Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કરોડ રૂપિયામાં દીપડાના ચામડાનો સોદો નક્કી કર્યો!:DRIએ સુરતમાં ટ્રેપ ગોઠવી રેકેટનો પર્દાફાશ કર્યો, ચામડા પર બુલેટનું નિશાન; મશીનથી કટીંગ કર્યાનું ખૂલ્યું

    1 week ago

    સુરતમાં DRI (ડાયરોક્ટરેટ રેવન્યૂ ઈન્ટેલિજન્સ)ની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ DRIએ હોટલમાં ટ્રેપ ગોઠવી એક શખસને દબોચી લીધો હતો. ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખૂલતા તેને પણ પકડી પાડ્યો છે. વનવિભાગની ટીમે દીપડાનું જે ચામડુ કબજે કર્યું છે તેના પર બુલેટ (ગોળી)નું નિશાન પર જોવા મળ્યું છે. ચામડું અંદાજિત બે મહિના જૂનું હોવાની શક્યતા છે. જેથી બે મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે. ત્યારે હવે વનવિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. વોટ્સએપ ગ્રુપમાં ફોટા વાયરલ થતાં જ એજન્સીઓ એલર્ટ થઈ આ ગુનાની મોડસ ઓપરેન્ડી અત્યંત આધુનિક અને ડિજિટલ હતી. આરોપી બદ્રી અબ્બાસ નામના વ્યક્તિએ પ્રતિબંધિત કાળા બજારના એક વોટ્સએપ ગ્રુપમાં દીપડાના ફ્રેશ ચામડાના ફોટા અપલોડ કર્યા હતા અને આ ચામડું વેચવાની હોવાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી DRIની ટીમ તુરંત જ એક્ટિવ થઈ ગઈ હતી. અધિકારીઓએ કોઈ પણ પ્રકારની શંકા ગયા વિના બદ્રી અબ્બાસનો સંપર્ક કર્યો અને આ કિંમતી લેપર્ડ સ્કીન ખરીદવા માટે ભારે રસ દાખવ્યો હતો. લાંબી કટોકટી અને સોદાબાજી બાદ આ દીપડાની ચામડીની કિંમત અધધ રૂ. 1 કરોડ નક્કી કરવામાં આવી હતી. સુરતની હોટલ અલંકારના રૂમ નંબર 203માં ગોઠવાઈ જાળ રૂપિયા એક કરોડની આ મોટી ડીલ પૂરી કરવા માટે આરોપી બદ્રી અબ્બાસે સુરત સ્ટેશન રોડ પર આવેલી હોટલ અલંકારને પસંદ કરી હતી. તે હોટલના રૂમ નંબર 203માં એક ટ્રોલી બેગ અને લાલચુ ઈરાદાઓ સાથે ટ્રોલી બેગમાં દીપડાનું ચામડું સંતાડીને પહોંચી ગયો હતો. તેને અંદાજો પણ નહોતો કે જે ગ્રાહક તેની રાહ જોઈ રહ્યો છે તે વાસ્તવમાં DRIના અધિકારીઓ છે. બદ્રી જેવો જ રૂમમાં પ્રવેશ્યો અને સોદો પાકો કરવા ગયો, તે જ સમયે પંચોની હાજરીમાં રેડ પાડીને તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ટ્રોલી બેગમાંથી કાયદાકીય પુરાવા વિનાની પ્રતિબંધિત લેપર્ડ સ્કીન જપ્ત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં દીપડા વધતાં તસ્કરોની નજર બગડી આ કેસની તપાસ હાલ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અધિકારીઓએ એક ચિંતાજનક ટ્રેન્ડ તરફ ઈશારો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના વન વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દીપડાની આ વધતી વસ્તીના કારણે હવે શિકારીઓ અને વન્યજીવ તસ્કરોની નજર દક્ષિણ ગુજરાત તરફ બગડી છે. દીપડાઓની સરળ ઉપલબ્ધતાનો ફાયદો ઉઠાવીને આ સિન્ડિકેટ કાળી કમાણી કરવા માટે જંગલોમાં સક્રિય થઈ છે, જે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે મોટો પડકાર બની ગયો છે. આરોપી બદ્રીની પૂછપરછમાં મોઈન હુસેનનું નામ ખુલ્યું કાયદાકીય પ્રોટોકોલ હેઠળ જ્યારે વન વિભાગને આ કેસ સોંપવામાં આવ્યો, ત્યારે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) ધીરજ કુમારના માર્ગદર્શન હેઠળ સુરત વન વિભાગે ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ શરૂ કરી હતી. હોટલમાંથી પકડાયેલા બદ્રી અબ્બાસે વન વિભાગ સમક્ષ કબૂલાત કરી હતી કે તે માત્ર એક મિડલમેન (એજન્ટ) તરીકે કામ કરતો હતો. આ કિંમતી દીપડાની ચામડું તેને મોઈન હુસેન નામના વ્યક્તિએ વેચવા માટે આપ્યું હતું.આ કડી મળતા જ વન વિભાગે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગણતરીના કલાકોમાં મોઈન હુસેનને પણ દબોચી લીધો હતો. 15 વર્ષ જૂની યાદગીરી હોવાના મોઈનના જુઠ્ઠાણાનો પર્દાફાશ વન વિભાગના સકંજામાં આવેલા બીજા આરોપી મોઈન હુસેને કાયદાની પકડમાંથી બચવા માટે એક ઉપજાવી કાઢેલી વાર્તા કહી હતી. તેણે અધિકારીઓને ગેરમાર્ગે દોરતા જણાવ્યું કે, આ ચામડું લગભગ 15 વર્ષ જૂની છે અને તેના પિતાએ તેને ઘરમાં સાચવીને મૂકી રાખ્યું હતું.જો કે, વન વિભાગના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ્સ સામે તેનું આ જુઠ્ઠાણું લાંબો સમય ટકી શક્યું નહીં. ચામડાની ચમક, તેની નરમાશ અને હજુ પણ જળવાયેલી ભીનાશ જોઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું કે આરોપી સદંતર અસત્ય બોલી રહ્યો છે અને આ કોઈ જૂની વસ્તુ નથી. નિષ્ણાતોના મતે બે મહિના પહેલા જ શિકાર કરાયો DCF ધીરજ કુમારે આ મામલે સત્તાવાર ડિજિટલ બ્રીફિંગ આપતા જણાવ્યું હતું કે, "પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્કીન બિલકુલ ફ્રેશ (તાજી) લાગી રહી છે. વાઇલ્ડલાઇફ એનાલિસિસ મુજબ આશરે એક કે બે મહિનાની અંદર જ આ દીપડાનો ક્રૂરતાપૂર્વક શિકાર (હંટીંગ) કરવામાં આવ્યો છે. ચામડાની જપ્તી દરમિયાન વન્યપ્રાણીના દાંત કે પંજા મળી આવ્યા નથી, જે ગંભીરતા દર્શાવે છે કે શરીરના અન્ય અંગો ક્યાં છે તેની તપાસ કરવામાં આવશે. ચામડા પર બુલેટના નિશાન અને પ્રોફેશનલ કટિંગથી સિન્ડિકેટનો ખુલાસો આ કેસમાં સૌથી ગંભીર અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વન વિભાગે લેપર્ડ સ્કીનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. ચામડાની સપાટી પર બુલેટ (ગોળી) વાગ્યાના નિશાન મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે દીપડા પર ફાયરિંગ કરીને તેની હત્યા કરાઈ છે. વધુમાં, DCF ધીરજ કુમારે જણાવ્યું કે, "આ સ્કીનનું જે કટિંગ કરવામાં આવ્યું છે તે અત્યંત પ્રોફેશનલ અને કુશળ પદ્ધતિથી કરાયું છે. કોઈ બિનઅનુભવી માણસ આટલી સફાઈથી ચામડું ઉતારી ન શકે. આ ચોક્કસપણે કોઈ વ્યવસ્થિત રીતે ચાલતી સ્મગલિંગ સિન્ડિકેટનું જ કામ છે." વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કડક ગુનો દાખલ, વન વિભાગની અપીલ દીપડો એ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972ની અનુસૂચિ-1 (Schedule-I) માં સમાવિષ્ટ અત્યંત સંરક્ષિત પ્રાણી છે. આ ગંભીર ગુના બદલ ડુમસ રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા આરોપીઓ વિરુદ્ધ વાઇલ્ડલાઇફ એક્ટની કલમ 9, 39, 40, 42, 43, 44, 48(A), 49, 49(B), 50, 51 અને 57 હેઠળ ગુનો (નં. 02/2026-27, તા. 01/06/2026) નોંધી કોર્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત વન વિભાગે જનતાને અપીલ કરી છે કે વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર અંગે કોઈ પણ માહિતી મળે તો તુરંત વિભાગને જાણ કરે, કારણ કે વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં જાનૈયાઓનો જોખમી સ્ટંટ:ચાલતી કારના બોનેટ પર ડાન્સ, પોલીસે ગુનો નોંધી સ્કોર્પિયો અને બોલેરો કાર જપ્ત કરી
    Next Article
    બારડોલી નજીક અકસ્માતમાં ભોગ બનેલાની ડરામણી આપવીતી:"અમારી સામે મૃત્યુ પામેલા લોકોને જોઈ રડી પડાયું", 2 એસ.ટી. બસ વચ્ચે અકસ્માતમાં 7ના મોત, 9 ગંભીર ઇજાગ્રસ્ત સુરત સિવિલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment