Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પત્નીએ બર્થડે ગિફ્ટમાં દુકાન માગી ને જિંદગી બદલાઈ ગઈ':અમદાવાદમાં માત્ર 21 રૂપિયાના ટોકનથી ફ્લેટ વેચી ચર્ચામાં આવ્યા, રિયલ એસ્ટેટમાં પૈસા વગર પણ કમાય શકાય

    1 day ago

    અમદાવાદનો વિકાસ સતત થઈ રહ્યો છે. અમદાવાદમાં હાઇરાઇઝ બિલ્ડિંગને કારણે વિદેશોને પણ ટક્કર મારે તેવી સ્કાલલાઇન ભવિષ્યમાં જોવા મળશે તે નક્કી છે. એક સમયે પોળ ને પછી બંગલા ને હવે અમદાવાદમાં લક્ઝુરિયસ અપાર્ટમેન્ટનો ક્રેઝ વધતો ગયો છે. આટલું જ નહીં, વિદેશોની જેમ અમદાવાદમાં હવે સ્ટૂડિયો અપાર્ટમેન્ટ પણ બની રહ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં આઉટ ઑફ બોક્સ વિચારીને કંઈક અલગ કરી રહેલા ચિરાગ રાવની વાત 'સ્કાયલાઇનર્સ'ના આજના પાંચમા ને છેલ્લા એપિસોડમાં વાત કરીશું, ચિરાગ રાવે અમદાવાદમાં બનાવેલા ફાર્મહાઉસમાં કાર પાર્કિંગ નહીં પણ બોટ ને બોટિંગ એરિયા આપ્યો હતો. આટલું જ નહીં, તેઓ અમદાવાદમાં પહેલી જ વાર દરેક ઘર દીઠ સ્વિમિંગ પૂલનો કોન્સેપ્ટ લાવ્યા છે. વાતની શરૂઆત કરતા ચિરાગભાઈ કહે છે, 'પરિવારમાં પપ્પા સરકારી જૉબ કરતા ને બંને બહેનો ડૉક્ટર છે. મમ્મી હોમ મેકર ને મેં અમદાવાદમાંથી MBA વિથ ફાઇનાન્સ ને પછી LLBનો અભ્યાસ કર્યો. પરિવારમાં પહેલેથી જ એજ્યુકેશન પર વધારે ફોકસ રહેતું. આ સાથે જ પપ્પા સરકારી ઑફિસર હોવાને કારણે ઘરમાં ડિસિપ્લિનનો માહોલ રહેતો. ભણતો ત્યારે હોટલ કે રેસ્ટોરાંનું સપનું હતું. પછી તો MBA કર્યા બાદ ફેમિલી બિઝનેસ ટેક્સટાઇલ્સમાં જોડાવવા 2005માં સુરત ગયો. હું જોડાયો ત્યારે 48 પાવરલુમ્સ હતી, તે 200 સુધી પહોંચાડી.' 'પત્નીને બર્થડે ગિફ્ટમાં દુકાનો માગી' ટેક્સટાઇલ્સ બિઝનેસમાંથી કેવી રીતે રિયલ એસ્ટેટમાં આવ્યા તે પાછળની વાત કરતા ચિરાગભાઈ જણાવે છે, 'લગ્ન પછી રિયલ એસ્ટેટમાં આવવાનો ફાળો મારી પત્નીનો છે. લગ્નના એકાદ વર્ષ બાદ પત્નીનો બર્થ ડે હતો અને મેં તેને ગિફ્ટમાં શું આપું તેવું પૂછ્યું. સામાન્ય રીતે પત્ની કાર કે જ્વેલરી કે પછી બહાર જવાનું કહે, પરંતુ તેણે એવું કહ્યું કે તું નહીં આપી શકે. મેં ભાર પૂર્વક આગ્રહ કર્યો કે તું કહીશ એ આપીશ. મારી પર એટલો વિશ્વાસ તો રાખ. પછી તેણે મારા આશ્ચર્યની વચ્ચે ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાન ગિફ્ટમાં માગી. મેં સારું કહીને વાત ત્યાં પૂરી કરી. તે સમયે મેં ક્યારે રિયલ એસ્ટેટમાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહોતું. હવે વાઇફને ગિફ્ટ આપવી તે નક્કી હતી એટલે પછી એક ચેનલ પાર્ટનરને વાત કરવા બોલાવ્યા ને કહ્યું કે એક ફ્રેશ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન જોઈએ છીએ. એ જ્યારે આવ્યા ત્યારે કાગળ એકદમ ગરમ હતો. મેં પૂછ્યું કે આ કેમ આટલું ગરમ છે? તો તેમણે જવાબ આપ્યો કે બિલ્ડરે અત્યારે જ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો છે અને પ્રિન્ટ એટલી ગરમ છે કે ત્યાંથી સીધી તમારા ત્યાં લઈને આવ્યો છું. તમારે જે દુકાન જોઈશે તે મળી જશે.' '30 લાખની સામે દોઢ કરોડનો પ્રોફિટ' 'મનમાં ખબર નહીં શું થયું કે મેં એવું પૂછી નાખ્યું કે આ બધી દુકાનો લઉં તો ભાવમાં કંઈ કરી આપે ખરા? તેણે હા પાડી પછી તરત જ એવું થયું કે આ દુકાનો વેચાઈ જાય ખરા? તો તેણે વિશ્વાસ અપાવ્યો કે તે બધી દુકાનો વેચી આપશે. તેની વાતોથી મારામાં હિંમત આવી ને મેં કંઈક કમાવવાના આશયથી ત્યારે બારે બાર દુકાનો ખરીદી. 2010માં સુરતના ભટાર સાઇડ આ પ્રોજેક્ટ હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે રિયલ એસ્ટેટ શું છે. હું ત્યાં સુધી કાપડનો બિઝનેસ કરતો. મેં 12 દુકાનો 30 લાખમાં ખરીદી હતી અને દોઢ કરોડનો પ્રોફિટ થયો. મને થયું કે ટેક્સટાઇલમાં તો આટલા પૈસા ક્યારેય મળે જ નહીં. હવે તો રિયલ એસ્ટેટમાં જ કામ કરાય.' 'આર્કિટેકે પૂછ્યું, તારે બિલ્ડર બનવું છે?' 'થોડા સમય બાદ મારે સુરતમાં જ ફેક્ટરી શરૂ કરવી હતી, પરંતુ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં NA (નોન-એગ્રીકલ્ચર) મળતું નહોતું. આ અંગે ઘણી પૂછપરછ કરી અને એવામાં એક આર્કિટેક પાસેથી જાણવા મળ્યું કે ખેડૂત ફરી સહી કરે તો જ મળે. હવે જે ખેડૂત પાસેથી પ્લોટ લીધો હતો તે ફરી સહી કરવા તૈયાર નહોતો. પછી તો આખી સોસાયટીના NA માટે બધા જ ખેડૂતોને ભેગા કર્યા ને તેમને પૈસા આપ્યા ને પછી NA લીધું. તે આર્કિટેકને ત્યારે લાગ્યું કે મારામાં રિયલ એસ્ટેટમાં કંઈક કરવાનું જૂનુન તો છે. તેઓ સુરતમાં કંઈક પ્રોજેક્ટ લૉન્ચ કરવાના હતા. તેમણે મને એવું પૂછ્યું કે તારે બિલ્ડર બનવું છે? હું 26-27 વર્ષનો હતો અને આ ઉંમરે તરવરાટ તો હોય જ એટલે મેં તો તરત જ પાર્ટનર બનવાની હા પાડી. અમે ત્યારે સુરતના પાંડેસરામાં અફોર્ડેબલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ આર્કેડ લૉન્ચ કર્યો હતો.' 'કુળદેવીની કૃપાથી માત્ર 7 દિવસમાં 260 ફ્લેટ ટોકન લીધા વગર વેચ્યા' 'પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ને તે આર્કિટેકે એક ભાઈ સાથે મુલાકાત કરાવીને કહ્યું કે આ પૈસા નહીં આપે, પરંતુ તમામ ફ્લેટ વેચાવી દેશે. પૈસા વગર તેમની પાર્ટનરશિપ 35% હતી. હું નિશ્ચિત બનીને મારા ટેક્સટાઇલ્સ બિઝનેસમાં ધ્યાન આપવા લાગ્યો. મને તો એવું જ હતું કે તે ભાઈ બધું વેચી દેશે. બે મહિના બાદ મળવા ગયો ત્યારે તે બંનેના ચહેરા પર નિરાશા હતી. તેમણે કહ્યું કે ફ્લેટ વેચાતા નથી. દુકાનો થોડીક વેચી. મને તો ત્યારે એકદમ આંચકો લાગ્યો. મને ત્યારે સ્ક્વેરફૂટ ને સુપરબિલ્ટ અપ... કે રિયલ એસ્ટેટની ટર્મિનોલોજીની કંઈ જ ખબર નહોતી. મેં ત્યારે તેમને આ બધું સમજાવવાનું કહ્યું. તેમણે લે આઉટ કાઢ્યો ને દોઢ-બે કલાક સુધી બધું સમજાવ્યું ને હું ડાયરીમાં મુદ્દા ટપકાવતો રહ્યો. પછી તો લે આઉટ લઈને ઘરે ગયો. એક દિવસ સુધી આમાં બધું મનોમંથન કર્યું અને પછી ત્યાંના સ્થાનિક ચેનલ પાર્ટનરને બોલાવ્યા. મેં ત્યારે છ ચેનલ પાર્ટનરની ટીમ બનાવી હતી. 2013માં 5% બ્રોકરેજ ઑફર કરી. આટલું જ નહીં, હું ત્યારે સ્કીમ લઈને આવ્યો કે એક પણ રૂપિયા લીધા વગર એટલે કે ટોકન વગર ઘર કે ઑફિસ બુક કરીશ. 10 દિવસ સુધી ટોકન નહીં આપો ત્યાં સુધી હોલ્ડ રાખીશ. ઘર 5 ને 10 લાખના હતા. કુળદેવીની કૃપાથી માત્ર સાત દિવસની અંદર આખો પ્રોજેક્ટ 260 ફ્લેટ વેચાઇ ગયો.' 'વગર પૈસે ભાગીદાર બન્યો' 'હવે એવું બન્યું કે આ સ્કીમની સામે જ ઓમ પ્રોજેક્ટ હતો. ત્યારે મારા દીકરાનો જન્મ થઈ ગયો હતો અને તેનું નામ પણ ઓમ હતું. મને આ પ્રોજેક્ટમાં ભાગીદાર થવાનો રસ હતો, પરંતુ મારી પાસે પૈસા નહોતા. હવે અમારા ત્યાં એટલું બધું બુકિંગ આવ્યું કે ઓમ પ્રોજેક્ટના પણ ઘણા ફ્લેટ વેચાઈ ગયા. તે પ્રોજેક્ટના માલિક બકુલભાઈ કોઠિયા હતા. તેમને ખ્યાલ હતો કે મારે પ્રોજેક્ટમાં ભાગીદાર થવું છે તો તેમણે મને ફોન કરીને મળવા બોલાવ્યો ને જ્યારે અમે મળ્યા તો તેમણે સીધું જ કહ્યું કે છોકરા, તે એવું તો શું કર્યું કે તારા ફ્લેટ તો વેચાઈ ગયા અમારું પણ વેચાઈ ગયુ. મેં માત્ર એમ જ કહ્યું કે નોર્મલ વેમાં જ કામ કર્યું છે. તેમણે ભાગીદારીના ડોક્યુમેન્ટ તૈયાર રાખ્યા હતા. મને સહી કરવાનું કહીને ભાગીદારી ઑફર કરી. અલબત્ત, મેં સ્પષ્ટતા કરી કે મારી પાસે પૈસા નથી. તેમણે વગર પૈસે ભાગીદાર બનાવ્યો. હું એટલું શીખ્યો કે વહેંચીને ખાવું. ચેનલ પાર્ટનરને પહેલા ને આજે પણ મહત્ત્વના વ્યક્તિ ગણું છું. તેઓ પિલ્લર સમાન છે.' 'અમદાવાદમાં માત્ર 21 રૂપિયાના ટોકનથી ફ્લેટ વેચ્યા' અમદાવાદ કેવી રીતે આવવાનું થયું તે અંગે ચિરાગભાઈ જણાવે છે, ’સસરા એડવોકેટ જનકભાઈ મારા ગુરુ ને મેન્ટોર છે. હું તેમની પાસેથી જ રિયલ એસ્ટેટ શીખ્યો. અમે તેમને 'સાહેબ' કહીને બોલાવીએ. એકવાર તેમણે કહ્યું કે મારે હવે અમદાવાદમાં રિયલ એસ્ટેટનું કામ કરવું જોઈએ. આ અંગે વિચાર્યું ને અમદાવાદ શિફ્ટ થયો. 2013ની આસપાસ પૂર્વ અમદાવાદમાં તેમનો એક પ્રોજેક્ટ પૂરો થયો પણ વેચાતો નહોતો. તેમણે એ પ્રોજેક્ટ વેચવાની જવાબદારી આપી. મેં માત્ર 21 રૂપિયા ટોકનમાં ફ્લેટ બુક કરાવો તેવી સ્કીમ શરૂ કરી. આ જ કારણે આસપાસના બિલ્ડર્સ ગુસ્સે થયા કે આવી તે કંઈ સ્કીમ હોય. મિડલ ક્લાસ પરિવાર પાસે નાની રકમ જ હોય અને અમે પૂછતા કે 21 રૂપિયા હોય તો ફ્લેટ બુક કરી દો. હું 21 રૂપિયાના ટોકન સામે 500 રૂપિયાનો ખર્ચ કરતો હતો, જેમાં પરિવાર ફ્લેટ બુક કરાવે એટલે અમે આઇસક્રીમ ખવડાવીએ, ફોટો ક્લિક કરીને આપીએ. આ રીતે બધા ફ્લેટ વેચ્યા. પછી નક્કી કર્યું કે ઇસ્ટ અમદાવાદમાં નહીં પણ માત્ર વેસ્ટમાં જ કામ કરીશું.’ 'વેસ્ટ અમદાવાદનો પહેલો પ્રોજેક્ટ' ચિરાગભાઈએ પશ્ચિમ અમદાવાદના પહેલા પ્રોજેક્ટ અંગે જણાવ્યું, ’અમારો પહેલો પ્રોજેક્ટ શ્રેયા એન્ટિલિયા 4 BHKનો હતો અને જાણીતા આર્કિટેક અપૂર્વ અમીન હતા. અમે એન્ટેલિયા નામ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પરથી જ રાખ્યું છે. જ્યારે અમે પ્રોજેક્ટનું કેમ્પેઇન કર્યું ત્યારે એ જ રીતે કર્યું હતું કે વી વેલકમ એસપાયરિંગ અંબાણી ઑફ અમદાવાદ. (અમે અમદાવાદના અંબાણીને વેલકમ કરીએ છીએ.) એન્ટિલિયાનો અર્થ ધરતી પરનું સ્વર્ગ એવો થાય છે. એન્ટિલિયાની પેટર્ન થઈ ગઈ છે એટલે અમે આગળ અમારી કંપનીનું નામ મૂકીને પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. ત્યારબાદ અમે સિંધુ ભવન પર અમાલગા, શ્રેયા એન્ટિલિયા કર્મશિયલ ને અમદાવાદના R3 ઝોનમાં પ્લોટિંગ ને ફાર્મહાઉસનો પ્રોજેક્ટ કર્યો. હાલમાં શીલજમાં 4 BHK, ગાંધીનગરમાં 3 BHK તથા ફાર્મહાઉસમાં એક્સપાન્સનું કામ ચાલે છે.’ ’અમારો કર્મશિયલ પ્રોજેક્ટ અમાલગા હતો. જ્યારે કર્મશિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે મારા પાર્ટનર રવિભાઈ સિવિલમાં એક્સપર્ટ ને હું સેલ્સમાં. મને ખાસ કર્મશિયલ વેચવાનો અનુભવ નહોતો. 86 શો-રૂમ બે મહિના સુધી પડી રહ્યા. હું બનતા પ્રયાસો કરતો પણ કોઈ લે નહીં. ફરી એકવાર ચેનલ પાર્ટનર મારા હનુમાન બન્યા ને 60 દિવસમાં 60% પ્રોજેક્ટ વેચી નાખ્યો હતો.’ 'અમદાવાદના ફાર્મહાઉસમાં પ્રાઇવેટ બોટિંગ એરિયા ને બોટ ફ્રીમાં આપી' ચિરાગભાઈ અમદાવાદ ને ગાંધીનગરના પ્રોજેક્ટની યુનિકનેસ અંગે વાત કરતા કહે છે, ’મારું પહેલેથી જ નક્કી હતું કે હું સિમ્પલ પ્રોજેક્ટ કરીશ નહીં. હું આઉટ ઑફ ધ બોક્સ વિચારીને જ કામ કરું છું. એન્ટિલિયા કર્યું ત્યારે વર્ટિકલ ગાર્ડનનો કોન્સેપ્ટ અમદાવાદમાં પહેલી જ વાર લૉન્ચ કર્યો. સામાન્ય રીતે ઑફિસ કોમ્પ્લેક્સમાં એક ઑફિસ રોડ સાઇડ ને બીજી પાછળની સાઇડ હોય, પરંતુ અમે કર્મશિયલ બિલ્ડિંગમાં તમામ ઑફિસ રોડ ફેસિંગ હોય તે જ રીતે બનાવી. ફાર્મહાઉસ બનાવ્યું તો કાર પાર્કિંગ બધા જ આપે પણ અમે દરેકને પ્રાઇવેટ બોટિંગ એરિયા આપીને પ્રાઇવેટ બોટ આપી.’ 'અમદાવાદમાં પહેલી જ વાર 22 માળની બિલ્ડિંગમાં 44 સ્વિમિંગ પૂલ' ’શીલજમાં અમે અમદાવાદમાં 4 BHKનો પ્રોજેક્ટ કરીએ છીએ. હવે નવું શું લાવવું તે એક સવાલ હતો. પછી ફ્લેટ એવી રીતે ડિઝાઇન કર્યો કે દરેક ફ્લેટમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ આપ્યો. સ્વિમિંગ પૂલ કહું એટલે કોઈના પણ મનમાં એ વિચાર આવે કે તમે ખાબોચીયું આપશો ને તેમાં માણસ બેસી શકે પણ તરવાનું કેવી રીતે? તમે જે રીતે ટ્રેડમિલ પર દોડી શકો તે જ રીતે તમે એકની એક જગ્યાએ અડધો કલાક તરી શકો. આ સ્વીમ સ્પા ટેક્નોલોજી છે. પાણીનો અવાજ પણ એવો મધુર આવે કે બિયાસ નદી આગળ બેઠા હોઈએ તેમ ખળખળ આખા ઘરમાં સંભળાય. 22 માળના ફ્લેટમાં એક ફ્લોર પર બે ફ્લેટ છે એટલે 44 સ્વિમિંગ પૂલ બાલ્કનીમાં આપ્યા. અમદાવાદમાં આવું પહેલી જ વાર થઈ રહ્યું છે. આ ઉપરાંત બાલ્કની પણ 21*10 ફૂટની એટલે કે બંગલા જેવી ફિલિંગ આવે. ગાંધીનગરમાં પણ પહેલી જ વાર 3 BHKમાં 5 બાલ્કની આપી છે. 'ક્રોમ એટલે શું?' ક્રોમ ગ્રુપના નામ અંગે વાત કરતા ચિરાગભાઈ કહે છે, ’થોડું જ્યોતિષ ને થોડી લાગણી જોડાયેલી છે. મારા દીકરાનું નામ ઓમ છે તો મારે એવુ નામ રાખવું હતું કે જેમાં ઓમ આવે. મારા માટે ‘K’ હંમેશાં લકી રહ્યો છે. બહુ વિચાર કર્યા બાદ ક્રોમ નામ મળ્યું. દરેકને ત્રણ વસ્તુ એક્સ્ટ્રિમ જોઈએ. હેલ્થ, આધ્યાત્મિકતા ને પૈસા. ક્રોમનો અર્થ થાય છે કે એક્સ્ટ્રિમ ઑફ ફોર્ચ્યુન, હેલ્થ સ્પિરીચ્યુઆલિટી. આ ત્રણેયનું સમાગમ એટલે ક્રોમ.’ 'પૈસાદાર વર્ગમાં હોમ-ઑફિસ બાદ ફાર્મહાઉસનો કોન્સેપ્ટ આવ્યો' રિયલ એસ્ટેટમાં આવેલા ફેરફાર અંગે વાત કરતા ચિરાગભાઈ કહે છે, ’સુરત ને અમદાવાદના રિયલ એસ્ટેટમાં ડિસિઝન મેકિંગનો મેજર ડિફરન્સ છે. સુરતના લોકો ઘણા જ ફાસ્ટ છે, તેઓ આવે ને પાંચ મિનિટમાં નિર્ણય લેશે. અલબત્ત, અમદાવાદમાં તકો વધારે છે. અમદાવાદ ગુજરાતનું ફાઇનાન્સિયલ હબ છે એટલે જ અહીંયા પૈસો ઘણો જ વલોવાય છે. પબ્લિકનો બાઇંગ પાવર સારો, NRIનું રોકાણ વધારે, માઇગ્રેશન વધુ. પહેલાં શહેરમાં પાંચ કે છ માળ ને પછી 10-12-14 માળની સ્કાયલાઇન હતી. હવે 22-40 માળના બિલ્ડિંગ જોવા મળશે. પહેલાના ડેવલપર્સ સામાન્ય અપાર્ટમેન્ટ બનાવતા. હવે ડેવલપર એમિનિટિઝથી લઈને નાનામાં નાની બાબત પર ધ્યાન આપે છે. જે રીતે લાઇફસ્ટાઇલ બદલાઈ તે જ રીતે રિયલ એસ્ટેટમાં ફેરફાર આવ્યો. બીજું કે પૈસાદાર વર્ગમાં પહેલા ફ્લેટ ને ઑફિસનો ટ્રેન્ડ હતો. કોરોના પછી વીકેન્ડ હોમ ઉમેરાયું. લાઇફસ્ટાઇલમાં અપગ્રેડશન વધ્યું છે. લોકોને લાગ્યું કે પૈસા કમાઈ છીએ તેને વાપરીએ. આ જ કારણે પ્રીમિયમ ફ્લેટનું ચલણ વધ્યું.’ કેમ પ્રીમિયમ મકાનો મોંઘા? ’ફ્લોરિંગથી લઈને મોંઘી બ્રાન્ડ્સનો ઉપયોગ કરવામાં આવે. એસી લિફ્ટ હાઇસ્પીડની હોય. બારીઓ સાઉન્ડપ્રૂફ હોય. મુંબઈના જુહૂમાં બધા બોલિવૂડ સેલેબ્સ રહે છે એટલે તે એરિયા પોશ છે. અમદાવાદનું જુહૂ એટલે R3 ઝોન કહેવાય. અમદાવાદના જેટલા પણ કરોડપતિ લોકો છે. ત્યાં જમીન લિમિટેડ છે અને આ જ કારણે ભાવ સતત વધ્યા ને વધી.’ 'અમદાવાદ એકમાત્ર R3 ઝોનથી બ્લેસ્ડ' ચિરાગભાઈએ કહ્યું, ’એસ.જી હાઇવેનો ઉપરનો ભાગ R2 ઝોન કહેવાય. R2 ઝોન એક સીમારેખન પછીનો 100 ફૂટનો પેરલલ રોડ વૈષ્ણોદેવીથી સરખેજ સુધીનો છે. એના પછીનો પટ્ટો ને રિંગરોડ વચ્ચેનો ભાગ R3 છે. ગુજરાતમાં અમદાવાદ એક માત્ર એવું શહેર R3 ઝોનથી બ્લેસ્ડ છે. અમદાવાદમાં અત્યારનો સૌથી મોંઘો વિસ્તાર આંબલી ને સિંધુ ભવન છે. આ વિસ્તાર R3 ઝોનની નજીક છે. આ વિસ્તારમાં જેટલું પોશ ક્રાઉડ શિફ્ટ થયું તે પ્રમાણે ભાવ વધતા ગયા.’ 'કોમનવેલ્થથી 40-50 હજાર કરોડનો ગ્રોથ થશે' ચિરાગભાઈ સ્પષ્ટપણે માને છે, ’જ્યારથી કોમનવેલ્થની જાહેરાત થઈ ત્યારથી તેજીની વાતો થઈ રહી છે. આ પહેલા 2022માં ઇંગ્લેન્ડમાં અને 2026માં સ્કોટલેન્ડ ને 2030માં અમદાવાદમાં રમાશે. 2022માં ઇંગ્લેન્ડમાં 15 હજાર કરોડ રૂપિયાનો ગ્રોથ થયો હતો. અમદાવાદમાં 8%ના દરેથી 2030માં ચાલીસથી પચાસ હજાર કરોડનો ગ્રોથ આવશે. કોમનવેલ્થથી હોટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટેશન વધશે. હોંગકોંગ, સિંગાપોર જેવી જ સ્કાયલાઇન અમદાવાદમાં જોવા મળશે. અદાણી શાંતિગ્રામ, ગોદરેજ, આંબલી પર જઈને જોઈએ તો એક સ્કાયલાઇન દેખાશે. હાલમાં અમદાવાદમાં 22 માળથી 40-50 માળની બિલ્ડિંગ બની રહી છે. 2030 સુધીમાં આવી ઘણી બિલ્ડિંગ બનશે. અમદાવાદ ને અમદાવાદીઓ વિદેશીઓની જેમ જ ફેમસ થવાના જ છે.’ 'રિંગ રોડની બહાર 1-2 બેડરૂમ બને છે, અમદાવાદમાં સ્ટૂડિયો અપાર્ટમેન્ટનો ટ્રેન્ડ' ’સરકારે અફોર્ડેબલ ઝોન રિંગ રોડની બહારના ભાગમાં આપ્યો છે. રિંગ રોડની બહાર પુષ્કળ પ્રમાણમાં એક ને બે બેડરૂમના ફ્લેટ બને છે. આ વિસ્તારને કનેક્ટ કરવા માટે મેટ્રોની સુવિધા છે. પ્રીમિયમ વિસ્તારમાં વન કે ટુ BHK નથી બનતા પણ થલતેજ, બોડકદેવ, સીજી રોડ પર સ્ટૂડિયો અપાર્ટમેન્ટ બને છે, જેમાં એક જ હોલ હોય અને તેમાં ડ્રોઇંગરૂમ, રસોડું, બેડરૂમ, ડાઇનિંગ, બાથરૂમ આવી જાય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. ટૂંકમાં 1 BHKથી પણ નાનો રૂમ. આ સ્ટૂડિયો અપાર્ટમેન્ટ માત્ર કપલ માટે ઉપયોગી છે. જગ્યા ઓછી હોવાને કારણે વિદેશમાં આ કોન્સેપ્ટ ઘણો જ ચાલ્યો છે અને હવે અમદાવાદમાં પણ ઇન ટ્રેન્ડમાં છે.’ 'પ્રોજેક્ટ લોન ક્યારેય લેતો જ નથી' ચિરાગભાઈ કહે છે, ’સુરતમાં ભાગીદારીમાં બિલ્ડર બન્યો ને તેમના અંદરોઅંદરના ડખાને કારણે હું ફસાયો ને હતાશ પણ થયો. અલબત્ત, આ બધામાંથી શીખવા મળ્યું કે જીવનમાં આવી ભૂલ કરવાની નહીં. ભાગીદારી કોની જોડે કરવી, ના કરવી તે શીખ્યો. ભાગીદારી કરવી સહેલી છે પણ નિભાવવી અઘરી છે. ભૂલ તો થાય પણ રીપિટ ના થાય તેનું ધ્યાન રાખવું. સુરતના અનુભવ બાદ નક્કી કર્યુ કે પ્રોજેક્ટ લોન લઈશ નહીં. અત્યાર સુધીના એક પણ પ્રોજેક્ટમાં લોન લીધી નથી. હું લોનની વિરુદ્ધમાં નથી પણ કોરોના જેવો સમય સરળતાથી પસાર થયો, કારણ કે મારા માથે કોઈ લોન નહોતી અને દર મહિને હપ્તો ચૂકવવાનો નહોતો. ઘરે બેસીને ફેમિલી ટાઇમ એન્જોય કર્યો. સ્ટાફનો એક રૂપિયાનો પગાર કાપ્યો નહોતો. ચેનલ પાર્ટનરને પણ આર્થિક રીતે મદદ કરી. પ્રોજેક્ટ હું સેલ્ફ ફંડ ને ઇન્વેસ્ટર્સના પૈસાથી બનાવું છું. અમે શરૂઆતથી લઈ એક્ઝિટ સુધી ઇન્વેસ્ટર્સ સાથે રહીએ. રિયલ એસ્ટેટમાં એન્ટ્રી સહેલી છે પણ એક્ઝિટ અઘરી છે પણ ડેવલપર એક્ઝિટમાં પણ સપોર્ટ કરે તો ઇન્વેસ્ટર્સ સતત સાથે જ રહે.’ 'RERA અપ્રૂવલના ઘર લો' ચિરાગભાઈ સલાહ આપતા કહે છે, ’જ્યારે પણ ઘર લો ત્યારે RERA અપ્રૂવલ હોય તો જ લો. RERA દરેક બિલ્ડર સ્કીમ શરૂ કરે એટલે બોર્ડ લગાવવાનું કહે છે અને તેમાં બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી છે કે નહીં તે પણ લખ્યું હોય છે. બિલ્ડરે કઈ બેંકમાંથી લોન લીધી એ ખાસ જોવું. જ્યારે જ્યારે પૈસા આપો ત્યારે બેંકની NOCની અવેરનેસ રાખવાની.’ 'ડેવલપર ક્વૉલિટીને મહત્ત્વ આપે છે' ’ક્વૉલિટી ચેક કરવી હોય તો સ્ટ્રેન્થ ચકાસવી. ફિનિશિંગ પરથી ખ્યાલ આવે, બિલ્ડરના ભૂતકાળના પ્રોજેક્ટ જુઓ. નવો જ ડેવલપર છે તો તેને મટિરિયલ અંગે સવાલ કરો. કહેવત છે ને કે પૂછતો નર સદા સુખી. એમ તમે સવાલો કરશો તો અવેરનેસ આવશે. બિલ્ડિંગમાં માત્ર બાહ્ય દેખાવ નહીં પણ સ્ટ્રેન્થ સ્ટ્ર્ક્ચર પણ મહત્ત્વનું છે. હાઇ રાઇઝ બિલ્ડિંગમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તથા CEO ઑફિસર હોય છે. આ ઑફિસર સમયાંતરે સ્ટ્રેન્થ ચેક કરે. આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફરજિયાત છે અને આ જ કારણે હવે ક્વૉલિટીમાં ચેડા થવાની શક્યતા નથી.’ 'ભાવ તો નહીં ઘટે' ચિરાગભાઈ માને છે, ’ભાવ ઘટશે તેમ ના કહી શકાય. કદાચ સારું ફંડ હોય તે બિલ્ડર થોડો ભાવ ઘટાડે એ અલગ વાત છે. અત્યારનો સમય બેસ્ટ છે. મિલકત ખરીદવાની હોય ત્યારે હંમેશાં મોંઘી જ લાગે. એક સમયે અમદાવાદમાં 3 BHK 25-30 લાખમાં મળતા. આજે તેનો ભાવ બધાને ખબર જ છે. મકાન કે પ્રોપર્ટી જ્યારે પણ લેવી હોય ત્યારે આ ત્રણ બાબતો લોકેશન, પ્લાનિંગ ને ઇન્વેટરી ખાસ ધ્યાનમાં રાખો.’ ’કોઈ પણ પ્રોજેક્ટનું લોકેશન કેવું છે, પ્લાનિંગ કેવું છે અને નંબર ઑફ યુનિટ કેટલા છે તેના પર નિર્ણયો લેવો. આ ત્રણ બાબતો ઇન્વેસ્ટમેન્ટ માટેનો ગુરુમંત્ર છે. ઇન્વેટરીની વાત કરીએ તો તમે 500 ઑફિસના કોમ્પ્લેક્સમાં ગયા ને તમે જ્યારે વેચવા કાઢશો ત્યારે 500માંથી ઘણા વેચવા માટે લાઇનમાં ઊભા હશે. આ લૉજિક રેસિડેન્શિયલમાં પણ લાગુ પડે છે. હવે એ વાત પણ એટલી જ સાચી કે બધા ઓછા યુનિટના ફ્લેટ કે ઑફિસ બનાવે નહીં. એટલા માટે જ જ્યારે યુનિટ્સ વધારે હોય ત્યારે પ્રોજેક્ટ કઈ જગ્યાએ, કયા એરિયામાં ને ક્રાઉડ કેવું છે તે આધારે ઇન્વેસ્ટ કરવું કે નહીં તે નક્કી કરાય.’ 'રિયલ એસ્ટેટમાં પૈસા વગર કેવી રીતે આવી શકાય?' છેલ્લે ચિરાગભાઈ સલાહ આપે છે, ’રિયલ એસ્ટેટમાં પૈસા વગર આવવું હોય તો સૌથી સારા ચેનલ પાર્ટનર બનીને આવી શકાય. આપણે ઇન્ડિયન્સ આપણા ટાઇમની વેલ્યૂ કરતા નથી. આપણે વિદેશીઓ પાસેથી શીખવાની જરૂર છે. તેઓ અડધો કલાક તમને આપશે તો તેના પૈસા લેશે. એવી જ રીતે ચેનલ પાર્ટનર બનવું જોઈએ. તમે ખ્યાલ હોય કે કોઈકને ઘર કે કંઈક લેવું છે તો તમે તેમને સજેશન આપો છો અને તે ફ્લેટ લે છે. આ દરમિયાન તમે કંઈ જ લેતા નથી, પરંતુ વાસ્તવમાં તમારે પૈસા લેવા જોઈએ. તમે તમારો સમય ને એનર્જી ઇન્વેસ્ટ કરી છે. અમે રેફરલ પણ આપી છીએ. જો કોઈ કસ્ટમર અમારા ત્યાં ફ્લેટ બુક કરે અને જો તે તેના મિત્ર કે ઓળખીતાને ત્યાં ફ્લેટ કે દુકાન અપાવે તો અમે રેફરલ રકમ આપીએ. રેફરલ ને કન્સલ્ટન્સી બેસ્ટ છે. આગામી 10 વર્ષો તો અમદાવાદ જોરદાર ચાલવાનું છે. મારા મતે તો, ચેનલ પાર્ટનર તરીકે આજથી શરૂઆત કરવી જોઈએ.’
    Click here to Read More
    Previous Article
    આંખના પલકારામાં પસાર થશે બુલેટ ટ્રેન:અમદાવાદનું કાલુપુર ગુજરાતનું સૌથી ધમધમતું સ્ટેશન હશે, પ્લેટફોર્મની ડિઝાઇનનો ફર્સ્ટ લૂક જુઓ, શનિવારે સવારે 6 વાગ્યાથી
    Next Article
    ટીઆરબીના જવાનોમાં આનંદ:જિલ્લાના 115 ટ્રાફિક બ્રિગેડના જવાનોને હવે 8100ને બદલે 12,150 માસિક વેતન મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment