Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકામાં સુગંધિત કૌભાંડ:ડ્રેનેજ કામદારો માટેની કપૂરની ગોટીની ખરીદીમાં કરોડોનું આંધણ, બજારમાં 1500ના ભાવે મળતી 3500થી વધુના ભાવે ખરીદી

    2 days ago

    સુરત મહાનગરપાલિકા અવારનવાર પોતાના સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ માટે ચર્ચામાં રહે છે પરંતુ, આ વખતે પાલિકાના ડ્રેનેજ વિભાગમાં કપૂરની ગોટીની ખરીદીને લઈને એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડ્રેનેજ લાઈનની સફાઈ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય માટે કપૂર ગોટી ખરીદીમાં પારદર્શિતાના ધજાગરા ઉડ્યા છે. જે કપૂર બજારમાં 1200થી 1500 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે, તેને પાલિકા દ્વારા 3500થી વધુના ભાવે ખરીદવાની દરખાસ્તો મંજૂર કરવામાં આવતા વહીવટી તંત્ર અને શાસક પક્ષ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકાના નવે-નવ ઝોન પોતાની રીતે અલગ-અલગ ભાવે ખરીદી કરતા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજ લાઈનોની સફાઈ દરમિયાન સફાઈ કામદારોને ગૂંગળામણ ન થાય અને ઝેરી ગેસની અસરમાંથી બચી શકાય તે માટે કપૂરની ગોટી આપવામાં આવે છે. નિયમ મુજબ ડ્રેનેજમાં ઉતરતા દરેક કામદારને 5 ગ્રામની કપૂરની ગોટી આપવી ફરજિયાત છે. અત્યાર સુધી પાલિકાના નવે-નવ ઝોન પોતાની રીતે અલગ-અલગ ભાવે આ ખરીદી કરતા હતા. તાજેતરમાં મળેલી ડ્રેનેજ સમિતિની બેઠકમાં સમગ્ર શહેર માટે કપૂરની ખરીદીને સેન્ટ્રલાઈઝ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, આ સેન્ટ્રલાઈઝેશનના નામે જે ગ્રોસ અંદાજ મંજૂર કરવામાં આવ્યો તે માર્કેટના વાસ્તવિક ભાવ જાણ્યા વગર જ જૂના ભ્રષ્ટ ભાવોના આધારે તૈયાર કરી દેવામાં આવ્યો છે. 1.76 કરોડની કપૂરની ગોટી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી પાલિકાની ડ્રેનેજ સમિતિએ છેલ્લી ઘડીએ મળેલી મિટિંગમાં કુલ નવ ઝોન માટે 1.76 કરોડના ખર્ચે કપૂરની ગોટી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. લિંબાયત ઝોન દ્વારા માર્ચ મહિનામાં જ 500 કિલો કપૂરની ગોટી 3,530 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી હતી. પ્રતિ કિલોએ અંદાજે 2000થી વધુનો સીધો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે બજારભાવ અને પાલિકાના ભાવની સરખામણી જોઈએ તો બજારમાં પ્રીમિયમ ક્વોલિટીનો ભાવ 1200થી 1500 પ્રતિ કિલો જાણવા મળી રહ્યો છે જ્યારે પાલિકાનો ખરીદ ભાવ 3450થી 3530 પ્રતિ કિલો છે એટલે પ્રતિ કિલોએ અંદાજે 2000થી વધુનો સીધો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જો પાલિકા આ જથ્થો જથ્થાબંધ ભાવે ખરીદે, તો આ કિંમત હજુ પણ નીચી જઈ શકે તેમ છે. તેમ છતાં, જનતાના પરસેવાના પૈસા ટેન્ડર પ્રક્રિયામાં માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વેડફાઈ રહ્યા હોય તેમ જણાય છે. દિવ્ય ભાસ્કરે ઓનલાઈન કપૂર ગોટીના ભાવ જોતા ધ્યાને આવ્યું છે કે, સૌથી વધુ લોકોમાં જાણીતી એવી ભીમસેન કપૂરનો ભાવ પ્રતિ કિલો 1597 છે, જ્યારે ભીમસેન રોઝ કપૂર ટેબ્લેટના કિલોના ભાવ 1536 જોવા મળે છે. સાથે મંગલમ્ કપૂર ગોટીનો 500 ગ્રામનો ભાવ 713 રુપિયા જોવા મળ્યો છે અને પ્રોકાર્ટ પ્યોર નેચરલ કપૂર ગોટીનો પ્રતિ કિલોનો ભાવ 2206 રુપિયા જોવા મળ્યો છે. 73-ડી હેઠળ ભીનું સંકેલવાની પદ્ધતિ અત્યાર સુધી પાલિકાના વિવિધ ઝોનમાં અધિકારીઓ દ્વારા કપૂરની ખરીદી માટે ટેન્ડર બહાર પાડવાને બદલે કલમ 73-ડી હેઠળ કામો કરાવી તેના બિલો પાસ કરાવી દેવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાખો રૂપિયાના બિલો આ રીતે ટુકડે-ટુકડે મંજૂર કરાવીને કૌભાંડને છુપાવવાનો પ્રયાસ થતો હતો. અલગ-અલગ ઝોનમાં ભાવમાં પણ મોટી અસમાનતા જોવા મળી હતી, જે સાબિત કરે છે કે ખરીદીમાં કોઈ ચોક્કસ માપદંડ જળવાયા નથી. શાસકોની ભૂમિકા સામે સવાલો ડ્રેનેજ કમિટીના ચેરમેનને આ વિસંગતતા ધ્યાન પર આવી હતી. તેમણે તમામ ઝોનની અલગ ખરીદી બંધ કરાવી સેન્ટ્રલાઈઝેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, વિપક્ષ અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે, જ્યારે ભાવમાં ત્રણ ગણો તફાવત હોવાનું સામે આવ્યું, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરવાના આદેશ આપવાને બદલે શાસકોએ માત્ર મૌખિક ખુલાસા માગીને સંતોષ માની લીધો છે. ટર્મ પૂરી થાય તે પહેલા ઉતાવળે મળેલી મીટીંગોમાં આવા કરોડોના અંદાજો મંજૂર કરવા પાછળનો આશય શંકાના દાયરામાં છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા જિલ્લા પંચાયત સભ્યોની ટર્મ પૂર્ણ:જિલ્લા પંચાયતના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ યોજાયો, અંતિમ દિવસે તમામનું સાલ ઓઢાડી બહુમાન કરાયું
    Next Article
    Daman Theft News | દમણમાં 1250 કિલો પ્લાસ્ટિક દાણા ચોરીનો પર્દાફાશ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment