Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયણ-હજીરા હાઈવે પર જ્વલનશીલ કેમિકલ ચોરીનું કૌભાંડ:જહાંગીરપુરા પોલીસે રૂ. 1.20 કરોડના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપ્યા, 3 વોન્ટેડ

    2 days ago

    સુરત શહેરમાં મોડી રાત્રે હાઈવે પરથી પસાર થતાં કેમિકલ ભરેલાં ટેન્કરોમાંથી પાઇપ વડે ચોરી કરી બારોબાર વેચી મારતી ગેંગનો જહાંગીરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. સાયણ-હજીરા હાઈવે પર આવેલા એક બંધ ઈંટના ભઠ્ઠાના કમ્પાઉન્ડમાં છાપો મારી પોલીસે જ્વલનશીલ કેમિકલ ચોરી કરતાં 3 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘટનાસ્થળેથી બે કેમિકલ ટેન્કર, ટેમ્પો, બાઇક અને ચોરી કરેલા કેમિકલ સહિત કુલ 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા બંને ટેન્કરના ચાલકો અને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરી રેડ પાડી જહાંગીરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે, સાયણ-હજીરા હાઈવે પર આશારામજી નગર નજીક આવેલા ઈંટના ભઠ્ઠાના કમ્પાઉન્ડમાં બે ટેન્કરોમાંથી ગેરકાયદે કેમિકલ ચોરી કરવામાં આવી રહ્યું છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર છાપો માર્યો હતો. પોલીસને જોતાં જ નાસભાગ મચી ગઈ હતી, જોકે, પોલીસે કોર્ડન કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ અંધારામાં નાસી છૂટ્યા હતા. ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરી સસ્તા ભાવે કેમિકલ મેળવતા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીઓ સાયણ-હજીરા હાઈવે પરથી પસાર થતાં કેમિકલ ટેન્કરોના ચાલકો સાથે સેટિંગ કરતા હતા. ડ્રાઈવરોને લાલચ આપી રાત્રિના અંધારામાં ટેન્કરને નિર્જન ઈંટના ભઠ્ઠામાં બોલાવી લેવાતા હતા. ટેન્કરના ઉપરના ઢાંકણામાં રબરની પાઇપ નાખી 200-200 લિટરના પ્લાસ્ટિકના કેરબાઓમાં કેમિકલ ખેંચી લેવામાં આવતું હતું. ત્યારબાદ ભાડે રાખેલા ટેમ્પોમાં આ કેરબાઓ ભરીને બજારમાં છૂટકમાં ઊંચા ભાવે વેચી રોકડી કરી લેતા હતા. પોલીસે દરોડો પાડ્યો ત્યારે પણ આરોપીઓ બે કેરબા ભરી ચૂક્યા હતા અને ત્રીજા કેરબામાં કેમિકલ ભરી રહ્યા હતા. FSL ટીમે સ્થળ પર પહોંચી જ્વલનશીલ કેમિકલની ચકાસણી કરી ઘટનાની ગંભીરતાને જોતાં રાત્રે જ એફએસએલ અધિકારી પી.એમ. વસાવાને મોબાઇલ વાન સાથે ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. FSL તપાસમાં બહાર આવ્યું હતું કે બંને ટેન્કરોમાં રહેલું પ્રવાહી અતિ જ્વલનશીલ કેમિકલ હતું. એક ટેન્કરમાંથી હજીરા પોર્ટથી દહેજ જીઆઈડીસી જઈ રહેલું ₹42.13 લાખની કિંમતનું 'સ્ટીરીન મોનોમેર' કેમિકલ (29870 કિલો) હતું. જ્યારે બીજા ટેન્કરમાં હજીરા પોર્ટથી સાયખા જઈ રહેલું ₹39.39 લાખની કિંમતનું 'મિથાઈલ આઈસોબ્યુટાઈલ કિટોન' કેમિકલ (24,850 કિલો) ભરેલું હતું. પોલીસે તમામ કેમિકલના કાયદેસર સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. કુલ ₹1.20 કરોડનો મુદ્દામાલ કબજે પોલીસે સ્થળ પરથી ₹35 લાખની કિંમતના બે ટેન્કર, ₹81.52 લાખથી વધુની કિંમતનું 54720 કિલો જ્વલનશીલ કેમિકલ, ₹3 લાખનો મહિન્દ્રા ટેમ્પો, કેમિકલ ભરેલા કેરબા, બે મોબાઈલ ફોન અને બે ટુ-વ્હીલર વાહનો મળીને કુલ ₹1.20 કરોડની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ રીઢા ગુનેગાર, અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે. મુખ્ય આરોપી લાડુલાલ ખટીક સામે અગાઉ વાગરા, સીઆઈડી ક્રાઈમ સુરત, પાંડેસરા અને વાસદ પોલીસ મથકમાં કેમિકલ ચોરી તથા વિશ્વાસઘાતના 4 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આરોપી સુરેશચંદ્ર ખટીક સામે પણ પાલ પોલીસ મથકમાં બીએનએસ તથા એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જહાંગીરપુરા પોલીસે તમામ આરોપીઓ સામે વિવિધ કલમો તેમજ વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન ટેન્કર હજીરા પોર્ટથી ભરૂચ, દહેજ તથા સાયખા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેમિકલ સપ્લાય કરતા હતા, જેમાં અલગ-અલગ કેમિકલ જે ભરૂચ જી.આઈ.ડી.સી.ના અલગ-અલગ ફાર્મા કંપનીઓમાં સપ્લાય કરવામાં આવતું, તે કેમિકલ ચોરી અને અમદાવાદ ખાતે વેચવાની આ આખી એમ.ઓ. ગોઠવાયેલી હતી. મુખ્ય આરોપી લાડુલાલ ઉર્ફે લોકેશ ખટીક વિરુદ્ધ અગાઉ પણ 2021-22માં અલગ-અલગ જિલ્લાઓમાં કુલ પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ પાંડેસરા તથા પાલ પોલીસ સ્ટેશન ખાતે આ આરોપી વિરુદ્ધ કેમિકલ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ઘટનાસ્થળ પર બે દિવસથી આ લોકો દ્વારા કેમિકલની ચોરી કરતા હોવાની હકીકત પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવી છે. પકડાયેલા આરોપીઓના નામ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના કેશવનગરનો લાડુલાલ ઉર્ફે લોકેશ નેનાલાલ ખટીક, રાજસ્થાનના માનસરોવર સોસાયટી ગોડાદરાનો સુરેશચંદ્ર રામલાલ ખટીક અને શાહરૂખ મોહમ્મદ હનીફ મકરાણી (રહે. રાંદેર / ટેમ્પો ચાલક) નો સમાવેશ થાય છે. જ્યારે ફરાર થઈ ગયેલા ટેન્કર (GJ-12-BX-8385)નો અજાણ્યો ચાલક, બીજા ટેન્કર (GJ-13-AX-1635)નો અજાણ્યો ચાલક અને કેમિકલ ખરીદ-વેચાણનો સોદો કરનાર મુખ્ય સાગરીત ત્રિકમ ખટીકને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેંગોલ બનાવનાર એથિરાજનું નિધન, 99 વર્ષના હતા:1947માં નેહરુને મળ્યો, મોદીએ 2023માં સંસદમાં લાવ્યા; પરિવાર 71 વર્ષ સુધી અજાણ રહ્યો
    Next Article
    "પઠાણી ઉઘરાણીથી ત્રાસી ગયો...", સુસાઈડ નોટ લખી ACBનો કોન્સ્ટેબલ ગુમ:કચેરીના ટેબલ પર મોબાઈલ-ચાવી મળ્યા, ભાવનગર DYSP-PI સહિતના લોકો પર પૈસાની ઊઘરાણીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment