથી પહેલાં આશરે 80 લાખ વર્ષ પહેલાં હિમાલયમાં મળી આવ્યાં હતાં. 2018માં નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, હાલનાં ખટાશવાળાં ફળો ધરાવતા છોડ સૌથી પહેલાં પૂર્વ આસામ, ઉત્તર મ્યાનમાર અને પશ્ચિમ યુનાનમાં જોવા મળ્યા હતા. લાખો વર્ષો પહેલાં જ્યારે હવામાનમાં ધરખમ ફેરફાર થવા લાગ્યો ત્યારે આ છોડ હિમાલયમાંથી સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રસરવા લાગ્યા હતા. બીજી વાત એવી પણ છે કે, 1493ની સાલમાં ક્રિસ્ટોફર કોલંબસ પોતાની બીજી દરિયાઈ સફર પર નીકળ્યા હતા. ત્યારે તે લીંબુના બીજ પોતાની સાથે લઈ ગયા અને તેણે કેરેબિયન ટાપુ પર તેને વાવ્યા. એ પછી સ્પેનિશ અને પોર્ટુગીઝ સૈનિકો તેને ફ્લોરિડા, કેલિફોર્નિયા અને સમગ્ર લેટિન અમેરિકામાં લઈ ગયા. આ શોધ પછી દરિયાઈ પ્રવાસ કરનારા ખલાસીઓ પોતાના જહાજ પર મોટા પ્રમાણમાં લીંબુ રાખવા લાગ્યા, જેના કારણે લીંબુ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચી ગયું. લીંબુની ઘણી જાતિઓ છે પણ આપણે ઘરમાં જે વાપરીએ છીએ તેને કાગદી લીંબુ કહે છે. તે રસાળ હોય છે. દુનિયાભરના દેશો લીંબુની ખેતી કરે છે પણ વિશ્વમાં લીંબુનો સૌથી મોટો ઉત્પાદર દેશ ભારત છે. મહારાષ્ટ્રના જલગાંવ, ખાનદેશ, બુલ્ધાના, આકોલા અને અમરાવતી જિલ્લાઓ; આંધ્રપ્રદેશના ગોદાવરી, નેલ્લોરે, ગુંટુર અને કુડ્ડાપ્યાહ જિલ્લાઓ; તમિળનાડુના તાન્જાવુર, તિરુનેલ્વેલી, ઉત્તર આર્કોટ અને મદુરાઈ જિલ્લાઓ અને ગુજરાતમાં ખેડા, ભાવનગર, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓ લીંબુના વાવેતરમાં મોખરે છે. ખેર, આ તો થઈ લીંબુની ઓવરઓલ વાત. અત્યારે તો લીંબુના ભાવનું નામ લેવાય એવું નથી. સવાલ-2 : લીંબુના ભાવ અચાનક કેમ વધી ગયા? જવાબ : લીંબુના ભાવ એટલા બધા વધી ગયા કે જેની કલ્પના પણ ન કરી શકાય. 300 રૂપિયે કિલો એટલે કોઈ મીઠાઈ કે ડ્રાયફ્રૂટ જેટલો ભાવ થઈ ગયો. ગરીબ પરિવારે તો લીંબુ ભૂલી જ જવાના. મીડલ ક્લાસને પણ લીંબુના ભાવ પરવડે તેવા નથી. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં લીંબુના ભાવ વધે છે. ઉનાળામાં લીંબુની ડિમાન્ડ વધે એટલે ભાવ ઊંચકાય એ સમજાય એવું છે પણ આ વખતે સપ્ટેમ્બરમાં ભાવ વધી ગયા તે મોટો કોયડો છે. એક મહિના પહેલાંની જ વાત લો. યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ 1000થી 1500 હતો, જે અત્યારે 2000થી 4000 રૂપિયાના 20 કિલોએ પહોંચ્યો છે. આ ઐતિહાસિક સ્તર છે. છૂટક બજારમાં એક કિલો લીંબુ માટે 250થી 300 રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે. લીંબુના ભાવ વધવાનું કારણ એ છે કે અત્યારે ગરમી બહુ પડે છે એટલે ડિમાન્ડ વધી છે. તેની સામે લીંબુનો પાક નથી. મહિના પહેલાં યાર્ડમાં રોજ 1.5 લાખ કિલો લીંબુ ઠલવાતા હતા, જેની સામે અત્યારે માત્ર 40 હજાર કિલો આવક થઈ રહી છે. જેટલો પાક આવી રહ્યો છે તેના કરતાં ચાર ગણી ડિમાન્ડ થઈ ગઈ છે. લીંબુના ભાવ છેલ્લા દસ-બાર દિવસથી વધી રહ્યા છે. 80 રૂપિયે કિલો, પછી 100 રૂપિયા, 140 રૂપિયા, 180 રૂપિયા, 210 રૂપિયા, 250 રૂપિયા ને હવે 300 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. આમ જુઓ તો ભાવ વધવાના બે કારણો ગણી શકાય ગુજરાતમાં મહેસાણા અને ભાવનગરના પાલિતાણાનો બેલ્ટ લીંબુ ઉત્પાદન માટે ખૂબ સારો છે. પણ આ વખતે ગરમી જ એવી પડી કે અત્યારે ચોમાસાનું ફ્રૂટીંગ બગડવા લાગ્યું. મહેસાણા લીંબુનું મોટું માર્કેટ છે. મહેસાણાના લીંબુના વેપારી મયુરભાઈ ખમાર કહે છે, આટલા બધા ભાવ વધવા પાછળનું કારણ એ છે કે માલની આવક નથી. ગુજરાતનો માલ નહીં જેવો જ છે. અત્યારે આપણે લીંબુમાં બહારના રાજ્યો પર ડિપેન્ડ થઈ ગયા. મહારાષ્ટ્ર, આંધ્ર અને તમિલનાડુ બાજુથી લીંબુ આવે છે. ત્યાં હજુ માલની શરૂઆત છે. અત્યારે ગરમી વધારે છે એટલે ડિમાન્ડ વધારે છે. આવક ઓછી છે તેના કારણે ભાવ વધ્યા છે. હકીકત એ છે કે આટલા ભાવ તો કોરોનામાં પણ નહોતા. કોરોનામાં લીંબુના ભાવ 200 રૂપિયે કિલો થઈ ગયા હતા. મયુરભાઈ કહે છે, માગ કરતાં પુરવઠો ઓછો હોય એટલે ભાવ વધવાના છે. લીંબુમાં કોઈ સ્ટોરેજ થતું નથી. ખેતરમાંથી જેટલો પાક આવે છે તેના કરતાં ચાર ગણી ડિમાન્ડ છે. હોટેલમાં, ઘરમાં લીંબુ જરૂરિયાત મુજબ વપરાય છે. કિલો લીંબુ તમારે અઠવાડિયામાં વાપરી નાખવા પડે. આપણો પાક દિવાળી પછી થશે એટલે માલ આવવા લાગશે, ઠંડી પણ વધશે એટલે ડિમાન્ડ ઘટશે ને પુરવઠો વધશે એટલે ભાવ ઓછા થશે. મયુરભાઈ સપ્લાય અને ડિમાન્ડની વાત કરે છે. પણ એક ચિત્ર સંગ્રહખોરીનું પણ ઉપસી રહ્યું છે. સવાલ-3 : લીંબુની સંગ્રહખોરી ખરેખર વધી છે? જવાબ : દિવસે દિવસે કોલ્ડ સ્ટોરેજ વધી રહ્યા છે. હવે તો મલ્ટીસ્ટોરી કોલ્ડસ્ટોરેજ બની રહ્યા છે. કોઈપણ શાકભાજી લો, કોઈપણ કઠોળ લો, બધું સ્ટોરેજ થઈ રહ્યું છે. તો શું આ સંગ્રહખોરીના કારણે માર્કેટમાં લીંબુ દેખાતા નથી? આનો જવાબ આપતાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ હોર્ટીકલ્ચરના પ્રિન્સીપાલ અને ડીન ડૉ. ડી.કે.વરૂ કહે છે, ચોમાસામાં ઓછો વરસાદ અને લીંબુના પાકને સંબંધ તો ખરો પણ અત્યારે જે ભાવ વધી ગયા છે તેને અને વરસાદના પાકને કો-રિલેશન નથી. લીંબુનો ઉનાળાનો પાક હોય તેના માટે દર વખતે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 'હસ્થ બહાર'ની ટ્રીટમેન્ટ આપતા હોય છે. એ સમય દરમિયાન લીંબુને પાણી પાવાનું નહીં. ગ્રુમિંગ કરવાનું, ખાતર પોષણ કરવાનું હોય. એ પછી ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લાવરિંગ આવે. આમ તો સપ્ટેમ્બર, ઓક્ટોબર અને પછી શિયાળામાં થોડું થોડું ફ્લાવરિંગ થાય. આ ફ્લાવરિંગ પછી માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિના દરમિયાન ફળ આવે. થોડા ઘણા ફળ પછીથી જૂનમાં પણ આવે. એ સીઝનમાં પાક મહત્વનો છે. ત્યારે જ વધારે ભાવ મળે. થાય છે એવું કે એ પાક સામાન્ય રીતે 10થી 15% જ હોય. બાકીનો ચોમાસાનો પાક 50થી 60% હોય. શિયાળાનો 25% ટકા હોય. ચોમાસાનાં લીંબુ અત્યારે ઉતરે. વધારે પણ ઉતરે. સંગ્રહખોરો ખેડૂતો પાસેથી અત્યારે બલ્કમાં લીંબુ ખરીદી લે ને એ લીંબુને સ્ટોર કરી દે. કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી રાખે ને એ લીંબુ ઉનાળામાં વેચવા કાઢે. એટલે ઉનાળામાં લીંબુનો ભાવ વધારે મળે. આ વખતે આપણે વરસાદ ઓછો છે. બધે ઓછો નથી. બીજે બધે તો પાક સારો જ થયો છે પણ આપણે ત્યાં એ લીંબુ આવે તો તે પણ સ્ટોર થઈ જાય છે. કારણ કે ટ્રેડર્સ વધવા લાગ્યા છે તેમ કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી પણ વધવા લાગી છે. અત્યારે ઝાડમાં ચોમાસાના લીંબુ ઉગવાની શરૂઆત થાય. તે કાચા હોય ત્યાં જ ઉતારી લે છે ને સ્ટોરેજ કરી દે છે. વહેલા ઉતારી લેવાયેલા લીંબુ થોડા પણ ઓછી ક્વોલિટીવાળા દેખાય તો તેને બજારમાં વેચવા મૂકી દેવાય છે. તેમાં ગરમીના કારણે ડાઘા પડી ગયા હોય છે. આવા નાનાં લીંબુમાંથી રસ પણ ઓછો નીકળે. લીંબુના વાવેતરનો એરિયા ઘટ્યો નથી, ઉત્પાદન ઘટતું નથી. છતાં ભાવ આટલા બધા વધે છે તે કોયડો છે. હકીકતે આ સંગ્રહખોરી ને ભાવ વધારાનો ખેલ છે. દર વખતે ભાવ વધારે નથી હોતા. આ વખતે જ વધારે છે. દરેકને લીંબુમાં સારી કમાણી દેખાય છે. પણ એ વાત ચોક્કસ કે લીંબુના ભાવ એકદમ તરત ઘટવાના નથી. સવાલ-4 : ઊંચા ભાવ ક્યાં સુધી રહેશે? જવાબ : આમ જુઓ તો ન માત્ર લીંબુ પણ વટાણા અને ડુંગળીના ભાવ પણ ઊંચકાયા છે. વટાણા પણ 200 રૂપિયે કિલો મળે છે. ચોમાસાની અનિયમિતતા રહી છે. વરસાદ ખૂબ ઓછો થવાથી પાકને નુકસાન પહોંચ્યું છે. ઝડપથી પાકતા શાકભાજીના રોકડિયા પાકના ઉત્પાદનમાં ઘટ આવી છે અને અનિયમિત વરસાદથી બગાડના કારણે શાકભાજી મોંઘા થઈ ગયા છે. ઓછા વરસાદના કારણે ઝાડ પરના લીંબુ બગડવા લાગ્યા છે. લીંબુની ગણતરી ભલે શાકભાજીમાં થાય છે પણ એ ફળ છે. અત્યારે શાકભાજીની મોંઘી ચીજમાં લીંબુ નંબર વન પર છે. દિવ્ય ભાસ્કરની ટીમ અમદાવાદની સૌથી મોટી વેજીટેબલ માર્કેટ ગણાતી જમાલપુર શાક માર્કેટમાં ગઈ હતી ત્યાં એકલ-દોકલ વેપારીઓ પાસે માંડ એકાદ કેરેટ લીંબુ હતા. તે પણ નાનાં. એ પછી ટીમ જમાલપુર ફ્લાયઓવર નીચે બેસતા શાકભાજીના ધંધાર્થીઓ પાસે પહોંચી હતી તો ત્યાં 60 વેપારીઓમાંથી માત્ર 4 વેપારીઓ પાસે થોડાં જ લીંબુ હતાં. 130ના 500 અને 150ના 500 ગ્રામ. એવા બે ભાવ કહ્યા. મતલબ 260થી લઈ 300ના કિલો થયા. મહેસાણાના વેપારી મયુરભાઈ ખમાર કહે છે, અત્યારે ડિમાન્ડ અને સપ્લાય જોતાં એવું લાગે છે કે હજી એક મહિનો તો આટલા જ ઊંચા ભાવ રહેશે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દિવાળીના તહેવારો છે. એ અરસામાં ગુજરાતમાં લીંબુના ફળ ઉતરશે. ત્યારે માર્કેટમાં માલ આવવા લાગશે. દિવાળી આસપાસ ઠંડીનો માહોલ પણ શરૂ થયો હશે એટલે ડિમાન્ડ ઘટશે. પુરવઠો વધશે. આ ફેક્ટરના કારણે દિવાળી પછી ભાવ ઘટશે. પણ ત્યાં સુધી તો લોકોએ લીંબુના ઊંચા ભાવ જ ચૂકવવા પડશે. નોરતાંમાં ગરબે ઘૂમીઘૂમીને થાકી જાવ ને ટોનિક તરીકે લીંબુ સરબત પીવાનું મન થાય એ સ્વાભાવિક છે. તો વધારે ભાવ આપવા તૈયાર રહેજો. કારણ કે અત્યારે જે લીંબુ સરબત 15 રૂપિયાનું મળતું હતું તેના 25થી 30 રૂપિયા થઈ ગયા છે. એક સમયે અમદાવાદમાં તુર્કીથી લીંબુ મગાવવા પડ્યાં હતા ચાર વર્ષ પહેલાંની વાત છે. 2022માં મે-જૂન મહિનામાં દક્ષિણ ભારતના રાજ્યોમાં વાવાઝોડાં અને વરસાદને કારણે લીંબુ આવતા નહોતાં. ગુજરાતમાં લીંબુની આવક ઘટી હતી. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. એ વખતે ગુજરાતમાં લીંબુની માગને પહોંચી વળવા તુર્કીથી લીંબુની આયાત કરવામાં આવી હતી. એ વખતે ગુજરાતમાં પહેલીવાર તુર્કીથી લીંબુની આયાત કરવામાં આવી હતી. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી આ જથ્થો અમદાવાદની માર્કેટમાં ઉતર્યો હતો. તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો હતો ગુજરાતમાં જોઈએ તેટલી સંખ્યામાં લીંબુ પાક્યા નહોતા. ત્યારે પણ ગુજરાતમાં લીંબુની આવક ઓછી હતી. તુર્કીના આવેલા 1 લીંબુનું વજન 100 ગ્રામ હતું. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે.
    Click here to Read More
    Previous Article
    મેડમના મસાજે સાહેબને આંટીમાં લીધા:મંત્રીજીએ ગિલ્લી દંડો પકડ્યો; રસ્સો ખેંચવા જતા કાર્યકરોએ ઢીલ આપી દીધી
    Next Article
    રાજ્યમાં આજે ગણેશ વિસર્જન:અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જાણો કયા સ્થળે કરી શકશો વિસર્જન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment