Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એજન્ટના પાપે રશિયામાં નર્કની જિંદગી જીવતા 20 ગુજરાતી:1.50 લાખ પગારની લાલચનો ખેલ; ભોજન- પાણી માટે તરસાવતી કંપનીએ કહ્યું- '500-500 ડોલર આપો, તો ભારત જઈ શકશો'

    1 week ago

    વિદેશ જવાની અને મહિને લાખો રૂપિયા કમાવવાની ઘેલછામાં 20 ગુજરાતીઓ રશિયામાં એજન્ટોના પાપે નર્કની જિંદગી જીવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આણંદ અને વડોદરાના ગુજરાતીઓને મહિને દોઢ લાખના માતબર પગારની લાલચ આપીને રશિયા મોકલાયા હતા જેઓ ત્યા ભયાનક શોષણનો ભોગ બની રહ્યા છે. કંપની દ્વારા તેઓને પૂરતું ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નથી અને ભારત પરત ફરવા માટે દરેક પાસેથી 500 ડોલરની રકમ માંગવામાં આવી છે. રશિયામાં ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો પણ બનાવ્યો હતો અને પોતાની આપવીતી વર્ણવી હતી. પેટલાદના એજન્ટ રિમ્પલ પટેલે તમામને ફસાવ્યાં હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે આ એજન્ટની હાલ ધરપકડ કરી લીધી છે. બીજી તરફ ભોગબનનારના પરિવારજનોએ આણંદના સાંસદ મિતેષ પટલેને રજૂઆત કરી હતી યુવકો અને યુવતીઓને સુરક્ષિત લાવવાની માગ કરી છે. જેથી સાંસદ મિતેશ પટેલે આ અંગે પોલીસને જાણ કરતા હાલ સમગ્ર મામલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાથી રશિયા ગયેલી શીતલ મેવાડાએ વીડિયો બનાવી આપવિતી વર્ણવતા જણાવ્યું કે, અમને અહીં 'કિયાના ઇન્ટરનેશનલ કંપની' ચલાવતા રિમ્પલ પટેલ અને તેમના પત્ની નોકરીની લાલચ આપીને લઈ આવ્યા હતા. તેઓએ અમને દર મહિને રૂ. 1.50 લાખનો પગાર આપવાનું વચન આપીને ફસાવી દીધા છે. મહિલાઓને માત્ર 6 હજાર જ પગાર આપ્યો જ્યારે અમે મોસ્કો (રશિયા) આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને તેમના પત્ની અમને મૂકવા આવ્યા હતા અને બે દિવસ અમારી સાથે રહ્યા હતા. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ તેઓ ગયા પછી અમારા રૂમનું હીટર અને ગરમ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. અમને પહેલા મહિને 40 હજાર ફિક્સ સેલરીના બહાને લાવીને આખો મહિનો કામ કરાવ્યા પછી મહિલાઓને માત્ર રૂ. 6,000 અને પુરુષોને માત્ર રૂ. 10,000 પગાર આપ્યો છે. વળી, રીમ્પલ પટેલે અમને એવું કહ્યું હતું કે, અહીં માત્ર સીધી સિલાઈ જ મારવાની છે અને કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી, જેથી અમારી જેવી ઘરગથ્થુ સિલાઈકામ કરતી મહિલાઓ અહીં આવી હતી. પરંતુ હવે તેઓ પ્રોફેશનલ ટેલરની માંગણી કરીને અમારો પગાર કાપી રહ્યા છે. અમે રિમ્પલ પટેલને રૂ. 2.10 લાખથી રૂ. 2.50 લાખ જેટલી રકમ આપી હતી. હવે કંપની અમને એવું કહી રહી છે કે જો તમારે ઘરે પાછા જવું હોય તો 500 ડોલર આપો અને ટિકિટનો ખર્ચ પણ જાતે ભોગવો. અમે બધા અહીં વ્યાજે પૈસા લઈને કે લોન લઈને આવ્યા છીએ, તો આટલો ખર્ચ ક્યાંથી કાઢીએ? અમને અહીં રૂમમાં પૂરી રાખવામાં આવ્યા છે અને ગેટ પર તાળું મારી દીધું છે. અમને ખાવાનું કે ચા પણ આપવામાં આવતી નથી. ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ છે કે, અમને બધાને હેમખેમ ભારત પરત લઈ જવા માટે મદદ કરે. ‘અમને ખૂબ જ તકલીફ પડી રહી છે’ રશિયામાં ફસાયેલી શીતલ મેવાડાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે જણાવ્યું કે, અમે હજું રશિયામાં ફસાયેલા જ છીએ. અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. અમે અમારા પોતાના પૈસાથી વસ્તુઓ મંગાવીને ચા-નાસ્તો બનાવીએ છીએ. એજન્ટ રિમ્પલ પટેલ પર કેસ કર્યો, ત્યારે આ લોકોએ અમને બે ટાઈમ જમવાનું આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અહીં કોઈને સુગર છે તો કોઈને બીપીની તકલીફ છે, જેમને સવારે દવા લેવા માટે ચા-નાસ્તાની જરૂર હોય છે. અમે અમારા પૈસાથી નાસ્તો લાવીએ છીએ, ત્યારે આ લોકો અમને અંદર પીવા નથી દેતા. તેમજ કિચન બંધ કરી દેવાની ધમકી આપે છે. અમારા પરિવારે ભારતમાં કેસ કર્યો હોવાથી હવે તેઓ અમારી પર રશિયામાં કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. અમે મોસ્કોમાં આવેલી ભારતીય એમ્બેસીમાં પણ ફોન કર્યો હતો, પરંતુ ત્યાંથી પણ અમને કોઈ ખાસ સપોર્ટ મળ્યો નથી. શું છે સમગ્ર મામલો? આ ઘટના અંગે વિગતવાર માહિતી આપતા આણંદના DYSP જે.એન.પંચાલે જણાવ્યું કે, તારીખ 05/06/2026 ના રોજ આણંદ શહેરમાં રહેતા શાકિર મિયાં મલેકે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સગા તેમજ અન્ય 20 જેટલા વ્યક્તિઓને આણંદના પેટલાદનો રહેવાસી રિમ્પલકુમાર અરવિંદ પટેલ, રશિયામાં ફિશ પેકિંગ તથા ટેલરિંગનું કામ અપાવવાના બહાને અને તેઓને રૂ1 લાખ સુધીનો માસિક પગાર અપાવશે તેવી લાલચ આપી તમામને રશિયા મોકલી આપ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન તેઓએ દરેક વ્યક્તિ પાસે (જે ફિશ પેકિંગમાં હોય એની પાસેથી રૂ. 2,80,00 તથા ટેલરિંગના વ્યવસાયમાં જવું હોય એની પાસેથી રૂ. 2,10,000) મળી હાલ સુધી 33 જેટલા વ્યક્તિઓ પાસેથી રૂ, 78 લાખની માતબર રકમની વસૂલાત કરી હતી. 33માંથી 13 વ્યક્તિઓ પરત આવી ગયા તે પૈકીના 13 વ્યક્તિઓ જે તારીખ 29/11/2025ના રોજ રશિયા ખાતે ગયેલા, તેમને એક માસની નોકરી કર્યા પછી રૂ. 1 લાખના પગારને બદલે માત્ર રૂ. 6000 થી લઈ રૂ.10,000ના માસિક વેતનમાં કામ કરવું પડતાં તેઓ 13 એ 13 વ્યક્તિઓ ઇન્ડિયા પરત આવી ગયેલા છે. ત્યારપછીના બીજા લોટમાં તારીખ 29/04/2026ના રોજ આરોપી રિમ્પલકુમારે 20 વ્યક્તિઓને રશિયા મોકલ્યા હતા. જેઓેને પણ માસિક રૂ. 6,000 થી લઈ રૂ.10,000 સુધીનું જ વેતન મળતાં તેઓએ આ એજન્ટને પરત ઇન્ડિયા આવવા માટે જણાવ્યું હતું પરંતુ રિમ્પલકુમારે તેમને ઇન્ડિયા પરત મોકલ્યા ન હતા. કંપનીએ તમામના પાસપોર્ટ લઈ લીધા છે તેમણે જે કંપની સાથે કોન્ટ્રેક્ટ કર્યો હતો તે કંપનીવાળાએ તેમના પાસપોર્ટ લઈ લીધા છે. તેઓ જો પોતાના પૈસે જ ટિકિટ ખરીદશે, તો જ તેમનો પાસપોર્ટ આપી ઇન્ડિયામાં મોકલવામાં આવશે તેવી ધાકધમકી આપી તેઓને હાલ સુધી પૈસા નહીં આપવા બાબતની ફરિયાદ આપતા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાયો હતો. આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરાઈ આ ગુનાની ગંભીરતા સમજી ગુનાની તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપી રિમ્પલકુમાર પટેલની ધરપકડ કરાઈ છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલ્યા છે તે બાબતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. હાલ સુધીની તપાસ દરમિયાન, જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે, તે તમામ વ્યક્તિઓ સાથે LCBના PI ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વીડિયો કોલ કરીને વાતચીત કરી છે તેમજ તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. આ લોકોનો કોન્ટ્રાક્ટ કેટલા વર્ષનો હતો અને કેવા પ્રકારનો હતો એ બાબતે જણાવ્યું કે, હાલ સુધીની પૂછપરછ દરમિયાન એવી સામે આવ્યું છે કે, શરૂઆતમાં તેઓને બે વર્ષ માટે ત્યાં રશિયા મોકલવામાં આવેલા હતા. તેમને એક લાખ માસિક પગાર આપવાનો કોન્ટ્રાક્ટ કરવમાં આવ્યો હતો જોકે, તેઓ સાથે છેતરપિંડી કરાઈ હતી. જેથી તેઓએ એજન્ટને જાણ કરી અને ઇન્ડિયામાં પરત આવવા માટે રજૂઆત કરી હતી. પરંતુ એજન્ટે તેમને પરત લાવવાના કોઈ પણ પ્રયત્નો કર્યાં ન હતા. રિમ્પલની પત્નીની કોઈ ગુનાહિત સંડોવણી સામે આવી નથી આરોપી રિમ્પલકુમાર પોતે 'કિઆના ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની ધરાવે છે. આ કંપનીની ઓફિસ પોતાના ઘરે જ છે અને પોતે રશિયન નાગરિક હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવી છે. રશિયાની જે કંપની છે એની સાથે ટાય-અપ કરી અને અન્ય વ્યક્તિઓને રશિયા મોકલવાનું આખું રેકેટ છે, એ એમણે હાથ ધર્યું છે. આ મામલે રિમ્પલની પત્નીની કોઈ ગુનાહિત સંડોવણી જણાઈ આવી નથી. આ 33 વ્યક્તિઓ પૈકી અગાઉ 13 વ્યક્તિઓ પરત ભારત આવી ગયા હતા. જેઓએ પણ ત્યાની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું. દરજી કામ કરનાર કિરણકુમાર ચૌહાણે જણાવ્યું કે, રશિયા જવાની લુભામણી લાલચના લીધે મારો રિમ્પલ સાથે સંપર્ક થયો હતો. મને પહેલાં ટેલરની જોબનું વચન આપ્યું હતું અને રૂ. 70,000 સેલરી પણ કીધી હતી, જેના માટે મેં રૂ, 25,000 એડવાન્સ આપી દીધા હતા. ત્રણ મહિના સુધી કંઈ ન થતાં મેં ફોન પર વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે, ટેલરમાં મેળ નહીં પડે, હું તમને ફિશિસમાં મોકલું. મેં ના પાડી, ત્યારે તેમણે કહ્યું કે, ત્યાં તમારે બસ બેસીને 11 કલાક કામ કરવાનું છે અને સવાર-સાંજ ગુજરાતી ઇન્ડિયન ખાવાનું જ મળશે. આવી વાતો કરીને મને એગ્રી કર્યો. ત્યાં રહેવાની સ્થિતિ બિલકુલ સારી નહોતીઃ ભોગબનનાર રશિયા ગયા પછી ખબર પડી કે અમને ક્યાં લઈ જવાના છે તે તેમને પણ ખબર ન હતી. અમને એકદમ બેકવર્ડ એરિયામાં લઈ ગયા, જ્યાં રહેવાની સ્થિતિ બિલકુલ સારી નહોતી. એક જ હોલમાં આઠ-આઠ લોકોને રાખવામાં આવતા હતા. ખાવામાં પણ પાણી જેવી દાળ અને અઠવાડિયામાં ત્રણ વાર નોનવેજ આપતા હતા, જે અમે ખાતા નહોતા. જ્યારે અમે આ સ્થિતિમાં રહેવાની ના પાડી અને ઇન્ડિયા રિટર્ન જવાની વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે, કંપનીના રૂ. 5 લાખ ચૂકવો અને પોતાની ટિકિટ કરાવીને જાઓ. ‘મારી તબિયત બગડી તો પણ તેમણે કોઈ ટ્રીટમેન્ટ ન કરાવી’ કંપનીના રશિયન માણસો રોજ અમને હેરાન કરતા હતા. બે દિવસ મારી તબિયત બગડી તો પણ તેમણે કોઈ ટ્રીટમેન્ટ ન કરાવી. અમે જે દવાઓ લઈ ગયા હતા, તેના ભરોસે જ જીવતા પાછા આવ્યા છીએ. દોઢ મહિનો ત્યાં રહ્યા. છેવટે તેમણે અમારું જમવાનું બંધ કર્યું, ત્યારે અમે પણ કામ પર જવાનું બંધ કરી દીધું. અઠવાડિયા સુધી તેમનું ટોર્ચર સહન કર્યા પછી અમે છેલ્લે કહી દીધું કે, 'અમને ઇન્ડિયા મોકલો નહીંતર અમે આ ચોથા માળેથી કૂદીને મરી જઈશું.' આ સાંભળીને તેઓ ગભરાયા અને અમને રિટર્ન મોકલ્યા. રશિયામાં રીમ્પલ કોઈ સાગરિત પણ હોઈ શકે છે. તે અમે ધમકી પણ આપતો હતો કે હું ધારૂ તો તમને રશિયામાં જેલમાં પણ ધકેલી દવ. આરોપીને કડક સજા થાય ત્યારે જ સાચો ન્યાય મળ્યો કહેવાય. અમે પણ વ્યાજે કે બહારથી પૈસા લાવ્યા હતા અને એ ચૂકવવા માટે મારે મારો પ્લોટ અને જમીન વેચવી પડી છે. પોલીસની વધુ તપાસમાં ખુલાસો થશે કે આ માણસ કેટલું જૂઠું બોલીને લોકોને ત્યાં લઈ ગયો છે અને લોકોને ત્યાં શું તકલીફો પડી છે. ‘જે ત્યા જાય છે તે ફસાઈ છે’ વધુ એક ભોગબનનાર આણંદના વિનોદ તલપદાએ જણાવ્યું કે, રિમ્પલભાઈએ ત્યાં કામ અને નોકરી આપવાની જે વાતો કરે છે, એવું તો ત્યાં કંઈ છે જ નહીં. તેનાથી બિલકુલ અલગ જ છે. જે છોકરાઓ જાય છે તેમને ત્યાં જઈને ફસાવે છે. એ વકીલ સાથે વાત કરીને બધા કામ કરે છે, જેથી કરીને કોઈ તેમનું કંઈ કરી ન શકે. હું પહેલી બેંચમાં ગયો હતો ત્યારે રિમ્પલભાઈએ આવી જ રીતે મને પણ ફસાવ્યો હતો. તેમને કોઈ દિવસ પાસપોર્ટ આપવો નહીં. ત્યા જવા માટે અમારે રૂ. 2.50 લાખનો ખર્ચ થયો શરૂઆતમાં તો પાણી, ખાવાનું બધું જ પોતાના પૈસાથી લાવવું પડતું હતું. અમુક લોકો પાસે તો પૈસા પણ નહોતા અને ત્યાં પાણી પણ રૂ. 7 પ્રતિ લીટર મળતું હતું, આવી કોઈ ચોખવટ તેમણે અમને અહીં કરી નહોતી. છતાં પણ અમે જેમ તેમ કરીને દિવસો કાઢ્યા, પણ ત્યાંના ઠંડા વાતાવરણને કારણે તકલીફ પણ ઘણી થતી હતી. ત્યાં જવા માટે અમારે કુલ રૂ. 2.50 લાખનો ખર્ચ થયો હતો. જે પાછા માંગતા તેમણે હાથ જ ઊંચા કરી દીધા હતા. કામ પર ન જઈએ તે દિવસના પૈસા કાપી લેતા જે દિવસે અમે કામ પર ન જઈએ તે દિવસના રૂ. 2500 રોજ પ્રમાણે કપાવાના તો ખરા જ, પણ તેના સિવાય પણ કંપનીવાળા બીજા રૂ. 5000 કાપી લેતા હતા. મને પાછા આવ્યાને અત્યારે બે મહિના જેવું થઈ ગયું છે. જે લોકો પહેલા ગયા કે પછી ગયા, અને જેમના પણ પૈસા આમાં ગયા છે તે બધાને રિફંડ મળવું જોઈએ. મારી એક જ માંગ છે કે, આ લોકોને કડકમાં કડક સજા થાય. આણંદના સાંસદે શું કહ્યું? આ સમગ્ર બાબતે આણંદના સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ મને જાણ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપી રશિયા કોલ કરે તે બાદ જ ત્યા ફસાયેલા લોકોને છોડવામાં આવી શકે. સૌથી પહેલા 9 લોકોના પાસપોર્ટ અપાવ્યાં છે જેથી તેઓ ભારત પરત ફરી શકે. હવે આજે કે આવતીકાલ સુધી આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જે બાદ અમારો પ્રયત્ન એજ રહેશે કે, આરોપી રશિયા કોલ કરે અને ફસાઈ ગયેલા લોકોના પાસપોર્ટ પરત મળી જાય જેથી તમામ લોકો વતન પરત ફરી શકે.
    Click here to Read More
    Previous Article
    દહેજ સાઇડિંગથી પ્રથમ વખત ખાતર રેક રવાના:926 કિલોમીટરનું અંતર કાપી લાતુર પહોંચશે; પશ્ચિમ રેલવેને રૂ. 20.54 લાખની આવક થશે
    Next Article
    Rs 1.23 Lakh Crore In 78 Days: Sources On Support To Oil Firms After Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment