Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક હજાર વર્ષ જૂની ભોજશાળાનું ગુજરાત કનેક્શન:જેના નામે મકબરો બન્યો એ કમાલ મૌલાનું મૃત્યુ ધારમાં નહીં અમદાવાદમાં થયું હતું, 2190 પાનાના ASI રિપોર્ટમાં ખુલાસો

    14 hours ago

    એક હજાર વર્ષ જૂની ઇમારત, 100 વર્ષ કરતાં પણ જૂનો વિવાદ અને તેની બનાવટમાં ધરબાયેલું એક જૂનું રહસ્ય જેના પરથી આખરે પડદો ઉઠી ગયો. મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ઇમારત ભોજશાળા છે કે કમાલ મસ્જિદ તે અંગે વૈજ્ઞાનિક સંશોધન થયું હતું. જેના પછી હાઇકોર્ટે વિવાદિત ભોજશાળા-કમાલ મૌલા પરિસરને રાજા ભોજના સમયનું વાગ્દેવી (દેવી સરસ્વતી)નું મંદિર માન્યું. કોર્ટે હિંદુ પક્ષને અહીં પૂજાનો અધિકાર આપ્યો. હાઇકોર્ટે વર્ષ 2024માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ને આ અંગે સંશોધન કરીને રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું. ASIએ 2000થી વધુ પાનાંનો રિપોર્ટ મધ્યપ્રદેશ હાઇકોર્ટને સોંપ્યો હતો. ASIના રિપોર્ટ અને તાજેતરના કોર્ટના ચુકાદા બાદ આ સંકુલના ઇતિહાસ પરથી પડદો ઊંચકાયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભોજશાળા વિવાદના કેન્દ્રમાં રહેલા કમાલ મૌલા અને ગુજરાતના અમદાવાદ વચ્ચે એક કનેક્શન છે. આર્કિયોલોજી સર્વે કરનારી ટીમને લીડ કરનાર પ્રોફેસર આલોક ત્રિપાઠીએ જ્યારે આ 2190 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારે તેમાં એક એવી વાત સામે આવી છે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, જે સૈયદ કમાલુદ્દીન ચિશ્તીનો મકબરો ત્યાં હોવાનો દાવો કરાતો હતો તેમનું મૃત્યુ હકીકતમાં અમદાવાદમાં થયું હતું અને તેમના અવસાનના 204 વર્ષ બાદ એમને ત્યાં લઇ જઇને દફનાવ્યાં હતા. રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ઇ.સ. 1514માં મહમૂદ શાહ ખીલજીએ ભોજશાળા પર બીજી વખત હુમલો કર્યો અને ભોજશાળા પરિસર પર કબજો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જોકે, તેણે સરસ્વતી મંદિર પરિસરની બહારની જમીન પર કબજો જમાવી લીધો અને મૌલાના કમાલુદ્દીનના મૃત્યુના 204 વર્ષ પછી તેમના નામે કમાલ મૌલા મકબરો બનાવ્યો. આ એક રેકોર્ડેડ ઇતિહાસ છે કે મૌલાના કમાલુદ્દીનનું મૃત્યુ ઇ.સ. 1310માં કર્ણાવતી ખાતે થયું હતું, જેને અત્યારે અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને અમદાવાદમાં જ દફનાવવામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કરએ આ અંગે ASI ટીમને લીડ કરનાર પ્રોફેસર આલોક ત્રિપાઠી સાથે વાત કરી હતી. તેમણે આ સંશોધન દરમિયાનના પોતાના અનુભવો અને ઇમારત તથા ત્યાં કરેલી કામગીરી અંગે જણાવ્યું હતું. આલોક ત્રિપાઠી જણાવે છે કે ભોજશાળા અંગે કેટલાક કેસો અલગ-અલગ કોર્ટમાં ચાલતા હતા. ત્યારબાદ 2024માં મધ્યપ્રદેશ હાઇકોર્ટે ASIને ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અદાલતે આ સ્મારક અને તેની આસપાસના 50 મીટરના વિસ્તારમાં સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન સર્વે અને ઉત્ખનન કરવાનો આદેશ આપ્યો હતો. જે અંતર્ગત એક વિશેષ ટીમ બનાવવામાં આવી. જેણે ત્યાં ઝીણવટભર્યું સંશોધન કર્યું. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે આ ટીમનું નેતૃત્વ ભારતીય પુરાતત્વ ખાતાના મહાનિર્દેશક (ડિરેક્ટર જનરલ) અથવા અધિક મહાનિર્દેશક (એડિશનલ ડિરેક્ટર જનરલ) જ કરશે. અમે ગુજરાત કનેક્શન અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે અમારું કામ ફક્ત સર્વે પૂરતું જ હતું. અમારું કામ કોર્ટ આદેશ અનુસાર ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું. અમે ત્યાં સુધી જ પોતાને સીમિત રાખ્યા. 98 દિવસ સુધી સંશોધનનું કામ ચાલ્યું કોઇપણ કામ કરતાં પહેલાં સ્થળ નિરીક્ષણ કરવાનું હોય કે ત્યાંની સ્થિતિ શું છે. કઇ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી શકાય. ડોક્યુમેન્ટેશન કરવું એ પણ મહત્વપૂર્ણ કામ છે. સર્વે કરવાની જગ્યાનું વિસ્તૃત અને વૈજ્ઞાનિક રીતે ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું. એમને સ્પેસિફિક નંબર આપવામાં આવ્યા જેથી ક્યાંય કન્ફ્યુઝન ન થાય. એ કર્યા બાદ એવી જગ્યાઓ શોધવામાં આવી જ્યાં વિશિષ્ટ ઇન્વેસ્ટિગેશન કે એનાલિસિસની જરૂર હતી. ત્યાં મેથડ્સ વાપરીને કામ શરૂ કરવામાં આવ્યું. આ કામ માર્ચથી જુલાઈ એમ 98 દિવસ સુધી ચાલ્યું. ‘વર્ષ 1951થી આ સ્થળનું સંરક્ષણ ASI કરતું હતું’ તેઓ કહે છે કે પહેલી વસ્તુ કઈ હતી એ કહેવું મુશ્કેલ છે કારણ કે કામ શરૂ કરો એટલે ઘણા પ્રકારની વસ્તુઓ મળે. ઘણા વ્યક્તિઓ સાથે કામ કરતાં હોય છે. એટલે રિપોર્ટમાં બધી વસ્તુઓ લખી છે. એ હિસાબે એક નંબરની વસ્તુ પહેલા મળી હશે. ‘અમારું કામ કોર્ટ આદેશ અનુસાર ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું’ તેઓ કહે છે કે પુરાતત્વમાં સાલ ન હોય. એમાં શતાબ્દીઓની વાત થાય. કારણ કે કોઈ નિશ્ચિત અભિલેખ ન હોય તો ઇમારત કયા વર્ષની છે એ કહેવું ઘણું મુશ્કેલ થઈ જાય. ઇતિહાસ અંગે કેટલાય ગ્રંથ ઉપલબ્ધ છે. વિભિન્ન પક્ષોએ એના રેફરન્સ લીધા છે. પરંતુ અમારું કામ કોર્ટ આદેશ અનુસાર ઇન્વેસ્ટિગેશન કરવાનું હતું. અમે ત્યાં સુધી જ પોતાને સીમિત રાખ્યા. ‘રિપોર્ટમાં તમામ ઝીણવટભરી માહિતી’ ભોજશાળામાંથી શું મળ્યું તે અંગે આલોક ત્રિપાઠી જણાવે છે કે ત્યાંથી મળેલા પુરાવાઓ ઘણા પ્રકારના હતા. માટી અને નેચરલ પથ્થર સિવાય જે પણ અવશેષો મળે જેમ કે વનસ્પતિ, જીવ-જંતુ, માટીના વાસણો, પથ્થરની કોઈ વિશિષ્ટ રચના હોય, અભિલેખ, સિક્કા, કાચ કે ટેરાકોટાની વસ્તુઓ આ તમામને આર્ટિફેક્ટ કહેવાય છે. જેને માનવીએ પોતે બનાવીને ઉપયોગમાં લીધી હોય. આ બધાનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે. જેનાથી એ સમયગાળા દરમિયાન ત્યાં થઇ રહેલી ગતિવિધિઓ અથવા એ સ્થાપત્ય બનાવનાર સંસ્કૃતિ અંગે સચોટ જાણકારી મળે છે. આ રીતે પુરાતત્વવિદો આ તમામ આર્ટિફેક્ટ એકત્રિત કરીને તેમનો અભ્યાસ કરે છે. ‘ટીમના બધા જ સભ્યો વરિષ્ઠ પુરાતત્વવિદ હતા’ ‘અવશેષ મળ્યા એ બધા જ મટિરિયલ એવિડંસ છે. કોઈપણ એને જોઈ કે અડી શકે છે. પોતાની રીતે એનલાઇઝ કરી શકે છે. રિપોર્ટ બધી જ પાર્ટી પાસે પણ છે. પણ ફક્ત એ જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે ક્યાંક કોઈ અફવા ન ફેલાય. ઘણીબધી જગ્યાથી ઘણા બધા લોકો ત્યાં આવ્યા હતા. પણ અમે પૂરી નિષ્ઠાથી કામ કર્યું. જ્યાં સુધી હાઇકોર્ટે લોકોને ન આપ્યું ત્યાં સુધી અમે પણ કોઈ સૂચના કોઈને નથી આપી. અમારી ટીમના બધા મેમ્બરોએ નિષ્ઠાથી કામ કર્યું. ટીમના બધા જ સભ્યો વરિષ્ઠ પુરાતત્વવિદ હતા. બધા હળીમળીને ચર્ચા કરીને કામ કરતાં હતા. કોઈ એક વ્યક્તિનું કામ નહોતું.’ ASIની ટીમનો કામ શરૂ કરવાનો અને પૂરું કરવાનો સમય અલગ અલગ રહેતો. સામાન્ય રીતે ફિલ્ડમાં આઠ કલાકનું કામ હોય. પરંતુ ત્યાંની સ્થિતિ અનુસાર ટાઈમ બદલાતો રહેતો. કારણ કે ત્યાં ચાલતી ગતિવિધિ પણ યથાવત રાખવાની હતી. એમાં કોઈ અવરોધ ન આવે અને કામ પણ ચાલતું રહે. એ પ્રકારે તેઓ કામ પ્લાન કરતાં. જો અંદર પૂજાપાઠ થતાં હોય તો બહાર કામ કરતાં. બહાર કઈ થતું હોય તો અંદર કામ કરી લેતા. એટલે કે ગ્રાઉન્ડ પર જઇને પરિસ્થિતિ અનુસાર યોજના બનાવવાની હોય. ‘જેટલી શોધ કરો એટલું નવું મળે’ સંશોધન દરમિયાનના યાદગાર દિવસો અંગે આલોક ત્રિપાઠી કહે છે કે અમારા માટે દરેક દિવસ યાદગાર રહેતો. સામાન્ય રીતે દરરોજ સંશોધન કરો ત્યારે રોજ કંઇ નવું મળે. એ નવી શોધ હોય. એક માટીના વાસણનો ટુકડો મળે તો એ પણ એક શોધ હોય છે. સિક્કો મળે તો એ પણ એક શોધ હોય છે. એના કારણે જ્ઞાનમાં વધારો થતો રહે છે. એ રીતે એક એક કડી મેળવીને પુરાતત્વવિદ એક જિગસૉ પઝલની માફક એને સમજવાનો પ્રયત્ન કરે છે. અમારી પાસે નિર્ધારિત સમય હતો. એનું પાલન કરીને અમારી પાસે આવશ્યક જાણકારી આવી ગઈ તો અમે રિપોર્ટમાં એનો સમાવેશ કરીને કામ પૂરૂં કર્યું. આ વિષય ક્યારેય પૂરો થાય એમ નથી. જેટલી શોધ કરો એટલું નવું મળે. જેથી જરૂર પૂરતા એવિડન્સ મળી જાય ત્યારે તપાસ પૂરી થઇ જાય છે. કોર્ટના ચુકાદા પછી મળ્યો આત્મસંતોષ કોર્ટના ચુકાદાને લઇ પ્રોફેસર આલોક ત્રિપાઠી કહે છે કે જ્યુડિશિયલ સ્ક્રૂટીની બાદ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો. એનાથી સંતોષ થયો કે અમારી ટીમે જે કામ કર્યું હતું તેને સ્વીકૃતિ મળી છે. એમાં કોઈ ખામી નહોતી કે કોઈ ભૂલ થઈ હોય. જેથી મારા સાથીઓએ જે કામ કર્યું એ સાચી દિશામાં હતું એનાથી સંતોષ થયો છે. ડોક્ટરના પુત્રથી પુરાતત્વવિદ બન્યા પ્રોફેસર આલોક ત્રિપાઠી હાલમાં આસામ વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર છે. એ પહેલાં તેઓ ડેપ્યુટેશન પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણમાં અતિરિક્ત મહાનિર્દેશક પુરાતત્વ (એડિશનલ ડિરેક્ટર જનરલ) તરીકે 5 વર્ષ માટે નિયુક્ત હતા. તેમનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા અને પોસ્ટિંગ મંદસૌર જિલ્લાના સર્વનિયા મહારાજ ખાતે થયું હતું. તેઓ જ્યારે ત્યાં ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના શિક્ષક જગદીશજીએ તેમને એનસાયક્લોપીડિયા જેવું એક પુસ્તક આપ્યું હતું. આ પુસ્તકમાં પ્રાચીન પથ્થરો અને ડાયનોસોર વગેરે વિશે માહિતી હતી. જે વાંચીને તેમને આ વિષયમાં રસ પડ્યો. આઠમા ધોરણ સુધી પહોંચતા સુધીમાં તો તેમણે અલગ-અલગ પથ્થરોનો એક મોટો સંગ્રહ કરી લીધો હતો. તેઓ સાયન્સના વિદ્યાર્થી હતા અને તેમણે B.Sc. કર્યું હતું. એ પછી તેમણે આર્કિયોલોજી ક્ષેત્રમાં આગળ વધવાનું વિચાર્યું. તેમણે એન્સિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી, કલ્ચર એન્ડ આર્કિયોલોજીમાં M.A. કર્યું અને ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માંથી પુરાતત્વ વિષયમાં Ph.D. ની પદવી મેળવી. 50 દેશોના પુરાતત્વવિદો સાથે સંશોધન કર્યું આલોક ત્રિપાઠીએ આવી ઘણી ઐતિહાસિક સાઇટ્સ પર કામ કર્યું છે. તેઓ 1987માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)માં આસિસ્ટન્ટ આર્કિયોલોજિસ્ટ તરીકે જોડાયા હતા. જેના પછી તેમની પસંદગી અંડર વોટર આર્કિયોલોજી માટે થઇ હતી. એ સમયે સમુદ્રમાં દ્વારકા નગરીની શોધ ચાલી રહી હતી. તેમણે વિદેશોમાં પણ વ્યાપક કામ કર્યું છે અને આશરે 50 દેશોના પુરાતત્વવિદો સાથે આ ક્ષેત્રમાં સંશોધન કરીને તેઓ કેવી રીતે કામ કરે છે તેમજ ડોક્યુમેન્ટેશન કરે છે તેનો બહોળો અનુભવ મેળવ્યો છે. છેલ્લા 39 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત આ સિવાય તેમણે ભારતમાં પણ અનેક ઉત્ખનન કાર્યોમાં ભાગ લીધો છે. જેમાં પ્રાચીગઢી અને તેમની ટ્રેનિંગ દરમિયાન ધોળાવીરામાં કરેલું કામ મુખ્ય છે. તેમણે બંગાળની ખાડીમાં વિવિધ સ્થળોએ, લક્ષદ્વીપમાં ડૂબેલા પ્રાચીન વહાણના ઉત્ખનનમાં અને તમિલનાડુના મહાબલીપુરમમાં સમુદ્રમાં ડૂબેલા અવશેષો પર પણ કામ કર્યું છે. સમુદ્ર કિનારે કરેલા ઉત્ખનન દરમિયાન તેમને સમુદ્રના મોજાંના કારણે નષ્ટ થઈ ગયેલા મંદિરના અવશેષો પણ મળ્યા હતા.દ્વારકામાં હજુ પણ તેમનું કામ ચાલુ છે. આ ઉપરાંત તેમણે આસામ અને રાજસ્થાનમાં પણ સેવાઓ આપી છે. આમ, તેઓ છેલ્લા 39 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. આ પહેલાં તેમણે જ્ઞાનવાપીમાં થયેલા સર્વેક્ષણની ટીમનું પણ નેતૃત્વ કર્યું હતું અને તેનો રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે. જેમાં હજુ કાયદાકીય કાર્યવાહી બાકી છે. આથી કહી શકાય કે ભોજશાળા એ પહેલો એવો કેસ છે જેમાં કોઇ નિર્ણાયક ચુકાદો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'RRR'નો હીરો બન્યો સાઉથ સિનેમાનો 'ગેમ ચેન્જર':બોલિવૂડ ડેબ્યૂ ફ્લોપ થતાં ભાંગી પડ્યો હતો રામ ચરણ, કોરોનામાં રાજમૌલીની એક સલાહે જિંદગી બદલી
    Next Article
    નેતાજીએ સંતાઈને હાર પહેરી લીધો:કોંગ્રેસના યુવા નેતાઓની ટિંગાટોળીમાં પોલીસની બરાબર કસરત થઈ; પહેલા જ દિવસે મહાનગરોના મેયર એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment