Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઈ:ગણેશ આશ્રમથી નીકળી જગદીશ મંદિર પહોંચી, 108 કળશ અને વિવિધ ઔષધિઓથી મહાઅભિષેક

    14 hours ago

    પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્વે સોમવારે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમથી શરૂ થયેલી આ યાત્રા વિવિધ માર્ગો પર ફરી જગદીશ મંદિર પહોંચી હતી, જ્યાં ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવ્યો. આ જળયાત્રા ગણેશ આશ્રમથી પ્રસ્થાન કરીને સુભાષચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ઘીવટા નાકેથી બહુચર માતા મંદિર થઈને જગદીશ મંદિર ખાતે પહોંચી હતી. ભક્તિમય માહોલ અને સંગીતના સુમધુર સૂરો સાથે નીકળેલી આ યાત્રાનું જગન્નાથ ભક્તોએ જય રણછોડના નાદ સાથે સ્વાગત કર્યું હતું. જગદીશ મંદિર ખાતે ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ધર્મપ્રેમી નગરજનોએ 108 કળશના પવિત્ર પંચામૃત જળ અને વિવિધ ઔષધિઓ દ્વારા ભગવાનનો મહાઅભિષેક કર્યો. આ પ્રસંગે બ્રાહ્મણો દ્વારા વેદમંત્રોના ઉચ્ચારણ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે પાટા બાંધીને નેત્રોત્સવ વિધિ પણ સંપન્ન કરવામાં આવી. જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજે જણાવ્યું કે, આ વર્ષે 51 કુંવારી બહેનો દ્વારા કળશ લાવીને 108 કળશ વડે ભગવાનનો જલાભિષેક કરવામાં આવ્યો છે અને ભગવાનને ગજવસ્ત્ર પહેરાવવામાં આવ્યું છે. ભગવાન હવે 15 દિવસ માટે આરામમાં જશે અને આ સમયગાળા દરમિયાન ભક્તો માટે મંદિરના દર્શન બંધ રહેશે. પૂજારીએ વધુમાં ઉમેર્યું કે, ભગવાનની આંખોની તબિયત બગડી હોવાથી 15 દિવસ દરમિયાન મધ, ચરણામૃત, આદુનું પાણી, લીંબુનું પાણી, જાંબુનું પાણી અને વિવિધ ઔષધિઓ દ્વારા તેમની સારવાર કરવામાં આવશે. 15 દિવસ પછી ભગવાનના દર્શન નીજ મંદિરમાં પુનઃ શરૂ થશે. તેમણે જલયાત્રાનો ઉદ્દેશ્ય સૌના જીવનમાં કલ્યાણ અને ભક્તજનોનું કલ્યાણ કરવાનો ગણાવ્યો. પાટણ અને મહેસાણાના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જુદી જુદી ઔષધિઓ, વનસ્પતિઓ, ગુલાબજળ, અત્તર, કેસરવાળું પાણી, જાંબુવાળું પાણી, ગંગાજળ અને ગૌમૂત્ર સહિતના પવિત્ર જળના 108 કળશો દ્વારા ભગવાનનો મહાઅભિષેક સંપન્ન થયો. જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીઓએ નગરજનોને આગામી ધાર્મિક ઉત્સવોમાં સહભાગી થવા આહ્વાન કર્યું. જળયાત્રાનું પુણ્યફળ : પરમ પવિત્ર મહાસ્નાન મહોત્સવનો શાસ્ત્રોક્ત મહિમા પિયુષ ભાઈ આચાર્ય જણાવ્યું હતું કે ​સનાતન સંસ્કૃતિમાં ઉત્સવો માત્ર મનોરંજન નથી, પરંતુ જીવાત્માને પરમાત્મા સાથે જોડવાના પવિત્ર સેતુ છે. અણહિલપુર પાટણ નગરમાં પરંપરાગત રીતે યોજાતી અષાઢી સંધ્યાની ભવ્ય રથયાત્રા પૂર્વે, પ્રભુના શ્રીચરણોમાં ભક્તિ અર્પણ કરવાનો પ્રથમ મંગલ અવસર એટલે 'જળયાત્રા'. પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા પહેલાં યોજાતી આ દિવ્ય જળયાત્રા માત્ર એક સાધારણ ધાર્મિક શોભાયાત્રા નથી, પરંતુ તે અખિલ બ્રહ્માંડના નાથના પરમ પવિત્ર મહાસ્નાન મહોત્સવની પૂર્વવિધિ છે. ભારતવર્ષની પવિત્ર નદીઓ, અતિ પ્રાચીન તીર્થોના જળ અને દિવ્ય ઔષધિઓથી અભિમંત્રિત કરેલા જળ વડે પરમાત્માને અભિષેક કરવાની આ પરંપરા અત્યંત પ્રાચીન, વિજ્ઞાનસંમત અને અમોઘ પુણ્યદાયી માનવામાં આવે છે. આપણા સનાતન શાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસના પાનાઓમાં જળદાન, તીર્થજળનો મહિમા, ઠાકોરજીના અભિષેક અને ભગવાનના સ્નાનનું જે વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે, તે મનુષ્યના જન્મોજન્મના પાપોનું ક્ષય કરનારું છે. ​શાસ્ત્રોક્ત દૃષ્ટિએ ભગવાનના અભિષેકનું પુણ્યફળ વર્ણવતા સ્કંદપુરાણમાં સ્વયં વેદવ્યાસજીએ ઉદ્ઘોષ કર્યો છે, જે ભાગ્યશાળી ભક્ત પૂર્ણ ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીહરિનો સુગંધિત દ્રવ્યો અને પવિત્ર જળથી અભિષેક કરે છે અથવા તેના દર્શન કરે છે, તે પોતાના કાયિક, વાચિક અને માનસિક સર્વ પાપોના બંધનમાંથી સદાય માટે મુક્ત થઈ જાય છે અને અંતે પરમ પદ એવા વૈકુંઠધામ (વિષ્ણુલોક) ને પ્રાપ્ત કરે છે. પ્રભુને અર્પિત થતું સુગંધિત જળ એ માત્ર પાણી નથી, પણ જીવની શિવ પ્રત્યેની સમર્પણ ભાવનાનું અમૃત છે. ​મહાભારતના અનુશાસન પર્વમાં દાનના મહિમાને સર્વોપરી ગણાવતા મહર્ષિ લખે છે. જગતમાં સુવર્ણ, ભૂમિ, ગૌદાન વગેરે અનેક દાનો શ્રેષ્ઠ છે, પરંતુ તમામ દાનોમાં 'જળદાન' સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી છે, કારણ કે જળ એ જ સમગ્ર ચરાચર સૃષ્ટિના પ્રાણીમાત્રનું જીવન છે. જ્યારે આ જળ સમગ્ર જગતના પાલનહાર એવા પ્રભુ જગન્નાથજીના ચરણોમાં અર્પિત થાય છે, ત્યારે તે કેવળ એક લૌકિક ક્રિયા મટીને સમગ્ર સૃષ્ટિના લોકકલ્યાણ, સુખાકારી અને વિશ્વશાંતિની મંગલ ભાવનાનું મહાપ્રતીક બની જાય છે. શાસ્ત્રોનું સુપ્રસિદ્ધ કથન છે ભગવાન વિષ્ણુ (શ્રી જગન્નાથજી) ને અભિષેક અતિશય પ્રિય છે. જે ભક્ત જળયાત્રાના પવિત્ર માધ્યમથી પ્રભુના અભિષેકમાં નિમિત્ત બને છે, તેના જીવનની તમામ લૌકિક અને અલૌકિક મનોકામનાઓ પ્રભુ જગન્નાથ ક્ષણમાત્રમાં પૂર્ણ કરે છે. ​જગન્નાથ પુરીની પરંપરા અનુસાર, આ જળયાત્રામાં જોડાવાથી ભક્તને જે દિવ્ય પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેની કલ્પના પણ અદ્ભુત છે. જળયાત્રાના માર્ગ પર ચાલવાથી મનુષ્યને પૃથ્વી પરના તમામ અગણિત તીર્થોમાં એકસાથે સ્નાન કરવાનું મહાપુણ્ય સાંપડે છે. તેનાથી મન, વાણી અને કર્મની શુદ્ધિ થાય છે અને હૃદય પવિત્ર બને છે. જે પરિવાર આ દિવ્ય યાત્રામાં સહભાગી બને છે, તેના કુટુંબમાં રોગ, શોક, કલહ અને અશુભ સંયોગો સદાય માટે નષ્ટ થાય છે અને સુખ, શાંતિ, વૈભવ તથા સમૃદ્ધિનો સ્થાયી વાસ થાય છે. એટલું જ નહીં, આ યાત્રાના દર્શન માત્રથી આપણા પિતૃઓ તૃપ્ત થઈને વૈકુંઠ ગમન કરે છે અને તેમના આશીર્વાદ આપણા વંશ પર ઉતરે છે. રથયાત્રાના વિરાટ મહોત્સવનું પ્રારંભિક પુણ્ય મેળવવાનો આ પ્રથમ અને અનિવાર્ય અવસર છે. ​આ પવિત્વ જળયાત્રાની સૌથી મોટી વિશેષતા તેમાં પૂજિત થતા '51 દિવ્ય કળશ' છે. આ 51કળશો એ માત્ર જળથી ભરેલા પાત્રો નથી, પરંતુ તે બ્રહ્માંડની સર્વ પવિત્ર શક્તિઓનો સંગમ છે. આ કળશોમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી જેવી પવિત્ર સરિતાઓના જળ, વૈદિક મંત્રોથી પ્રક્ષાલિત અભિમંત્રિત જળ, ચંદન, કેસર, કપૂર જેવા સુગંધિત દ્રવ્યો અને દુર્લભ વનસ્પતિ-ઔષધિઓનો દિવ્ય સંયોગ કરવામાં આવે છે. આ ઘટ (કળશ) નું પૂજન કરવું એ સૃષ્ટિના પંચમહાભૂતોનું વંદન કરવા સમાન છે. ​આપણા શાસ્ત્રોનું પરમ પવિત્ર ચિંતન સૂત્ર કહે છે, મનુષ્ય ગમે તેટલો અપવિત્ર હોય કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ઘેરાયેલો હોય, પરંતુ જો તે કમળ સમાન વિશાળ નેત્રોવાળા ભગવાન વિષ્ણુ (શ્રી જગન્નાથજી) નું સ્મરણ કરે, તો તે ક્ષણભરમાં બહાર અને અંદરથી પરમ પવિત્ર બની જાય છે. રથયાત્રાના આ પ્રારંભિક પર્વમાં ભગવાન જગન્નાથજી પોતે કમળનેત્ર સ્વરૂપે આપણી નજર સામેથી પસાર થવાના છે, ત્યારે આ સુવર્ણતક ગુમાવવા જેવી નથી. ​નિષ્કર્ષરૂપે કહીએ તો, પાટણની આ પવિત્ર ધારા પર ભગવાન શ્રી જગન્નાથજીની જળયાત્રામાં શ્રદ્ધાપૂર્વક માત્ર એક પગલું ચાલવું, સામૂહિક પૂજિત કળશોને મસ્તક નમાવી વંદન કરવું, પ્રભુના મંગલમય અભિષેકના દર્શન કરવા કે કરોડો ભક્તોની મેદની વચ્ચે ભક્તિભાવથી "જય જગન્નાથ" નો ગગનભેદી જયઘોષ કરવો એ પણ કરોડો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય આપનારું માનવામાં આવ્યું છે. આ એક એવો દુર્લભ અને અલૌકિક અવસર છે, જે વર્ષમાં માત્ર એક જ વાર ભાગ્યશાળી જીવોને મળે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ સેમિનાર યોજાયો:પૂર્વ સાંસદો અને ટેલિકોમ અધિકારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
    Next Article
    NCC કેડેટ પુરી રબારી બની સફળ ઉદ્યોગસાહસિક:લાખોનું ટર્નઓવર, PM મોદીને અપાઈ હસ્તકલા ભેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment