Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરમાં સિંહબાળોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોના રાજીનામા:GPSCની ભરતીમાં અનુભવની અવગણના થતાં સેવા છોડી; હવે માત્ર બે જ તબીબ, સ્થિતિ વણસવાના એંધાણ

    5 days ago

    ગીરના જંગલોમાં એશિયાટિક સિંહો પર 'બેબીસિયા' અને ચેપી રોગચાળાનું સંકટ મંડાયું છે, જેમાં તાજેતરમાં જ 3 સિંહબાળ સહિત 5 સિંહોના મોત નીપજ્યા છે. આ ગંભીર વહીવટી અને તબીબી કટોકટી વચ્ચે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વન્યજીવોની સારવાર કરતા 12 જેટલા કરાર આધારિત વેટરનરી ડોક્ટરોએ સામૂહિક રાજીનામાં ધરી દેતાં વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. સિંહોના મોતના આ સિલસિલા વચ્ચે આટલી મોટી સંખ્યામાં ડોક્ટરોએ સેવા છોડતા ગીરમાં વન્યજીવોની સારવારની સ્થિતિ વધુ વણસવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. GPSCની ભરતીમાં અનુભવની અવગણના થતાં ડોક્ટરોનો વિરોધ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વેટરનરી ઓફિસર વર્ગ-2 ની 18 કાયમી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વર્ષોથી ગીર, સક્કરબાગ, બર્ડા અને અન્ય વન વિસ્તારોમાં રાત-દિવસ જોયા વગર સિંહો અને દીપડા જેવા હિંસક વન્યજીવોની સારવાર કરતા કરાર આધારિત તબીબોના અનુભવને આ ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. રાજીનામું આપનારા ડોક્ટરોનું કહેવું છે કે, અગાઉ ગીર ફાઉન્ડેશન-ગાંધીનગરની ભરતીમાં ઓછામાં ઓછા 1 વર્ષના વન્યજીવ સારવારના અનુભવને સત્તાવાર પ્રાથમિકતા મળતી હતી, પરંતુ હાલની કાયમી ભરતીમાં આ નિયમ પડતો મુકાયો છે. આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં આખરે 12 ડોક્ટરોએ ફરજ છોડવાનો નિર્ણય લીધો છે. વન વિભાગમાં કાયમી ડોક્ટરોની ભારે અછત જૂનાગઢ વન સંરક્ષકના સત્તાવાર પત્ર મુજબ, હાલ ગુજરાતના વન વિસ્તારોમાં અંદાજે 891 જેટલા એશિયાટિક સિંહો ઉપરાંત હજારો વન્યપ્રાણીઓ વસે છે. વન્યજીવોની સારવાર પદ્ધતિ સામાન્ય પશુઓ કરતાં તદ્દન ભિન્ન અને જોખમી હોય છે. હાલ સમગ્ર વન વિભાગમાં માત્ર 2 જ કાયમી વેટરનરી ઓફિસરો છે અને તેઓ પણ ડેપ્યુટેશન પર કાર્યરત છે. જ્યારે ફિલ્ડ ડ્યુટી, જટિલ રેસ્ક્યુ ઓપરેશન અને પોસ્ટમોર્ટમ જેવી ફિલ્ડની તમામ મુખ્ય જવાબદારીઓ આ 12 કરાર આધારિત ડોક્ટરોના ભરોસે જ ચાલતી હતી. જો આ રાજીનામા સ્વીકારવામાં આવશે, તો સિંહોની સારવાર પ્રક્રિયા ખોરવાઈ જવાની ભીતિ છે. સાંસદ પરિમલ નથવાણીની કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને રજૂઆત ગીર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે 8 કે તેથી વધુ સિંહોના મૃત્યુના અહેવાલો અંગે રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સિંહોના મૃત્યુ અટકાવવા અને રોગચાળાને કાબૂમાં લેવા માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયાને તાત્કાલિક અસરથી પત્ર લખીને વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવા વિનંતી કરી છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે, એશિયાઈ સિંહોની વધતી વસતિ સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમો પણ વધ્યા છે. બેબીસીયા જેવી સ્થિતિમાં સિંહોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી CDV જેવો વાયરસ વધુ ઘાતક બને છે. તેમણે ટ્રેકર્સ, બીટ ગાર્ડ અને વેટરનરી ટીમ માટે તાત્કાલિક "Field Observation Protocol" અમલમાં મૂકવા સૂચન કર્યું છે, જેથી સિંહોમાં દેખાતી શારીરિક નબળાઈ, શ્વસનની તકલીફ, ટિક્સનો ઉપદ્રવ કે દિશાભ્રમ જેવી અસામાન્ય ચાલનું વહેલું નિદાન થઈ શકે. એક જ વિસ્તારમાં વધુ સિંહો બીમાર દેખાય તો 'હાઈ ઓલર્ટ' ગણવા સૂચન સાંસદ નથવાણીએ પત્રમાં ખાસ ઉમેર્યું છે કે, જો કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં સમાન લક્ષણો જણાય, તો તેને તાત્કાલિક "High Alert" તરીકે જાહેર કરી વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને સ્થળ પર રવાના કરવી જોઈએ. આ ઉપરાંત, આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કૂતરાઓમાં રસીકરણ અને ટિક નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવા જોઈએ, કારણ કે CDVનું સંક્રમણ કૂતરાઓ મારફતે વન્યજીવોમાં ફેલાવાની સંભાવના સૌથી વધુ રહેલી છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 350 સિંહોના ‘ડીટુકિંગ’ (શરીર પરથી ઈતરડી દૂર કરવી) સહિતના પ્રોએક્ટિવ પગલાં લેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રણવીર સિંહને ટેકો આપીને સંજય ગુપ્તા ફસાયા!:FWICEના સેક્રેટરીએ ડિરેક્ટરને પૂછ્યું, 'જ્યારે જેકી શ્રોફે તમારી ફિલ્મ છોડી, ત્યારે આ ડાહપણ ક્યાં હતું?'
    Next Article
    છોટા ઉદેપુરમાં 78 લાખનો ગાંજો ઝડપાયો:કોલીયાથોર ગામના ખેતરમાંથી ગાંજાના 156 કિલોના 508 છોડ જપ્ત, SOGએ ખેતર માલિકની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment