Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતી ગર્લને વિશ્વના નંબર-1 યુટ્યુબરે ગળે લગાવી:માયાની માનવતા જોઈ મિસ્ટર બિસ્ટે 10 હજાર ડૉલર આપ્યાં, ભાડાના ઘરમાં રહેતી છોકરીએ 365 દી' દિલ ખોલી દાન કર્યું

    1 week ago

    જો મનમાં દ્રઢ સંકલ્પ અને જરૂરિયાતમંદોની સેવા કરવાની સાચી ભાવના હોય તો સાત સમંદર પાર બેઠેલી વ્યક્તિ પણ તમારો અવાજ સાંભળી લે છે. આવી જ એક કહાની સુરતની દીકરી માયા ગુપ્તાની સામે આવી છે. સોશિયલ મીડિયા પર 'માયા ફોર બિસ્ટ' (@mayaforbeast) એકાઉન્ટ ચલાવતી યુવતીએ અશક્ય લાગતું એક એવું સપનું જોયું હતું, જેને અવિરત સેવાથી સાકાર કર્યું છે. વિશ્વમાં સૌથી વધુ સબસ્ક્રાઇબર ધરાવતા યુટ્યુબર મિસ્ટર બિસ્ટ સાથે મુલાકાત થતાં જ માયાની આંખો ખુશીના આંસુથી છલકાઈ હતી. ભાડાના ઘરમાં રહેતી માયાએ સતત 365 દિવસ સુધી રોજ એક નેક કાર્ય કરવાનો મોટો પડકાર ઉપાડ્યો હતો. તે ગરીબ અને અનાથ બાળકો પાસે પહોંચતી. ક્યારેક બાળકો માટે ગરમ ભોજન અને નાસ્તો લઈ જતી, તો ક્યારેક સ્કૂલ બેગ, પુસ્તકો અને રમકડાં પહોંચાડતી. આ તમામ ખર્ચ પોતાની બચતમાંથી કર્યો હતો. આ સેવાનો આ વીડિયો બનાવી તે મિસ્ટર બિસ્ટને ટેગ કરી એક જ વિનંતી કરતી કે, એક દિવસ મિસ્ટર બિસ્ટ મારો આ પ્રયાસ જોઈને રિપ્લાય આપે. માયાની આ સેવા અને સમર્પણ આખરે રંગ લાવ્યા. અબજોપતિ(બિલિયનર) મિસ્ટર બિસ્ટની નજર મહેનતું માયા પર પડી. તેની સાતત્યતા અને નેક દિલથી પ્રભાવિત થઈને મિસ્ટર બિસ્ટે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ખાસ મુલાકાત માટે આમંત્રણ આપ્યું અને દેશના એક મેટ્રો સિટીમાં બન્નેનું મિલન થયું. બિસ્ટને મળતા જ રડી પડી જ્યારે માયા મિસ્ટર બિસ્ટને મળી ત્યારે ભાવુક થઈને હાથ જોડી રડી પડી હતી. મિસ્ટર બિસ્ટે તેને આત્મીયતાથી ગળે લગાવી પ્રોત્સાહિત કરી. આટલું જ નહીં, એક સૂટકેસ ખોલીને સેવાકાર્યને આગળ વધારવા 10,000 અમેરિકન ડૉલર (આશરે રૂ.8.5 લાખ) ભેટ સ્વરૂપે આપ્યા. સાથે જ તેની સાથે રીલ શૂટ કરીને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી. ‘મારા મનમાં બધી તકલીફો, સંઘર્ષો અને પરિસ્થિતિઓ તેમને કહેવાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ તેમને પ્રત્યક્ષ જોતાં જ મગજમાંથી બધું ગાયબ થઈ ગયું અને હું તેમને જોતી જ રહી ગઈ.’ 'આ રુપિયાનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે નહીં કરું' દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતામં બિસ્ટ તરફથી મળેલી રોકડ અંગે માયા જણાવે છે કે, આ તમામ રુપિયાનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ બાળકો, વડીલો અને સમાજના અસહાય-જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે જ વાપરવાની છું. મારી આ સેવાકીય યાત્રા અહીં અટકવાની નથી. હું ખૂબ જ જલ્દી દર્શકો માટે એક નવો અને અત્યંત મોટી ચેલેન્જ લઈને આવી રહી છું. જોકે તે શું હશે તે અંગે રહસ્ય છે અને દર્શકોને થોડો સમય રાહ જોવા વિનંતિ છે. માયા માતા-પિતા સાથે ભાડાના પરિવારમાં રહે છે સુરતના રાંદેની રહેવાસી અને સોશિયલ મીડિયાથી પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડનાર માયા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. ભાડાના મકાનમાં રહીને આર્થિક તંગી વચ્ચે જીવન ગુજારતા તેના પરિવારનું ગુજરાન માતા-પિતાની મહેનત પર નિર્ભર છે; જેમાં માતા સવારે શાક માર્કેટમાંથી તાજા શાકભાજી લાવે છે અને પિતા તેનું વેચાણ કરી ઘર ચલાવે છે. આવી નાજુક આર્થિક સ્થિતિ અને અસુવિધાઓ છતાં ઊંચા સપના ધરાવતી માયાના પરિવારમાં પરસ્પર પ્રેમ અને સાથ જળવાઈ રહ્યો છે. જેના લીધે તેણે સમાજ માટે કંઈક અલગ કરવાની શરૂઆત કરી છે. માયા જણાવે છે કે આજે તે જે કંઈ પણ કરી શકી છે તેમાં તેના માતા-પિતાનો બહુ મોટો હાથ છે. માતા-પિતાના સંપૂર્ણ સહયોગ અને સતત પ્રોત્સાહનના બળે જ તે મિસ્ટર બિસ્ટ જેવા વૈશ્વિક સ્તરના યુટ્યુબર સુધી પહોંચવામાં સફળ રહી છે. માયા 'મિસ્ટર બિસ્ટ'ના વીડિયો જોઈને પ્રભાવિત થઈ માયા સોશિયલ મીડિયા પર 'મિસ્ટર બિસ્ટ' (MrBeast)ના સેવાકાર્યો અને પડકારોવાળા વીડિયો સતત જોતી રહેતી હતી. મિસ્ટર બિસ્ટ જે રીતે ગરીબો અને અસહાય લોકોની મદદ માટે આગળ આવે છે, તેની માયાના મન પર ઊંડી છાપ પડી હતી. તેમના વીડિયો જોઈને એટલી હદે પ્રભાવિત થઈ ગઈ કે તેના મનમાં પણ એવો જ વિચાર આવ્યો કે પોતે પણ લોકો અને જરૂરિયાતમંદોની મદદ કરે. મિસ્ટર બિસ્ટને મળવાનું મોટું સ્વપ્ન માયાના મનમાં એક મોટું સ્વપ્ન પણ આકાર લઈ રહ્યું હતું. તેનું સૌથી મોટું લક્ષ્ય અને ડ્રીમ એ હતું કે તે કોઈપણ રીતે મિસ્ટર બિસ્ટ સાથે રૂબરૂ મુલાકાત કરે. તે સારી રીતે જાણતી હતી કે મિસ્ટર બિસ્ટ જેવા વૈશ્વિક સ્તરના સર્જકને મળવું એટલું સરળ નથી; તેના માટે સતત સંઘર્ષ, અથાક મહેનત અને કંઈક વિશેષ કરી બતાવવાની જરૂર હતી. માયાએ ઇન્સ્ટામાં 'માયા ફોર બિસ્ટ'નું આઈડી બનાવ્યું પોતાના આ લક્ષ્યને પાર પાડવા માટે માયાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ 'માયા ફોર બિસ્ટ' (Maya For Beast) રાખ્યું હતું. તેની પાછળનો વિચાર એ હતો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તેનું એકાઉન્ટ કે આઈડી જુએ ત્યારે તેને કોઈ ખુલાસો આપવાની જરૂર ન પડે. આઈડીનું નામ વાંચતા જ સૌ કોઈ સમજી જાય કે આ છોકરીનું એકમાત્ર સપનું અને સંકલ્પ મિસ્ટર બિસ્ટ સુધી પહોંચવાનો અને તેમને મળવાનો છે. નક્કી કર્યું કે ગરીબો અને જરૂરિયાતમંદોમાં મદદ કરીશ શરૂઆતના દિવસોમાં માયા અને તેની ટીમ સમક્ષ મોટો પ્રશ્ન એ હતો કે મિસ્ટર બિસ્ટ સુધી પહોંચવા માટે કેવા પ્રકારનું કામ કરવું જોઈએ. લાંબો સમય વિચાર્યા બાદ નક્કી કર્યું કે ગરીબો અને જરૂરિયાતમંદોમાં વિતરણ કરવાનો પડકાર ઉપાડવો. આ કામ શરૂ કરવા સૌથી પહેલાં પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી, કયા વિસ્તારમાં જવું અને કઈ કઈ ચીજવસ્તુઓનું વિતરણ કરવું તેનું અગાઉથી આયોજન તૈયાર કરવું પડતું હતું. માયાએ મનમાંથી ભય દૂર કરી દીધા ને ધ્યાન કેન્દ્રિત કર્યું માયા માટે દરેક ચેલેન્જ વખતે નાણાં એકઠા કરવા સૌથી મોટો પડકાર બની જતો હતો. ઘરમાં ભાડું ભરવાના પૈસા માંડ નીકળતા હોય તેવા સંજોગોમાં બહાર જઈને અન્ય લોકો માટે વિતરણ કાર્ય ચલાવવું અત્યંત મુશ્કેલ હતું. પરંતુ માયાએ મનમાંથી આ તમામ મુશ્કેલીઓ અને ભય દૂર કરી દીધા હતા અને માત્ર પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું. વસ્તુઓ વહેંચવા જતી ત્યારે લોકો વિરોધ કરતા માયા જણાવે છે કે, જ્યારે તેઓ કોઈ વિસ્તારમાં જરૂરિયાતમંદોને વસ્તુઓ વહેંચવા જતા ત્યારે કેટલીક જગ્યાએ લોકો વિરોધ કરતા હતા. લોકો ગાળો આપીને ભગાડી મૂકતા અને પ્રશ્નો કરતા કે તમે અહીં શું કરવા આવ્યા છો. બાળકોની ભીડ જમા થઈ જવાને કારણે પણ સ્થાનિકો ગુસ્સે થઈ જતા, જેથી માયાને આવી જગ્યાઓ છોડીને અન્યત્ર જવું પડતું હતું. ગત જુલાઈમાં સુરતમાં ભારે વરસાદને કારણે જ્યારે પૂર આવ્યું ત્યારે 12થી 13 કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા, તે દિવસે વિતરણ કાર્ય અટકી પડ્યું હતું. પરંતુ હિંમત હાર્યા વગર, પૂરના પાણી ઓસરતા જ બીજા દિવસે વહેલી સવારે 6 વાગ્યે માયા વિતરણ કરવા નીકળી પડી હતી અને સવારે 8 વાગ્યા સુધીમાં પોતાનો વીડિયો તૈયાર કરીને દર્શકો સમક્ષ મૂકી દીધો હતો. જો કોઈ કારણસર વીડિયો ન બને તો તે બીજા દિવસે સવારે પહોંચી જતી હતી. ‘મોટી આવી મિસ્ટર બિસ્ટને મળવા વાળી’ આ સમગ્ર સફર દરમિયાન માયાને લોકો તરફથી ભારે ટ્રોલિંગ અને અપમાનજનક શબ્દો સાંભળવા મળતા હતા. લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા કે "મોટી આવી મિસ્ટર બિસ્ટને મળવા વાળી, આનું સપનું ક્યારેય પૂરું નહીં થાય અને તે દુનિયાના નંબર વન યુટ્યુબરને નહીં મળી શકે". લોકો કહેતા કે આ કોઈ હલવો નથી કે કોઈ પણ જઈને મળી આવે. આવા નકારાત્મક શબ્દોથી તેનું મન ઘણી વાર દુભાતું હતું. મિસ્ટર બિસ્ટે સીધો મેસેજ કર્યો ને ચોંકી ગઈ એક દિવસ જ્યારે માયા મોબાઈલમાં વીડિયો જોઈ રહી હતી અને સ્ક્રોલ કરી રહી હતી, બરાબર તે જ સમયે તેના હાથમાં રહેલા ફોન પર અચાનક એક નોટિફિકેશન આવ્યું. સ્ક્રીન પર નજર પડતાં જ તેનું હૃદય ધબકારો ચૂકી ગયું, કારણ કે એ મેસેજ સીધો મિસ્ટર બિસ્ટના સત્તાવાર એકાઉન્ટ તરફથી હતો. માયાને પ્રથમ નજરે એવું જ લાગ્યું કે આ કોઈ ફેક એકાઉન્ટ હોય શકે. પરંતુ ઉત્સુકતા રોકી ન શકતાં તેણે તરત જ પ્રોફાઇલ અને વીડિયો લિંક પર ક્લિક કરીને તપાસ કરી. જ્યારે ખાતરી થઈ ગઈ કે આ કોઈ નકલી નહીં પણ ખુદ મિસ્ટર બિસ્ટનો જ ઓરિજિનલ મેસેજ છે, ત્યારે તેના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહોતો. માયાની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા તે ક્ષણે માયા પાસે પોતાની ભાવના વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડ્યા હતા. આટલા લાંબા સમયથી જે લોકો તેની મજાક ઉડાવતા હતા, તે તમામ વાતો યાદ આવી ગઈ અને આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારની દીકરી માટે આ અકલ્પનીય સિદ્ધિ સમાન હતું. માયાનું એક વર્ષનું કામ જોઈને બિસ્ટ ખૂબ ખુશ થયા મિસ્ટર બિસ્ટે મેસેજમાં માયાના કાર્યોની ખૂબ પ્રશંસા કરી. તેમણે લખ્યું હતું કે, માયા જે સમાજસેવાનું કામ કરી રહી છે તે અત્યંત પ્રશંસનીય છે અને તેણે આ રીતે જ પોતાનું કામ ચાલુ રાખવું જોઈએ. માયાનું આખું એક વર્ષનું કામ જોઈને તેઓ ખૂબ ખુશ થયા હતા અને તેમણે વચન આપ્યું હતું કે જ્યારે ભારતની મુલાકાતે આવશે ત્યારે તારીખ નક્કી કરીને ચોક્કસપણે મુલાકાત કરશે. જ્યારે મિસ્ટર બિસ્ટ ભારત આવ્યા ત્યારે નક્કી થયા મુજબ માયાની તેની સાથે પ્રત્યક્ષ મુલાકાત થઈ હતી. 'કન્સિસ્ટન્સી' જ સફળતાની સૌથી મોટી ચાવી માયા ગુપ્તાની આ સફળતા માત્ર આર્થિક મદદ પૂરતી સીમિત નથી, પરંતુ એ વાતની સાબિતી છે કે નિસ્વાર્થ ભાવે સતત મહેનત કરવામાં આવે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તમારી મંઝિલ સુધી પહોંચતા રોકી શકતી નથી. સામાન્ય પરિવારની આ દીકરીએ આજે સાબિત કરી દીધું છે કે 'કન્સિસ્ટન્સી' જ સફળતાની સૌથી મોટી ચાવી છે. આ પણ વાંચો: યુટ્યુબથી અબજોપતિ બન્યો, મહિનાની 60 કરોડ કમાણી
    Click here to Read More
    Previous Article
    ભદ્રેશ્વરમાં બાળ વૈજ્ઞાનિકોએ 57 કૃતિઓનું પ્રદર્શન કર્યું:અદાણી વિદ્યામંદિરમાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું, 37 શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા
    Next Article
    भारत पर 100% टैरिफ़? रूस से तेल लेने की यह सज़ा देंगे ट्रंप?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment