Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદા પાણીના શુદ્ધિકરણમાં સુરત દેશમાં અગ્રેસર:‘જલ હી અમૃત’ મૂલ્યાંકનમાં 17 સુએઝ પ્લાન્ટ્સે મેદાન માર્યું; કેન્દ્ર તરફથી વધુ રૂ.27.23 કરોડની ગ્રાન્ટ મંજૂર

    1 day ago

    પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનમાં સુરત મહાનગરપાલિકાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના AMRUT 2.0 મિશન અંતર્ગત શરૂ કરાયેલા 'જલ હિ અમૃત' અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં સુરત મનપાના ડ્રેનેજ વિભાગે અદભુત સફળતા પ્રાપ્ત કરી છે. કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ, સુરતના 17 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STPs) એ પોતાની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરીના બદલામાં કેન્દ્ર સરકાર દ્વારા સુરતને વધુ 27.23 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ નવી ગ્રાન્ટ સાથે સુરત મનપાને અત્યાર સુધીમાં મળેલી કુલ પ્રોત્સાહન રકમનો આંકડો 100.55 કરોડ પર પહોંચી ગયો છે. 19 STPsને સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ મળ્યું સુરત મહાનગરપાલિકા પાણીના પુનઃઉપયોગ અને ગંદા પાણીના શુદ્ધિકરણમાં વર્ષોથી દેશભરમાં મોખરે રહી છે. જલ હિ અમૃત અભિયાનના પ્રથમ અને દ્વિતીય તબક્કાના મૂલ્યાંકન દરમિયાન મનપાના કુલ 20 પ્લાન્ટ્સમાંથી 19 STPsને સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ અને 1 STPને 4-સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ મળ્યું હતું. આ અસાધારણ દેખાવને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે ફાળવવામાં આવેલી કુલ 114.63 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટમાંથી સિંહફાળો એટલે કે 73.33 કરોડ એકલા સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા હતા. આ રકમ મનપાના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને તકનીકી સક્ષમતા પર મહોર સમાન હતી. ત્રીજા તબક્કામાં પણ દબદબો કાયમ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઓન-ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન અને પરિણામોના આધારે ત્રીજા તબક્કાનું મૂલ્યાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ ફેઝમાં પણ સુરતના 17 STPsએ પાણીના શુદ્ધિકરણના કડક માપદંડો, પર્યાવરણીય નિયમો અને સંચાલનની ગુણવત્તા જાળવી રાખીને બીજા હપ્તાના પ્રોત્સાહન માટે પાત્રતા મેળવી લીધી છે. ત્રીજા તબક્કા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્ય માટે 32.53 કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર થઈ હતી, જેમાંથી 27.23 કરોડની રકમ સુરત મનપાના ફાળે આવી છે. આમ, રાજ્યના કુલ પ્રોત્સાહનમાં 83 ટકાથી વધુ હિસ્સો મેળવીને સુરતે સાબિત કર્યું છે કે શહેરી સુએઝ વ્યવસ્થાપનમાં તેનો કોઈ જોટો નથી. અગાઉના 73.33 કરોડ અને વર્તમાન તબક્કાના 27.23 કરોડ મળીને સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં કુલ 100.55 કરોડની પ્રોત્સાહક રકમ એવોર્ડ સ્વરૂપે પ્રાપ્ત થઈ ચૂકી છે. 1320 MLD ગંદા પાણીનું રોજિંદું શુદ્ધિકરણ વર્તમાન સમયમાં સુરત મહાનગરપાલિકા તેના અત્યાધુનિક 20 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના નેટવર્ક દ્વારા દરરોજ સરેરાશ 1320 MLD (મિલિયન લીટર પ્રતિ દિન) જેટલા વિશાળ જથ્થામાં ગંદા પાણીને પ્રોસેસ અને શુદ્ધ કરે છે. આ શુદ્ધ કરેલા પાણીનો મોટો હિસ્સો માત્ર નદી કે ખાડીમાં વહાવી દેવાને બદલે ‘ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ’ દ્વારા વધુ ફિલ્ટર કરીને શહેરના પાંડેસરા અને સચિન જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારોને વ્યાપારી ધોરણે પૂરો પાડવામાં આવે છે. વેસ્ટ વોટર રિસાયકલ કરીને ઉદ્યોગોની પાણીની જરૂરિયાત સંતોષવાના આ સસ્ટેનેબલ મોડેલમાં સુરત સમગ્ર ભારતમાં અગ્રેસર અને રોલ મોડેલ બન્યું છે. આનાથી પીવાના શુદ્ધ પાણીનો બગાડ અટક્યો છે અને પર્યાવરણને મોટો ફાયદો થયો છે. સુરતની IFAS ટેકનોલોજી હવે દેશભર માટે પ્રેરણારૂપ ટેકનોલોજીકલ ઇનોવેશનમાં સુરત હંમેશા અગ્રેસર રહ્યું છે. સુરતના આંજણા ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મનપા દ્વારા ‘ઇન્ટીગ્રેટેડ ફિક્સ્ડ-ફિલ્મ એક્ટિવેટેડ સ્લજ’ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી ઓછા ખર્ચે, મર્યાદિત જગ્યામાં અને અત્યંત આધુનિક પદ્ધતિથી ગંદા પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. સુરત મનપાના આ સફળ પ્રયોગની નોંધ કેન્દ્ર સરકારની સર્વોચ્ચ સંસ્થા CPHEEO (Central Public Health and Environmental Engineering Organisation) દ્વારા લેવામાં આવી છે. આ સંસ્થાએ આંજણા પ્લાન્ટની સફળતાના આધારે હવે સમગ્ર દેશના અન્ય શહેરો માટે સત્તાવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. આ બાબત રાષ્ટ્રીય સ્તરે સુરતની ટેકનોલોજીકલ લીડરશીપ અને નવીનતાનો મોટો પુરાવો છે. ગ્રીન એનર્જી અને આધુનિકીકરણ પર ભાર સુરત મહાનગરપાલિકાના કમિશનર અને ડ્રેનેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર તરફથી મળેલી 100.55 કરોડની આ પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ શહેરના સુએઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે કરવામાં આવશે. જૂના થઈ રહેલા STPs ની કાર્યક્ષમતા વધારવા માટે નવીનતમ મશીનરી અને ઓટોમેશન સિસ્ટમ વસાવવામાં આવશે. સુએઝ પ્લાન્ટ ચલાવવા માટે મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. મનપા હવે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત જેવા કે સોલાર પાવર પ્લાન્ટ અને વિન્ડ પાવરના પ્રોજેક્ટ્સ આ STPs ના કેમ્પસમાં પ્રસ્થાપિત કરવાનું આયોજન કરી રહી છે. આનાથી વીજ બિલના કરોડો રૂપિયાની બચત થશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે. વધતા જતા શહેરીકરણ વચ્ચે ગંદા પાણીનો નિકાલ અને તેનું વ્યવસ્થાપન વિશ્વના તમામ મોટા શહેરો માટે માથાનો દુખાવો બની ગયું છે, ત્યારે સુરતે આ સમસ્યાને મોટી તકમાં ફેરવી બતાવી છે. આ રાષ્ટ્રીય સિદ્ધિથી સાબિત થાય છે કે સુરત ટકાઉ અને ગ્રીન સીટી બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલું આ સન્માન અન્ય ભારતીય શહેરોને પણ સુએઝ ટ્રીટમેન્ટ અને વોટર રિસાયકલિંગ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રેરણા આપશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી જેલમાં ફરી બે મોબાઈલ મળ્યા:ડી.આઈ.જી.ની રેડમાં મંદિર અને બેરેકના વાયરિંગમાંથી કીપેડ ફોન જપ્ત
    Next Article
    Surat News | સુરતમાં નાસિર નગર ડિમોલિશન મામલે કમિશનરની મહત્વની બેઠક | Demolition | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment