Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસ દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના:અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે; 11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે

    1 week ago

    રાજ્યમાં બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાની સાથે ગરમી પણ યથાવત્ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઊંચકાયો છે. રવિવારે અમદાવાદ-રાજકોટ 41.9°C સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યાં. એકપણ વિસ્તારમાં વરસાદ નોંધાયો નથી અને આગામી 7 દિવસ સુધી કોઈ ખાસ ભારે વરસાદની ચેતવણી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 8થી 11 જૂન સુધી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પૂરતો મર્યાદિત રહેશે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલશે અને રાજ્યભરામાં વરસાદ પડી શકે. આગામી 7 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ચોમાસાની સ્થિતીની વાત કરીએ તો દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સેન્ટ્રલ અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ચોમાસું 12 રાજ્યોમાં પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ અને યુપીમાં વરસાદ નોંધાયો છે. રાજસ્થાનમાં કરા પડ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદને કારણે એર ઇન્ડિયાના 3 વિમાનને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં થયેલો ફેરફાર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સહેજ ઉપર ચડ્યો છે, જેના કારણે ગરમીમાં સામાન્ય વધારો અનુભવાયો છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં થયેલા વધારાની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં ગરમીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે, જ્યાં પારો 41.0°Cથી 0.9°C વધીને 41.9°C એ પહોંચી ગયો છે. આ જ રીતે ઉત્તર ગુજરાતના ડીસામાં પણ તાપમાન 39.4°Cથી 0.8°C વધીને 40.2°C નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનમાં 0.4°Cનો વધારો થતાં પારો 41.5°Cથી વધીને 41.9°C થયો છે, જેને પગલે 7 જૂનના રોજ અમદાવાદ અને રાજકોટ બંને સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ શહેરો રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 0.2°Cનો સામાન્ય વધારો (41.3°Cથી 41.5°C) થયો છે, જ્યારે દરિયાકાંઠાના ભાગો અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વધારો નોંધાયો છે. બીજી તરફ, તાપમાનમાં થયેલા વધારાની વચ્ચે રાજ્યના કેટલાક કેન્દ્રોમાં આંશિક ઘટાડો થતાં ગરમીથી મામૂલી રાહત પણ મળી છે, જેમાં સૌથી વધુ ઘટાડો ભાવનગરમાં નોંધાયો છે, જ્યાં પારો 40.5°Cથી 0.8°C ગગડીને 39.7°C થયો છે. આ સિવાય દીવમાં 0.7°Cનો ઘટાડો (35.5°Cથી 34.8°C), કંડલામાં 0.4°Cનો ઘટાડો, ગાંધીનગર-વડોદરા સહિતમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42°C આસપાસ રહેશે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારો માટે સ્થાનિક આગાહી અનુસાર, આગામી સમયમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 42°C આસપાસ રહેવાની શક્યતા છે. અગાઉના 24 કલાક દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.9°C અને લઘુત્તમ તાપમાન 30.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં અનુક્રમે +1.0°C અને +2.1°C વધુ હતું. આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી સમગ્ર રાજ્ય માટે આગામી 7 દિવસ સુધી કોઈ ખાસ ભારે વરસાદની 'વેધર વોર્નિંગ' નથી. જોકે, ચોમાસાની આગળ વધતી ગતિ વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. 8થી 11 જૂન: આ દિવસો દરમિયાન વરસાદનો વ્યાપ ઘટશે અને માત્ર દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલી જ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. 11થી 12 જૂન: દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં ફરી વરસાદી માહોલ સર્જાશે 12થી 13 જૂન: ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. 13થી 14 જૂન: ઉત્તર ગુજરાત (પંચમહાલ, દાહોદ, મહીસાગર), દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના પૂર્વોત્તર ભાગો તરફ આગળ વધ્યું છે, જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, આસામ તથા અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે. હાલમાં ગુજરાત અને આજુબાજુના વિસ્તારો પર નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો…. ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, રાજસ્થાનમાં કરા પડ્યા; દિલ્હી એરપોર્ટ પર ભારે પવનને કારણે 3 વિમાનને નુકસાન દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર સુધીમાં ચોમાસું 12 રાજ્યો સુધી પહોંચી ગયું છે. તેણે સમગ્ર કેરળ, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમને આવરી લીધું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ રહ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રવિવારે વરસાદ સાથે કરા પડ્યા. મધ્ય પ્રદેશના ઇન્દોર-ખંડવા હાઇવે પર વાવાઝોડાને કારણે ઓટો પલટી ગયું. દિલ્હી એરપોર્ટ પર તીવ્ર વાવાઝોડા અને વરસાદ દરમિયાન ગ્રાઉન્ડ સપોર્ટ ઇક્વિપમેન્ટ્સની ટક્કરથી એર ઇન્ડિયાના ત્રણ નેરો બોડી વિમાનોને નુકસાન થયું. ઘટના બાદ ત્રણેય વિમાનોને ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. દિલ્હી-NCRમાં સોમવારથી હવામાનમાં ફેરફાર આવ્યો છે, અહીં ફરી ગરમી વધશે. આવનારા દિવસોમાં તાપમાન 45°C સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવતા અઠવાડિયે હીટવેવ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    TMC નેતા જહાંગીર ખાનની નેપાળ બોર્ડર પરથી ધરપકડ:તેના સમર્થકોએ મહિલાઓને ગૅંગરેપની ધમકી આપી હોવાનો દાવો; ફાલતા બેઠક પરથી ઉમેદવાર હતા
    Next Article
    રાજ્યસભા માટે ભાજપના મૂરતિયા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે:મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, ઉલટફેર ન થાય તો ચારેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment