Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીની છેડતી કરનારને પથ્થરના ઘા મારી પતાવી દીધો:સુરતમાં ભાજપ નેતા સહિત મહિનામાં જ 19ની હત્યા, રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ; દર 38 કલાકે એક મર્ડર

    1 week ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. સુરત પોલીસની સઘન હાજરી અને 'સબ સલામત'ના મોટા-મોટા દાવાઓ વચ્ચે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે અને સતત બીજા દિવસે હત્યાનો વધુ એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ધટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષાચાલક રાહુલ રાજપૂતને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારીને પતાવી દીધો હતો.આ મામલે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજીવની ધરપકડ કરી લીધી છે. જેને પગલે સુરતમાં ચાલુ વર્ષે હત્યાની હાફ સેન્ચ્યુરી નોંધાતા ચકચાર મચી ગઈ છે. જેમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50ની હત્યા થઈ છે એટલે કે દર ત્રણ દિવસે એક મર્ડર થયા છે. જોકે છેલ્લાં 7મેથી 7જૂન સુધી એટલે કે 30 દિવસમાં જ 19ની હત્યા થઈ છે. આ આંકડાઓ પરથી સરેરાશ કરતાં અંદાજે દર 38 કલાકે એક મર્ડર સુરતમાં થઈ રહ્યું છે. પત્નીની છેડતીનો આક્ષેપ બાદ પતિએ સિમેન્ટના પથ્થરથી પતાવી દીધો ફરિયાદ મુજબ, સુરતના પાંડેસરાના બમરોલી તેરેનામ રોડ પર રહેતો 35 વર્ષીય રાહુલ સભાજિત સિંહ રાજપૂત વ્યવસાયે રિક્ષા ચલાવતો હતો અને કેટરર્સના વ્યવસાયમાં કામ કરતો હતો. આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી રાજીવકુમાર ઠાકુરની પત્ની પિંકીદેવી કામ પર જવા માટે રાહુલની રિક્ષામાં બેઠી હતી, ત્યારથી રાહુલની દાનત બગડી હતી. રાહુલ સતત મહિલાની છેડતી કરતો હતો અને પીછો કરીને તેને પરેશાન કરતો હતો. એટલું જ નહીં, તે મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. ગઈકાલે તારીખ 7 જૂન, 2026ના રોજ સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં મહિલા મગદલ્લા હાઈવે પર આવેલા 'રાજહંસ સિમ્ફોનિયા'માંથી પોતાનું કામ પતાવીને બહાર નીકળી હતી. આ સમયે રિક્ષાચાલક રાહુલે ફરી તેનો રસ્તો રોક્યો હતો. રાહુલે જાહેરમાં મહિલાની છેડતી કરી તેની સાથે આવવા માટે બળજબરી શરૂ કરી હતી. પત્નીએ ફોન કરીને પતિને બોલાવ્યોને ખૂની ખેલ ખેલાયો રિક્ષાચાલકની હેરાનગતિ અસહ્ય બનતાં મહિલાએ તુરંત જ ફોન કરીને તેના પતિ રાજીવકુમાર સતિષસિંગ ઠાકુર (ઉં.વ. 35, રહે. હરીનગર-3, ઉધના)ને ઘટનાસ્થળે બોલાવી લીધો હતો. રાજીવકુમાર ઉધના વિસ્તારમાં સંચા મશીન ચલાવવાનું કામ કરે છે. પત્નીની તકલીફ સાંભળીને તે તાત્કાલિક મગદલ્લા હાઈવે, સી. બી. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, મંગલમ હાઇટ્સ તરફ જતા રસ્તા પર પહોંચી ગયો હતો. માથાના ભાગે એક પછી એક ત્રણ ઘા ઝીંકી દીધા ત્યાં પહોંચતા જ પતિ રાજીવકુમાર અને રિક્ષાચાલક રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો ઝઘડા પર પહોંચ્યો હતો. ગુસ્સાથી લાલચોળ થયેલા પતિ રાજીવકુમારે આવેશમાં આવીને નજીકમાં પડેલા પથ્થરો ઉપાડી લીધા હતા અને રાહુલના માથાના ભાગે એક પછી એક ત્રણ ઘા ઝીંકી દીધા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે રાહુલ લોહીલુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત તારીખ 7 જૂન, 2026ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગલમ હાઈટ્સની બાજુમાં કોઈ એક શખસ માર મારેલી હાલતમાં પડેલો છે. જેથી પોલીસે સત્વરે ત્યાં જઈ તપાસ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો જેને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી. જે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો. ત્યારબાદ તેની ઓળખ થતા, તેને માથાના ભાગે પથ્થરના ઘાથી છૂંદવામાં આવેલો અને 108ને બોલાવવામાં આવેલ જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને PCB પોસ્ટ ખાતેથી પણ એક વર્ધી આવેલ કે જેમાં રાજીવ સિંહ નામના માણસને તે લોકોએ અટક કરી છે, જેણે આ વ્યક્તિનું મૃત્યુ નીપજાવ્યું છે. જેના કારણે તેને ગઈકાલ રાત્રે લાવી પૂછપરછ કરી છે, ડિટેઇન કરીને આજરોજ તેને ધોરણસર અટક કરી છે. મૃતક રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું છે કે, ગઈકાલે(7 જૂન) જ્યારે મૃતકે આરોપીની પત્નીનો હાથ પકડ્યો ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પોતાના પતિને કોલ કર્યો હતો. પતિએ જગ્યા પર આવી પહેલા મૃતકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નહીં સમજતા તેણે આજુબાજુ જે પથ્થર મળ્યો તેના વડે હુમલો કરીને માથાના પાછળના ભાગે માર માર્યો, જેથી મગજ પર અસર થયાનું જણાય છે અને તેનું મોત થાય છે. જે મૃતક રિક્ષા ચાલક તરીકે કામગીરી કરતો હતો. આરોપીના પત્નીકામવાળા તરીકે કામ કરતા હતા. જેથી ટ્રાન્સપોર્ટેશનના સમયે એકબીજાના પરિચયમાં આવેલા તેવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પતિને ડિટેન કર્યો, મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી જાહેરમાં હત્યાની આ ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે મૃતક રાહુલના સગા ભાઈ અશોક સભાજિત સિંહ રાજપૂત (ઉં.વ. 38, ધંધો-રિક્ષા ડ્રાઈવર, રહે. સુખીનગર પોલીસ કોલોની પાસે, બમરોલી રોડ, પાંડેસરા)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા કરનાર આરોપી પતિ રાજીવકુમાર ઠાકુરને પોલીસે હાલ અટકાયત કરી લીધો છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે આગળની વિસ્તૃત તપાસ હાથ ધરી છે. સુરતમાં 5 મહિનામાં ભાજપ નેતા સહિત 50ની હત્યા ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરત શહેરમાં ગંભીર ગુનાઓ જેવા કે હત્યા અને માર્ગ અકસ્માતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે સુરતવાસીઓ અને પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીના ચોપડેથી બહાર આવેલા તાજેતરના છેલ્લા પાંચ મહિનાના આંકડા જોઈને લાગે છે કે સુરત હવે માત્ર ડાયમંડ કે ટેક્સટાઈલ સિટી નથી રહ્યું, પણ ગુનાખોરીનું નવું ‘પાવર સેન્ટર’ બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના આંકડા જોઈને ગુનેગારોના હોસલા બુલંદ અને સામાન્ય જનતાના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મર્ડર વધ્યા સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાણે ગુનેગારોના ખિસ્સામાં રમતી હોય તેમ, ગત વર્ષે આ સમયગાળા સુધીમાં શહેરમાં ખૂનના 23 કેસ નોંધાયા હતા. પરંતુ ચાલુ વર્ષે તો પાંચ મહિનામાં ગુનેગારોએ જાણે મોટો સ્કોર કરવાનું નક્કી કર્યું હોય તેમ આ આંકડો સીધો 50 પર પહોંચાડી દીધો છે! એટલે કે હત્યાના બનાવોમાં સીધો 27 કેસોનો સનસનાટીપૂર્ણ વધારો થયો છે. નાની-નાની વાતોમાં ચપ્પુબાજી અને તલવારો હવામાં ઉછાળતા અસામાજિક તત્વોને પોલીસનો એટલો બધો ‘ખૌફ’ છે કે ખૂનનો આંકડો અડધી સદી ફટકારી ચૂક્યો છે. સામાન્ય બાબતોમાં સુરતમાં હત્યાઓનો સિલસિલો યથાવત સુરતમાં જાહેર રોડ પર સામાન્ય બાબતે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતી હોવાનો ઘણી ઘટનાઓ બની ચૂકી છે. ભાજપના નેતાઓ સહિતનાની હત્યાઓ નીપજાવવામાં આવી છે. ગતરોજ(6-7 જૂન) સિંગણપુર વિસ્તારમાં બે યુવકોની માવો ખાવા માટે દુકાન ખોલાવવાની જીદમાં થયેલા ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે થયેલી આ હત્યામાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. રોડ પર ‘યમરાજ’નું ખુલ્લું આમંત્રણ, અકસ્માતનો ગ્રાફ પણ વધ્યો વાહન અકસ્માતોની બાબતમાં સુરતના રસ્તાઓ હવે રોલરકોસ્ટર રાઈડ જેવા બની ગયા છે. ગત વર્ષના 291 અકસ્માતોના રેકોર્ડને કચડીને આ વર્ષે આંકડો 330 પર પહોંચાડી દેવાયો છે. તેમાંય પાછા ગંભીર રીતે ઘાયલ થનારા કેસો 177થી વધીને 203 થઈ ગયા છે. સ્પીડ બ્રેકર હોય કે ટ્રાફિક સિગ્નલ, સુરતના વાહનચાલકોને ‘રૂલ્સ ઈઝ રૂલ્સ, પણ મારા માટે નહીં’ વાળો નિયમ વધારે ગમે છે અને પોલીસ તંત્ર કદાચ ડિજિટલ મેમો મોકલવામાં જ પોતાની ફરજ પૂરી સમજી બેઠું છે! તસ્કરો ‘વર્ક ફ્રોમ હોમ’ પર ગયા? ચોરીના આંકડામાં ઘટાડો ચોરો અને તસ્કરોએ કદાચ સુરત પોલીસની દયા ખાઈને આ વર્ષે થોડો આરામ કરવાનું વિચાર્યું લાગે છે, અથવા તો મર્ડર કરનારાઓની ધાક જોઈને તેઓ પણ ડરી ગયા છે! ગત વર્ષે જે કુલ ચોરીનો આંકડો 637 હતો, તે આ વર્ષે ઘટીને 512 થઈ ગયો છે. વાહન ચોરી પણ 322થી ઘટીને 240 થઈ ગઈ છે. કદાચ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે ચોરોએ વાહનો ચોરવાનું માંડી વાળ્યું હોય અથવા સુરતીઓએ પોતાના વાહનો સીધા ઘરમાં જ પાર્ક કરવાનું શરૂ કરી દીધું હોય તેવું બની શકે! પ્યાસીઓ અને જુગારીઓ પર ખાખી મહેરબાન કે પરેશાન? સુરતમાં દારૂબંધી માત્ર કાગળ પર કેટલી ‘કડક’ છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ આંકડા આપે છે. પ્રોહીબીશનના કેસો ગત વર્ષે 14392 હતા જે આ વર્ષે વધીને 14445 થઈ ગયા છે! આટલા બધા કેસો પકડાયા પછી પણ જો પ્યાસીઓની તરસ ન છિપાતી હોય, તો કાં તો પોલીસ બહુ કડક છે કાં તો બુટલેગરો હોમ ડિલિવરીમાં બહુ એક્સપર્ટ છે! બીજી તરફ જુગાર ધારાના કેસો પણ 335થી વધીને 348 થઈ ગયા છે. ડ્રગ્સના કેસો પણ 73 થી વધીને સીધા 126 થઈ ગયા છે, જે દર્શાવે છે કે સુરત હવે ‘ઉડતા સુરત’ બનવાના ટ્રેક પર ફૂલ સ્પીડે દોડી રહ્યું છે. ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં પોલીસને સફળતા સુરત શહેરમાંથી ગુમ થતા નાગરિકો અને ખાસ કરીને બાળકોના કિસ્સામાં પોલીસની સક્રિયતા જોવા મળી છે. આ વર્ષે કુલ ગુમ થયેલા લોકોની સંખ્યા 1137 નોંધાઈ છે. તે પૈકી ગુમ થયેલા કુલ બાળકોની સંખ્યા 62 થી ઘટીને 55 થઈ છે, જેમાંથી મોટાભાગના બાળકોને પોલીસે ગણતરીના કલાકો કે દિવસોમાં શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. કડક પેટ્રોલિંગ અને સોશિયલ પોલીસિંગની જરૂર આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરત પોલીસ ચોરી અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ રોકવામાં ઘણી અંશે સફળ રહી છે, પરંતુ શહેરમાં વધી રહેલી આંતરિક અદાવત, હત્યાઓ અને બેફામ ટ્રાફિકને કારણે થતા અકસ્માતો રોકવા માટે હજુ વધુ કડક પેટ્રોલિંગ અને સોશિયલ પોલીસિંગની જરૂર છે. પોલીસના ચોપડે આંકડાઓની માયાજાળ ગમે તેટલી ગોઠવાય, પણ 50 હત્યાઓનો લાલ આંકડો અને ડ્રગ્સના કેસોની સ્પીડ જોઈને એટલું જ કહી શકાય કે– સુરત તુઝે સલામ, અહીં ગુનેગારો કરે છે આરામ, જનતા સવાર-સાંજ પરેશાન અને ખાખી કહે છે સબ સલામત.
    Click here to Read More
    Previous Article
    અધિકમાસમાં સંતવાણી:સંતાનોને સંપત્તિ સાથે સંસ્કાર આપો: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    'બેબેસિયોસિસ'નું જોખમ ટાળવા પશુપાલન વિભાગ એક્શન મોડમાં:​ગીરમાં સિંહોના જીવલેણ રોગચાળાને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી: 88 નેસ અને ગામોના 13,000 થી વધુ પશુઓ પર દવા છંટકાવ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment