Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટ વિના ટ્રેનમાં જમો!:અમદાવાદમાં પહેલી રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ થશે, 24 કલાક ચટાકેદાર વાનગીઓ મળશે

    15 hours ago

    અત્યાર સુધી તમે સવા બસ્સો ફૂટ ઊંચી પતંગ હોટલમાં બેસીને સ્વાદિષ્ટ ભોજનની મજા માણી જ હશે. કાંકરિયામાં તરતી બોટમાં બેસીને ચટપટા નાસ્તાની પણ મજા માણી હશે. ભરચક રસ્તા પર ચાલતી બસમાં ફૂડ ઓન વ્હીલની પણ ક્યારેક મુલાકાત લીધી હશે. આટલું તો ઠીક પણ પ્લેન રેસ્ટોરાંથી લઇને હવામાં લટકતી રેસ્ટોરાંની પણ મજા માણી હશે ત્યારે સ્વાદના રસિકોના લિસ્ટમાં વધુ એક ઠેકાણું ઉમેરાઇ જશે. આ ઠેકાણું એટલે આંબલી રેલવે સ્ટેશન. જ્યાં પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા શહેરની પહેલી રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. જેમાં જવા માટે તમારે કોઇ ટિકિટ પણ નહીં લેવી પડે કે ન તો કોઇ જગ્યાની મુસાફરી કરવી પડશે. ટ્રેનના અસલ કોચમાં બેસીને તમે પરિવાર અને મિત્રો સાથે ગમે ત્યારે જઇને ભોજનની મજા માણી શકશો. અમદાવાદીઓને આ રેસ્ટોરન્ટનો લાભ ક્યારથી મળશે? આ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? અહીં 24 કલાક દરમિયાન કેવી કેવી વાનગીઓનો ચટાકો લોકોને માણવા મળશે? આ કોન્સેપ્ટ કેવી રીતે ડેવલપ થયો? એક સાથે કેટલા લોકો ભોજન લઇ શકશે? પાર્કિંગ અને સિક્યોરિટી માટે કેવું આયોજન છે? આ તમામ બાબતો અંગે દિવ્ય ભાસ્કરે પશ્વિમ રેલવેના અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી અજય સોલંકી અને કોન્ટ્રાક્ટ મેળવનાર દીક્ષા રોડ લાઇન્સના અજયસિંહ તોમર સાથે ખાસ વાતચીત કરી હતી. રેસ્ટોરન્ટ 24 કલાક ચાલુ રહેશે આંબલી રેલવે સ્ટેશન પર શરૂ થનારી આ રેસ્ટોરન્ટમાં વેજ ભોજન જ પીરસાશે. અહીં આવનારા લોકોને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝથી લઇને સવારના સમયે નાસ્તો પણ મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે જેથી અહીં ગમે ત્યારે કોઇપણ વ્યક્તિ આવશે તો તેને ભોજન કે નાસ્તો મળી રહેશે. વૃક્ષોને કાપવાના બદલે રેસ્ટોરન્ટનો ભાગ બનાવ્યા આ રેલવે સ્ટેશનની બહારના 575 સ્ક્વેર મીટરમાં તૈયાર થઇ રહેલી રેસ્ટોરન્ટનું તમામ આયોજન પણ વાસ્તુ શાસ્ત્રના આધારે કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ જગ્યામાં જેટલા પણ વૃક્ષો હતાં તેને કાપવાની જગ્યાએ એવી રીતે ડેવલપ કરાયા છે કે તેને રેસ્ટોરન્ટનો જ ભાગ બની જાય. આ રેસ્ટોરન્ટ અંદાજે 1 કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર થશે. આંબલી સ્ટેશન ખૂબ જ શાંત વિસ્તારમાં છે અને તેની ચારેય બાજુ દિવાલની બાઉન્ડ્રી છે. બીજી તરફ અહીં સ્પેસ પણ ખૂબ જ સારી છે એટલે અહીં ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ લઇને આવનારા લોકો માટે પાર્કિંગનો પ્રશ્ન નહીં રહે. અત્યાર સુધીમાં દેશમાં આવા 10થી વધુ સ્ટેશન પર આ રેસ્ટોરન્ટ કાર્યરત કરાઇ છે. સામાન્ય રીતે રેસ્ટોરન્ટ રેલવે સ્ટેશનની બહાર રેલવેના પરિસરમાં જ કાર્યરત કરાય છે. જેથી સ્ટેશને આવતા લોકો અને જે-તે જગ્યાના લોકો તેનો વધુ લાભ લઇ શકે. કન્ડમ કોચને રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરાયો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદના આંબલી રેલવે સ્ટેશન પર એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અહીં એક કન્ડમ કોચ મુકાયો આવ્યો છે. જેમાં રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. હાલમાં આ રેસ્ટોરન્ટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારની જેટલી પણ રેલવે રેસ્ટોરન્ટ શરૂ કરાઇ છે તે તમામ માટે ઓપન ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે. એ પછી જે પણ પાર્ટી પેરામીટર્સમાં ખરી ઉતરે તેને આ રેસ્ટોરન્ટ ચલાવવા માટે અપાય છે. આ રેલવે કોચ રેસ્ટોરન્ટનો કોન્ટ્રાક્ટ દીક્ષા રોડ લાઇન્સને ટેન્ડરિંગ પ્રક્રિયાથી મળ્યો છે. જેથી 10 વર્ષ સુધી દીક્ષા રોડ લાઇન્સ જ તેનું સંચાલન કરશે. અજયસિંહ તોમર દીક્ષા રોડ લાઇન્સના માલિક છે. 2 મહાકાય ટ્રેનની મદદથી કોચને ઊંચકીને મુકાયો તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ રેસ્ટોરન્ટના ટેન્ડરિંગ માટેની પ્રોસેસ જાન્યુઆરી 2025માં થઇ હતી. રેલવે કોચ મૂકતાં પહેલાં અહીંના ડેવલપમેન્ટ માટે અમારો થોડો સમય ગયો. હાલમાં જે બોગી છે તે રેલવેએ અમને સપ્ટેમ્બર મહિનામાં આપી હતી. આંબલી સ્ટેશનના પાટા સુધી રેલવે વિભાગ બોગી લાવ્યો હતો જેના પછી અમે આ બોગીને 2 મહાકાય ક્રેનની મદદથી ટ્રેલરમાં મૂકીને સ્ટેશન પરિસરમાં નક્કી કરેલી જગ્યા પર મૂકી હતી. ટ્રેનમાં નવો કોચ જોડાય ત્યારે તેની એક લાઇફ નક્કી કરાય છે. જેટલી લાઇફ નક્કી કરી હોય તેટલો સમય એ કોચ સર્વિસમાં રહે છે પછી તેને બહાર કરાય છે. આ બહાર કરાયેલા કોચને જ રેસ્ટોરન્ટમાં કન્વર્ટ કરાય છે. અત્યારે આ કોચના આઉટરમાં પેઇન્ટિંગની કામગીરી ચાલી રહી છે સાથે જ ઇલેક્ટ્રિક ફીટિંગથી લઇને ભોજન માટેના ટેબલ તૈયાર કરવાની કામગીરી કરાઇ રહી છે. આ જોતા અજય સોલંકીનું માનવું છે કે અમદાવાદીઓને ટૂંક જ સમયમાં આ રેસ્ટોરન્ટની ભેટ મળી શકે છે. ટેક અવેની પણ સુવિધા મળશે તેમણે જણાવ્યું કે, આવી રેસ્ટોરન્ટમાં કોચમાં જ ટેક અવેની સુવિધા હોય છે અને કિચન પણ કોચની અંદર જ હોય છે. જેના કારણે ઓછા લોકો ત્યાં બેસી શકે છે. આ પ્રકારની રેસ્ટોરન્ટ મુંબઇમાં દાદર, બાંદ્રા, અંધેરી અને બોરીવલીમાં છે. આ બધી જગ્યાએ સામાન્ય રીતે 40 લોકોની બેઠક ક્ષમતા હોય છે પણ અહીં આંબલીમાં જે રેલવે રેસ્ટોરન્ટ બની રહી છે તેમાં એક સાથે 60 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે. ટ્રેનની જેમ જ પુલિંગ માટે ચેન મૂકાઇ કોચને પ્રીમિયમ ટચ અપાઇ રહ્યો છે. અજયસિંહ તોમર આ અંગે કહે છે કે, કિચન બહારના ભાગમાં હોવાથી કોચની અંદર 60થી વધુ લોકો એકસાથે ભોજન લઇ શકશે. અમે કોચને આ રીતે ડેવલપ કરી રહ્યાં છીએ. અમે બોગીને પ્રીમિયમ ટચ આપીશું. બોગીમાં વિન્ડોના કર્ટેન્સ પણ યુનિક લૂકમાં હશે. સાથે જ ઓરિજિનલ ટ્રેનમાં જે રીતે પુલિંગ માટે ચેન અપાય છે તેવી જ રીતે અહીં પણ ચેન મુકાઇ છે. બોગીની બહાર પણ અમારી પાસે પ્રિમાઇસીસ છે તો ત્યાં પણ અમે ઓપન ડાયનિંગ રાખવાના છીએ જે યંગસ્ટર્સને ખૂબ પસંદ આવશે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીના સાધનો પણ હશે અહીં કોઈ પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે સાથે જ ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવાશે.જો કોઇ સંજોગોમાં અહીં ભીડ થાય અને કોઇ વ્યક્તિને વેઇટિંગ ન કરવું હોય તો તેના માટે ટેક અવેની પણ સુવિધા છે. જેથી સમયની બચત થઇ શકશે. ગુજરાતની ઝાંખી જોવા મળશે અજય સોલંકી કહે છે કે, આ રેસ્ટોરન્ટમાં અમદાવાદ અને ગુજરાતની ઝાંખી જોવા મળશે. ભારતીય રેલવેએ જે-જે રાજ્યમાં અને જે-જે શહેરમાં રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરી છે ત્યાં જે-તે જગ્યાની સંસ્કૃતિ અને પ્રખ્યાત સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવી છે. જેથી બહારથી આવનારા લોકોને પણ એ શહેરની ત્યાં ફીલ મળી શકે. એવી જ રીતે આંબલીમાં પણ બની રહેલી રેલવે રેસ્ટોરન્ટના ઇન્ટિરિયર અને બહારના ભાગમાં અમદાવાદ તેમજ ગુજરાતની ઝાંખી જોવા મળશે. રેસ્ટોરન્ટ ઓન વ્હીલને જે રીતે તૈયાર કરવામાં આવી રહી છે તેની ભવ્યતાને જોઇને આપણને એમ લાગે કે આમાં તો ખૂબ જ ઊંચા ભાવે ભોજન મળશે પરંતુ આ રેસ્ટોરન્ટનો જ્યારે કોન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો ત્યારે સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવીને વિચાર કરવામાં આવ્યો હતો. એટલે અહીં સામાન્ય વ્યક્તિ પણ તેનો લાભ લઇ શકશે. સેલિબ્રેશનનું નવું ઠેકાણું બનશે અજયસિંહ તોમરે કહ્યું, આ રેસ્ટોરન્ટમાં અમે ઇનબિલ્ટ સ્પીકર મૂક્યાં છે. જેમાં રેલ્વેની જેમ એનાઉન્સમેન્ટ પણ થશે કે તમે આંબલી એક્સપ્રેસમાં બેઠા છો. અન્ય શહેરોમાં પણ આવી રેસ્ટોરન્ટ શરૂ કરાશે રેલવેએ મહેસાણા અને ગાંધીધામમાં પણ આ પ્રકારની રેસ્ટોરન્ટ માટે કામ શરૂ કર્યું છે. અજય સોલંકી આ અંગે કહે છે કે, આંબલી સ્ટેશનની જેમ જ હાલમાં મહેસાણા અને ગાંધીધામમાં પણ આ પ્રકારની રેસ્ટોરન્ટ તૈયાર કરવા માટેની કામગીરી શરૂ કરાઇ છે. જેના પછી ન્યૂ ભૂજ અને ગાંધીનગરના સ્ટેશન ઉપર પણ આવી સુવિધા શરૂ કરાશે. છેલ્લે તેમણે કહ્યું કે, અત્યાર સુધી જ્યાં જ્યાં આવી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે તે બધી જ જગ્યાએ લોકોને વેઇટિંગમાં બેસવું પડે છે એટલી ભીડ હોય છે. આશા છે કે અમદાવાદના લોકોને પણ આ ખૂબ જ પસંદ આવશે.
    Click here to Read More
    Previous Article
    ધ સ્પીકિંગ પ્લેનેટ્સ:રાહુના 3 નક્ષત્રોમાં છુપાયો છે કુબેરનો ખજાનો, ગ્રહની ભક્તિથી મળશે અઢળક સંપત્તિ
    Next Article
    અમિત શાહ મોબાઈલમાં જોઈને મલકાયા:ધારાસભ્યે એવું તો શું બતાવ્યું?; મુખ્યમંત્રીએ ઢીલ આપી પતંગ ખેંચી લીધો, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment