Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારો સોનાનો ચેન અને વીંટી આપ ફોટા પાડવા છે કહી:ભાણેજ મામાના રૂ.13.50 લાખના સોનાના દાગીના ઓળવી ગયો, યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી

    1 week ago

    રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવક સાથે તેના જ ભાણેજએ રૂ.13.50 લાખની કિંમતના સોનાના દાગીનાની ઠગાઈ આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફોટા પાડવાના બહાને 8 તોલાનો સોનાનો ચેન અને દોઢ તોલાની સોનાની વીંટી પડાવી લઈ ભાણો રફુચક્કર થઈ જતા બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ​રાજકોટ શહેરના વિજય પ્લોટ શેરી નંબર 6માં રહેતા 29 વર્ષીય જયેશભાઈ અશોકભાઈ ચૌહાણ મ્યુઝિક સિસ્ટમનો વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 01.07.2026ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ તેમના સગા ફોઈના દીકરીના પુત્ર એટલે કે ભાણેજ નીતીન ઉર્ફે રાજ લાલજીભાઈ ડાભીનો ફોન આવ્યો હતો. જેમાં નીતીને ફરિયાદી જયેશભાઈને ભૂતખાના ચોક પાસે તાત્કાલિક મળવા બોલાવ્યા હતા જેથી તેઓ ભૂતખાના ચોક પહોંચ્યા હતા. આ સમયે જયેશભાઈએ ગળામાં 8 તોલાનો સોનાનો ચેન અને આંગળીમાં દોઢ તોલા સોનાની વીંટી પહેરેલી હતી. નીતીને તેમને સાથે જમવા જવાનું કહ્યું હતું પરંતુ જયેશભાઈએ ઘરે જમવાનું હોવાનું જણાવતા નીતીને તેને કોર્પોરેશન ચોક ખાતે ઉતારી દીધો હતો. બાદમાં જયેશભાઈ ઘરેથી જમીને પરત આવ્યા ત્યારે નીતીને પત્ની માટે ઢોસા પાર્સલ લેવાનું કહી મોટરસાયકલ પોતાની પાસે ચલાવવા લીધું હતું. બંને જણા રૈયા રોડ પર આવેલા મદ્રાસ કાફે ઢોસા સેન્ટર પાસે પહોંચ્યા હતા અને પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. આ સમયે નીતીને પોતાના મોબાઈલમાંથી જયેશભાઈના ફોટા પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે જયેશભાઈને કહ્યું હતું કે, "તમારો સોનાનો ચેન અને વીંટી મને આપો, મારે તેનાથી સારા ફોટા પાડવા છે." મામાએ ભાણા પર વિશ્વાસ મૂકીને પોતાના 12 લાખની કિંમતનો 8 તોલાનો સોનાનો ચેન તથા 1.50 લાખની કિંમતની દોઢ તોલાની સોનાની વીંટી તેને પહેરવા આપી દીધા હતા. ​ફોટા પાડ્યા બાદ જયેશભાઈએ પોતાના દાગીના પરત માગતા નીતીને પાર્સલ ઘરે આપીને દાગીના પાછા આપી દેશે તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ નીતીને શાંતિનગર સ્થિત પોતાના ભાડાના મકાને પત્નીને ઢોસાનું પાર્સલ આપ્યું અને કપડાં બદલી લીધા હતા. ત્યાંથી બંને ખોડિયાર હોટેલ ગયા જ્યાં નીતીને પોતાના મિત્રને ફોન આપી માત્ર સિમકાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. આ બાબતે જયેશભાઈને શંકા જતાં તેમણે ફરી પોતાના સોનાના દાગીના ત્વરિત પરત માગ્યા હતા. જોકે, ભાણાએ દાગીના પરત આપવાના બદલે બાઈક ચલાવી તેમને જામનગર રોડ અને સિવિલ હોસ્પિટલ બ્રિજ થઈને પારેવડી ચોક તરફ લઈ ગયો હતો. પારેવડી ચોક પાસે પહોંચી નીતીને જયેશભાઈને પાન-મસાલા લઈ આવવા દુકાને મોકલ્યા હતા. જયેશભાઈ મસાલો લઈને પરત આવ્યા ત્યારે ભાણો નીતીન બાઈક અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયો હતો. જયેશભાઈએ ફોન કરવાનો પ્રયાસ કરતા નીતીનનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આ ઘટના બાદ જયેશભાઈએ પરિવારજનો અને મિત્રોને જાણ કરી નીતીનનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ગલ્લાતલ્લાં કરી દાગીના પાછા આપ્યા ન હતા. આખરે છેતરપિંડીનો ભોગ બનેલા જયેશભાઈ ચૌહાણે યુનિવર્સિટી પોલીસમાં BNSની કલમ 316(2) હેઠળ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના પોશ વિસ્તારના એમેથીસ્ટ વેલનેસ સ્પા સેન્ટરમાં ભારે ધિંગાણું:પ્રેગ્નેન્ટ મહિલાએ પ્રાઇવેસી ભંગ અને છેડતીનો ગુનો નોંધાવ્યો, સ્પા સંચાલકોએ દંપતી સામે હુમલાનો કેસ કર્યો
    Next Article
    પંચમહાલ પોલીસે વડોદરાથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો:કાંકણપુરમાં બાઇક અકસ્માતમાં આધેડ ગંભીર, ગોધરામાં વેપારી સાથે ₹55 હજારની સાયબર છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment