Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1991માં સળગાવવામાં આવ્યું 700 વર્ષ જૂનું મંદિર, હવે દીવા પ્રગટ્યા:કાશ્મીરમાં 400થી વધુ મંદિરો વેરાન, 350નું રિનોવેશન શરૂ

    10 hours ago

    60 વર્ષના ગુલામ નબી શેખની દરરોજ સવાર જિયા દેવી મંદિરની સાફ-સફાઈથી શરૂ થાય છે. 37 વર્ષ થઈ ગયાં, આ નિયમ ક્યારેય તૂટ્યો નથી. બદલામાં તેમને ન તો પૈસા મળે છે કે ન તો આ તેમની નોકરી છે. જિયા મંદિર જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી આશરે 45 કિમી દૂર બિજબેહરામાં આવેલું છે. ગુલામ કહે છે કે આ હિન્દુઓનો વારસો છે. તેને સાચવવાની જવાબદારી મારી છે. અંતિમ શ્વાસ સુધી હું મંદિરની રક્ષા કરતો રહીશ. કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત પહેલાં જ 1986માં મંદિરો પર હુમલા શરૂ થઈ ગયા હતા. જિયા દેવી મંદિરમાં પણ તોડફોડ કરીને મૂર્તિ ચોરી લેવામાં આવી હતી. કાશ્મીરી પંડિતોની સંસ્થા વિજેશ્વર દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, ઘાટીમાં 438 મંદિરો છે. આશરે 350 મંદિરોનું રિનોવેશન શરૂ થઈ ગયું છે. 80 હજુ પણ ખરાબ હાલતમાં છે. ગુલામ નબીની વાર્તા કાશ્મીરના મંદિરોનું સંપૂર્ણ ચિત્ર નથી. ઘાટીમાં કેટલાક મંદિરો એવા છે જ્યાં વર્ષો પછી પૂજાની રોનક પરત ફરી રહી છે, પરંતુ ઘણા મંદિરો આજે પણ ખંડેર હાલતમાં છે. શ્રીનગરથી બારામુલા અને અનંતનાગ સુધીના આ મંદિરો પાછળ એક સામાન્ય વાર્તા જોડાયેલી છે - કાશ્મીરી પંડિતોના પલાયન બાદ છૂટી ગયેલા વારસાને બચાવવાનો પ્રયાસ. 1. વિઠ્ઠલ ભૈરવ મંદિર, રૈનાવારી, શ્રીનગર 27 વર્ષ બાદ પૂજા શરૂ થઈ, હવે ફરીથી સજાવવાની તૈયારી જમ્મુ-કાશ્મીર સરકારે 37 વર્ષ બાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો છે. 17 ઓક્ટોબરે ચીફ સેક્રેટરી અટલ ડુલ્લુએ તેનો શિલાન્યાસ કર્યો. આ મંદિર આશરે 400 વર્ષ જૂનું માનવામાં આવે છે. અમરનાથ યાત્રા પર જતા સાધુઓ આ જ મંદિરમાં રોકાતા હતા. 1990માં કાશ્મીરી પંડિતોના પલાયન બાદ અહીં પૂજા બંધ થઈ ગઈ. મંદિરની જમીન પર કબજો જમાવી લેવામાં આવ્યો હતો. 2012માં મંદિરનું સમારકામ અને જમીન પરથી કબજો હટાવવાની ઝુંબેશ શરૂ થઈ. આખરે 2016માં 27 વર્ષ બાદ ફરીથી પૂજા શરૂ થઈ. હવે 10 વર્ષ બાદ મંદિરનું રિનોવેશન થઈ રહ્યું છે. 2. શીતલનાથ મંદિર, શ્રીનગર 1991માં તોફાનીઓએ મંદિર સળગાવ્યું, 36 વર્ષ પછી પૂજા શરૂ ઐતિહાસિક શીતલનાથ મંદિરમાં 36 વર્ષ બાદ ફરી પૂજા શરૂ થઈ છે. આ મંદિર કેટલું જૂનું છે, તેની કોઈ ચોક્કસ માહિતી નથી. 15મી સદીના કાશ્મીરી ઈતિહાસકાર જોનરાજાએ શીતલેશ્વર ભૈરવનો ઉલ્લેખ કર્યો છે. આના પરથી માનવામાં આવે છે કે આ મંદિર 700 વર્ષથી પણ વધુ જૂનું છે. 1990 પહેલા અહીં પૂજા અને ભણતર બંને સાથે થતાં હતાં. આતંકવાદના કારણે મંદિર અને શાળા બંને બંધ થઈ ગયાં. મંદિરમાં મળેલાં મીના હાંડુ જણાવે છે, ‘મારા સાસરિયાંઓ આ જ વિસ્તારમાં રહેતા હતા. આ જગ્યા માત્ર એક મંદિર નહોતી, લોકો અહીં મળતા હતા. નાટકો ભજવાતા હતા. જન્માષ્ટમીનું સરઘસ, ઝાંખીઓ અને રથયાત્રા યોજાતી હતી.’ ‘મારા પિતા જણાવતા હતા કે 1946-47માં મહાત્મા ગાંધી અહીં આવ્યા હતા. જવાહરલાલ નેહરુ, ખાન અબ્દુલ ગફાર ખાન, વીર સાવરકર, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી પણ અહીં આવી ચૂક્યા છે. 1991માં મંદિર સળગાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ 2014ના પૂરમાં મંદિરના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું હતું. પરિસરમાં પાણી ભરાઈ ગયું હતું અને ઇમારતમાં તિરાડો પડી ગઈ હતી.’ ‘2021માં અમે 4-5 કાશ્મીરી પંડિતો અહીં આવ્યા હતા. મંદિરમાં હવન કર્યો. અમને જણાવવામાં આવ્યું કે મંદિર ખોલવા અને પૂજા કરવા માટે પરવાનગી લેવી પડશે. અમે પરવાનગી લીધી. ત્યારપછી દર વર્ષે આવતા રહ્યા. અમારા ટ્રસ્ટ સનાતન ધર્મ સંસ્થાએ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકાર સાથે વાત કરી. ત્યારપછી સ્માર્ટ સિટી ઓથોરિટીએ મદદ કરી. 23 ઓક્ટોબરે મંદિર ફરીથી ખોલવામાં આવ્યું.’ આ પછી મંદિરમાં પહેલીવાર દિવાળી ઉજવાઈ. લોકોએ દીવા અને મીણબત્તીઓ પ્રગટાવ્યા. બાળકોએ ફૂલઝડીઓ ફોડી. જોકે, આ દરમિયાન ઓછા જ લોકો પહોંચ્યા હતા. 3. શિવલિંગ મંદિર, કાનલીબાગ, બારામુલા, ઉત્તર કાશ્મીર 500 વર્ષ જૂનું, 12 ફૂટ ઊંચું શિવલિંગ, 13 લાખ રૂપિયાથી જીર્ણોદ્ધાર શરૂ આશરે 500 વર્ષ જૂના આ શિવલિંગનો જીર્ણોદ્ધાર શરૂ થઈ ગયો છે. બારામુલા જિલ્લા વહીવટીતંત્રે આ માટે 13 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. 12 ઓક્ટોબરે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. બારામુલાની શ્રી સનાતન ધર્મ સભાના જણાવ્યા અનુસાર, અહીં એક સમયે શિવ મંદિર હતું. મંદિર નષ્ટ થયા પછી શિવલિંગ બચી ગયું. બારામુલાના ડેપ્યુટી કમિશનર એસએફ હામિદે જણાવ્યું કે આશરે 12 ફૂટ ઊંચા આ પ્રાચીન શિવલિંગની ખરાબ સ્થિતિ અંગે ફરિયાદ મળી હતી. આસપાસ માટીના ધોવાણ અને ઉપેક્ષાના કારણે હાલત બગડી રહી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના નિર્દેશ પર શિવલિંગ અને તેની આસપાસના જીર્ણોદ્ધાર માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. બારામુલાના રહેવાસી રોહિત શિવાનંદ શિવલિંગના જીર્ણોદ્ધાર માટે એક વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ જણાવે છે, ‘મંદિર માટે અમે એલજીને પત્ર લખ્યો હતો. હવે જઈને મદદ મંજૂર થઈ છે.’ 4. નાગબલ મંદિર, અનંતનાગ તોફાનીઓ મંદિરની ઘંટડી અને દરવાજા સુધી લઈ ગયા, હાલત બદલવાની રાહ અનંતનાગ એક સમયે સૌથી વધુ હિન્દુ વસતી ધરાવતા વિસ્તારોમાંનો એક હતો. અહીં રહેતા સંજય સરાફ જણાવે છે કે ઘણા પરિવારો નાગબલ અને દેવલની આસપાસ રહેતા હતા. દેવલમાં જીર્ણોદ્ધારનું થોડું કામ થયું છે, પરંતુ નાગબલમાં નહીં. નાગબલના પ્રાકૃતિક ઝરણા અનંતનાગની ઓળખ છે. વૈષ્ણો દેવી મંદિરની જેમ અહીં પણ સુવિધાઓ અને રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. કાશ્મીરી પંડિત રાકેશ કૌલ 1990ના દાયકા પહેલાના સમયને યાદ કરતા કહે છે કે ત્યારે અહીં નિયમિત પૂજા થતી હતી. મસ્જિદમાં અઝાન અને નમાજ થતી હતી, જ્યારે સવારે છ વાગ્યાથી મંદિરની ઘંટડીઓ વાગવા લાગતી હતી. પંડિતોનું પલાયન શરૂ થયું, ત્યારે તોફાનીઓ ઘંટડી અને મંદિરના દરવાજા પણ લઈ ગયા. મંદિરની હાલત જોઈને દુઃખ થાય છે. સરકારે અહીં જીર્ણોદ્ધાર કરાવવો જોઈએ, જેથી પૂજા ફરી શરૂ થઈ શકે. 5. જિયા દેવી મંદિર, બિજબેહરા પંડિતો ચાલ્યા ગયા, ગુલામ નબીએ મંદિર ન છોડ્યું સફરજનના બગીચાઓ વચ્ચે આવેલું જિયા દેવી મંદિર જૂના શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર આવેલું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો ત્યારે કાશ્મીરી પંડિતો અહીંથી ચાલ્યા ગયા. પડોશીઓના ગયા પછી મંદિરની જવાબદારી ગુલામ નબી શેખે લીધી. ગુલામ સરકારી કર્મચારી હતા, હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે. ગુલામ કહે છે, 'મંદિરની સુરક્ષા માટે મારો પરિવાર પણ મારી પડખે ઊભો રહેશે. મને આ કામ માટે પૈસા કે ઇનામની જરૂર નથી. કાશ્મીરી હોવાના નાતે આ મારી જવાબદારી અને અધિકાર છે. કાશ્મીરી પંડિતોને પણ મારી અપીલ છે કે તેઓ પોતાના ઘરે પાછા ફરે. તેમણે મૂળ સાથે ફરીથી જોડાવું જોઈએ. હવે આ જગ્યાએ કોઈ ખતરો નથી.' પૂજા બંધ, ધર્મશાળા સળગાવી, 200 વર્ષ જૂનું વિશ્વનાથ મંદિર પડવાની કગાર પર બિજબેહરામાં રહેતા પ્રાણ નાથ ટિક્કુનું બાળપણ આ જ મંદિર પરિસરમાં વીત્યું હતું. તેઓ જણાવે છે કે અહીં એક ધર્મશાળા હતી. 1981-82 સુધી હું આ જ ધર્મશાળામાં રહેતો હતો. જાન્યુઆરી 1990માં મંદિરમાં પૂજા બંધ થઈ ગઈ. તોફાનીઓએ ધર્મશાળાને પણ સળગાવી દીધી. નજીકમાં ગાંધી આશ્રમ હતો, તેને પણ સળગાવી દેવાયો. ‘મંદિરનું વર્તમાન સ્વરૂપ 200 વર્ષ જૂનું માનવામાં આવે છે. તેનો જીર્ણોદ્ધાર બે થી ત્રણ સદી પહેલા થયો હતો. મંદિરની હાલત ખૂબ જ ખરાબ છે. વધુ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક જીર્ણોદ્ધારની જરૂર છે.’ 'અમે અધિકારીઓ સાથે વાત કરી. આ માટે 2 કરોડ રૂપિયા મંજૂર થયા છે. પ્રોજેક્ટને ટેકનિકલ મંજૂરી મળી ગઈ છે. જોકે, વર્તમાન યોજનાથી આખા મંદિરનો જીર્ણોદ્ધાર થઈ શકશે નહીં. અમને જણાવવામાં આવ્યું છે કે તબક્કાવાર કામ થશે. એપ્રિલ પછી કામ શરૂ થવાની આશા છે કારણ કે શિયાળામાં કંઈ કરવું શક્ય નહીં બને.' વિશ્વનાથ મંદિરની જેમ જ અનંતનાગના અકૂરા ગામનું મંદિર પણ 1990 પછીથી વિરાન છે. આસપાસ ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં છે. કાશ્મીર ડોક્યુમેન્ટેશનમાં ફેબ્રુઆરી 1986ની ઘટનાઓનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે અકૂરામાં એક મંદિર અને તેની સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરે PWD એ અકૂરાના પ્રાચીન મંદિરના પુનરોદ્ધાર માટે ટેન્ડર બહાર પાડ્યું. આના પર લગભગ 75 લાખ રૂપિયા ખર્ચ થશે.
    Click here to Read More
    Previous Article
    Asian Markets Today: Kospi Falls As Nvidia News Weighs On Tech Stocks, Nikkei Rebounds From Friday's Losses
    Next Article
    Surat News | સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત | Crime | Gujarati News | News 18 Gujarati

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment